Businessman books and stories free download online pdf in Gujarati

બીઝનેસમેન

બીઝનેસમેન

રસિકલાલ નામ છે.પત્નીનું નામ રસિલા.કોઈ રસિક કહે તો ના ગમે. રસિક કહી બોલાવો તો ના સાંભળે! આમ ધીમે ધીમે રસિકલાલ નામ સ્થાઈ થઈ ગયું. ઘર તરફ જવા બસની લાઈનમાં રસિકલાલ ઊભા રહે.પાંચ રુપિયા એટલે કે જવાઆવવાના દસ અને મહિને બસો પચાસ બચે.બાર મહિને ત્રણ હજાર, ભૂખ લાગે તો ક્યારેક પાણી પી લે, ક્યારેક પગપાળા ચાલી ટેક્ષીના પૈસા નો ઉમેરો કરી બાર મહિને સાતઆઠ હજાર રુપિયા બચાવી લે.હવે તેની નજર પુત્ર પર છે.આગળ ભણવાનું એનું ગજું નથી.નોકરી ગોતતા ગોતતા પગનાં બૂટ ઘસાઈ ગયાં.આખરે રસિકલાલે પોતાના મિત્રને ભલામણ કરી.મિત્રે એક શરત રાખી. તેની ઓફિસમાં રાકેશ એટલે કે રસિકલાલનો પુત્ર પોતાનો ધંધો કરી નહીં શકે અને ધંધો કરતાં પકડાયો તો તાબડતોબ છૂટ્ટો કરી દેવામાં આવશે.ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે તેમ બંને જણ કબૂલ થયાં. પગારપાણીનું જોઈશું કહી મિત્રે કામ પર બેસાડી દીધો.આમ શેરબજારનાં આખલા સાથે ભીડાઈ ગયો રસિકલાલનો પુત્ર રાકેશ.

પણ જેવું વિચાર્યું હતું તેવું ના થયું.ત્રણ મહિના પછી રસિકલાલે પુત્ર ને પૂછ્યું નોકરી બાબતે. રાકેશે કહ્યું કે તે શીખી રહ્યો છે.નોકરીથી ખુશ છે.ધીમેથી ડરતાં ડરતાં રસિકલાલે પૂછયું કે તેને પગાર પેટે કેટલાં રુપિયા મળે છે.રાકેશ જોઈ રહ્યો રસિકલાલને. રસિકલાલ અકળાઈ ગયાં. આખરે ફરીથી પૂછ્યું,“ રાકેશ તારો શેઠ પગારપાણી આપે છે કે નહીં?”

રાકેશે હસતાં હસતાં કહ્યું, “ પપ્પા, જે કાંઈ આપે છે તે ખર્ચાઈ જાય છે ચાય નાસ્તો અને રવિવારની રજામાં!”

“ પણ, પગાર કેટલો આપે છે એ તો કહે?”

“ પપ્પા, પાંચ હજાર જેટલો,.. બરાબર શીખી લઈશ પછી વધારશે એવું કહે છે..” રસિકલાલ જોઈ રહ્યાં પુત્રને.રાકેશે જતાં જતાં કહ્યું, “ પપ્પા, થોડા મહિના જવા દો.. તમને પણ નોકરી પર નહીં જવા દઉં.. શેરબજારની રમત એકવાર મને સમજાય પછી તો હું પણ… કરોડ પતિ ..!

રસિકલાલ જોઈ રહ્યાં પુત્રની આંખોમાં ખ્વાબ જ્યાં હતું સપ્તરંગી મેઘધનુષ.. જેનાં રંગે તે પણ

રંગાયા હતાં….

તેઓ જોઈ રહ્યાં છે રંગો ઘરની દીવાલોનાં.રંગ લગભગ ઉખડી ગયો છે.દિવાળી આવે એટલે સુધા રસિકલાલની પત્ની ની ઘડિયાળની ટીક ટીક જેવી ટીક ટીક શરુ થઈ જાય. “હવે તો ઘરને કલર કરાવો.કોઈ આવે તો કેવું ઘર લાગે છે!” રસિકલાલ મનોમન બબડતાં ઘરે કોણ આવે છે? રસિકલાલ આશ્વાસન આપતાં કહેતાં, “ જરૂર.આ વખતે બોનસ આવે એટલે કરાવી નાખીએ.”પણ આ શબ્દો સાંભળવા સુધા ત્યાં ઊભી ના હોય. તે જાણતી હતી બોનશ આખા વરસમાં કરેલી લેતીદેતીમાં પુરૂં થઈ જવાનું હોય છે! લગ્નને પચ્ચીસ વરસ થઈ ગયાં. આ

