અશ્રુ મઢ્યાં અરમાન firoz malek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અશ્રુ મઢ્યાં અરમાન

આકાશ આજે ધરતી ચૂમી રહ્યો હતો.ક્ષિતિજ પોતાની સીમારેખા દર્શાવી રહી હતી.વગડાનો સમીર સિલીંગ ફેનમાં અને કુદરતનું અપાર સૌંદર્ય સેજલની આંખોમાં પ્રતિબિંબીત થઈ શીતળતા દર્શાવી રહ્યાં હતા.સેજલને માટે આજે ચારે દિશા પ્રેમપુષ્પો વરસાવી રહી હતી.ને હોય જ ને! જેને હૃદયથી ચાહ્યો એ મનનો માણિગર રોહન ભલે મુફલિસ અને સામાન્ય પરિવારનો હતો,પણ સેજલના સમગ્ર મનપ્રદેશમાં સામ્રાજ્ય સ્થાપી બેઠેલો અમીર અને વિશિષ્ટ વ્યકિત બની ગયો હતો.દિવસ રાત શું? ક્ષણ ક્ષણ અને વિચારોના કણ કણમાં રોહનની રટ લાગી હતી.એ રોહન સાથેના પ્રેમને સેજલના પિતાએ આજે વિધિસરની મંજૂરી આપી હતી.

‘પ્રેમ’ બહાના કે કોઈ નિમિત્તનો મહોતાજ ક્યાં હોય છે?બસ થઈ જતો હોય છે.આમ જ મામૂલી મિકેનીકલ અને માંડ નવ ચોપડી ભણેલો રોહન સેજલને ક્યારે ગમી ગયો. એની સુધ એને ના રહી.સેજલના જીવનમાં જન્મદાતા પિતાની સાથે રોહનની પ્રીતિ વેગવંતી બની હતી.બે ભાઈઓની સૌથી નાની અને લાડકી બહેન સેજલ પર સૌના પ્રેમનો અભિષેક અવિરત થઈ રહ્યો હતો.પપ્પા- મમ્મી તો સમજ્યા પણ તેના બન્ને ભાઈઓનું જો ચાલે તો નાનીબહેનને પગરખા પર પહેરવા ના દે એવા હેતાળ અને પ્રેમાળ હતા.પોતાના હાથના પગરખા અને લાડકૉડની બીછાત બહેનના પગલે પગલે બીછાવે એવા હતા.સેજલને યાદ નથી કે,ક્યારેક કોઈ માંગણી માટે મોં ખોલ્યું હોયને ઈચ્છા પૂરી ના થઈ હોય. આખો દિવસ ભાઈઓ સાથે,પપ્પા સાથે તે પતંગિયાની જેમ આખા ઘરમાં દોડતી-કૂદતી,ઉધમ મચાવતી અને ઘરની ચારે દિશાઓ ગજવી નાંખતી હતી.મમ્મી તેને ‘બદમાશ’કહી ચીઢવતી.પરંતુ કોઈ તેને ખીજવતું કે વઢતું નહિ.આખા ઘરની લાડકવાયી અને પપ્પાની તો ‘ચમચી’ જ હતી એ.

શિક્ષિત સેજલને માટે તેનો જીવનસાથી સઘળી રીતે સધ્ધર હોય,એવી પિતાની સાથે મોટા ભાઈઓની પણ છૂપી લાગણી હતી.પરંતુ સેજ્લની જીદ આગળ પિતાએ ઘૂંટણિયા ટેકવી દઈ, રોહન સાથેના સંબંધને એંગેજમેંટના તાંતણે બાંધવા સંમતિની મહોર આપી દીધી હતી.અને રાજાશાહી લગ્ન જેવા એંગેજમેંટ કરવામાં આવ્યા.નજીકના પરિવાર જનોમાં ઘણાને મુખે નારાજગી અને તિરસ્કારના ભાવો ઉપસી ગયા હતા.વિચારતા કે,આ ઉમેશભાઈને રોહન જેવા સામાન્ય પરિવારના સામાન્ય છોકરામાં એવુ તો શું દેખાયુ? કે,હિરા જેવી છોકરી કોલસાની ખાણમાં ધકેલી દીધી ?

સેજલના લગ્ન થવાને ભલે હજી વર્ષ બાકી હતુ.પરંતુ થોડા જ સમયમાં રોહનની સાથે રોહનના પરિવારને પણ તેણે પોતાના બનાવી લીધા હતા.એટલે જ તો રોહનના પિતા ટાઈફોઈડને લીધે હોસ્પિટલાઈઝ્ડ થયા,ત્યારે સેજલે ટિફિનથી લઈ સેવાચાકરી સુધી, રાત દિવસ જોયા વિના પોતાની જાતને ખપાવી,કર્તવ્ય નિભાવી સૌના દિલ જીતી લીધા હતા.

