ઝાકળભીની પાંખડી Sonal Christie દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

ઝાકળભીની પાંખડી

2...7....4...7...1.. મોબાઈલ ફોનનાં સ્ક્રીન પર એણે આંગળીયો ફેરવી. આખરે સામા છેડેથી “હેલો” સંભળાયું . એટલે એણે પૂછ્યું.. “ હેલો અનિકેત મળશે ? “
“ અનિકેત..?” સામેના છેડાથી કોઈ સ્ત્રીના અવાજમાં પ્રશ્ન પૂછાયો.
“ હા મારે અનિકેતનું કામ છે.. “
“ આ કોઈ અનિકેત નામની વ્યક્તિનો નંબર નથી.” અને ફોન કટ થઈ ગયો.
“ આ નંબર અનિકેતનો નથી..?” તેણે ડાયલ કરેલો નંબર ફરી ચેક કર્યો... નંબર તો એ જ હતો..
બે દિવસ પહેલા જ અનિકેતની મુલાકાત એક બસ સ્ટેન્ડ પર થઈ હતી. અનિકેત તેની સાથે કોલેજમાં ભણતો હતો. કોલેજ પૂરી થયા પછી આ બે વર્ષ દરમ્યાન તેનો કોઈ સંપર્ક થયો નહતો. તે દિવસે પણ અચાનક જ બસ સ્ટેન્ડ પર તેનો ભેટો થઈ ગયો. ઉતાવળમાં તેણે જે નંબર કહ્યો તે એણે “સેવ” કરી લીધો. આજે અચાનક અનિકેતની યાદ આવતા તેણે અનિકેતને ફોન કરવાનું વિચાર્યું હતું.
તેણે ફરી એકવાર અનિકેતનો નંબર ડાયલ કર્યો. ફરીવાર એ જ સ્વર સંભળાયો.. તેણે ફરીવાર અનિકેતના નામનું ઉચ્ચારણ કર્યું. પેલી સ્ત્રીએ કહ્યું. “ જુઓ આ નંબર અનિકેતનો નથી. તમારી કોઈ ભૂલ થતી લાગે છે. “
“ અરે પણ મારા મિત્ર એ તો આ જ નંબર લખાવ્યો હતો..અનિકેત આખો નંબર બોલી ગયો.. ” અનિકેતને આશ્ચર્ય થતું હતું..
“ હા તમે નંબર તો સાચો બોલો છો પણ આ નંબર કોઈ અનિકેતનો નથી.. તમે નંબર લખવામાં ભૂલ કરી હશે.. “
“ હા એવું જ લાગે છે... સોરી તમને હેરાન કરવા બદલ..” તેણે દિલગીરી વ્યક્ત કરી.
“ કઈ વાંધો નહીં એમાં દિલગીરી વ્યક્ત ના કરશો.. હું તો તમારી આભારી છું કે આ બહાને કોઈએ મારી સાથે વાત તો કરી.... નહીં તો આ નંબર પર કોઈ કદી ફોન કરતું નથી.” તે સ્ત્રીના અવાજમાં થોડી ઉદાસી ભળી અને કદાચ એક આછું ડૂસકું પણ સંભળાયું, અને ફોન મૂકાઈ ગયો. એ પછી ક્યાંય સુધી એ વિચારતો રહ્યો. ..કેવી એકલતા એ અવાજમાં છતી થતી હતી. ! કોણ હશે એ સ્ત્રી કે જેને કોઈ ફોન જ નહીં કરતું હોય...! કદાચ એ અત્યારે રડી પડી હશે..... ઘણીવાર સુધી તેને એ વિષે વિચારો આવ્યા.
