ગંગામાસી કુંજ જયાબેન પટેલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગંગામાસી


ગંગામાસી


વધેલી બે રોટલીમાં તેલ નાંખીને ખાઈ એ ઊભી થઈ, વાડામાં જઈ એક ટોપલો ભરેલાં વાસણો ધોવા માટે બેઠી. સૂરજ દાદા માથાની વચ્ચોવચ ઊભા રહી આગની વર્ષા કરી રહ્યાં હતાં. ગરમ પવન ચામડી બાળી રહ્યો હતો. તેણીએ પાણીની છાલક મારી ઠંડકનો અનુભવ કર્યો.

"લે, કાંસકી લે, બુટ્ટી લે, ચાંદલા લે, મંગળસૂત્ર લે એ એ..."

ભરબપોરે પણ આ અવાજ અત્યંત ઘાટો હતો. ધીરે ધીરે એ અવાજ ખૂબ જ મોટો થતો ગયો. કંઇક યાદ આવતાં એ વાસણો બાજુમાં મૂકી જલ્દીથી બહાર દોડી. બહાર જઈને જોયું તો એકદમ આવાક થઈ ગઈ.

પચાસેક વટાવી ચૂકેલી એક માજી જોઈ. મેલું લૂગડું કાછડો વાળીને પહેર્યું હતું, ચોળી અને લૂગડાંનાં રંગમાં થોડી પણ સમાનતા નહીં, માથે એક રૂપિયાનાં સિક્કો જેવડો મોટો લાલ ચાંદલો, ચહેરા,ગળા અને હાથ ઉપર મેળામાં કોતરાવેલા વત્તા-ઓછાનાં ચિહ્નોના છૂંદણા, અડધાથી વધારે સફેદ વાળ, પગમાં તૂટુ તૂટુ થઈ રહેલી ચંપલ, જેમાં એક ચંપલના પટ્ટાની જગ્યાએ દોરી બાંધી હતી, માથે અડધી ખુલ્લી પતરાંની પેટી જેને એક હાથે પકડી હતી, બીજા હાથમાં એક મોટો કાપડનો થેલો. જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ સુધાની નજર એને જોવા તલપાપડ થતી હતી.

***
સુધા ભૂતકાળમાં સરી પડી.

"મમ્મી, જલ્દી ચાલ પેલી ગંગામાસી આવી. મારી લાલ પટ્ટી તૂટી ગઈ છે, મને લઈ આપ, નિશાળે માસ્તર પણ હવે તો ખીજાય છે, બે ચોટલી ના કરું તો નિશાળે આવવાની ના પાડે છે"

"હા, મારી બચ્ચી આજ તને પટ્ટી લઈ જ આપું, આજ મારી મજૂરીના પૈસામાંથી થોડાં બચાવ્યા જ છે."

"મમ્મી, પેલી મારી બહેનપણી મસ્ત પિન પણ નાંખે છે એ પણ...."

"અરે, હા મારી બચ્ચી તને બધું લઈ દઉં બસ... આવ ગંગા મારી સુધા ક્યારની તને યાદ કરે છે"
આટલું કહી સવિતાબહેને ગંગામાસીનાં માથેથી પતરાંની પેટી નીચે ઉતારી.

"બેની, સુધા પાસે પાણી મંગાવને, આખું ગળું સુકાઈ ગયું છે" લૂગડાંનાં છેડેથી પોતાનાં મોંઢાનો પસીનો સાફ કર્યો.

સુધા આવે ત્યાં સુધીમાં તો ગંગાબાઈએ પોતાની પેટીમાંથી તમામ વસ્તુઓ બહાર કાઢી બતાવવાં લાગી.

"જુઓ સવિતાબેન આ ખાસ ચાંદલા છેક મુંબઈથી આવ્યા છે. લો તમારી સુધા માટે જૂ માટેની કાંસકી અને આ તમારા માટે તુલસીમાળા."

"લો, ગંગામાસી આ પાણી પી લો નહીંતર ગળું સુકાયેલ ભઠ્ઠા જેવું થઈ જશે અને જલ્દીથી પાણી પીને મારા માટે લાલ રંગની પટ્ટી આપો" આટલું બોલી સુધા પેટીનો સમાન અચરજથી જોવા માંડી.

"લે બેટા આ પટ્ટી અને આ તારી પિન. જો, છે ને પેલી તારી બહેનપણી જેવી જ" સવિતાબહેને સુધાને વસ્તુઓ આપતાં હરખ અનુભવ્યું.

સુધા પટ્ટી બાંધી ચોટલી વાળવામાં મશગૂલ થઈ ગઈ.

"એ ગંગા, શું ચાલે છે તારા જીવનમાં બધું ઠીકઠાક છે ને? અને તારી નાનકી કેવી છે? તારો વર! બધા મજામાં છે ને? એકીસાથે બધાં સવાલોનો રાફડો કરી બંને વાતે વળગ્યા.