રોહનને પામી સેજલ ધન્ય થઈ હોય, એવુ લાગતુ હતુ.તેની ખુશી જોય પરિવાર પણ આનંદમાં ઝૂમી ઉઠ્યુ હતું.રોહન ઘણી વાર સેજલને કદી રેસ્ટોરેંટમાં,તો કદી ગાર્ડનમાં તો ક્યારેક મૉલમાં ફરવા લઈ જતો.બન્ને ખાસ્સો સમય એક બીજાના સાંનિધ્યમાં ગાળતા.રોહન ઘણીવાર લગ્ન પહેલાની મર્યાદારેખા ભંગ કરવાના પ્રયત્નો કરી ચૂક્યો હતો.પણ સેજલને પોતાની તમામ મર્યાદાઓનું ભાન હતું.તેના રોષનો સામનો કરીને પણ સેજલે પોતાની ખાનદાની સાચવી રાખી હતી.

‘રીમા !આપણી લાડકી પારકી થવામાં છે.એ ખ્યાલથી જ હું તો છળી મરું છું.મને ખૂબ તકલીફ થાય છે.આ આંખોને એના હાસ્યની અને હૈયાને એના હૂંફની એવી ટેવ પડી ગઈ છે કે, લગ્નના દિવસો જેમ જેમ નજીક આવે છે,તેમ તેમ હું તૂટી રહ્યો હોઉ એવું..........’સેજલના પિતાએ પત્ની આગળ હૃદયનો ઉભરો ઠાલવ્યો.અને કંઠ ભરાઈ આવ્યો.પત્ની કંઈ બોલે, એ પહેલા સેજલ વાત સાંભળી દોડી આવી.પિતાને કોટે વળગી પડતા ટીખળ કરતા બોલી-‘એ પપ્પા !ભ્રમમાં ના રહેતા.પારકા થાય એ બીજા.હું તમારી લાડલી છું ને લાડલી રહીશ.હું મારા પપ્પાથી દૂર કઈ રીતે રહી શકું?તમે જ્યાં હશો ત્યાં હું પણ હોઈશ જ. એટલું જાણી લેજો પપ્પા ! ઓ.કે.?’ પિતાએ જોશભેર દીકરીને છાંતી સરસા ચાપી દીધી.

‘આજે તો પપ્પા-મમ્મી હું તમારી પાસે જ સુવાની છું.’

‘ભલે ભલે બેટાજી!’ કહેતા પિતાએ દીકરીને માથે હાથ ફેરવ્યો.પ્રેમના ત્રિકોણમાં ક્યાં સવાર પડી ગઈ, ખબર ના પડી.સુખની ઉંઘ હતી ને!

સુખના દિવસો એક સરીખા કોઈના કદી હોતા નથી.સુખને ગ્રહણ ત્યારે લાગ્યું,જ્યારે સવાર ગોઝારી બની.સેજલના પિતા ઉંઘમાંથી ઉઠ્યા જ નહિ.ડોક્ટરે નિદાન કર્યું કે,હાર્ટ એટેકથી એમનું મૃત્યુ થયું છે.સેજલના પગ તળેથી ધરતી ખસી ગઈ.પિતા વિના કઈ રીતે જીવી શકાશે?એને કંઈ સમજાતુ નહતું.એમાંય રાતની વાતો યાદ કરી તો, તેનુ મગજ સુન મારી જતું હતું. મા દીકરી અને ભાઈઓના રડી રડીને હાલ બેહાલ થઈ ગયા હતા.

સેજલ માટે મોટા ભાઈઓ અને મમ્મીના પ્રેમ અને રોહનની આશ જ શેષ રહ્યા હતા.પપ્પાના ગયા પછી સેજલની નિર્દોષ હરકતો,ધીંગા મસ્તી અને નાદાનિયત જાણે એમની ચિતામાં જ ભસ્મીભૂત થવા લાગ્યા હતા.