આમ પણ તે ક્યારેય કોઈને દૂ:ખી થતાં જોઈ શકતો નહીં. તેનું વ્યક્તિત્વ ખુશમિજાજી હતું. જ્યાં તે નોકરી કરતો, જ્યાં તે રહેતો તે બધી જ જગ્યાએ તે ઘણો લોકપ્રિય હતો. રડતાને હસાવી દેતો અને ગમગીન ચહેરા પર પોતાની મજાકીયા શૈલીને કારણે નૂર લાવી દેતો. નોકરીમાં તો હજુ તે સંઘર્ષ જ કરતો હતો, પણ જીવનની પ્રત્યેક પળને ખેલદિલીથી સ્વીકારી, માણવાની તેની ખૂબી હતી. અને આ જ કારણસર તેને અનેક મિત્રો પણ હતા. એને પાછો પેલી સ્ત્રી વિષે વિચાર આવી ગયો. “ લાવ, ફરી ફોન કરું..? બીજું કાંઈ નહીં તો જો એ રડતી હશે તો બંધ થઈ જશે અને કદાચ ગુસ્સે થાય તો પછી ,આ નંબર તો આમેય ખોટો છે ..ડિલીટ કરી નાખીશ “
તેણે ફરી એ નંબર જોડ્યો. ઘણીવાર સુધી કોઈએ ફોન ઉપાડયો નહીં. છેવટે તે “કટ” કરવા જ જતો હતો ત્યાં એ જ સ્વર સંભળાયો “ હેલો...” પણ એ સ્વરમાં રહેલી ભીનાશને તેણે તરત પકડી લીધી. ધ્રૂજતા સૂરમાં સામેથી બોલાયું.. “ હેલો.. મેં તમને કહ્યું ને કે આ અનિકેતનો નંબર નથી..”
“ હા.. સાંભળો મને ખબર પડી ગઈ કે આ અનિકેતનો નંબર નથી... પણ આ વખતે મે તમારા માટે જ ફોન કર્યો છે. “
“ ઓહ.. મારા માટે કેમ..? “
“ તમે કહ્યું ને કે મને કોઈ ફોન કરતું નથી ....”
“ સામેનો છેડો ખામોશ થઈ ગયો..”
“ હેલો .. કેમ કઈ બોલતા નથી.. હું તમને ફોન કરું તો ગમશે..?” તેણે સહેજ અચકાતાં કહ્યું.
“ હા. કેમ ના ગમે... એકલતા તો કોઈ પણ માનવીને અંદરથી ભાંગી નાખે છે.. !”
“ તો હું તમને ચોક્કસ ફોન કરતો રહીશ.. મારો નંબર તમે સેવ કરી લો... મારુ નામ છે સ્નેહલ.. તમને જ્યારે કોઈની સાથે વાત કરવાનું મન થાય ત્યારે મને ફોન કરજો..”
“ઓહ..થેંક્યું.. “ અને ફોન મૂકાઈ ગયો.
સ્નેહલને વાતચીત થયા પછી રાહતની લાગણી થઈ. “ ખરેખર એ સ્ત્રીના અવાજમાં કેટલી પીડા હતી. મારી સાથે વાત કર્યા પછી એને ઘણું સારું લાગ્યું હશે.. !”
સ્નેહલે પેલા ફોન નંબરને અનામિકા નામથી સેવ કરી લીધો. અને એ રોજિંદા કાર્યોમાં પરોવાયો. અનિકેતને મળવાનું અને તેના વિષે જાણવાનું તેને ખૂબ મન હતું પણ અનિકેતના બદલે કોઈ બીજી વ્યક્તિ સાથે ઓળખાણનો તાર જોડાયો.
આખા દિવસની દોડધામ બાદ રાત્રે પથારીમાં પડ્યા પડ્યા તેને એક જ વાત યાદ આવ્યા કરી.. “ પેલી સ્ત્રી એકલી જ રહેતી હશે..? એને કશી મજબૂરી હશે..? શું હશે એનું નામ..? અવાજ પરથી તો કદાચ યુવાન હોય તેવું લાગે છે..!”
બીજા બે-ત્રણ દિવસ ઓફિસના કામમાંથી તેને નવરાશ ના મળી. કામની વચ્ચે જ્યારે પણ સ્હેજ જગ્યા ખાલી પડે તો પેલી સ્ત્રી વિશેના વિચારો તેના મનમાં ઝબકી જતાં.
આખરે એક દિવસ એ જ સેવ કરેલ નંબર તેના મનમાથી કૂદકો મારીને તેની આંગળીના ટેરવે બેસી ગયો. રિંગ જતાં જ ખૂબ ઝડપથી ફોન “રિસિવ” થઈ ગયો..જાણે કે કોઈ ફોનની રાહ જોઈને જ બેસી રહ્યું હોય તેમ...
“ હેલો.. મને ખાતરી જ હતી કે તમારો ફોન આવશે... “ એ સ્ત્રીના અવાજમાં આજે રણકો હતો.
“ તમને કેમ એમ લાગ્યું..? “ સ્નેહલને આશ્ચર્ય થયું..
“બસ એમ જ.. તમે તે દિવસે વાત કરી હતી ને.. બાકી આ નંબર પર તો ક્યારેય કોઈ ફોન ક્યાં કરે છે..?”
“ અરે હા... આ નંબર તો કોઈ નિર્જન ટાપુ નો છે નહી..” સ્નેહલે હસતાં હસતાં કહ્યું..
