એક મોત Manoj k santoki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક મોત

(1)અંતિમ સફર

આયુષ્ય એટલે જન્મથી મૃત્યુ સુધીની એક સફર, જ્યાં અનેક વિસામા આવે, દુઃખના ડુંગર અને સુખના સમંદર, પ્રેમના પુષ્પ અને બેવફાઈના બાવળ, લાગણીઓના લય અને ધિક્કારિતાના ધૂંધળા દ્રશ્ય. આ તમામ પડાવ પાર કરીને પણ આપણે અંતિમ ચરણમાં જવાનું જ છે.

મુરઝાયેલ જીવન કે સોળે શણગાર ચડેલ જવાની કે બુંદ બુંદમાં રમતું બાળપણ, આ તમામ અંતે તો આ ખાટલા પર પૂર્ણ થઈ જાય છે. જીવનને જે જીવી જાય છે, એ જ જીવન શ્રેષ્ટ છે. લથડીયા ખાતી જવાનીને શુ કરશો તમે ?

આધિ, વ્યાધિ, ઉપાધિ, સ્વાર્થ, રાગ, દ્વેસ, ઉચ્ચ, નીચ, સંસાર અને વૈરાગ્ય તમામનો અંત તમારા પ્રાણ નીકળે ત્યારે આવી જ જશે. ફક્ત નામ રહી જશે, માણસના દિલમાં જે તમે છોડીને ગયા એ છાપ રહી જશે, તમારું લખાયેલ, તમે જે બોલ્યા, તમે જે કર્યું, તમે જે ભોગવ્યું, તમારો સંઘર્ષ, આ બધું અહીં જ રહેશે, તમારા ગયા પછી તમારા આ તમામ પાસાનું મૂલ્યાંકન આ ફાની દુનિયા કરશે.

જીવનભર એક એક આદર્શમાં રહ્યા છો તો એ જ આદર્શ સાથે દેહનો ત્યાગ કરો, એ આદર્શ તમારા પાછળ ચાલતા પથિકનો બની રહેશે. ખરાબ હોય કે સારા હોઈ વિચાર ક્યારેય મરતા નથી. એ અનંત છે, તમે કેવા વિચાર છોડીને જશો એ તમારા પર છે.

હું મૃત્યુને હસતા હસતા અને કુદરતી રીતે પરણવા માંગુ છું. એ સત્ય છે, એને અટકાવી નહિ શકાય, આ ખાટલો મારો પણ ઇન્તજાર કરતો જ હશે, ઢળતા સૂરજના કિરણો સાથે, તળાવની પાળની બાજુમાં, આવેલ આ અંતિમ રાજમહેલમાં, હું રોજ આવીને કલાકો સુધી બેસી રહું છું, મારુ અંતિમ ઘર આ છે, જ્યારે પણ હું જઈશ ત્યારે હું જે બાકળા પર બેસું છું એ સુન થઈ જશે, આ ગુલમહોરનું ઝાડ શાંત થઈને મારી સળગતી ચિતાને જોયા કરશે, પાછળ હું એક લખાણની પરંપરા છોડીને જવાનું છું, જેમાં મારા જીવનના તમામ પાસાના આલેખન હશે, રાખ થઈ જશે આ દેહ અને મનોજ નામ ભૂતકાળ બની જશે, રહી જશે ફક્ત મારા વિચારો, મારા જીવનના મૂલ્યો, મારા આક્રોશમાં, દુઃખમાં, હર્ષમા લખાયેલ શબ્દો.

આ એક સફર પુરી થશે ત્યારે લોકો મારા શબ્દમાં ફક્ત દર્દને શોધતા રહેશે, જે દર્દને હું જીવનભર હસીને જીવ્યો એ જ દર્દ મારી રાખ પછી લોકોના પૃથ્થકરણનો વિષય બની રહી જશે. માણસ ખૂબ દુઃખી હતો, એનો અંતિમ સંદેશ આ હતો, એ આવું જીવ્યો અને અનેક પરિબળો માંથી પસાર થયો. બસ આ જ ચર્ચામાં અંતે રહી જવાનો છું.