* * *

ફોન મૂકાયો નહતો, પણ રીતસરનો હાથમાંથી છૂટી ગયો હતો.સમાચાર જ એવા એવા માઠા હતા કે,સેજલને કશી સુધબુધ ના રહી.રોહને કોઈ છોકરી સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા.પિતાની છત્રછાયા ગુમાવેલી આ દીકરીને પિતાના મૃત્યુના આઘાતની કળ હજી વળી ન હતી.ત્યાં નાજૂક વેલ સમી દીકરીના અરમાનો પર બીજો ઘા. આઘાતના ભાર તળે સેજલનું અસ્તિત્વ ભીંસાવા લાગ્યુ.છાંતી પરનો ભાર અસહય બનતાં સેજલ દિવાલ પકડી, ત્યાં જ ફસડાઈ પડી.મમ્મીની નજર સેજલ પર પડતાં ,દોડીને દીકરીને વળગાડી લીધી.’શું થયું સેજલ ! સેજુ! બોલ બેટા !’

‘મમ્મી...’ કહેતા સેજલની આંખોમાંથી આંસુનો સમુદ્ર છલકાઈ ઉઠ્યો.રડતા રડતા સેજલે મમ્મી આગળ પોતાનું સઘળું દુ:ખ ઠાલવ્યું.મા-દીકરીના ગગન ભેદી રુદને આખા ઘરના વાતાવરણને ભારઝલ્લું બનાવી દીધું.

પિતાના ગયા પછી આમ પણ સેજલ ખપ પૂરતો જ વ્યવહાર રાખતા શીખી ગઈ હતી.પિતાની યાદમાં ખાવા પીવામાં પણ તે દુર્લક્ષ સેવતી હતી.સતત વિચારોમાં ખોવાયેલી સેજલની તબિયત પર તેની સીધી અસર થઈ રહી હતી.મોટા ભાઈઓ અને મમ્મી તેને સમજાવતા.પણ સેજલને તો જાણે કાન કે હૃદય હતા જ નહિ.એમાંયે રોહનના ગયા પછી તો ખોરાક શું, જીવનમાં પણ સેજલને રસ રહ્યો નહિ.

સમય જતાં ફૂલ ગુલાબી શરીર ધીરે ધીરે કરમાવા લાગ્યું.સદા હસતા ચહેરા પર હવે કાયમને માટે ગંભીરતા,ચિંતા,રૂદન,માનસિક તાણ અને અરુચિ ઘર કરવા લાગ્યા.

જીવનમાં જેણે રંગ પૂર્યા હતા ,એવા મુખ્ય પાત્રોએ પોતાનાથી કિનારો કરી, જીવન બેરંગ બનાવી દીધું હતું. રોહન માટે તો પોતે શું નહોતુ કર્યું?પોતાની હરે’ક ક્ષણે ક્ષણ તો તેના નામે કરીદીધી હતી.પોતે તેના પ્રેમને,દિલને, પરિવારને જીતવાની કોઈ તક ચૂકી હતી?એકે’ય નહિ. તોયે આવુ ફળ?જીવન જીવવાની એક આશા પણ રોહને દગાખોરીથી તોડી નાંખી હતી.ઉંઘ આહારની તોછડને લીધે સેજલના શરીરમાં ઉધરસ વાસો કરી ગઈ.મમ્મી નજીકના દવાખાને થી દવા લઈ આવી હતી પણ ફરક પડતો ન હતો.સેજલના નામથી ગુંજન કરતા ઘરમાં હવે એકાંત અને ખાલીપો વાસ કરવા લાગ્યા હતા.મોટા ભાઈઓ અને મમ્મી સેજલની આવી હાલત જોય,ઘણીવાર ખૂણો પકડી છૂટ્ટી પોકે રડી પડતા હતા.પરંતુ સેજલને હવે કોઈ વાતની કશી પડી જ નહતી.તે માત્ર અને માત્ર શૂન્યમનસ્ક જિંદગી જીવી રહી હતી.

રાતના બે વાગ્યા હશે કે, સેજલને ઉપરાછાપરી ખાંસી શરુ થઈ ગઈ.કાળજુ મોં માં આવી ગયું એટલી ખાંસી.કેમે’ય કરી ખાંસી બેસી નહિ.મમ્મીએ એને પાણી આપ્યુ. પણ ખાંસી અટકી નહિ.સેજલ પરસેવે રેબઝેબ થઈ ગઈ.સખત તાવથી તેનુ માથુ ધગધગી રહ્યું હતું.બન્ને ભાઈઓ સેજલને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા.દાખલ કરી.રિપોર્ટ કરાવ્યા.ક્ષયનું નિદાન થયુ.તાબડતોડ ઈલાજ ચાલુ થયા.પણ અસર બેઅસર નીવડ્યાં.સેજલની આંખો ઊંડે ઉતરી ગઈ.અને ગાલના હાડકાં ઉપસી આવ્યા હતા.એની આંખો કોઈ આગંતુક મોટા અવાજે બોલાવતુ ત્યારે ઉઘડતી એટલી જ.બાકી મોટે ભાગે તેની આંખો ઠળેલી,નમેલી અને બંધ જ રહેતી.આંખોમાં આમ પણ હવે ક્યાં કોઈ અરમાન બાકી હતા?હતા એ કદી પૂરા થયા નહિ.દિલ દુ:ખ માં સરી પડી, વારંવાર પ્રાણ પ્યારા પિતાને અવાજ આપી રહ્યું હતું.