પચ્ચીસ વરસમાં રસિકલાલ અને સુધા વચ્ચે અરસિકતાની ચાદર પથરાઈ ગઈ.સાંજે ઘરે આવતાં મોડું થાય તો પણ સુધા પહેલાંની જેમ રસિકલાલની ઊલટ તપાસ કરતી નથી.સવારે ઊઠવું, રસિકલાલનું ટીફીન તૈયાર કરી આપવું અને સાંજે ગરમાગરમ રસોઈ તૈયાર કરવી એ સુધાનું કર્તવ્ય !રસિકલાલ ભૂલેશ્વરની ગલ્લી છોડી મલાડના પરામાં રહેવા આવ્યા ત્યારે બંને જણ ખુશ હતાં, કારણ ભૂલેશ્વરની ચાલીની જેમ સંડાસ બાથરૂમ અલગ ન હતાં.એક ફ્લેટમાં રહેવાની મજા સુધા માણતી હતી. સાંજે ઘરે પાછા આવવાનાં સમયે ગેલેરીમાં સુધા સજી કરીને ઊભી રહેતી હતી અને રસિકલાલની નજર ઘર આવતાં ઉપર રહેતી.એકબીજાને સ્મિત આપી ગીત ગણગણતા રસિકલાલ ઘરમાં પ્રવેશ કરી આખા દિવસ નો હિસાબ આપી દેતાં મન ભાવતું ભોજન કરતા કરતા…

રસિકલાલ ગલેરીમા સુધા સાથે ઉભાઉભા ચાંદની જોયાં કરે, સુધાની આંખોમાં ખ્વાબોનું કાજળ આંજીને સુધાનાં ઝુલ્ફો જોડે રમતા રમતા મલાડમાં પચ્ચીસ માળના ટાવરમાં ફ્લેટ લેવાનું સ્વપ્ન ચીતર્યા કરે.આવાં તો ધણાં શમણાં બંને જણ જોયાં કરતાં હતાં.એમાંનું એક શમણું પુત્ર રાકેશ ને ભણીગણાવી સાહેબ બનાવવાનો હતો. પણ કહેવાય છે ને કે ગરીબનાં શમણાં ગરીબ જેવાં હોય છે.અચાનક રસિકલાલને હાર્ટએટેક આવ્યો. પરિણામે આર્થિક તેમજ શારીરિક રીતે ધસાઈ ગયાં.અધૂરામાં પુત્રે પણ ભણવામાં ખાસ કાંઈ ઉકાળ્યું નહીં.નસીબમાં લોકલ ટ્રેનનાં ધક્કા ખાઈખાઈ જિંદગી પસાર કરવાનો વારો આવ્યો.પત્ની પણ વાતવાતમાં રસિકલાલને ઊતારી પાડતી.પૈસા બાબતે ચડભડ થયાં કરતી.ધણી ઈચ્છા હોવાં છતાં પત્નીની ખ્વાઈશ પૂરી કરી શકતા નહીં.

દિવાળીનાં દિવસો હતાં.ધનતેરસનો દિવસ હતો.સુધા ખુશ હતી.રસિકલાલ સવારનો નાસ્તો કરી રહ્યાં હતાં.સુધા તેમની પાસે આવીને મલકાતા મલકાતા બોલી, “ હું કેવી લાગી છું?” ધણાં વર્ષો પછી સુધાને આ રીતે બોલતી સાંભળી રસિકલાલ આશ્ચર્યચકિત થઈ ગયા. ધ્યાનથી સુધાને જોઈ કહ્યું કે તે અતિ સુંદર લાગે છે. અચાનક તેનું ધ્યાન સુધાનાં ગળા તરફ ગયું. નવું મંગળસુત્ર જોઈ બોલી ઊઠ્યાં, “ આ નવું લાવી કે?”

“ હા. રાકેશે કરાવી આપ્યું.”

“ રાકેશે!” રસિકલાલે આશ્ચર્યથી પૂછયું.

