પંખ હૈ કોમલ; આંખ હૈ ધુંધલી,
જાના હૈ સાગર પાર...
જન્મથી જ જેની આંખોમાં રોશની નહોતી એવી છોકરી મોટી થઈને દેશની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ આઈએફએસ ઑફિસર બની!
બેનો ઝેફાઈન કહે છે કે ‘હું કોઈને રોલ મોડેલ માનતી નથી. હું માત્ર મારા પર જ વિશ્વાસ રાખું છું!’
સુખનો પાસવર્ડ
આશુ પટેલ
30 વર્ષ અગાઉ ચેન્નાઈના રેલવે કર્મચારી લ્યુક એન્થની ચાર્લ્સની પત્ની મેરી પદ્મજાએ એક પુત્રીને જન્મ આપ્યો. પુત્રીના જન્મ સાથે તે દંપતીએ આઘાત અનુભવવો પડ્યો. ના, દીકરી જન્મી એના કારણે તેમને આઘાત નહોતો લાગ્યો. તેઓ પુત્રીને પુત્ર કરતા ઊતરતી કક્ષાની ગણનારા હલકટ માતાપિતાઓ જેવા નહોતા, પણ ડૉક્ટરે તેમને કહ્યું હતું કે તમારી પુત્રી સંપૂર્ણપણે દૃષ્ટિહીન છે.
પોતાની પુત્રી અંધ છે એ જાણીને તે યુગલ પર જાણે વીજળી પડી, પણ તેમણે ઝડપથી પોતાની જાતને સંભાળી લીધી અને નિશ્ચય કર્યો કે અમે આ દીકરીને એ રીતે ઉછેરીશું કે તેને ક્યારેય લઘુતાગ્રંથિનો અનુભવ ના થાય કે તેને દૃષ્ટિનો અભાવ ન સાલે.
એ દંપતીએ પુત્રીનું નામ બેનો ઝેફાઈન પાડ્યું. તે ચાર વર્ષની થઈ એટલે તેને કોન્વેન્ટ સ્કૂલમાં દાખલ કરાઈ. તેના માતાપિતાએ તેનો ઉછેર એ રીતે કર્યો હતો કે તે પોતાના અંધત્વ માટે સહેજ પણ સંકોચ કે લઘુતાગ્રંથિ અનુભવતી નહોતી. તેની માતા તેને પુસ્તકો વાંચી સંભળાવતી અને વિશ્ર્વની મહાન વ્યક્તિઓ વિશે તેની ઉંમરમાં તે સહજ રીતે સમજી શકે એ રીતે તેને જ્ઞાન આપતી હતી. બેનોની યાદશક્તિ બહુ સારી હતી અને તેનામાં જબરો આત્મવિશ્ર્વાસ હતો. તે પહેલા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેણે વક્તૃત્વ કળામાં ભાગ લીધો. અન્ય વિધાર્થિનીઓ કરતા અનેક ગણું બહેતર કૌશલ્ય દાખવીને તેણે પ્રથમ ઈનામ જીતી લીધું.
પ્રથમ ઈનામ મળ્યા પછી બેનોનો આત્મવિશ્વાસ ઓર વધી ગયો. તેણે વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લેવા માંડ્યો. તે સ્કૂલ સિવાય બહારની સ્પર્ધાઓમાં પણ ભાગ લેવા માંડી. શરૂઆતમાં તે ગાંધીજી અને બીજી મહાન વ્યક્તિઓ વિશે પ્રવચન આપતી, પણ દસ-બાર વર્ષની ઉંમરે તે જલ સંચય, પર્યાવરણ સહિતના ગંભીર વિષયો પર પ્રવચન આપવા લાગી. પાણીના વેડફાટ અને પર્યાવરણને નુકસાન કરતા લોકો સામે તેને બહુ ચીડ હતી. તેના પાડોશમાં કોઈ નળ ખુલ્લા મૂકી દે અને પાણી વેડફાતું હોય તો તે ત્યાં ધસી જતી અને ઝઘડો કરી આવતી.
બેનો નાની હતી ત્યારે તેનું સપનું શિક્ષક બનવાનું હતું, પણ એક વાર કોઈએ તેને મહેણુ માર્યું કે તું જાણે કોઈ મોટી અધિકારી હોય એ રીતે બધાને ઑર્ડર આપવા ધસી જાય છે. એ મહેણુ હાડોહાડ લાગી ગયું એટલે બેનોએ નિશ્ર્ચય કર્યો કે હું ખરેખર ઉચ્ચ અધિકારી બનીશ. એ દરમિયાન બેનોએ પોતાની શાળામાં અને બીજી શાળાઓમાં તથા જુદી જુદી સંસ્થાઓમાં પ્રવચન આપવાનું શરૂ કરી દીધું હતું.
બેનો પ્રાથમિક શાળામાં હતી એ દરમિયાન જ તેના પિતાએ તેના માટે જુદા જુદા વિષયોના પુસ્તકો ખરીદવાનું શરૂ કરી દીધું હતું. તેના પિતા પુસ્તકો લાવી આપતા અને તેની માતા એ પુસ્તકો વાંચી સંભળાવતી. તેની માતા તેને અખબારો પણ વાંચી સંભળાવતી. એના કારણે બેનોનું સામાન્ય જ્ઞાન વધી રહ્યું હતું. બેનોના પિતા જ્યાંથી મળે ત્યાંથી બ્રેઈલ લિપિના પુસ્તકો પણ લાવતા, જેથી બેનો પોતે પણ એ પુસ્તકો વાંચી શકે. બેનો પુસ્તકો અને અખબારો દ્વારા જનરલ નૉલેજ મેળવવા ઉપરાંત રેડિયો પર સમાચારો પણ સાંભળતી રહેતી હતી.
