દિલ્હીની યુવતી માત્ર અખબારોનાં વાંચન થકી યુપીએસસીની પરીક્ષામાં પહેલા પ્રયાસમાં સફળતા મેળવીને બાવીસ વર્ષની ઉંમરે આઈએએસ બની!
ગાડરિયા પ્રવાહમાં તણાવાને બદલે મૌલિક રીતે વિચારવું જોઈએ
સુખનો પાસવર્ડ
આશુ પટેલ
દિલ્હીના એક મધ્યમવર્ગી કુટુંબમાં જન્મેલી દેવશ્વેતા બનિકે દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો એ વખતથી તે પોતાના સહાધ્યાયીઓ કરતાં કંઈક જુદું વિચારતી હતી. તેને બીબાંઢાળ જિંદગી જીવવી નહોતી.
કૉલેજમાં કોમર્સ પ્રવાહમાં અભ્યાસ કરતી વખતે જ દેવશ્વેતાએ નક્કી કર્યું કે પોતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની સ્પર્ધાત્મક પરીક્ષા આપશે.
યુપીએસસીની પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓ આઈએફએસ, આઈએએસ, આઈપીએસ કે આઈઆરએસ યા બીજી સર્વિસિસના અધિકારી બની શકે છે, પણ યુપીએસસીની પરીક્ષામાં પાસ થવું એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે. એ પરીક્ષામાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે, પણ એમાંથી બહુ ઓછા વિધ્યર્થીઓને સફળતા મળતી હોય છે.
દેવશ્વેતાએ કોમર્સ ગ્રેજ્યુએટ બન્યા પછી યુપીએસસીની પરીક્ષા આપવા માટે તૈયારી શરૂ કરી દીધી. મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે લાખો રૂપિયાની ફી ભરીને કોચિંગ કલાસીસમાં જતા હોય છે અથવા પુસ્તકિયા કીડા બની જતા હોય છે, પણ દેવશ્વેતાનું કુટુંબ લાખો રૂપિયાની ફી ભરી શકે એમ નહોતું અને કદાચ પૈસા હોત તો પણ દેવશ્વેતા કોચિંગ કલાસ પાછળ પૈસા બગાડવા માગતી ન હતી.
દેવશ્વેતાએ અનોખી રીતે યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી. ઘણા વિદ્યાર્થીઓ ગંભીર ચહેરે, દુનિયા આખીનો બોજ ઉઠાવીને અભ્યાસ કરતા હોય છે. એમાંય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ટાઈમટેબલ બનાવીને જુદા જુદા વિષયના અભ્યાસ માટે એલાર્મ ગોઠવતા હોય છે.
દેવશ્વેતાએ આવું બધું કરવાને બદલે ઘરે આઠ અખબાર મગાવવાનું શરૂ કર્યું. તે દરરોજ એ બધા અખબારો વાંચતી અને એમાંથી ઉપયોગી લાગે એવા સમાચારો અને લેખોના કટિંગ્સ સાચવી રાખતી. તેણે કેટલાંક પુસ્તકો વાંચવાનું પણ ચાલુ રાખ્યું હતું, પણ તેનું સૌથી વધુ ધ્યાન અખબારો પર રહેતું.
આ રીતે માત્ર દસ મહિનાની તૈયારી પછી દેવશ્વેતાએ યુપીએસસીની પરીક્ષા આપી અને પ્રથમ પ્રયાસમાં જ તે પહેલા પંદર વિદ્યાર્થીઓમાં આવી! બાવીસ વર્ષની ઉંમરે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને સૌથી નાની સફળ ઉમેદવાર બનવાનો રેકોર્ડ પણ તેણે નોંધાવ્યો. પ્રથમ પ્રયાસમાં જ તે આઈએએસ ઑફિસર બની ગઈ.
દેવશ્વેતાના કુટુંબની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં એને અવરોધરૂપ ગણવાને બદલે તેણે અલગ રીતે વિચાર્યુ અને સાબિત કરી આપ્યું કે લાખો રુપિયા ન હોય તો પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી શકાય છે. બાકી મુંબઈના એક ધનાઢ્ય કુટુંબના યુવાનને હું ઓળખું છું જેને તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી એમ છતાં તે અનેક પ્રયાસ પછી પણ યુપીએસસીની પરીક્ષા પાસ કરી શક્યો નહોતો.
ગાડરિયા પ્રવાહમાં તણાવાને બદલે મૌલિક રીતે વિચારવાથી સફળતા મેળવવાનું સહેલું પડે છે એનો પુરાવો તેણે આપ્યો છે. મુશ્કેલ સ્થિતિમાં મૌલિક રીતે વિચારવું જોઈએ. એવું કરવાથી અનોખો રસ્તો મળી જતો હોય છે.
***