બે દીકરા ચોવીસ કેરેટનાં હીરા કુંજ જયાબેન પટેલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે દીકરા ચોવીસ કેરેટનાં હીરા

" બે દિકરાં "
'ચોવીસ કેરેટનાં હીરા'

જોયાં છે દરરોજ ધણાં "પરિવાર" વેખેરાંતાં,
નથી જોયાં ક્યારેય "ફરીવાર" ભેગાં થતાં....
- કુંજ જયાબેન પટેલ


રવિવાર હતો, દિવાલ ઉપર લટકેલી ડિજટલ ધડિયાળમાં સવા નવ થયા હતા, સુરતીઓનો રવિવાર એટલે ફાફડા-જલેબી, ખમણ-ઢોકળા, લીલી ચટની, પપૈયાનો છીણો અને ગરમાગરમ મસાલેદાર ચા.

વિમલભાઈ અને તેમના પત્નિ અક્ષિતાબેન, બે દિકરાં નાનો હિમાંશું અને તેની પત્ની વિશ્વા, મોટો દિકરો કિરીટ અને તેની પત્ની કાજલ અને બે નાના ટાબેરીયા દક્ષ અને અંશ તમામ એક જ ડાઈનિંગ ટેબલ ઉપર ચા-નાસ્તાની જમાવટ કરી હતી. ગુજરાતી પરિવાર અને એય પાછો સંયુક્ત કુટુંબ. જાણે સાત તારાનાં ઝુમખામાં એક તારો વધી ગયો હોય એમ આઠ વ્યક્તિનું કુટુંબ સાથે રહી "નાનું કુટુંબ સુખી કુટુંબ" કહેવત ને ખોટી પાડી સૌ સાથે રહેતા હતાં. ખુબ જ સુખી અને સમ્રુધ્ધ પરિવાર, પૈસા ટકે પણ ખુબ જ સુખી. કોઈ દિવસ ઝગડો કે કંકાસ નહીં, બે-બે વહુ અને સાસુંમા હોવા છતાં કોઈ દિવસ મતભેદ વિના રહેતો પરિવાર. ગુજ્જુ લોકોની ભાષામાં કહીયે તો "ખુબ જ મોજ" થી રહેતા હતા. ગુજરાતી ની એક આગવી ઓળખ હોય છે ધંધાની. લગભગ બાળપણથી જ અમુક ધંધાની દિશામાં ઝંપલાવી દે છે.
આમ, અગાઉ વિમલભાઈ અને અક્ષિતાબેન પણ ખૂબ કરકસરથી જીવી લગભગ ત્રીસ વરસ પહેલાં એક પેઢી ચાલું કરી હતી જેનું નામ હતું "સુરતી ટ્રાન્સપોર્ટ". લગભગ આજની મહિના કમાણી ત્રણ લાખને આંબી ગઈ હતી. "મહેનત ના ફળ હંમેશા મીઠા હોય" આ કહેવત ને ધ્યાનમાં લઈ શરુઆત ફક્ત ધણાં જ ઓછા નફાથી ચાલું કરેલ આ પેઢી આજે લાખો રુપિયાનું ટર્નઓવર કરતી પેઢી બની ગઈ હતી.

જે સમયે પેઢી ચાલું કરી એ સમયે કિરીટ અને હિમાંશું બંન્ને ટુંકી ચડ્ડી પહેરતાં હતાં. વિમલભાઈએ અને અક્ષિતાબહેને બંન્ને ને ખુબ જ લાડકોડથી ઉછેર્યા હતાં. કરોડો રૂપિયા ખર્ચીને ય ન મળે એવાં સંસ્કારોનું સિંચન કર્યું હતું. અને એજ સંસ્કારોને સાથે લઈ બંન્ને પણ મહેનત અને લગનથી ભણીગણી ને "સુરતી ટ્રાન્સપોર્ટ" ની પેઢીને આગળ વધારવા માટે પિતા સાથે જ પેઢીમાં કામ કરવાં લાગી ગયાં.

વિમલભાઈની ઉંમર હવે, પાંસઠનો આંકડો પાર કરી ગઈ હતી. તોય દરરોજ પેઢીએ જતાં, બંન્ને પુત્ર કામ તો ન કરવાં દેતા પણ, હા દરેક વાતે શીખામણ લઈને જ કામ કરતાં.