સામે છેડેથી પણ હસવાનો અવાજ આવ્યો..
“ અરે તમે તો એકદમ બાળક જેવુ ખડખડાટ હસી શકો છો.. તમારી ઉંમર કેટલી હશે.. ?” સ્નેહલે પૂછ્યું.
સામેના છેડે ગંભીરતા છવાઈ. . સ્નેહલને લાગ્યું આવો વ્યક્તિગત સવાલ પૂછવામાં થોડી ઉતાવળ થઈ ગઈ.પણ ત્યાં જ સામી બાજુ થી સંભળાયું.. “ મારી ઉંમર પંદરથી પંચાણુ વર્ષમાં આવે છે . તમે જ અંદાજ લગાવી જુઓને.. કેટલી હશે... ? “
“ અને તમારું નામ ..એમાં પણ મારે અંદાજ લગાવવો પડશે..? “
“ ના ના એ હું તમને કહીશ.. મારુ નામ રોઝી છે.. “
“અરે વાહ ગુલાબનું ફૂલ..”
“ હા મારા પપ્પા ને ગુલાબ ખૂબ પ્રિય હતા અને મારો જન્મ થયો એ દિવસે મારા ઘરે એક સુંદર ગુલાબ ખીલ્યું હતું, તેથી તેમણે મારુ નામ રોઝી પાડ્યું. રોઝી હવે ખીલતી જતી હતી. ફૂલો તો કોને ના ગમે..? એટલે ફૂલો પર જ વાતનો દોર આગળ વધ્યો. ઘણીવાર સુધી વાતો કર્યા પછી રોઝીએ કહ્યું. “ ઑ..કે.. હવે આપણે પછી વાત કરીશું. તમારી સાથે વાતો કરવાની ઘણી મઝા આવી.”
સ્નેહલને પણ સારું લાગ્યું. તેના સ્વભાવ પ્રમાણે તે ઘણી વ્યક્તિઓ સાથે વિવિધ વિષયો પર લાંબા સમય સુધી વાતો કરી શકતો, પણ રોઝી સાથે વાત કરવામાં તેણે ઘણી આત્મીયતા અનુભવી.પછી આ ક્રમ લગભગ રોજિંદો બની ગયો. પોતાના રિસેસના સમયમાં સ્નેહલ, રોઝીને અચૂક ફોન કરતો.તેને જાત જાતના ટૂચકા સંભળાવવાની ટેવ હતી અને તેની પ્રત્યેક વાત પર રોઝીને ખિલખિલાટ હસતી સાંભળીને કોઈ અજાણી વ્યક્તિને ખુશી આપ્યાનો આનંદ તેના મુખ પર રેલાઈ જતો.
સ્નેહલ ની ઓફિસના મિત્રો તેની ક્યારેક મજાક ઉડાવતા. “ શું વાત છે, સ્નેહલ..રોજ ફોન પર કોની સાથે ગોઠડી માંડે છે.. ?” પણ સ્નેહલ હસીને જવાબ ટાળી દેતો. કારણકે તેને પોતાને પણ રોઝી વિષે ખાસ માહિતી ન હતી. તે ફક્ત એટલું જ જાણતો કે, રોઝી નામની એક સ્ત્રી જે એકલવાયી અને ઉદાસ હતી તે તેની વાતોથી ખુશ થતી હતી.
ઘણા દિવસો સુધી વાતોનો સિલસિલો ચાલ્યા પછી એક દિવસ સ્નેહલને અચાનક બહારગામની ટ્રેનિંગમાં જવાનું થયું. અને ઉતાવળમાં કે પછી જાણી જોઈને તેણે રોઝીને આ વાત કહેવાનું ટાળ્યું. તે તેના મનને સમજાવવા માંગતો હતો કે આ ફક્ત ફોન મૈત્રી છે. તેને ગંભીરતાથી લેવાની કે પછી તેને જીવન મૈત્રી બનાવવાની જરૂર નથી. કારણ એ પણ હોય કે રોઝીએ તેના એકેય અંગત સવાલનો જવાબ આપ્યો નહોતો. કે ના કદી તેણે સ્નેહલ વિષે વધુ જાણવાની ઈંતેજારી બતાવી હતી. ટ્રેનીંગ દરમ્યાન તેને ખાસ સમય ના મળ્યો...આ સમયગાળા દરમ્યાન ના તો તેણે રોઝીને ફોન લગાવ્યો..ના રોઝીનો ફોન આવ્યો..
