બે જીવ
ડૉ. બ્રિજેશ મુંગરા
(4)
ભૂકંપ ર૦૦૧
સવારે આઠ વાગ્યે હું નિત્યક્રિયા પતાવી મારા રૂમમાં આવ્યો. પાણીનો ગ્લાસ તરફ મેં હાથ લંબાવ્યો. પાણીમાં હળવું કંપન ચાલું થયું. હું કંઈ સમજુ એ પહેલા પાણીનો ગ્લાસ તુટયો. બધા જ પુસ્તકો વેરવિખેર મારા રૂમનો જૂજ સામાન પણ અસ્તવ્યસ્ત. વિશ્વ જાણે મારી સામે હાલક–ડોલક થતું હતું. ચારે બાજુ શોરબકોર થયો. નક્કી આ તો પ્રકોપ મેં દોટ મૂકી. પગથિયાં પર પગ માંડવો પણ મુશ્કેલ હતો. એકી સાથે ત્રણ–ચાર પગથિયાં કુદતો હું નીચે ઉતર્યો. મેં ફકત પેન્ટ પહેર્યુ હતું. પણ નીચે જોયું તો મારા મિત્રોની હાલત મારાથી પણ કઢંગી હતી. કોઈ ટોઈલેટમાં તો કોઈ માત્ર 'ચડ્ડી' માં હતું.
'ભૂકંપ યાર' નીલ બોલ્યો.
'ખરેખર, હાજા ગગડાવી મૂકયાં ચંદ સેકન્ડમાં' અમન હાંફતો બોલ્યો.
'સારું આપણે બચી ગયાં. બિલ્ડીંગ જૂની પણ મજબૂત છે. મે કહ્યું.
પ્રિતમ, ચડૃીમાં હતો. બધાએ મજાક ઉડાડી.
ફટ ગઇ નીલ બોલ્યો.
ક્યા ?
'પ્રિતમ કી ચડૃી '
પ્રિતમ ગુસ્સે થઈ નીલના ટોવેલ ઉતારવા દોડયો. પણ ચંદ સેકન્ડ ચાલેલો આ ભૂકંપ કેટલી કરુણતા લાવવાનો છે એની જાણ અમને ૧ કલાક બાદ થવાની હતી.
અમે ચાર મિત્રો કોલેજ તરફ રવાના થયા. મારતી બાઈકે એક રેસિડેન્ટ ડૉકટર આવ્યો.
'જલ્દીથી ઓર્થોપેડિક વોર્ડમાં આવી જાવ. એપ્રોન પહેરેલ નીલને એણે પાછળ બેસાડી દીધો.
એપ્રન અમારા હાથમાં હતો અને ઝડપથી હોસ્પીટલ તરફ આગળ વધ્યાં. હોસ્પીટલના ચોગાનમાં ચારેબાજુ પથારીઓ હતી. તો અંદર હાલત શું હશે એક ભયંકર વેદનાથી પીડાતા દર્દીએ સારવારની રાહ જોઈ રહ્યાં હતાં. આ જોવું અસહ્ય હતું. દરેકને જાણે સંજીવનીની જરૂર હતી અને એ સ્પષ્ટ હતું. એ સંજીવની હતાં 'ડૉકટર્સ'.
ટોળું વિંધતા અમે ઓર્થોપેડિક વિભાગમાં પહોંચ્યા. એક બેડમાં બે દર્દીઓ સુતા હતાં. પેરામેડિકલ સ્ટાફ, રેસીડેન્ટ ડૉકટર્સ અને પ્રોફેસર્સ પણ દર્દીઓની સારવારમાં લાગ્યા હતા. અમે દર્દીઓને શિફટ કરવામાં, અને ડ્રેસીંગ કરવામાં મદદ કરવા લાગ્યા.
ઇટ્સ ઓલ ઓવર ,ડેડ્ 'રેસીડેન્ટે પલ્સ જોઈને કહ્યું.
દર્દી ના પરિવાર માં શોકનું મોજું ફેલાયું. તેનું પરિવાર આક્રંદ કરી રહ્યું હતું. અમે સ્તબ્ધ થઈને ઊભા રહ્યાં. આવા એક નહીં અનેક પરિવાર આક્રંદ કરી રહ્યાં હતાં. મારું મન રોઈ રહ્યું હતું આ કેવી કરુણતા આમા તો કુદરત સામે મનુષ્યની ફકત લાચારી હતી
એટલામાં જ એક પાંચ વર્ષની છોકરીએ મારો હાથ પકડયો.
