પપ્પાની લાડકડી firoz malek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પપ્પાની લાડકડી

‘ પપ્પાની લાડકડી’
                                       -ફિરોઝ એ.મલેક (ખોલવડ) 
                 “પપ્પા ! વૃંદાને રોહનનો ફોટો ગમ્યો કે નહિ? ગમ્યો હોય તો વાત આગળ ચલાવીએ.” શીવની બીજા નંબરની દીકરી રિયાએ  ઉત્સુક્તા સાથે પિતા શીવને  પૂછી લીધું. 
                 શીવથી હસી પડાયું. હસતા હસતા જ મોબાઈલ કાનથી દૂર કરી બૂમ પાડી- “વૃંદા એ વૃંદા !  આવ તો જો રિયા દીદી તારી જોડે વાત કરવા માંગે છે. આવ જલદી.” નાશ્તામાં સરસ મજાની પાસ્તા અને પૌઆની ડિશ તૈયાર કરી રહેલી વૃંદા આગળ આવી.રિયાએ પ્રશ્ન રિપીટ કર્યો. 
     “રિયા દી’ મેં તમને જ નહિ મોટી પલ્લવી દી’  અને મંત્રા દી’ ને પણ ‘ ના’ જ પાડી છે કે,મારે  લગ્ન કરવા જ નથી.અને આમ પણ તમારા બતાવેલા છોકરાઓ મને ગમતાં યે  નથી.”   
   “શું વાત કરે તું વૃંદા ! હિરો જેવા ક્યૂટ અને આટલા મોડર્ન  છોકરાઓ અને એ પણ અમેરિકન સીટીઝન અને વેલસેટ.એ પણ તને ન ગમે તો તારા લગ્ન આ જન્મે તો  થતાં રહ્યાં.” 
   ‘”એટલે જ કહું છું.રહેવા દો. ભાગ્ય જોર કરશે ત્યારે મારા લગ્ન પણ  થઈ જશે.”     “ચાલ સારું, પપ્પાને ફોન આપ.” રિયાએ પિતાને ભલામણ કરી  વૃંદાને સમજાવવા કહ્યું .પરંતુ શીવ શું જવાબ આપે? એક થી એક ચઢિયાતી લગ્નની વાતો વૃંદા હળવાશપૂર્વક ખંખેરી નાંખતી હતી.બાકી મોટી બન્ને બહેનો વિદેશમાં અને ત્રીજી મંત્રા પણ સારા ઘરે પરણી સુખી જ હતી. નાની વૃંદાના  લગ્નનું ગોઠવાય જાય,  તો પિતા શીવની ચિંતા હળવી થાય. પરંતું તેને આજ સુધી કોઈ છોકરો ગમ્યો જ ન હતો.
              વૃંદાને સમજાવવા  શીવે કોઈ કસર બાકી રાખી ન હતી.વૃંદા ત્રેવીસ ચોવીસની તો થઈ હશે.કયો બાપ દીકરી આમ કુંવારી રહે એમ ઈચ્છે?  મા વિનાની દીકરીના હાથ પીળા થાય,સારા ઘરે પરણી સુખી થાય અને મરતી વખતે બાપની આંખો રાહતનો દમ લઈ ઠરે.એ વિના બીજી કઈ મનોકામના હોય શકે? ત્રણેય દીકરીઓને એકલા હાથે લાલન-પાલન કરી બીજે ઘરે પરણાવી .આજે ત્રણેય સુખ વચ્ચે આળોટી રહી હતી. છતાં નાની વૃંદાને છોકરા ગમતાં નથી કે, લગ્ન જ કરવા નથી એ શંકામાં શીવ વધુ ને વધુ ઘેરાતો જતો હતો. 
    “લ્યો પાસ્તાકી ડિશ રેડી હે પપ્પા ! ઔર સાથમે પહુએકી ડિશ ભી. બોલો ક્યા ખાના ચાહેંગેં આપ.?” વૃંદાનું બાળપણ તેનો સાથ વફાદારી પૂર્વક નિભાવી રહ્યું હતું. એમ સતત શીવને લાગી રહ્યું હતું. યુવા વયની દીકરીમાં પરિપક્વતાની કચાશ જોય શીવને પિતા તરીકે ટેન્શન આવી જતું હતું.તે વિચારના વમળ માં ફસાતો. ‘ હું છું ત્યાં સુધી આ લાડ. અને મારી યે ઉંમર તો સિત્તેર-એકોતેરની થઈ હવે.જીવન બોનસ વર્ષો ભેંટ ધરી રહ્યું હતું.પરંતુ આ  કૃપા દૃષ્ટિ  ક્યારે હતી જાય, કહેવાય નહિ. અને મારી વૃંદા એકલી રહી જશે.શું કરશે? શું થશે એનું ? આવડા મોટા ઘરમાં તે ઘૂંટાઈ મરશે.’ 