"વરની તો વાત જ રહેવા દે બેની, આખો દિવસ ઘરમાં પડયો રે છે અને સાંજે હું જાઉં એટલે એને શરાબના પૈસા દેવાના, ના આપુ તો બરડો તૈયાર રાખવાનો! અને હા મારી નાનકી સારી છે હો, હવે તો પેલ્લી ચોપડી ભણવાય જાય."

"તારા વરનું આટલું બધું સહન કરવું પડે?"

"શું કરું? આપણે રહ્યાં સ્ત્રીની જાત! સહનશક્તિ પતી જાય તોય સહન કરવું જ પડે" આટલું કહી ગંગાએ પોતાનો ઉઘાડો લાલ રંગનો બરડો બતાવ્યો.

"તો એને છોડીને ક્યાંક જતી રેહતી હોય તો?"

"ક્યાં જાઉં? આ એક નાનકી ના હોત તો ક્યારની ઘર છોડીને ભાગી ગઈ હોત. તમારે તો પતિ છે જ નહીં એટલે આવું કંઈ હોય જ નહીંને?

"સારું ચાલ, હું પણ હવે મારું કામ પૂરું કરું, અને હા, સુખડી બનાવી છે તારી નાનકી માટે લેતી જા" એટલું કહી સવિતાબહેને સુખડીની પોટલી આપી.

માથે પેટી ચડાવી, હાથમાં થેલો લઈને ગંગામાસી નીકળી ગઈ.

***

"એ દીકરી, ક્યાં ખોવાઈ ગઈ તું? બોલ તારે શું જોઈએ છે?" એમ કહી ગંગામાસીએ પેટી નીચે ઉતારી.

"થોડીવાર બેસો હું આવું છું" કહી સુધા ઘરમાં દોડી.

થોડી જ વારમાં આવી અને કહ્યું "લો, માસી પાણી પી લો, ગળું સુકાય ગયું હશે"

ગંગામાસી હાથમાં લોટો લઈને એકી શ્વાસે આખો લોટો પાણી પી ગઈ.

"ગંગામાસી, વર્ષો પછી તમે આજે રતનપુર ગામમાં? તમે તો રાધનપુર, સાંતલપુર અને એની આજુબાજુના ગામોમાં જ વેચતાં હતાં ને? આજે આટલું દૂર રતનપુર સુધી આવવાનું કંઈ ખાસ કારણ?

"દીકરી તું છો કોણ? અને તને કેવી રીતે ખબર કે હું ત્યાં જ વેચતી હતી?

"તમે મને નહીં ઓળખી? હું સવિતાબહેન ની છોકરી, સુધા રાધનપુર! વડની બાજુમાં ઘર હતું એ! કંઇક યાદ આવ્યું?

આટલું સાંભળી ગંગામાસીએ નજર ઊંચી કરીને જોયું.
"અરે, સુધા તું? અહીંયા? કેવડી મોટી થઈ ગઈ છે તું?" ધગધગતા તાપમાં ચાલીને આવેલી ગંગામાસીનો બધો થાક પણ જાણે ઉતરી ગયો અને રાજીના રેડ થઈ ગઈ.

"હા, માસી, હું લગન કરીને અહીંયા આવી ગઈ"

ગંગામાસીએ ગળામાં નજર કરી, ક્યાંક મંગળસુત્ર ના દેખાયું કે ના તો એનો સેથો સિંદૂરથી ભરેલો જોયો એટલે કહ્યું,

"કેમ આ ડોશીની મજાક ઉડાવે છે ના સિંદૂર કે ના મંગલસુત્ર? એમનેએમ લગન કરી લીધા શું?

"માસી, સિંદૂર કે મંગળસૂત્રથી જ પત્ની નથી બનાતું, અગણિત સપનાઓને ભાંગીને ગુલાલ બનાવવો પડે છે!" પોતાનાં હાથમાં પડેલાં ઉઝરડાં જોઈ સુધા બોલી.

"હું રહી અભણ, આવી પહેલી ના ખબર પડે મને!!"

અને બંને ખડખડાટ હસી પડ્યાં.

"એ એ એ એ, પાણી લાવ વવવવ.... ક્યાં મરી ગ ઈ ઈ ઈ.."
ઘરમાંથી કંઇક તૂટેલી ફૂટેલી રાડ નીકળી રહી હતી.

"કોણ છે દીકરા અંદર, અને કેમ આટલી જોરથી બૂમો પાડે છે. હું કંઈ સમજી નહીં" ગંગમસીએ ઘરમાં ડોકિયું કરીને બોલ્યાં.

"એ એ એ તો કોઈ નહીં, તમે બેસો હું હમણાં આવું છું" કહી સુધાએ ઘરમાં દોડ લગાવી.