રવિવાર હોવાથી તમામ ટી.વી ઉપર રમુજ કાર્યક્રમ જોતાં જોતાં નાસ્તો કરતાં હતાં. આજ સમયે એક કાળા કોટ પહેરેલ વ્યક્તિ હાથમાં ત્રણ-ચાર ફાઈલ લઈને આવતાં હતાં. આવતાંની સાથે જ વિમલભાઈ એ કહ્યું "આવો આવો શૈલૈષભાઈ હું અને અક્ષિતા તમારી જ રાહ જોતા હતાં, ચાલો બેસી જાવ તમે પણ નાસ્તો કરવાં"
"હા, ટાઈમપર જ આવ્યો એમને" શૈલેષભાઇની વાતો સાંભળી તમામ ખડખડાટ હસી પડ્યાં.
આ શૈલેષભાઈ એ એટલે વિમલભાઈનાં ખાસ મિત્ર. અને સાથે એક પ્રતિષ્ઠિત સરકારી વકીલ પણ હતાં.

શરુઆતમાં કિરિટ અને હિમાંશુંને એમ જ હતું કે રવિવાર છે એટલે શૈલેષકાકા પિતાજીને મળવા આવ્યા હશે. પણ નાસ્તાની જમાવટ પૂરી થતાં જ શૈલૈષભાઈ એ કહ્યું "લો, વિમલભાઈ તમારા કહેવાં મુજબનું પેઢી નામું તૈયાર કર્યું છે. મોટા દિકરાં હિંમાશું ના ભાગમાં પેઢીની કમાણીનો પાત્રીસ ટકા હિસ્સો અને નાના દિકરાં કિરીટનાં પાત્રીસ ટકા. બંન્ને મળીને થયાં સિત્તેર ટકા અને જે ત્રીસ ટકા વધ્યાં એમાંથી વિસ ટકા વિમલભાઈ એ બનાવેલ "અનાથ આશ્રમ" માં જશે અને દસ ટકા હિસ્સો વિમલભાઈનાં ખાતામાં જશે. રહ્યો સવાલ બે ધરનો તેમાં વરાછાનો "પિતૃછાયા" બંગલો હિમાંશું ના ભાગમાં આવે છે, અને અડાજણનો બંગલો "માતૃછાયા" કિરિટનાં નામે આવે છે, અને આ જે બંગલાંમાં તમે લોકો રહો છો એ બંગલો બંન્ને દિકરાંમાંથી જે દિકરો માતા-પિતાને રાખશે એનાં ભાગે આવશે, અને હા બેંક અને શેરભંડોળ તેમજ ધરેણાં-જવેરાતો તમામની કિંમત અંદાજીત અઢી કરોડ છે, એ પણ કંપની ના નફા પ્રમાણે ચાર ભાગમાં વહેંચવામાં આવશે, આ રહી આ તમામ ફાઈલો. આટલું બોલી શૈલેષભાઈ પાણીનો આખો ગ્લાસ ગટગટાવી ગયાં.