              નાશ્તાની ડિશ હડસેલતા,અવાજમાં કરડાકી સાથે શીવ બોલ્યો- “તું પરણી કેમ નથી જતી?તુ તારી જીદમાં જ રહે.તારો બાપ આમ જ ચિંતાની અગ્નીમાં શેકાઈને મરી જશે. હું ને તારી બહેનો.અમે  બધા ડફોળ છીએ?  કે, તારા લગ્ન માટે સારી સારી વાતો વિશે વિચારતા રહિએ છીએ..અને તું આમ તારી મનમાની કરીને મારો જીવ.......” શીવનો અવાજ ભરાઈ આવ્યો. શીવના હોઠો પર આંગળી અડકાવીને ચૂપ કરાવતી વૃંદા બોલી- “બસ પપ્પા બસ, તમે નાહક ચિંતા ના કર્યા કરો.નાશ્તો કરી લ્યો.હું વૃંદા છું. પણ  ‘વૃંદ’ બની બધુ સંભાળી લઈશ. ઓ કે? ટેન્શન લેનેકા નહિ, પપ્પા દેને કા.ઈતની સી બાત નહિ સમજતે?” શીવ ગુસ્સામાં લાલઘૂમ થઈ નાશ્તાની ડિશને જોતો રહ્યો.       
             શીવે જીવનના પાંત્રીસ વર્ષ તો બા ની સેવાચાકરીમાં સમર્પિત કરી દીધા હતા. છત્રીસમાં વર્ષે લગ્ન કરી શીવ ચાર દીકરીઓનો પિતા બન્યો હતો.શીવની પત્ની વૃંદાના જન્મ સમયે અકાળે દેવલોક થઈ ગઈ હતી. જમીન જાગીરી ધરાવતા આ ખેડૂત-પટેલ વ્યક્તિને માથે ચારે’ય દીકરી અને એમાંયે આ નવજાતા વૃંદાની જવાબદારી આવી પડી હતી. નિજહોંશ અને નિજઉમંગથી તે દીકરીના સારા ઉછેર અને ઉચ્ચ ભણતર ની કામગીરી માં ઓતપ્રોત થઈ ગયો હતો.કદાચ બીજા લગ્નની એટલે જ તેને જરૂર જણાય નહિ. 
            મોટી બન્નેને જમીનના ટુકડાઓ વેચી વેચીને ડોક્ટર બનાવી, અમેરિકામાં મોટા ઘરના મુરતિયાઓ સાથે પરણાવી હતી. અને નાની મંત્રાને તો ભણવામાં બહું રસ હતો જ નહિ. માંડ બી.એ. સુધી ભણી હતી પરંતુ એને પણ શહેરના ધનાઢ્ય ઘરમાં તો પરણાવી જ હતી.ત્રણે’ય સુખી હતી.અને વૃંદા હાલ જ B.D.S.ની પદવી લઈ, દાંતના ડોક્ટર તરીકે મોટા દાંતના દવાખાના માં પ્રેક્ટિસ કરી રહી હતી. શીવને રંજ માત્ર એના લગ્ન માટેનો રહી ગયો હતો. કિનારે આવી ઉભેલી શીવની જિંદગી વૃંદાનું જીવન ઝટ ગોઠવાય, એ લહેરની આશમાં તડપી રહી હતી.
                *   *   *          
                હા, એ દિવસ આખરે આવી ગયો. વૃંદા જ્યાં પ્રેક્ટિસ કરી રહી હતી,ત્યાં તેના જેવા જ પ્રેક્ટિસ કરતા ડોક્ટર અમિત પટેલ સાથે તેને સારો એવો મનમેળ થઈ ગયો હતો, તેણે  શીવને વાત જણાવી.શીવ પહેલાતો ખુબ રાજીનો રેડ થઈ ગયો.પણ અમિત ફેમિલી વિનાનો અનાથ છોકરો છે એ જાણતા દુ:ખી થઈ ગયો.ગરીબ કાકાને ઘરે રહી, દાન-ધર્માદાની રકમમાંથી માંડ B.D.S.નો અભ્યાસ પૂરો કરેલા, આ છોકરાના હાથમાં વૃંદાનો હાથ સોંપતા, શીવનો જીવ જરા પણ ચાલતો ન હતો. મોટી ત્રણેય બહેનો અને પિતા શીવને વૃંદાની આ પસંદગી પર પારાવાર નારાજગી હતી. પરંતુ વૃંદા ને આટલા સમય પછી કોઈ છોકરો પસંદ પડ્યો હતો એટલે બધાએ ચૂપકીદિ જાળવી રાખી હતી.
             શીવ છોકરાને મળ્યો. ગમ્યો. નજરે ચઢ્યો   અને લગ્ન ગોઠવાયા. લગ્નના એક અઠવાડિયા પહેલા ત્રણે દીકરીઓ પિતાના ઘરે આવી પહોંચી.તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. એવામાં એક રાત્રે જમી પરવારીને  વૃંદાએ પપ્પા અને બધી બહેનો ને  ભેગી કરી કહ્યું- “તમને દરેકને મારા આ લગ્નનો પ્રસ્તાવ કદાચ ન જ ગમ્યો. પણ એ સંદર્ભમાં જ મારે તમને બધાને કંઈક ક્લિયર કરી કહેવુ છે.” 