(2)અંતિમ સત્ય

એક જ સત્ય છે જીવનનું મૃત્યુ . અને એ જ સત્યથી માણસમાં એક ડર રહેલો હોઈ છે . જીવનને તને ખુશીથી માણો છો તો મૃત્યુને પણ એક ઉત્સવની જેમ આવકારો . એ જ તો જીવનની વસંત છે . મૃત્યુ શબ્દ જ લોકોને ભયાનક લાગે છે પણ એ જ સાંત્વત છે . એ જ બ્રહ્મ છે . એ જ આગળના પથને જોડતી કળી છે .

મારુ મોત જ્યારે આવે ત્યારે એને સ્વીકારવા કે એનું સ્વાગત કરવાની મને તાલાવેલી હોઈ , પુષ્પપથ બનાવી એને ખુશીથી ભેટી પડું . તમામ સંબંધ શાંત થઈ જાય . જીવનભરના સાથીના સ્વાર્થી આક્રંદ સાંભળતા બંધ થઈ જાય અને હેત સાથે હું મોત સાથે વાત કરું . જાણે એ જ મારી પ્રિયતમા હોઈ . જીવનમાં મળેલ તમામ માન અપમાનના કપડાં ઉતારી હું તેની સાથે નિર્વસ્ત્ર સૂતો હોઈ અને એ મને પોતાની બાહોમાં સમાવીલે .

અનેકવાર એના દ્વાર પર ટકોરા મારી પાછો આવ્યું છું . અનેકવાર મેં એને નજર સામે જોયું છું . ઘણીવાર મને આવકારવા માટે થોડા સંદેશ મોકલે છે અકસ્માતના પણ હું આ ફાની દુનિયામાં વ્યસ્ત બની ગયેલો હતો . જીવનનો ચરમાનંદ જ્યારે આવી જશે ત્યારે એ જ સામે ચાલી ડોલી લઈને તમારા દરવાજા પર દસ્તક આપશે અને આવો કહેતા પણ તમારી જીભ નહિ ઉપડે . એવા સમયે હું એને ઢોલ નગારા સાથે આવકારવા જઈશ .

મને શબ્દકોષમાં જ મૃત્યુ શબ્દ ખૂબ ગમે છે . દુનિયાના લોકો મોક્ષનો ખોજમાં ભ્રમણ કરવા લાગે છે . પણ મોક્ષ પહેલા પણ એક સુંદર દુનિયા આવે છે એનો સાથે ડર રાખે છે . મોક્ષ સ્વીકાર્ય છે પણ મૃત્યુ નહિ . આત્માને ગતિ આપવા માટે મૃત્યુને ખુશીથી ઉમળકા ભેર સ્વીકારવું પડે છે . જીવનના અંતમાં મોક્ષ મળે છે કે નહીં એતો ખ્યાલ નથી અને સ્વર્ગ અને નર્ક જેવા ચીલા હશે એ પણ ખબર નથી પણ મૃત્યુ નામક એક મહેકતો ચમન છે બસ એ જ જાણું છું હું . જીવનનો અંતિમ પ્રેમ જ એ છે . જ્યાં તમામ વાસના , વિકાર , રાગ , દ્વેષ , સ્વાર્થ , કપટ બધું જ ત્યજીને જ એના શરણે શરણે જવું પડે છે .

ભરજવાનીમાં મૃત્યુની કલ્પના પણ કેવી સુખદ અનુભૂતિ કરાવે છે . જીવ ખૂબ સ્વાર્થી હોઈ છે એને કઈ જ છોડવું ગમતું નથી . 90 વર્ષ થાય તો પણ મેળવવાનું ચૂકતો નથી . જ્યારે કાળ નજીક હોઈ છે ત્યારે પૂરું શરીર ધ્રુજવા લાગે છે . આંખ પણ નિસ્તેજ બનતી જાય છે . પોતાના ધબકારા સુન બનતા જાય છે . દિલ અને મગજમાં ગભરામણની વીજ ઉતપન્ન થાય , અને પૂરું શરીર જીવને છોડવા માટે તડફળિયા મારે એના કરતાં કાળનું સ્વાગત કરો અને મૃત્યુનો ઉલ્લાસ કરો . બસ આ જ છે આત્માની ખુશી કે જેને આપ્યું જીવન એને માન ભેર એ જ ખુશી સાથે સુપરત કરી દયાનીધીનો આભાર માની .

✍️મનોજ સંતોકી માનસ✍️