થોડી વારે આવ્યા પછી એણે હાશ લીધી. છાતી ઉપર હાથ મૂકી એ ચૂપચાપ બેસી રહી.

થોડું વિચાર્યા બાદ ગંગામાસી બોલ્યાં, "સુધા મને હજી પણ યાદ છે, તું નાની હતીને ત્યારે મારી આ પેટીમાંથી મંગળસૂત્ર લઈને ભાગી ગઈ હતી અને એ પેહેવાની જીદે ચડી હતી, મારા અને મમ્મીનાં કેટલાં સમજાવ્યા બાદ તું એ જીદ છોડી હતી" આટલું બોલી ગંગા હસવા લાગી.

"હા, માસી મને બધું યાદ છે, તમારી પાસે લીધેલી પટ્ટી, પિન, કાંસકી, ચાંદલા, ચૂડી એ બધું યાદ છે"

"દીકરા તું કેટલાં વર્ષથી અહીં રતનપુરમાં છે?

"છેલ્લાં ત્રણ વર્ષથી હું અહીંયા જ છું, મમ્મીનાં દેહાંત પછી દૂરનાં કાકાકાકીએ મને અહીં મોકલી દીધી."

"સવિતાબેન હવે નથી રહ્યાં!! એ જાણી થોડું દુઃખ થયું, પણ દીકરા આ ધરા ઉપર આવનારે એક વખત તો આ દુનિયા છોડી જવું જ પડે ને!"

"હા, માસી... પણ તમે અહીંયા રતનપુર?"

આટલું સાંભળીને ગંગામાસીની આંખો ભરાય ગઈ. ગળે ડૂમો બાઝી ગયો. આંસુ ટપકવા ઉતાવળા થતાં હતાં, પોતાની જાતને સંભાળી આંસુને સમજાવીને રોકી લીધા. સુધાને પણ હવે સાંભળવાની ધીરજ ખૂટતી જતી હતી છતાં મૂંગી બેઠી બેઠી એકી નજરે ગંગામાસીને જોઈ રહી.

"તું મારી દીકરી જેવી છે, પણ તું આ ગામમાં કોઈને કહીશ નહીં, મારી નાનકી નિશાળે ભણવાં જતી હતી" રોકી રાખેલાં આંસુ આંખમાં ના રહી શક્યાં દડ દડ કરતાં નીકળી ગયાં.

"હતી? મતલબ હું કંઈ સમજી નહીં"

એક સ્ત્રી બીજી સ્ત્રીની સહનશીલતા ખૂબ જ સારી રીતે જાણી લે છે એટલે જ સુધાની આંખો પણ ભરાઈ આવી.

"એક વરસ પેહલા, હું મારા રોજનાં કામ મુજબ ગામે ગામ આ કાંસકી, બુટ્ટી, ચાંદલા, ચૂડી વેચવા નીકળી ગઈ, નાનકી નિશાળે ગઈ અને અને" ગંગામાસીનો શ્વાસ ચડી ગયો, આંસુ હજી ગાલેથી સરકી રહ્યાં હતા.

"માસી, લો આ પાણી પી લો" કહી સુધાએ પાણીનો લોટો આપ્યો.

"દીકરી, કેટલાં વર્ષોથી આ વાત મેં મારા દિલમાં દફનાવી દીધી હતી, ઘણાં સમય પછી આજે આ સંગ્રહી રાખેલાં આંસુ નીકળી ગયા... નાનકી નિશાળે ગઈ હતી, હું સાંજે ઘરે આવી, નાનકી ના દેખાતાં મારી બોલતી બંધ થઈ ગઈ, આમતેમ દોડતા દોડતા એને શોધવા નીકળી ગઈ, મારી આંખો એને જોવા ખૂબ જ આતુર હતી, ખૂબ શોધી, પણ મારા કરમ કોડીના એ ના મળી, છેવટે હારી, થાકી હું ઘરે આવી." આટલું બોલી ગંગામાસી અટકી પડ્યાં.

"પછી શું થયું તમારી નાનકી ક્યાંથી મળી" સુધા ખૂબ જ આતુર થતી હતી.

"ઘરે આવીને જોયું તો મારો વર કૂવાના પાણીથી નાહતો હતો, પીધેલી હાલતમાં એનાથી ઉભુ રેહવું પણ મુશ્કેલ હતું, એની પાસે જઈને મેં નાનકી વિશે પૂછ્યું તો બસ, એણે ઝૂંપડી તરફ ઈશારો કર્યો. મેં દોડી, નીચે જોયું તો આંખો પહોળી થઈ ગઈ, હું સ્તબ્ધ, પગ તળેથી જમીન સરકી ગઈ, કપડાં વગરની નાનકી નીચે જમીન ઉપર સૂતી હતી, કેટલાંય અંગો લોહીથી લથપથ હતાં, જોતાં જ હું નીચે ઢળી પડી...." ગંગામાસીનું હૃદય એક શ્વાસ લેવાનું ચૂકી ગયું. અવાજો સાથે એ ફરી જોરથી રડવા લાગી.