આખા ઘરને તોફાન મસ્તી અને હાસ્યથી કલ્લોલમય કરી નાંખતી સેજલ બદલાઈ ચૂકી હતી.સાથે ભણતી સખીઓ સેજલને બોલાવતી, બધું યાદ અપાવતી.પણ સેજલ પથ્થર બની ગઈ હતી.શ્વાસ ચાલી રહ્યા હતા એટલા પૂરતી સેજલ ઘરની સદસ્યા હતી.બાકી સેજલને લીધે ઘર આખુ બદલાઈ ગયું હતુ.સૌના જીવન બદલાઈ ગયા હતા.

સેજલ એકલી એકલી દુ:ખનો ભાર પચાવી રહી હતી.રોહનના ગયા પછી તો સેજલે ચૂપકીદી એવી સેવી લીધી હતી કે, કેટલા સમયથી મમ્મીએ પણ તેનો અવાજ સાંભળ્યો ન હતો.રહી રહીને તે પપ્પાને યાદ કરતી અને તેમ તે વધુ એકલી બની જતી હતી.આઘાત અને રૂદન બરફ બની થીજી ગયા હતા.રડવું તો ખૂબ જ હતું. પરંતું પપ્પાની છાતી અને હથેળી ક્યાં હતી?બીજી બાજુ જેને તન મનથી ચાહ્યો એ રોહન દગો આપી ગયો હતો, તોયે ભુલાવ્યે ભૂલાતો નહતો.વારંવાર નજર સામે એ જ દેખાયા કરતો હતો.સતત તેને લાગતું કે, રોહન હમણાં હાક મારશે અને કહેશે ‘સેજલ..એ ય સેજલ.....’અને પોતે દોડીને તેને ગળે વીંટળાઈ, જોરથી પોક મૂકી રડી પડશે.ને અત્યાર સુધીના સૌ દુ:ખો પાણી બની ઓગળી જશે. અને પોતે પહેલા જેવી સેજલ બની જીવી જશે.પણ એવુ કશુ બને એમ હતુ નહિ.એ વિચારે એ ઓર દુ:ખની ગર્તામાં ધકેલાતી જતી હતી.તેના ચહેરા પરના તમામ ભાવો લુપ્ત થવા લાગ્યા હતા.

દુ:ખના દિવસો એક સરીખા કોઈના કદી હોતા નથી.દુ:ખને ગ્રહણ ત્યારે લાગ્યું,જ્યારે સવાર શુભ શુકન લઈ આવી.મમ્મીએ સેજલને તકિયાને સહારે થોડી ઉંચકી બેસાડી. ‘આમ ટેકા સાથે બેસ બેટા !તને સારુ લાગશે.હું હમણા આવુ છું’ કહેતા મમ્મી રસોઈઘર માં ચાલી ગઈ.

મોટા ભાઈઓ ઉઠીને નિત્યની પેઠે બહેનને જોવા આવ્યા.બહેનની આંખો ખુલ્લી જોતા બન્નેની ખુશીનો પાર ના રહ્યો.ઝ્ટ મમ્મીને બોલાવી અને કહ્યું-‘જો, મમ્મી આપણી સેજુએ આજે આંખો ઉઘાડી છે.સેજુને ફેર લાગે છે આજે...’ મમ્મી આશ્ચર્ય સાથે સેજલની પથારી પાસે પહોંચી ગઈ.સેજલની ઉઘાડી આંખો જોય તો મમ્મીની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. ‘સેજુ કેમ છે બેટા હવે તને?’

સેજલની આંખો હજી ખુલ્લી અને સ્થિર હતી.મમ્મીએ ચિંતા સાથે તેના ખભા પર હાથ મૂકી, હળવા ધક્કા સાથે સેજલને ઢંઢોળી. સેજલ તકિયા પરથી બાજુએ ઢળી પડી.આંખો ખુલ્લી જ રહી..

* * *