પિતા Dr.Krupali Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિતા

ક્યારેય કોઈની સામે પોતાની વેદના ના બતાવતા અને બધું પોતાની અંદર છુપાવીને રાખતા પિતાની તેની દિકરી પ્રત્યે ની લાગણી, ચિંતા, પ્રેમ અહી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે ...આશા કરું છું કે તમને પસંદ આવશે.


પિતા


એક એક પળ આજે જાણે તેને એક વરસ જેવી લાગે છે ...
ઓપેરશન રૂમ ની બહાર આમતેમ ચક્કર ફરે છે.....
કેટલા વિચારો મગજ માં ઘૂમે છે ....

આજે તેને ક્યાંય પણ ચેન નથી આવતું.

ત્યાં એક નાના બેબી નો રડવાનો અવાજ સંભળાય છે ....તે અધીરો બનીને દરવાજે ઊભો રહી જાય છે .

નર્સ બહાર આવીને તે નવજાત બાળકી ને જ્યારે તેના પિતાને આપે છે...ત્યારે ખૂબ સાવધાની થી તે પિતા પોતાના હાથ લંબાવીને પોતાની ગોદી માં લ્યે છે.

પોતાની દીકરી નો ચેહરો જોતા જ અશ્રું વ્હે છે ...ત્યારે જ તેની વ્હાલી દીકરી નો કોમળ હાથ તેના પિતાને સ્પર્શે છે.તેની વ્હાલસોયી દીકરી નો હાથ તેના હાથ માં આવતા જાણે લાગે છે કે આજે દીકરી નો નહિ પણ તેના પિતાનો બીજો જન્મ થયો છે.

એ પિતાની નજર પોતાની દીકરી પરથી હટતી નથી.

પોતાની દીકરી ના જન્મ ની ખુશી માં તે બધાને આજે મીઠાઈ વ્હેચે છે..ખુશી નાં અશ્રુ થી આંખો જાણે પળે પળે ભીંજાય જાય છે .

માતા જન્મ તો આપે છે ....પણ તેના માટેના સપના તેના પિતા પરોવા માંડે છે .તે પોતે ભૂલી જાય છે કે ...પોતાની દીકરી ના સપના પાછળ પોતાના સપના હાથ માંથી સરકતા જાય છે.

રાતે દીકરી ના અવાજ થી પણ એ બેચેન બની જાય છે ...માતા શાંત કરીને તે દીકરી ને પાછી પારણામાં તો સુવડાવી દે છે ..પણ પોતાની દીકરી નું રડવું તે સૂતા હોય તેમ દેખાડતા પિતાને બંધ આંખે પણ કંપાવી જાય છે.

આજે એની દીકરી ગોઠણભર ચાલતા શીખી છે ...તેને જોઈને બધાને ખુશી થાય છે ....જયારે પોતાની દીકરી ને કઈ વાગી ના જાય એવી ચિંતા તેને મનમાં સતાવી જાય છે.

પોતાની દીકરી નો ચેહરો જોઈને સવારે કામ પર જાય છે..પણ બે ધડી ત્યાં જ વિચાર માં પડી જાય છે.

એક તરફ પોતાની વ્હાલી દીકરીને જોઈને તેને છોડીને જવાનું મન નથી થતું ...જ્યારે બીજી તરફ પોતાની દીકરીને બધી સુખ સગવડ ...અને બધા સપના પૂરા કરવાના વિચાર થી રોજ અળગા થાય છે.

આજે તેની દીકરી ધીમે ધીમે ડગલી ભરતા શિખી ગઈ છે ..તેની આગળ વધતી ડગલી થી તેણે એમ લાગે છે ...જાણે મારી લાડલી હાથમાંથી છૂટી જાય છે .

આજે તેની એક નાની ડગલી પણ તેને ડરાવી જાય છે .જે ઓપેરશન રૂમ ની બહાર ઊભા રહેલા પિતાને સમય ખૂબ લાંબો લાગતો હતો ..એજ સમય આજે જાણે તેને હાથમાંથી છૂટતો હોય એવું લાગે છે .

હવે તેની દીકરી શાળાએ જવાની ઉંમર લાયક થઈ ગઈ છે ...બે ચોંટી વાળીને યુનિફોર્મ માં ફરતી પોતાની લાડકી ની આજે તેને ચિંતા સતાવી જાય છે .

મારી લાડલી ને કોઈ બીજા બાળકો હેરાન કરશે તો નહિ ને ...કોઈ રડાવશે તો નહીંને...એમ વિચારતા વિચારતા તે પિતા શાળા ના ગેઈટ પાસે પહોંચી જાય છે .

જ્યારે બાય ડેડી કહીને તે માસૂમ દીકરી સ્મિત કરે છે ...ત્યારે શાળા ના ગેઇટ પાસે પોતાની દીકરી નો હાથ છૂટતા લાગે છે કે જાણે મારી લાડલી હાથમાંથી છૂટતી જાય છે.