બંન્ને દિકરાં અને વહુંઓ બસ, શૈલેષભાઈ અને પિતા વિમલભાઈને જ જોતા રહી ગયાં, જાણે એક નાનું સપનું પલકારા મારતાં વેંત જ તેઓની સમક્ષથી પસાર થઈ ગયું.
અક્ષિતાબેનની આંખમાં આંસું હતાં, દિકરાંઓએ આંસું છુપાવી લીધાં.
"તમે, આટલો મોટો નિર્ણય લીધો અને અમને જાણ પણ ન કરી પિતાજી" બોલતાં બોલતાં હિમાંશું જગ્યા ઉપરથી ઉભો થઈ ગયો.
"અરે એમાં જાણ કરવાં જેવું છે જ શું? તમે જ કહો, આટલાં વર્ષોનો અનુભવ છે મને કોઈનું ખોટું ન થવાં દઉં" કપડા સરખા કરતાં વિમલભાઈ બોલ્યાં.
"પણ, પિતાજી અમે ક્યાં કોઈ દિવસ કહ્યું હતું કે તમે અમને ભાગલા પાડી દો, આ અચાનક થયું શું છે તમને, શું જરુર પડી ગઈ તમને આ કરવાની" ચશ્મા કાઢી કિરીટ બોલ્યો.
"થયું કંઈ નથી પણ, હવે હુંય પાંસઠ પાર કરી ગયો છો. હવે, હું ક્યાં ઝાઝું જીવવાનો છું? મારા દેહત્યાગ બાદ તમે આ બાબતને લઈને કોઈ દિવસ ન ઝગડો એ માટે મક્કમ થઈ મેં આ નિર્ણય લીધો છે." વિમલભાઈની આંખો લાલ થઈ ગઈ હતી કારણ કે કદાચ આવા વેણ પહેલ વાર જ પોતાના પુત્રને કહી રહ્યા હતાં.
અક્ષિતાબેન, વહુ વિશ્વા અને કાજલ નિઃશબ્દ થઈ બસ એકબીજા તરફ નજર કરી રહ્યાં હતાં.
વાતાવરણ થોડું ગમગીન બની ગયું હતું. ન ખબર કેમ આજે ધણાં વર્ષો બાદ આજે પહેલી વાર એવું બન્યું હતું કે ધરમાં ચારેકોર શાંતિ ફેલાઈ ગઈ હતી. તમામ વિમલભાઈ નાં નિર્ણયને સમજવામાં અસમર્થ હતાં તેથી સૌ ચુપચાપ હતા.
તમામને નિઃશબ્દ જોઈ વિમલભાઈ દિલ પર પથ્થર મુકી બોલ્યાં "આવતીકાલે તમારે બંન્ને એ નિર્ણય લેવાનો છે કે કોણે પોતાના મા-બાપને સાથે રાખવા છે, અને તમામ મિલકતોનો પોતપોતાનો હિસ્સાની ફાઈલો ઉપર સહી કરવાની છે, આવતી કાલે સોમવાર છે અને જાહેરરજા છે, ઓફિસ બંધ રહેશે, એટલે તમે બંન્ને સાથે મિટીંગ કરી ને નક્કી કરી લો કે શું કરવું છે શું નહીં.?"
આટલું બોલી વિમલભાઈ ઝડપભેર પોતાના શયનકક્ષમાં જતા રહ્યા. (કદાચ આંસું રોકવામાં સક્ષમ ન હતાં તેથી.)
હિમાંશું અને કિરીટ બંન્ને પણ થોડા નારાજ થઈને ધરની બહાર નિકળી ગયાં.
અક્ષિતાબેન, વહુ વિશ્વા અને કાજલ પણ ડાઈનિંગ ટેબલ ઉપર પડેલ વસ્તુંઓને સમેટવાં લાગી ગયાં.

આ તરફ હિમાંશું અને કિરીટ રવિવાર હોવાં છતાં ઑફિસ ઉપર ગયા, અને બંન્ને એ પિતાજી એ કરેલ વાતનો સમજી વિચારીને એક મક્કમ નિર્ણય લીઈ છુટા પડ્યાં.

સાંજના લગભગ આઠ વાગ્યા હતાં, હિમાંશું અને કિરીટ ધરમાં આવ્યા, બંન્ને વહુઓ એ આજે પિતાજીની પસંદનું રીંગણભરથું અને બાજરીનો રોટલો અને ગોળ-ધી તમામ વસ્તુંઓ થાળીમાં પિરસી, સૌ ડાઈનીંગ ટેબલ ઉપર કંઈ પણ બોલ્યાં વગર જમી રહ્યાં હતાં, આજે પહેલો એવો દિવસ હતો કે બધાએ જમવાનું દસ મિનિટમાં પુરું કરી નાંખ્યું, દરરોજ જમવાનું પતાવી વિમલભાઈ અને દિકરાં "સુરતી ટ્રાન્સપોર્ટ" ની પેઢીમાં થયેલ કામ અંગેની વાતો કરતાં. પણ આજે વાતાવરણ કંઈ અલગ જ હતું. લગભગ બંન્ને દિકરાં રૂમમાં જતાં જ હતાં ત્યાં જ વિમલભાઈ ગળગળાં અવાજે બૉલ્યાં "આવતીકાલે નિર્ણય લેવાનો છે ભૂલી ના જતાં , યોગ્ય નિર્ણય લઈ લેજો"
આટલું બોલી વિમલભાઈ પોતાના રૂમમાં જતા રહ્યાં.