“ કેમ? ના કરાવી આપે?”

“ જરૂર કરાવી આપે.”

“ આ તો મારું મંગળસૂત્ર જે ત્રણ તોલાનું હતું તે તૂટી ગયું હતું.રાકેશે એક તોલો ઉમેરી જુનું વેચી નવું કરાવી આપ્યું.”

“ વાહ.સરસ કમાતો લાગે છે.”

“ સારું કમાય છે.શેરબજારમાં પોતાનો ધંધો કરે છે.”

“ પોતાનો? શું નોકરી છોડી દીધી છે?”

“ કેમ તમને ખબર નથી? ચાર મહિના એ વાતને થયાં. કદાચ તમને કહેવાનું ભૂલી ગયો હશે. આજકાલ ધંધામાં બહુ બીઝી રહે છે.”

“ સારું.ધંધામાં લાગી ગયો એક સારું કામ છે.”

“ કાલે વાતમાંથી વાત નીકળતાં કહ્યું હતું કે જો આમ જ ધંધો જોરમાં ચાલશે તો દરિયાકાંઠે એકાદ વરસમાં જરૂર ફ્લેટ લઈ લેશે”.

“ જે હું ન કરી શક્યો તે દીકરો કરી બતાવશે.” રસિકલાલે ઉત્સાહથી કહ્યું. તે તૈયાર થઈ ઓફિસ જવાં નીકળ્યાં ત્યાં તો રાકેશ આવ્યો.તેને ખિસ્સામાંથી નાનું ફોલ્ડર કાઢી, તેમાંથી રેલ્વેનો પાસ રસિકલાલનાં હાથમાં આપીને કહ્યું, “ પપ્પા આ લો ફસ્ટ ક્લાસનો પાસ. હવે તમને ધક્કામુક્કીથી છુટકારો મળશે.” રસિકલાલતો આંખો ચોળતા જોઈ રહ્યાં રાકેશને.સુધાએ હર્ષથી રાકેશને ચૂમી લીધો. રસિકલાલને ધણું પૂછવું હતું પણ આજનાં સપરનાં દિવસે પોતાના નેગેટીવ વિચારો દ્રારા રાકેશને અન્ ઉત્સાહિત કરવો ઠીક ન લાગ્યું.રાકેશનો ખભો થાબડી ભાવવિભોર થઈને એટલું જ બોલી શક્યા, “ બેટા, જીવનમાં યશસ્વી થાજે એ શુભેચ્છા.”

રસિકલાલ ખુશ છે, કારણ સુધા આનંદમાં છે.પત્ની ખુશ તો ઘર ખુશ.ઘરમાં ખુશી હોય તો જગ જીવવા જેવું લાગે.રસિકલાલ માથું ઊંચું રાખી ઘરથી ઓફિસ, ઓફિસથી ઘર અવરજવર કરી રહ્યાં છે.રસિકલાલ હવે સુખનાં દિવસો ગણી રહ્યાં છે. જે પત્ની રસિકલાલને અવગણતી હતી, વગર કારણે વાતવાતમાં ઊતારી પાડતી હતી તે રસિકલાલને હાથમાં રાખે છે. જે સુધા એક એક રુપિયા માટે ટળવળતી હતી તે સુધાને પુત્ર રાકેશ મુઠ્ઠીમાં રુપિયા આપે છે. આગળ ન ભણી શકવાને કારણે રાકેશ પર અણગમો હતો તેનાં પર રસિકલાલને પ્રેમ જાગ્યો છે.વિકૃત લાગતું ઘર આજે નવરંગોથી શોભી રહ્યું છે.પતિપત્ની ભગવાનની લીલા પર મુગ્ધ છે. રસિકલાલ પુત્ર રાકેશની બુધ્ધિ પર .જ્યારે તે રાકેશની રુમમાં જુએ છે ત્યારે તેમની બુધ્ધિ બહેર મારી જાય છે. જાતજાતના ચોપાનિયાનો ઢગલો પડ્યો હોય છે.મોટાં મોટાં હેડીંગોની આ પ્રમાણે ઝલક હતી. પૈસા કેમ બનાવવા? લોભિયાની ફોજ હોય તો ધૂતારા ભૂખે ન મરે! પાંચ આપી પાંચસો કમાતા શીખો. પૈસા નશીબથી નહીં ચાલાકીથી મળે.પૈસા છે તો દુનિયા છે. પૈસા નાખો તમાશો જુઓ. રસિકલાલ આગળ વાંચી ના શક્યાં. પોતાની રૂમમાં આવી વિચારવા લાગ્યા રાકેશ ક્યાં જઈ રહ્યો છે. અત્યારે સુધાને કહેવામાં શાણપણ નથી. પાછા પોતાની જાત પર ગુસ્સો કરવા લાગ્યા. પોતે તો શેક્યો પાપડ ભાંગી ન શક્યા અને હવે પુત્ર ની કામિયાબી ઉપર ઈર્ષ્યા આવે છે? અને પોતે પણ પૈસા કમાવા કેવા કેવા દાવ રમ્યા છે તે યાદ કરવા લાગ્યા.લોટરી થી લઈ લકી ડ્રોસુધીની રમત રમ્યા હતાં, પણ જ્યાં હાથ નાખ્યો ત્યાં ત્યાં રુપિયાનાં ચાર આના મળ્યાં. સરવાળે નુકશાન!