સુધાએ એમને સાંત્વનાં આપી, થોડા સભાન કરાવ્યા. આમતેમ નજર કરી કોઈ દેખાતું ન હતું ઘરમાં જઈ એ ફરી પાણી ભરી લાવી.

પાણી પી ને ગંગામાસી ફરી બોલ્યાં "મારાથી ના સહન થયું, હું બધું સમજી ગઈ, ઝૂંપડીના ખૂણામાંથી કુહાડી લીધી અને ......"

"ગંગામાસી હું સમજી શકું છું તમારી હાલત, તમે એક જ સમયે દીકરી અને ક્રૂર પતિ બંનેને ખોઈ નાખ્યાં"

"ગામના લોકોને વાત કરી એમણે મને મદદ કરી, બંનેના ક્રિયા કરમ પૂરા કરીને એમણે મને અહીં ગામમાં ના રેહવાનું સૂચન કર્યું, થોડાં દિવસો પછી હું આ તરફ આવીને પોતાની જઠરાગ્નિ ઠારવા પ્રયત્નો કરવાં લાગી"

"હૈં, ગંગામાસી! તમે કંઈ પણ વિચારવા વગર તમારા વરને કુહાડી ઝીંકી દીધી હતી? સુધાએ આશ્ચર્યથી પૂછ્યું.

"હા, એક સ્ત્રી કેટલું સહન કરી શકે? પોતાની દીકરીની આવી હાલત કરનાર હેવાનને મારવા રણચંડી બનવું જ પડે ને! સ્હેજ પણ વિચારવા વિના મેં એને કુહાડીના ઘા ઝીંકી દીધા ભલે ને એ મારો વર રહ્યો!!!" ગંગામાસીએ હિંમતભેર જવાબ આપ્યો.

"આટલી હિંમત આવી ક્યાંથી તમારામાં માસી?" સુધાએ અચકાતા અચકાતા પૂછ્યું.

"ભલે આપણે રહ્યાં સ્ત્રીની જાત, સહનશક્તિની હદ વટાવી જાય તો એવાં દુષ્ટોને મારવા માટેની હિંમત, માતાજી કોઈ પણ રૂપે આપી દે છે દીકરી" ગંગામાસીએ લટકાવેલ લોકેટ બતાવીને કહ્યું.

"જે કર્યું એ સારું કર્યું, નાનકી ના રહી એનું દુઃખ હંમેશા મને પણ ખૂચતું રેહેશે"

"હા દીકરી, પણ, નાનકી હંમેશા મારા દિલમાં જીવંત છે અને રહશે. ચાલ બોલ લે પેટી ખોલી શું જોઈએ તારે બોલ"?

સુધાએ ચારે તરફ નજર કરી, થોડી વખત વિચાર્યું, એણે થોડું ક્રૂર હાસ્ય રેલાવ્યું. આંખો બંધ કરી, તરત ખોલી, ફરી બંધ કરી, ફરી ખોલી અને ગંગામાસીને કહ્યું.

"કાતર, મળશે?"

"શું? કાતર! મેં મને બરાબર સભળાયું નહીં!"

"હા. માસી, તમે સાચું જ સાંભળ્યું, કાતર"

"હા, લે જો, આ કાલે જ નવી કાતર આવી છે, એક મિનિટમાં તારા વાળનાં બે ભાગ કરી નાંખે એવી"

કાતર લઈ સુધા ઘરમાં ગઈ, વીસેક મિનિટ બાદ વેખેરાયેલાં વાળ અને ભયાનક મા ચંડીનું રૂપ ધારણ કરીને આવી, હાથમાં રહેલી કાતર ઉપર એકદમ તાજુ લાલરંગનું પ્રવાહી નીતરતું હતું. આવીને ગંગામાસી પાસે ઊભી રહી ઘાટા સ્વર સાથે બોલી...

"મા, મને હિંમત જોતી'તી અને તમે આપી, તમે મને તમારી નાનકીનાં રૂપમાં સ્વીકારશો??" સુધા એકીશ્વાસે બોલી ગઈ.

ગંગામાસી ફાટેલી આંખોએ સુધાનાં રોદ્ર સ્વરૂપને જોતી રહી. એણે એક પલક ઝબકાવી અને સુધાનો હાથ પકડી ઘરના પગથિયાં નીચે ઉતારી ગામની બહાર જતી રહી.

*** સમાપ્ત***


- કુંજ જયાબેન પટેલ "બારડોલી"