બેનો કૉલેજમાં પ્રવેશી એ પછી તેણે તેના અંધત્વને કારણે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો, પણ તેણે ક્યારેય પાછી પાની નહોતી કરી. તેણે અંગ્રેજી વિષય સાથે માસ્ટર ડિગ્રી મેળવી. એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનું નક્કી કર્યું. તેણે પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા આપી એમા જ તે ઉત્તીર્ણ થઈ ગઈ અને તેને સ્ટેટ બૅંક ઑફ ઈંડિયામાં પ્રોબેશનરી ઓફિસર તરીકે નોકરી મળી ગઈ.
જોકે બૅંકમાં નોકરી મળી ગઈ એથી બેનોએ સંતોષ નહોતો માની લીધો. તેનું લક્ષ્ય ઘણું ઊંચું હતું. બૅંકમાં નોકરી કરવાની સાથે તેણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા માટે તૈયારી ચાલુ રાખી. એ પરીક્ષાની તૈયારી માટે તેના પિતાએ તેને જોઈએ એ બધાં પુસ્તકો લાવી આપ્યાં. ઘણા પુસ્તકો સ્કેન કરીને પોતે વાંચી શકે એ માટે બેનોએ જોબ એક્સેસ વિથ સ્પીચ નામના સોફ્ટવેરની મદદ લીધી.
ઘણી તૈયારી કર્યા પછી બેનોએ ૨૦૧૩માં જ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (યુપીએસસીની) પરીક્ષા આપી, પણ પરિણામ તેની ફેવરમાં ન આવ્યું. તે એ પરીક્ષામાં ઉત્તીર્ણ ન થઈ શકી.
જો કે પ્રથમ પ્રયાસમાં મળેલી નિષ્ફળતાને કારણે તે નિરાશ ન થઈ. તેણે પોતાની મહેનત વધારી દીધી. તેણે ૨૦૧૪માં ફરી વાર યુપીએસસીની પરીક્ષા આપી. એ બીજા પ્રયાસમાં તેને સફળતા મળી. જો કે તેનો સંઘર્ષ પૂરો થયો નહોતો. તેણે લેખિત પરીક્ષા પાસ કરી એ પછી તેને ઈન્ટરવ્યૂમાં પૂછાયું કે ‘તમે સરકારના કયા વિભાગમાં ફરજ બજાવવા ઈચ્છો છો?’
બેનોએ કહ્યું કે હું ઈન્ડિયન ફોરેન સર્વિસમાં (વિદેશ વિભાગમાં) કામ કરવાનું પસંદ કરીશ.
બેનોની એ ઈચ્છા આડે વિદેશ ખાતાનો નિયમ આવી ગયો. બેનોએ વિદેશ ખાતામાં નોકરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ આપણા દેશના વિભાગ ખાતામાં ક્યારેય કોઈ દૃષ્ટિહીન વ્યક્તિની નિમણૂક થઈ જ નહોતી. એટલે યુપીએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી પણ બેનોએ ઘરે બેસી રહેવાનો જ વારો આવ્યો.
જો કે બેનોના અનોખા કેસ વિશે વિદેશ ખાતાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે લાંબી ચર્ચાઓ થઈ અને વાત વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સુધી પણ પહોંચી. વિદેશ ખાતાના ઘણા ભૂતપૂર્વ ઉચ્ચ અધિકારીઓએ ભલામણ કરી કે અંધ વ્યક્તિને વિદેશ ખાતામાં નોકરી ન મળે એવો નિયમ બદલવો જોઈએ.
ઘણી ચર્ચાઓ અને ભલામણો બાદ વિદેશ ખાતામાં દૃષ્ટિહીન વ્યક્તિઓને નોકરી ન આપવા વિશેના નિયમોમાં ફેરફાર કરાયા. અને છેવટે એક વર્ષ પછી બેનોને વિદેશ મંત્રાલયમાં આઈએફએસ અધિકારી તરીકે નિમણૂક અપાઈ. બેનો જેફાઈન ભારતની સૌ પ્રથમ પ્રજ્ઞાચક્ષુ આઈએફએસ અધિકારી બની.
બેનો જેફાઈન આઈએફએસ અધિકારી બની એટલે પત્રકારો તેની મુલાકાત લેવા પહોંચી ગયા. બેનોએ જે આત્મવિશ્વાસપૂર્વક પત્રકારો સાથે વાત કરી એનાથી પત્રકારો પણ છક થઈ ગયા. બેનોએ પોતાની સફળતા માટે પોતાના માતાપિતાને શ્રેય આપ્યું. અન્ય કેટલીક વ્યક્તિઓ અને સંસ્થાઓ તેને સહાયરૂપ બની એના વિશે પણ તેણે કહ્યું. જો કે તેણે તાકીદ કરી કે તમે ક્યાં તો આ તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓના નામો ટાંકજો નહીં તો કોઈ પણ નામનો ઉલ્લેખ ના કરતા.
એક પત્રકારે બેનોને પૂછ્યું: ‘તમે કોને રોલ મોડેલ માનો છો?’
બેનોએ કહ્યું: ‘હુ કોઈને રોલ મોડેલ માનતી નથી. હું માત્ર મારા પર જ વિશ્વાસ રાખું છું!’
***