ધરકામ પુરૂ કરી અક્ષિતાબેન રૂમમાં ગયાં જોયું તો વિમલભાઈની આંખોમાંથી કિમતી આંસું ટપટપ કરતાં ગાલો ઉપરથી પસાર થતાં હતાં. અક્ષિતાબેન પણ એક પડખે સુઈ રડી રહ્યાં હતા. સંસ્કારી એટલાં હતાં કે વિમલભાઈને આ બાબતે રોકટોક કે સમજાવવું એમનાં હાથમાં ન હતું. છતાં મનોમન ભગવાનને પ્રાથનાં કરી કે "ગમે તેમ કરો, પણ મારા પુત્રોથી અમને અલગ ન કરતાં".
લગભગ રાત્રીનાં એક વાગી ગયાં હતાં તો પણ વિમલભાઈ અને અક્ષિતાબેન ને ઉંધ ન હતી આવતી. આવે પણ કેમ કેટલાંય વર્ષોથી સાથે રહેતું પરિવાર વિખેરાઈ જવાની બીક હતી મનમાં.
હિંમાંશું અને કિરીટ પણ આજે વહેલાં સુઈ ગયાં.
સવાર થઈ, નવ વાગ્યે તમામ લોકો હાજર થયાં. તમામ નાં ચહેરાં દુઃખ થી ભરચક હતાં. શૈલેષભાઈ પણ હાજર હતાં. વિમલભાઈ બોલ્યાં શું નક્કી કર્યું,
હિમાંશું બોલ્યો "કંઈ નહીં આટલાં વર્ષોથી સાથે રહેતું કુટુંબ વિખેરી નથી નાંખવું અમારે, પપ્પા તમે વિચારી જ કેમ લીધું આવું? અને આવો નિર્ણય ન લેવાનું હતું.
તમામ હિમાંશું ને તાકી ને જોઈ રહ્યા હતાં.
કિરીટ બોલ્યો "પપ્પા તમે, લોકો નાં ધર નાં લડાઈ-ઝગડાં જોઈને આ નિર્ણય લીધો. શું તમને તમે આપેલાં સંસ્કારો ઉપર વિશ્વાસ નથી.? પપ્પા શું તમે અમારાથી અલગ રહી શકશો.?
વિમલ ભાઈ આજે પહેલી વાર નીચું જોઈ ગયાં.
ધર ના તમામ સભ્યોની નજર બંન્ને પુત્ર ઉપર હતી.
"પપ્પા આપણું એક જ કુટુંબ એવું હશે જે આજના આ જમાનામાં પણ સંયુક્ત છે, બાકી ધણાં પરિવારો વિખેરાય જાય છે." કિરીટ બોલ્યો.
"હું અને કિરીટે બંન્ને એ નિર્ણય લીધો કે ગમે એ થાય આપણી એકતા જ આપણી તાકાત છે, ભૂલથી પણ અલગ નથી થવું" હિમાંશું બોલ્યો.
"પપ્પા આ ઉંમરે તમે જુદા રહેવાની વાત કરો એ યોગ્ય નથી. આટલું બધું મારાથી તમને બોલવાનો હક જ નથી છતાં આજે બોલું છું. પણ શું કરીશું આ દોલતનો હિસ્સો લઈને? તમે જ કહો." કિરિટ એ કહ્યું.
"પણ હું નથી ઈચ્છતો કે મારા ગયા પછી તમે લોકો આ સંપતિ માટે ઝગડો એ" વિમલભાઈ બોલ્યાં.
"શું તમને અમારા ઉપર વિશ્વાસ નથી? આટલાં વર્ષોમાં કોઈ દિવસ કંઈ પણ બાબતે ઝગડો કર્યો છે ખરો? એ સંપતિ પણ શું કામની જ્યાં માતા-પિતાનો પ્રેમ ન હોય" હિમાંશું રડમસ અવાજે બોલી ગયો.
"પપ્પા હું અને હિમાંશુંભાઈ હંમેશા તમારી સાથે રહેવા ટેવાયેલાં છે, આટલાં મોટા હોવાં છતાં જાતે નિર્ણય લેવાં પહેલાં તમને પૂછીયે છીએ. શા માટે? કારણ કે તમે જ છો સાચા ગુરૂ અમારા. અલગ થવાં કરતાં સાથે રહેવું ભલું, 'એકતા માં જ તાકાત છે" તમે જ અમને શિખવાડ્યું છે" કિરીટે વિમલભાઈનો હાથ પકડતાં કહ્યું.