   ‘હા,બોલને મારી લાડક્વાયી ..તારે જે કહેવુ હોય તે ખુલ્લા મને આજે કહી દે.પછી તો તું તારા આ બુઢ્ઢા બાપને છોડી સાસરે ચાલી જશે” શીવે દીકરીને નિ:સંકોચ પોતાની  વાત કહી નાખવા પ્રેરી.”હા પપ્પા, મારા મતે મારો નિર્ણય યોગ્ય જ છે. એમ હું માનું છું. મારા વ્હાલા પપ્પાએ આપણી સૌ બહેનોનું જીવન સુધાર્યુ છે, મઠાર્યું છે અને સ્થિર કર્યું છે. એ પપ્પાનું કર્તવ્ય કે જિમ્મેદારી હતી. ભલે,પણ જે રીતે એક ‘મા’ બનીને આપણા જીવનનું ઘડતર કર્યું છે ને! એ ઋણ કાયમ માથે રહેશે.” કહેતા વૃંદા શીવને ખભે હાથ મૂકી, અશ્રુ ભીની આંખે  ખભે માથું ઢાળી દીધું. શીવે દીકરીને માથે હાથ મુક્યો.
               “જીવનના એવા ઘણાં વરસો પપ્પાના એન્જોય કરવાના હતા,એ આપણી પાછળ ખર્ચાઈ ગયા. અને આજે તમે ત્રણ તો પરણીને સાસરે ચાલી ગઈ.અને હું યે પરણીને સાસરે ચાલી જાઉં તો પપ્પાનું આટલા મોટા ઘરમાં સંભાળ રાખનાર કોણ? કોણ પપ્પાને સાચવશે? જ્યારે કે હવે,ખરેખર હવે પપ્પાને આપણી જરુર છે. દીકરીઓ છીએ તો આપણે જ સાસરે જવું પડે. હું માનું છું.પણ પપ્પાને આમ એકલા કોને સહારે છોડી જાઉં? એટલે જ છોકરાઓ મને પસંદ પડવા છતાં હું લગ્ન ટાળતી રહી. અને આજે જ્યારે ‘હા’ પાડી તો એટલા માટે  કે,  અમિત અનાથ  ખરો, પણ એવો ભલો ભોળો  છોકરો છે.જે મારી હકીકત જાણે  છે અને એના વિષે હું સઘળું  જાણું છું.   આજે એક વાત જે મે સરપ્રાઈઝ રાખી છે એ તમને બધાને કહેવાની છું”. શીવ અને ત્રણે’ય દીકરી ઓ એકબીજાને  વિસ્મય અને કંઈક ઉત્સુક્તાથી જોવા લાગ્યા.
     “પપ્પા, હું મારા બુઢા બાપ જે મારા માટે સદા ‘યંગમેન’ જ રહ્યા, એમને છોડીને ક્યાંય જવાની નથી. અમિત મારી સાથે આપણાં  જ ઘરમાં રહેશે ‘ઘર જમાઈ’  બનીને. પપ્પા છે ત્યાં સુધી તો હું આ ઘર છોડી કયાંય જવાની નથી.અમે પપ્પાની સેવા-ચાકરી કરતા રહીશું. એ અમે બન્ને એ ઓલરેડી   નક્કી  કરી લીધું છે.”  શીવની આંખોમાં આંસુ ઉપસી આવ્યા.શીવ વૃંદાને માથે હાથ ફેરવવા લાગ્યો. બધી દીકરી બાપને  ડિલે બાજી પડી. વૃંદા પપ્પાની છાંતી એ ચીપકી ગઈ. શીવ ઊંડો શ્વાસ લઈ બોલ્યો
-“બેટા! આવું ન હોય.મારું આયખુ તો હવે પૂરું થવા આવ્યું.તારી સામે લાંબું આયુષ્ય ખડું છે.  તું હવે તારું વિચાર.” 
    “મારું તો ઘણું વિચાર્યું તમે પપ્પા, હવે તમારી સાર-સંભાળ અમારે લેવાની છે. તમારા બાકી રહેલા  ઘણાં ઘણાં વરસો હવે માત્ર અને માત્ર  મારા અને અમિતના. સમજી  ગયા?” કહેતાં વૃંદા શીવની છાંતીમાં વધુ ને વધુ લપાતી ગઈ.શીવની આંખોમાંથી વહેતાં આંસુઓમાં કંઈક અદૃશ્ય સંતોષ અને ગર્વની લાગણી પ્રતિબિંબિત થઈ રહી હતી.                    
                                                                                 (સત્ય ઘટના આધારિત)
                                               * * *