દિવસો પસાર થતા થતા તેની દીકરી મોટી થતી જાય છે....સવારે શાળા...સાંજે ટ્યુશન માં જ પોતાનો સમય પસાર કરવા લાગે છે..ત્યારે છાના બારણે પણ તે પોતાની આંખો તેની દીકરી ને જ નીહાળી રહી હોય છે ...પહેલા નજર ની સામે હસતી ખીલતી દીકરીને આજે આમ છુપાઈને જોતા એમ લાગે છે જાણે મારી લાડલી હાથમાંથી છૂટતી જાય છે.

સાંજે બહાર એકલા બેઠા એ પિતાને આજે દાદા સમજાવા આવે છે.તારી દીકરી મોટી થતી જાય છે ...તૈયારી ચાલુ કરવાની છે તારે .... કંઈ ભેગુ કર્યું છે કે નઈ...એવું પૂછતા એ દાદાને કોણ સમજાવે કે આ સાંભળીને જીમ્મેદારી કરતા તેને પોતાની વહાલસોયી દીકરી થી દૂર થતાં જવાનો ડર સતાવે છે .

આખી રાત તેને ઊંઘ નથી આવતી ...ક્યાંક આંખ ના ખૂણે બંધ આંખે આંશુ પણ ટકોર કરી જાય છે...જાણે મારી લાડલી હાથમાંથી છૂટતી જાય છે.

તેની દીકરી કોલેજ માં જતી થાય છે ...પોતે તો પોતાની દીકરી ને સારા સંસ્કારો આપીને લાડ પ્યારથી ઉછેરી છે ...પણ ત્યાં કોઈ છોકરો તેને હેરાન કરશે તો તેને ખોટી નજરે જોશે તો ...એવી તેને મનમાં ચિંતા સતાવી જાય છે ...કોલેજ માં પોતાની સહેલીઓ સાથે હસતી મસ્તી કરતી દીકરી ને જોઇને પિતાને એમ થાય છે ...જાણે મારી લાડલી હાથમાંથી છૂટતી જાય છે.

હવે તેની દીકરી ઉંમરલાયક થઈ ગઈ છે ...તેની દીકરી ના સગપણ નક્કી કરવાની વાતો ઘર માં થાય છે ...પણ એક એક દિવસ ગુજરતા ની સાથે ...એક એક રાતો એ તેની બંધ આંખો રોજ ભીની થતી જાય છે.

તેની લાડકવાયી નું સગપણ નક્કી થતાં તેને આજે જીમ્મેદારી કરતા ડરની લાગણી વધુ સતાવી જાય છે. જાણે તેની લાડલી હાથમાંથી છૂટતી જાય છે.

લગ્નના એ ચોરીના ફેરાની સાથે તેના પિતાના દિલની ધડકન ધીમી થતી જાય છે ...જાણે મારી લાડલી હાથમાંથી છૂટતી જાય છે..

પેહલી વાર જે પિતા તેના દીકરી ના સમયે રડ્યા હતા ...ત્યારે તેનો નવો જન્મ કેહવાયો હતો ....તેને પોતાનો એ જન્મરૂપી ફેરો અહીં પૂરો થતો જણાય છે...લાગે છે જાણે મારી લાડલી હાથમાંથી છૂટતી જાય છે.

આજે પોતાની દીકરીને વિદાય આપવા જતા તેના પિતા એક એક ડગ આગળ ભરે છે તેમ દીકરીના જન્મ થી લઈને એક એક ચિંતા પોતાને મનમાં સતાવતી હતી...એ યાદ કરીને આજે તેના અશ્રું બેકાબૂ થાય છે ...જે આજે એ પિતાના શર્ટ ને પણ ભીંજવી જાય છે ...લાગે છે જાણે મારી લાડલી હાથમાંથી છૂટતી જાય છે.

વિદાય સમયે કાર માં બેસાડવા જતા જ્યારે તેની વ્હાલી દીકરી નો એક હાથ તેના પતિ ના હાથ માં અને બીજો હાથ તેના પિતા ના હાથ માં હોય છે અને...દીકરીના ચોધાર આંસુ એ રુદન કરેલા એ ચેહરા ને જોઇને તેના હાથ માંથી એ હાથ છૂટીને ગાડી નો દરવાજો બંધ થાય છે...ત્યારે એ પિતાને લાગે છે જાણે મારી લાડલી નો હાથ હવે સાચે જ હાથમાંથી છૂટ્યો છે...જાણે આજે તેનો પિતારૂપી સમય ખૂટ્યો (પત્યો) છે.


સમાપ્ત.


કોણ જાણે બંધ આંખો માં કેટલા આંશુ અને ચિંતા સમાયેલા છે ...સમય રહેતા પારખી લેજો,
આપનું જીવન કીમતી બનાવવા વાળા ...પોતાનું જીવન ટૂંકાવી જાય એ પેહલા એની કિંમત જાણી લેજો.