"ધણાં લોકો નાં કુટુંબ આ જ રીતે તૂટતાં જોયાં છે, "સંપ ત્યાં જંપ" કહેવત કંઈ એમનેમ નથી હોતી. અને લોકો કહે છે કે વહુંઓ આવી જાય ત્યારબાદ ધરમાં લડાઈ-ઝગડાં વધી જાય છે, પણ આજ દિન સુધી તમે જોયું છે ખરું કે વિશ્વા અને કાજલ કોઈ દિવસ ઝગડ્યાં હોય? માં એ અમનેં જ નહીં બંન્ને વહું ઓને પણ સારા સંસ્કાર આપ્યાં છે, પોતાની દીકરીની જેમ રાખી છે" હિમાંશુંથી આંસું ન રોકાયા આંસું ગાલ ઉપરથી સરવાં લાગ્યાં.
"આપણાં આખા સમાજમાં અને શહેરમાં આપણું નામ છે અને વખાણ છે કે સંયુક્ત કુટુંબ એટલે વિમલભાઈનું કુટુંબ. એ કુટુંબ વિખેરાય જતાં અમે ન જોઈ શકીયે." કિરીટ બોલી ગયો.
"શહેરમાં ધણાં પરિવાર છે ત્રણ ત્રણ છોકરાં હોવાં છતાં
મા-બાપે અલગ જીવવું પડે છે, એટલાં ક્રુર અમે નથી" હિમાંશું આંસું રોકવાં હજી સક્ષમ ન હતો.
આજ સમયે વિમલભાઈ જગ્યા ઉપરથી ઉઠ્યાં અને આંખમાં લાગણીનાં ટીપાં સાથે બોલ્યાં " ધણું જીવો મારા પુત્રો, ધન્ય છું હું અને તમારી માતા બંન્ને કે અમોને આવાં પુત્ર અવતર્યા છે, અમને અમારા સંસ્કાર ઉપર પુરો ભરોસો હતો. માફ કરી દો અમને અમે બંન્ને બસ તમારી કસોટી કરતાં હતાં. અને કસોટીમાં તમે પાર ઉતર્યા છો."
બંન્ને દિકરાં પપ્પા પાસે આવ્યાં અને ભેટી પડ્યાં. ધરમાં હાજર તમામ વ્યક્તિની આંખો ભરાઈ ગઈ હતી.
"પપ્પા આજ પછી ભૂલથી પણ આવું ન વિચારતાં કે કસોટીનાં લેતાં, અમારે તો જીવનભર તમારી સેવા કરવી છે, પહેલાં તમે જ છો અમારા ભગવાન." હિમાંશું રડતાં રડતાં બોલ્યો.
"બસ, દિકરાં હવે નહીં રડો, આજે ખુશીનો દિવસ છે, હું પણ એવું ન ઈચ્છતો હતો, પણ અાજનાં સ્વમાની જીવન માં તમે શું નિર્ણય લો એ મારે જાણવું હતું." વિમલભાઈ એ હિમાંશું ના ચુપ રાખતાં કહ્યું.
આટલું સાંભળી ન ચુપ રહેવાતા સુભાષભાઈ બોલ્યાં "ખરેખર વિમલ તને આજે "બે દિકરાં" નાં બાપ હોવાંનો ગર્વ થશે, તું કોઈ દિવસ નીચું મોં નહીં કરે, ખરેખર ધડપણનાં ટેકા નિકળ્યાં. તારાં બંન્ને પુત્રો નહીંતર આવાં કેટલાંય કેસોનાં હિસ્સા મેં કર્યા છે, આ પહેલો કેસ કાબિલ-એ-તારીફ છે. તમારાં સંસ્કારો તો ધન્ય છે જ પણ તારા બંન્ને દિકરાં ''ચોવીસ કેરેટનાં હિરાં છે"
ધન્ય છે તારું જીવન."
"વહું બેટા આજે મારા બંન્ને દિકરાંનું ભાવતું ભોજન બનાવો. આજે હું ખુબ જ ખુશ છું. ગર્વથી કહીશ હું "મારાં દિકરાં 'ચોવીસ કેરેટનાં હિરાં' છે." વિમલભાઈ એ બંન્નેની પીઠ થપઠપાવી.
તમામની આંખોમાં ગજબનાં આંસુંઓ હતાં...

"પરિવાર" ત્યારે જ "પરિવાર" કહેવાય જ્યાં સૌ બીજા જનમમાં પણ "ફરીવાર" અવતરવાનું પસંદ કરે...

લેખક : કુંજ જયાબેન પટેલ