'મારા પપ્પા'ને લાગી ગયું છે. બચાવો ડૉકટર અંકલ એક પેશન્ટ વોર્ડમાં શિફટ થયું. હાલત ગંભીર હતી. બે રેસીડેન્ટ ડોકટર્સ તુરંત સારવારમાં લાગ્યા.
મેં બાજુમાં જઈને પૂછયું. 'આ પેશન્ટ બચી તો જશે ને ?
'થાઇ માં સીવીયર ઇંજરી છે.. બ્લડીંગ પણ ખૂબ થાય છે. મેં અને નીલે સાફ કરી સારવારમાં મદદ કરી.
દર્દી વેદનાથી બરાડી ઉઠયો, 'હું નહીં બચુ., હું નહીં બચુ........ મને બચાવો.'
એની ભયંકર વેદના, અવાજો અને બહાર પરિવારનું આક્રંદ ખરેખર હૃદય હચમચાવી મૂકે એમ હતું.
મેં છોકરીને થોડે દુર બેસાડી.
બેટ શું નામ તારું ?
'ચંપા'
'પપ્પા સાજા થઈ જશે, તું ચિંતા ન કર. તું આ બિસ્કીટ ખા બેટા.' મેં ખિસ્સામાં થી બિસ્કીટ કાઢી આપ્યું.
'નહીં, પપ્પા... ' એ રડમસ અવાજે બોલી.
'. જો ડૉકટર અંકલ તારા પપ્પાની સારવાર કરી રહ્યાં છે.'
મેં વોર્ડ તરફ દોટ મૂકી, એ દર્દીની આંખો હંમેશા માટે મિંચાઈ ગઈ હતી.
આટલી નિરાશા, લાચારી મેં અગાઉ કયારેય અનુભવી ન હોતી. 'ખરેખર, કુદરત સામે આપણે કેટલા લાચાર છીએ. એ કરે એટલું થાય. આપણા મનુષ્યનું કદ ખરેખર નાનું છે એ પરમેશ્વર પાસે મને એ આજે બરાબર સમજાયું.
એ પાંચ વર્ષની છોકરીને શું જવાબ આપવો એ બાબતે હું દ્વિધામાં હતો. મારું હૃદય, ભારેખમ હતું. હું રડમસ અવાજે બોલ્યો 'યાર' પેલા પેશન્ટને ન બચાવી શકયો
'આપણે કંઈ કરી ન શકીએ, હજુ આપણે ફર્સ્ટયર માં છીએ અને આવા તો ભલભલા ડૉકટર્સ પણ કંઈ કરી શકે એમ નથી. આ તો કુદરતનો કહેર છે. આવી મુશ્કેલીઓ કોઈને પૂછીને નથી આવતી...' હર્ષ બોલ્યો...
મેં માથું ઝુકાવ્યું. બધા એ હોલમાં શાંતિ પ્રાર્થના કરી. અમે છુટા પડયા.
જમવામાં કોઈને રસ ન હતો. મારા બધા મિત્રોનાં ચહેરા પર ઉદાસી હતી.
આ જેમને ઊંઘ ન આવી. અંતે મોડેથી થાકને કારણે હું ઊંઘી શકયો. એ તબાહી, રૂદન, દર્દીઓનો ચિત્કાર અને પેલી છોકરી એ જાણે મને ઘેરી લીધો. હું પથારીમાંથી સફાળો ઊભો થયો.
આ ઘટના શું હતી ? એક અકસ્માત , કુદરતનો કહેર કે પછી માનવીનાં આધુનિકરણ સામે કુદરતની પ્રતિક્રિયા ? આખરે શું ? હું અસમજમાં મૂકાયો. આજે કોઈએ પિતા, કોઈએ જુવાનજોધ દિકરો, કોઈએ માતા–પિતા તો કોઈએ એની પ્રિય પત્ની ગુમાવી હતી. કુટુંબ , પરિવાર જે સંબંધોનો સરવાળો છે. તેમાં એ ઘટનાએ બાદબાકી કરી હતી. સ્વજનની અને સાથોસાથ એ આશાઓની જે જીવનને વણથંભ્યો સ્નેહ વ્યકિતને આપે છે. એઆશાઘોરનિરાશામાંપરિવર્તીતથઈહતી.
મેં પાણીનો ગ્લાસ લેવા હાથ લંબાવ્યો. હજુ એ કંપન મારા હાથમાં હું અનુભવી રહ્યો હતો. મેં પ્રભુને પ્રાર્થના કરી, હેપ્રમુ, અમને લડવાની શકિત આપ, મૃતકોના આત્માને શાંતિ આપ અનેતેનાં પરિવારજનોને હિંમત. જે આ પરિસ્થિતિનો સામનો કરી શકે. ૐશાંતિ...હું સુઈ ગયો.
***