બે મહિનાની ટ્રેનીંગ પૂરી થયા બાદ તે શહેરમાં પાછો આવ્યો ત્યારે તેને રોઝી યાદ આવી..તેણે રોઝીનો નંબર ડાયલ કર્યો. ક્યાય સુધી રિંગ વાગતી જ રહી. કોઈએ ફોન ઉપાડયો નહીં. તેણે વિચાર્યું
“ રોઝી કદાચ ગુસ્સે થઈ હશે, મેં આટલા દિવસ સુધી ફોન ના કર્યો એટલે.. કાઈ નહીં હું તેને મનાવી લઈશ..” તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ જવાબ નહિ.. એમ ને એમ આખું અઠવાડિયું વીતી ગયું. રોઝી તરફથી કોઈ જ પ્રતિભાવ ના મળતા તે અકળાઈ ગયો. “મેં આટલા લાંબા સમય સુધી રોઝી નો સંપર્ક ના કર્યો એટલે તે ખૂબ દુખી થઈ લાગે છે.. કે પછી તેણે ફોન નંબર બદલાવી નાખ્યો કે શું... ?”
તેણે મનને ખૂબ મનાવ્યું.. “ મારે શું.. થોડા દિવસો એક અજાણી વ્યક્તિ સાથે વાતો કરી..અને આનંદની આપ-લે કરી બસ... “ પણ તેના હ્રદય ને તે મનાવી શક્યો નહીં. આખરે ફોન નંબર પરથી મોબાઈલ સેન્ટરના ધક્કા ખાઈ રોઝીના ઘરનું સરનામું તેણે મેળવ્યું. અને એક દિવસ સાંજે ઓફિસથી છૂટીને તેણે રોઝીની સોસાયટીમાં પગ મૂક્યો.
ઘર શોધવામાં ખાસ કોઈ તકલીફ પડી નહીં. ફૂલોથી છવાયેલું આખું ઘર મહેકતું હતું. તેનું હ્રદય ઉછાળા મારવા લાગ્યું.. “ રોઝી કેવી દેખાતી હશે.. ? મારી સાથે કેવો વર્તાવ કરશે.. ? તે અહી જ રહેતી હશે...ને.. ?” કેટલાય વિચારોમાં અટવાતા તેણે ડોરબેલની સ્વિચ દબાવી. થોડીવારે બારણું ખૂલવાનો અવાજ આવ્યો. તેની આતુરતા વધી ગઈ. બારણું ખોલીને એક સુંદર યુવતી ઊભી હતી.સ્નેહલ ક્ષણ બે ક્ષણ તેને જોઈ જ રહ્યો. “ .રોઝી સાચે જ ‘રોઝ’ જેવી જ છે “ ત્યાં પેલી સ્ત્રીએ પ્રશ્નાર્થભર્યા ચહેરે સામે જોતાં તેણે પોતાની ઓળખાણ આપી “ હું સ્નેહલ.. “ આગળ કઈ બોલવા જાય એ પહેલા તે યુવતીએ તેને અંદર આવવાનો ઈશારો કર્યો.. સાદગી ભર્યા પણ છતાંય અદભૂત લાગતાં ઓરડામાં તેને બેસવાનું કહી તે પાણી લેવા અંદર ગઈ. સ્નેહલ ચારે બાજુ જોવા લાગ્યો. આખો ઓરડો વિવિધ પેઈન્ટીંગ થી સજાવેલો હતો. તેમાં મોટાભાગના પેઈન્ટીંગ ફૂલોના હતા. “ ઓહ..તો રોઝીને પેઈન્ટીંગનો પણ શોખ છે.. એમ.. તેણે મને કદી જણાવ્યુ નહીં..” તે વિચારી રહ્યો.. ત્યાં સામે રાખેલી ટીપોય પર તેનું ધ્યાન ગયું. એક વયસ્ક સ્ત્રીનો હસતો ફોટો ત્યાં મૂકેલો હતો. “ કદાચ આ રોઝીની મમ્મી હશે ! “ હવે રોઝી સાથે કેવી રીતે વાત કરવી..તે શબ્દો ગોઠવવા લાગ્યો.. એટલામાં પેલી યુવતી પાણી લઈને આવી. તેના હાથમાં એક પેક કરેલી ગિફ્ટ પણ હતી.. શબ્દોને સરળ બનાવવા સ્નેહલ એક ઝાટકે બધુ પાણી પી ગયો. પેલી યુવતી એ ગિફ્ટ તેને આપતા કહ્યું. “ આ લો.. મારા આન્ટી ખાસ તમને આપવાનું કહીને ગયા છે.. “
“ આન્ટી .. કયા આન્ટી ...?’
