એક મહીના ની લાંબી રજાઓ પછી કમને જોબ પર હાજર થવાનો ટાઈમ છેવટે આવી જ ગયો. હૈયે પથ્થર મૂકી ને ગામ, ગામ ના મારા જીગરી જેવા ભાઈબંધો, માતા-પિતા અને સાથે જે સતત થોડાં ટાઈમ થી એની હાજરી સતત વધારતી અને મને એનાં સ્નેહ થી બાંધતી એવી મારી પત્ની ને કાલીઘેલી ભાષામાં સવાલો પૂછી પૂછીને હેરાન કરતી મારી વ્હાલસોયી દિકરી બધાંને પાછળ મૂકી હું મારી ફરજ તરફ આગળ વધ્યો.
આખાં રસ્તે એમનાં વિશે વિચારતાં વિચારતાં છેવટે એ ઘરે આવીને ઉભો રહ્યો જ્યાં હું ને મારી સાથે જીવતી ને ઘબકતી વ્યક્તિઓ સાથે મેં થોડો સમય જે મને એમની સાથે રહેવા મળ્યો હતો. બેગ નીચે મુકી ને રોજ ની આદત મુજબ ડોરબેલ વગાડવા હાથ લાંબો કર્યો ને વગાડી પણ ખરાં....પણ પછી યાદ આવ્યું કે દરવાજે લટકતા તાળાની ચાવી તો મારાં ખિસ્સામાં પડી છે.આજે કોઈ દરવાજો ખોલવાનું નહોતું ને કોઈ અવાજ આવકારવા માટે નહોતો.અમુક હકીકતો સ્વીકારવી બહું અઘરી થઈ પડે છે એ આજે મને સમજાયું હતું.
ભારે હૈયે દરવાજો ખોલ્યો ને ખોલતાંની સાથે જ હમણાં નાનાં નાનાં પગમાં પાયલનાં મીઠાં અવાજ સાથે દિકરી આવીને પૂછશે.... "પપ્પા,તમે આવી ગયાં??"....ને એકદમ હું એને તેડી લઈને કહીશ... "યસ, માય ડાર્લિન્ગ." અને તરત જ મારી પત્ની હસતાં હસતાં બોલી પડશે,.... "રોજ રોજ કહેવાનું??બૂટ બહાર કાઢી ને આવતાં હોવ તો ઘરમાં". અને હું રોજ ની જેમ સોરી કહીશ ને અમે બન્ને હસી પડીશું સાથે. હવે આ બધું યાદોમાં જ વાગોળવાનું છે થોડો ટાઈમ. કયારેય કોઈ નો મોહ ન લગાડનાર હું ક્યારે પત્ની તથા દિકરી ના પ્રેમ માં બંધાઈ ગયો ખબર જ ન પડી.
ઘર માં આવતાં વેંત હું બેગ ફેંકી ને પલંગ માં ફસડાઈ પડ્યો. નાનાં નાનાં પગમાં માં પાયલ નાં છમછમ અવાજ સાથે કાલીઘેલી ભાષામાં બોલતી અને આખું ઘર એનાં અવાજો થી ભરી દેતી દિકરી દેખાવા લાગી. લાગ્યું કે હમણાં એ બોલશે ને સવાલો પર સવાલો કરશે પણ અફસોસ હવે થોડાં મહીના એનો મીઠડો અવાજ માત્ર ફોન પર જ સાંભળવા મળશે પણ એને જોઈ નહીં શકું હું.
ઘર નાં એક એક ખૂણે મહેસુસ થતી મારી પત્ની ની હયાતી....એની અમુક સૂચનાઓ...મારી આડી-અવળી વસ્તુ મુકવાની આદતો ને એ હંમેશા એનું ટોકવુ...ક્યારેક રિસાવું મારાં થી ને મારાં મનાવવાની રાહ જોયા વિના માની પણ જવું આ બધી યાદો મને એની ગેરહાજરી મહેસુસ કરાવવાં લાગી. ઘર માં પત્ની નાં ને વ્હાલસોયી દિકરી નાં અવાજો નાં પડઘાં સંભળાઈ રહ્યા હતાં પણ અફસોસ હકીકત માં એ બન્ને ને કમને ગામડે જ મૂકીને આવવું પડ્યું હતું.
ન રહેવાતા છેલ્લે પત્નીને કોલ કર્યો ને છેવટે હિંમત કરીને કહી જ દીધું, "નથી ફાવતું તારાં વગર યાર.. બહું એકલું એકલું લાગે છે.ખરેખર હું તને બહું પ્રેમ કરું છું." સામે એનું ધીમું પણ રડમસ અવાજમાં હાસ્ય સાથે એણે પણ જવાબ આપ્યો "મને પણ નથી ફાવતું તમારાં વગર અહિયાં.... તમારાં બોલાવવાની રાહ જોઈશ હું."
આટલું સાંભળતા જ મારા ચહેરા પર હાસ્ય ખીલી ઉઠ્યું. થોડાં સમય ની ટ્રેનીંગ પછી મારી દિકરી ને મારી પત્ની આજ ઘરમાં મારી સાથે હશે એ વિચારે દેશ પ્રત્યેની ફરજ નિભાવવા હસતાં મોઢે ડ્યુટી પર જવા ઘરમાંથી નિકળ્યો.
સમાપ્ત