રસિકલાલ ઊંડા વિચારોમાંથી બહાર નીકળી જે છે તેનો આનંદ મેળવવા લાગ્યાં.

આજે રવિવાર.પતિપત્ની ચાય પીતા પીતા વિચારી રહ્યાં છે રાકેશના લગ્નની બાબતે. છોકરો ભણ્યો છે ઓછું છોકરી માટે કોઈ પૂછાવતું નથી તેનો રંજ છે.છતાં એક આશા છે કે તે સારું કમાય છે.ત્યાં જ રાકેશ હાથમાં એક ફાઈલ લઈ તેમની બાજુમાં બેઠો.ઉત્સુકતાથી બંને જણ રાકેશની ગતિવિધિ જોઈ રહ્યાં હતાં.

“ આ શેનાં કાગળિયાં છે?” રસિકલાલે ચિંચિત થઈ પૂછ્યું.

“ પપ્પા, ચિંતા કરવાં જેવું કશું નથી.”

“ તારા પપ્પાને તો વાતવાતમાં નેગેટીવ વિચારવાની આદત પડી ગઈ છે.એટલે તો આખી જિંદગીમાં કશું ઉકાળ્યું નહીં.” સુધાએ ગુસ્સાથી કહ્યું.

“મમ્મી, પ્લીઝ શાંત થા.તમે બંને મને સાંભળવા તૈયાર છો? કે પછી બંને જણ ઝઘડો કરવા?” રાકેશે હસતાં હસતાં પૂછ્યું.

“ બોલ ભાઈ, તને સાંભળવો તો પડશે .” રસિકલાલે વાતાવરણમાં હળવાશ પાથરતા સંમતિ આપી.

“ તો તમે બંને બરાબર સાંભળો. આપણા ફાયદાની વાત છે. મમ્મી પપ્પા, મારો ધંધો સારો ચાલી રહ્યો છે.પપ્પા તમે છાપાં તો વાંચો છો. શેરબજાર આસમાનમાં ઊડી રહ્યું છે. એકનાં બે તો ચપટીમાં થઈ જાય એમ છે.”

“ તો અમારે શું કરવાનું?”

“ પાછા વચ્ચે બોલ્યાં.જરા શાંતિથી સાંભળો તો ખરાં…” સુધાએ મોં બગાડતાં કહ્યું.

“ મેં પૈસા શેરબજારમાં લગાવ્યા છે.આજની તારીખે ત્રણ ચાર લાખ રુપિયા થાય.બેંક વાળા પણ લોન આપે છે ..”

“ તો લઈ લે, તને કોન ના પાડે છે.” સુધાએ ઉત્સાહમાં આવી જઈ સંમતિ આપી દીધી.

“ પણ, મમ્મી એ માટે ઘર બેંકને લખી આપવું જોઈએ. એ માટે તમારા બંનેની સહી જોઈએ અને આપણા ફ્લેટના કાગળિયાં બેંકને આપવા પડે.આ તો બેત્રણ મહિનાની વાત છે. મહિનામાં તો માર્કેટમાં એવી તેજી આવવાની છે કે…ના પૂછો.. તેજીમાં શેર વેચી નાખી આપણે તારું સ્વપ્ન નવો ફ્લેટ લેવાનું પુરૂં કરી શકશું.”