“ મારા રોઝી આન્ટી.. . “
સ્નેહલ આંચકા સાથે ઊભો થઈ ગયો. “ એટલે તમે રોઝી નથી... ?”
“ ના આ ફોટામાં દેખાય છે તે મારા રોઝી આન્ટી હતા...”
“ મને કઈ સમજાતું નથી...” સ્નેહલ હકબક થઈ ગયો.
એ છોકરી એ કહ્યું. “ મારુ નામ પ્રેરણા છે.. અને રોઝી આન્ટી મારા પપ્પાની મોટી બહેન એટલે મારા ફોઈ હતા. આ ઘરમાં તેઓ એકેલા જ રહેતા હતા.. તેઓ આજીવન કુંવારા હતા. રિટાયર્ડ થયા પછી પેરાલીસીસની અસરને લીધે તેઓ પથારીવશ થઈ ગયા.હતા. તેથી એક કામવાળી બાઈ તેમની સંભાળ લેતી હતી. અમે કોઈ કોઈ વાર તેમની ખબર કાઢી જતાં હતા .તેમને પેઈન્ટીંગ કરવાનો ખૂબ શોખ હતો, પણ બીમાર પડ્યા પછી ક્યાય હરી ફરી નહીં શકવાના કારણે અને કોઈનો સહવાસ નહીં હોવાના કારણે તેઓ ખૂબ એકલતા અનુભવતા અને ઘણા દુખી રહેતા હતા. પણ અચાનક જ એક દિવસ તમારો ફોન આવ્યો અને એમના સૂકાયેલા હાથમાં ફરી પાછી ચેતના આવી. આ તમે જોઈ રહ્યા છો એ બધા પેઈન્ટીંગ એમણે તમારી સાથે મૈત્રી થયા પછી દોરેલા છે. અને હમણાં જ લગભગ વીસેક દિવસ પહેલા કુદરતી રીતે તેઓ મૃત્યુ પામ્યા. જોકે છેલ્લા દિવસ સુધી તેઓ ખૂબ જ ખુશમાં હતા. અને બિલકુલ શાંતિ અને સ્વસ્થતાથી તેમણે મૃત્યુનો સામનો કર્યો. તમારા માટે તેઓ આ એક નાનકડી ભેટ છોડી ગયા છે. તેમને વિશ્વાસ હતો કે, તમે એક દિવસ જરૂર અહી આવશો. અને જુઓ, આજે જ તમારી મુલાકાત થઈ ગઈ. પ્રેરણાએ બોલવાનું પૂરું કર્યું. કદાચ રોઝી આન્ટીને એ સમજી શકી હતી.
સ્નેહલ આ સાંભળીને હતપ્રભ થઈ ગયો. તેણે ધીમે રહીને ગિફ્ટ પરનું રેપર ખોલ્યું. એમાંથી મરોડદાર અક્ષરે લખાયેલ પત્ર સરી પડ્યો. “ મારા અજાણ્યા છતાંય ખૂબ જ જાણીતા એવા મિત્રને ..જેને લીધે હું આ દુનિયા પરની મુસાફરીના મારા અંતિમ દિવસોને કટુતાને બદલે કૃતગ્નતામાં ફેરવી શકી અને એ આભારી ભાવ ચિત્રો દ્વારા સર્જન કરતાં હું મારા સર્જનહારની વધુ નજીક પણ જઈ શકી. એટલે જ જ્યારે મૃત્યુ આવશે ત્યારે હું તેને વ્હાલથી ભેટી શકીશ..”
સાથે એક પેઈન્ટીંગ હતું.. તેમાં છોડ પરથી ખરી પાડવાની તૈયારીમાં હોય તેવું ગુલાબનું ફૂલ ચિતરાયેલું હતું. ફૂલની પાંખડીઓ થોડી ચીમળાયેલી હતી, પણ તેના પર થયેલા ઝાકળના છંટકાવથી તે ફરી ખીલી ઊઠી હસતું ના હોય તેવું લાગતું હતું. સ્નેહલની નજર રોઝીના ફોટોગ્રાફ પર પડી. તેના ચહેરા અને આ ગુલાબના ફૂલમાં કેટલી સામ્યતા હતી. તેનું હ્રદય આ અજાણી છતાય અર્થસભર મૈત્રીના ભાવોથી છલકાઈ ઊઠ્યું.