સુખનો પાસવર્ડ - 21 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

સુખનો પાસવર્ડ - 21

ચીનના એક નાનકડા ગામના લોકોએ પોતાની મુશ્કેલી જાતે દૂર કરી અને સાથે પોતાની જાણ બહાર વિક્રમ પણ સર્જી દીધો!

દૃઢ મનોબળ, મહેનત અને ધીરજથી માણસ ધારે તો અશક્ય લાગતું કામ પણ કરી શકે

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

સાડા ચાર દાયકાથી વધુ સમય અગાઉની વાત છે.

ચાઈનાના હેનાન પ્રાંતના હુઈકિસયાન શહેરથી થોડે દૂર ગ્યુઓ લિઆન કુન નામનું નાનકડું ગામ છે. એ ગામની નજીક તૈહાંગ પહાડ છે.

ગ્યુઓ લિયાન કુન ગામના લોકોને આજુબાજુનાં ગામોમાં જવું હોય તો તૈહાંગ પહાડની ઊંચાઈએ પગદંડીઓ પર પગપાળા પ્રવાસ કરવો પડતો હતો. એ પગદંડીઓ અત્યંત જોખમી હતી. ગામના લોકોએ હુઈકિસયાન કે ઝિનઝિયાંગ જવું હોય તો પણ એ જોખમી પગદંડીઓનો જ ઉપયોગ કરવો પડતો હતો.

ચીનના એ નાનકડા ગામના લોકો સંબંધિત અધિકારીઓ સામે ઘણી વાર રજૂઆત કરી ચૂક્યા હતા, પણ એ બધા અધિકારીઓ આપણા દેશના ઘણા જાડી ચામડીના અધિકારીઓ જેવા હશે એટલે તેમના પેટનું પાણી પણ હલતું નહોતું.

સરકાર કંઈ નહીં કરે એવું લાગ્યું એટલે ચીનના એ નાનકડા ગામના મુખી શેન મિંગ જિંગે ગામલોકોની એક સભા બોલાવી અને લોકોને આહ્વાન આપ્યું કે આપણે જાતે જ પહાડ કોતરીને રસ્તો બનાવી લઈએ. સરકારના ભરોસે રહીશું તો આ કામ ક્યારેય નહીં થાય.

એ સભા પછી ગામના મુખી શેન મિંગ જિંગના નેતૃત્વ હેઠળ તેર જણાએ બીડું ઝડપ્યું કે અમે તૈહાંગની પહાડીમાં ટનલ બનાવીશું. બીજી બાજુ ગામના કેટલાક લોકોએ આર્થિક મદદ કરવાની તૈયારી દર્શાવી.

૧૯૭૨ના વર્ષમાં એ ગામના લોકોએ ટનલ બનાવવાનું શરૂ કર્યું. ટનલ બનાવતા બનાવતા ચાર હજાર હથોડા તૂટી ગયા, પણ પાંચ વર્ષની કાળી મજૂરીને અંતે એ ટનલ તૈયાર થઈ ગઈ. શેન મિંગ જિંગે ટનલમાં હવા અને પ્રકાશ મળી રહે એ હેતુથી ટનલમાં ત્રીસ બારીઓ બનાવી.

૧ મે, ૧૯૭૭ના દિવસે એ ટનલ ખુલ્લી મુકાઈ. ગ્યુઓ લિઆન કુન ગામના અને આજુબાજુનાં ગામડાઓના લોકો માટે તૈહાંગ પહાડની ઊંચાઈએ બનેલી એ ટનલ આશીર્વાદરૂપ થઈ પડી. એ ગામના અને આજુબાજુનાં ગામના લોકોને જોખમી પગદંડીઓ પરથી ફરજિયાત પસાર થવાની મજબૂરીમાંથી છુટકારો મળ્યો. સાથે સાથે બીજી બાજુ એટલી ઊંચાઈએ બનેલી ટનલ જોવા માટે પ્રવાસીઓના ધાડાં ત્યાં આવવા માંડ્યાં.

ગામના મુખી શેન મિંગ જિંગે ટનલમાં હવા અને પ્રકાશ માટે ત્રીસ બારીઓ મુકાવી હતી એ બારીઓ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ.

ચીનના નાનકડા ગામના તેર જણાએ ગામલોકોની સુવિધા માટે પાંચ વર્ષની મહેનત પછી બનાવેલી ટનલ પર્યટનનું કેન્દ્ર તો બની જ ગઈ, પણ ગામલોકોની જાણ બહાર એક વિક્રમ પણ બની ગયો. તૈહાંગ પહાડની ઊંચાઈએ બનેલી એ ટનલનો વિશ્વની સૌથી વધુ ઊંચી એવી દસ ટનલમાં સમાવેશ થઈ ગયો.

ચીનના એ નાનકડા ગામના તેર જણાએ અને એ ગામના મુખી શેન મિંગ જિંગે એ સાબિત કરી બતાવ્યું કે કોઈ મદદ કરવા તૈયાર ન હોય એવી સ્થિતિમાં પણ મુસીબત કે સમસ્યાથી છુટકારો મેળવવાનું શક્ય છે. એ માટે માત્ર દૃઢ મનોબળ, મહેનત અને ધીરજપૂર્વક કામ કરતા રહેવું જોઈએ.

***