“ તો રાહ કોની છુએ છે?” સુધાએ પૂછ્યું.

“ આપણા ફ્લેટના કાગળિયાં પપ્પા સહી કરીને આજે આપે તો લોન ફટાફટ પાસ થઈ જાય. મેં મારી ઓળખાણ પણ લગાડી છે. હમણાં જ બેંકનો માણસ આવતો હશે.પપ્પા તમે શું વિચારો છો?”

“ એમાં વિચાર શાનો. લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મો ધોવા થોડું જવાય?” પૂછયું હતું રસિકલાલને અને જવાબ આપ્યો સુધાએ. ત્યાં ડોરબેલની ઘંટડી વાગતાં રાકેશ બોલ્યો, “ કદાચ બેંકનો માણસ આવ્યો લાગે છે, હું દરવાજો ખોલવા જાઉં છું.” કહી રાકેશ તે તરફ ગયો. રમેશભાઈનો અવાજ સંભળાતાં રસિકલાલ અને સુધા ઊભા થઈ ગયાં. રમેશભાઈ રાકેશનાં કાકા થાય અને રસિકલાલનાં મોટા ભાઈ.સોફા પર પડેલાં કાગળિયાં સરખી રીતે ગોઠવીને ફાઈલ સાથે ટીપોય પર મૂક્યાં.આડીઅવળી વાતો કરીને રમેશભાઈએ પૂછ્યું, “ આ કાગળિયાં શેનાં છે?”

રસિકલાલે પુત્રની યોજના કહી સંભળાવી. રમેશભાઈએ પૂછ્યું કે રાકેશ ક્યાં છે? હર્ષધેલી સુધાએ રાકેશને બૂમ પાડી ,પણ જવાબ ન મળ્યો.સુધાએ રાકેશના વખાણ કર્યાં અને કહ્યું કે તે શેરબજારમાં સારું કમાય છે.આ ઘરને નવો ઓપ આપ્યો, તેનું મંગળસુત્ર નવું કરાવ્યું.

રમેશભાઈએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું, “ વાહ તમે સુખનાં દિવસો જોવા મળ્યાં ખરાં. પણ આ ક્ષણજીવી સુખ તમને ક્યાં લઈ જશે તેની તમને ખબર છે?”

“ એટલે?”

“ રાકેશને બોલાવો તો સમજાય.”

“ મોટા ભાઈ, દરવાજો તો તેને ખોલેલો.”સુધાએ ધીમેથી કહ્યું.તેનો ઉત્સાહ પીગળીને બરફ થઈ ગયો હતો.

“ તારી વાત સાચી છે. દરવાજો તો તેને ખોલ્યો હતો.પણ મને જોતાં આશ્ચર્ય પામ્યો.અને આવું છું કહી નીચે ઊતરી ગયો.”

“ તમને જોઈને આશ્ચર્ય? શું કામ?”

“ સુધા ,તમે નાદાન છો. મારી પાસેથી વીસ હજાર રુપિયા લઈ ગયો હતો..”

“ વીસ હજાર..” બંને જણા એક સાથે આશ્ચર્યથી બોલી ઊઠ્યાં.

“ હા. મેં આપ્યાં.અઠવાડિયામાં પાછા આપશે એમ કહીને. અને પાછાં આપી પણ ગયો.આમ મારો વિશ્વાસ જીત્યો. હું ખુશ થયો.મહિના પછી ફરી પાછો આવ્યો અને અઠવાડિયામાં આપશે એ વાયદો કરી પચાસ હજાર લઈ ગયો.આજે એ વાતને ચાર મહિના થઈ ગયાં છે. ન ફોન પર વાત કરે છે કે ન મળે છે.”

“ પણ ભાઈ, તારે મને કહેવું તો જોઈએને.”

“ તને કશું ના કહેવાની કસમ આપી હતી અને ધમકી..”

“ધમકી?” સુધાએ સ્વસ્થ થઈને પૂછ્યું.

“ હા, ધમકી આપી હતી. આ વાત જો તમને કરીશ તો તે ઝેર પી આપઘાત કરશે.”

“ ઓહ ભગવાન.અને આજે ઘર ગીરવે મૂકવા મારા પર રાકેશ અને પુત્રધેલી સુધા દબાણ કરે છે.”

“ સુધા, તમારા હાથની સોનાની બંગડી ક્યાં ગઈ?”

કલ્પના પણ ન કરેલાં પ્રશ્નથી સુધા ડધાઈ ગઈ.

“ એ તો રાકેશને પોલીશ કરવા આપી છે.” સુધાએ ધ્રૂજતા ધ્રૂજતા કહ્યું.

“ કેટલાં મહિનાથી.”

બે ત્રણ મહિનાથયાં.”

“ છતાં પાછી આવી નથી? પોલીશીંગ તો અઠવાડિયામાં થઈ જાય. “

રમેશભાઈએ ખિસ્સામાંથી પડીકું કાઢી સુધાને આપ્યું અને કહ્યું , “ આ જોતો ,શું છે?”

“ આ તો મારી બંગડી છે.પણ તમારી પાસે ક્યાંથી?”

“ રાકેશે જેને બંગડી આપી હતી તે મારો ઓળખીતો છે. બંગડી આપતી વખતે મારો રેફરન્સ આપ્યો હતો. હજી સુધી બંગડી છોડાવી નથી તેથી તે ભાઈ મને પૂછવા આવ્યા હતાં.”

બંને જણ એકબીજાનાં મોં જોતાં રહ્યાં. સુધા ઊભી થઈ રસોડામાં જઇ રમેશભાઈ માટે ચા પાણી નાસ્તો લઈને આવી.રસિકલાલની આંખો સમક્ષ રાકેશની રુમમાં પડેલાં ચોપાનિયા છવાઈ ગયાં.

“ સ્વપ્ને પણ ધાર્યું ન હતું કે રાકેશ આ જાતનો બીઝનેસમેન નીકળશે.પહેલાં આપો, વિશ્વાસ મેળવો અને પછી વિશ્વાસઘાત કરો.શોર્ટકટ અજમાવી પૈસાદાર બનવાની ધેલછા માણસને ક્યાં લઈ જાય છે તે આજે ખબર પડી.”

“ આમાં મારો પુત્રમોહ પણ ખરો.” સુધાએ આંખો લૂછતાં કબૂલાત કરી. “ મને એમ કે રાકેશ શેરબજારમાં સારું કમાતો લાગે છે , મને પૈસાની ચમક દાખવી મારી સાથે છેતરપીંડી કરશે એવું સ્વપ્ને પણ ધાર્યું ન હતું.” રસિકલાલે હતાશાથી કહ્યું.

“ જુઓ શેરબજારમાં બધાં કમાતા નથી. એનું પણ ગણિત હોય છે. પણ સરવાળે આ તો જુગાર કહેવાય. જુગાર કે સટ્ટો ભલભલાને ડૂબાડી દે છે. આપણે મહાભારત જેવાં ગ્રંથોમાં શું વાંચ્યું? પાંડવોએ જુગારમાં રાજ્ય ખોયું, ભરી સભામાં દ્રૌપદીનું અપમાન ! ચાલો ત્યારે આ તો જાગ્યા ત્યારથી સવાર.કોઈ આકરાં વેણ ન કાઢજો કે જેથી આવેશમાં કોઈ તે આકરું પગલું ભરે.” કહેતાં રમેશભાઈએ રજા લીધી.

રમેશભાઈનાં ગયાં પછી રાકેશ ઘરે આવ્યો. ઘરનું શાંત વાતાવરણ જોઈને રાકેશને નવાઈ લાગી.ધીમેથી પૂછયું, “ કાકા ગયાં? કશું કીધું?”

રસિકલાલ કશું બોલ્યા નહીં. સુધાએ પૂછયું, “ તું ક્યાં ગયો હતો.કાકાતો તારા વખાણ કરતાં હતાં.અને આ પડીકું તને આપવાનું કહી કહ્યું કે તું તો પાક્કો બીઝનેસમેન છે.” રાકેશે પડીકું ખોલ્યું. બંગડી જોતાં જ એક જડ મૂર્તિની જેમ માબાપને જોઈ રહ્યો.રસિકલાલે ઊભાં થતાં પૂછ્યું, “ બેટા, આ કાગળિયાંનું શું કરવાનું છે?”

------ સમાપ્ત.----

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED