નેકલેસ Rena Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેકલેસ

"સુમન મારૂં ટિફિન તૈયાર નથી થયું ? ૯:૦૦ની બસ જતી રહેશે તો પછી સીધી ૧૦:૦૦ બસ છે. ઓફિસમાં મોડો પડીશ."

"બસ પાંચ મિનીટ સુધીર, ટિફિન પેક જ કરું છું. બસ જતી રહે તો ટેક્સી..." બોલતા બોલતા સુમન અટકી ગઇ. ગળામાં ડૂમો ભરાઈ ગયો.

"ડોન્ટ વરી, બધું ઠીક થઈ જશે." સુમનના ખભે હાથ મૂકી દિલાસો આપી ઝડપથી ઘરની બહાર નીકળી ગયો.

સુધીરના ગયા પછી સુમન ઘરનું કામ આટોપવા લાગી. પણ ગળામાં બાઝેલો ડૂમો આખરે નીકળી જ

ગયો. સુમન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. "આ બધું મારા લીધે જ થયું. હું જ જવાબદાર છું આ પરિસ્થિતિ માટે. સુમન ભુતકાળમાં સરી પડી.

સુમન અને સુધીરના નવાં નવાં લગ્ન થયાં હતાં. સુધીર એન્જિનિયર હતો પગાર બહુ મોટો નહિ પણ બે માણસ સુખેથી રહે શકે, તેટલો તો હતો...

પણ સુમન ખૂબ મહત્વાકાંક્ષી હતી. શોખીન પણ ખૂબ. ઘરમાં એને તમામ વસ્તુ લેટેસ્ટમાં લેટેસ્ટ

જ જોઈએ. આડોશ પડોશમાં કોઈના પણ ઘરે નવી વસ્તુ આવે તો સુધીર આગળ જીદ કરીને

ઘરમાં લાવીને જ ઝંપ લેતી. પછી ચાહે એ સાડી હોય, જવેલરી હોય કે ઇલેક્ટ્રોનિક વસ્તુ કે પછી ક્રોકરી હોય. ઓફીસની પાર્ટી હોય કે લેડીઝ કીટી સુમનને હંમેશાં બધાની વચ્ચે છવાઈ જવા જોઈએ.

એને એની રહેણીકરણીથી સગાંવહાલાં અને મિત્રોમાં 'રીચ વુમન'ની છાપ પાડી દીધી હતી.

સુધીરનો પગાર પણ એ ૬ આંકડાનો જ બતાવતી. સુધીર એને ઘણી વાર ટોકતો, સમજાવતો...

"સુમન તું આટલા ખર્ચા ના કરીશ. મારો પગાર તારા ખર્ચાઓ સામે ટૂંકો પડે છે. કોઈક દિવસ આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈશું." પણ સમજે તો એ સુમન ક્યાંથી!

એવામાં એક દિવસ સુમનની ખસ બહેનપણી શનાયા સુમનને મળવા એના ઘરે આવી. શનાયા કરોડપતિ બિઝનેસમેનને પરણી હતી.

"અરે !શનાયા...!! આવ આવ... વ્હોટ આ સરપ્રાઇઝ !" સુમનતો એની ગાડી, કપડાં, ઇમ્પોર્ટડ હેન્ડબેગ, અને જ્વેલરી જોઈને આભી જ બની ગઈ. બન્ને બાળપણની સહેલીઓ હતી એટલે આખો દિવસ બન્ને એ મન ભરીને વાતો કરી. પણ સુમનનું ધ્યાન વારંવાર શનાયાના ડાયમન્ડના નેકલેસ પર અટકતું હતું. શનાયાને પણ આછેરો ખ્યાલ આવી ગયો હતો. જતાં જતાં એને સુમનને પૂછ્યું, "બોલ ડિયર તારા માટે શું કરી શકું?" સુમન તો રાહ જ જોતી હતી. થોડા ખચકાટ સાથે બોલી, "તારું નેકલેસ બહુ જ સરસ છે. રિયલી ઇટ્સ સો બ્યુટીફૂલ..."

શનાયા એ એક મિનીટની પણ વાર કર્યા વિના તરત ગળામાંથી નેકલેસ કાઢીને સુમનને આપી દીધું.

"લે ડિયર, તારા માટે આ હીરાના હારની શું કિંમત? મન ભરાય ત્યાં સુધી પહેરજે.

સુમનની તો ખુશીનો પાર ના રહ્યો. મનમાં વિચારવા લાગી, આ નેકલેસ પહેરીને સુધીરના બોસના છોકરાના લગ્નમાં જઈશ તો બધા તો મને જોતાં જ રહી જશે.

બીજા જ અઠવાડિયે બોસના છોકરાના લગ્ન હતાં. સુમને ઇન્ડો વેસ્ટન ડ્રેસ સાથે શનયાનું નેકલેસ પહેરીને દર્પણ સામે ઊભી રહીને પોતાની જાતને નિહાળતાં મનોમન વિચારવા લાગી, આજે તો બધાંની નઝર મારા ઉપરજ... અને થયું પણ એવું જ. બધા સુમનના નેકલેસના જ વખાણ કરતાં હતાં. સુધીરના બોસની વાઈફ એ તો ઇર્ષામાં પૂછી પણ લીધું, "રિયલ ડાયમન્ડ ?"

સુમને પણ રુઆબથી જવાબ આપ્યો, "યસ... માય મોમ ગિફ્ટડ મી."

સુધીરને જૂઠથી સખત નફરત હતી પણ હવે એ સુમનને સમજાવી શકે એમ નહોતો. લગ્નમાંથી બન્ને ટેક્ષી કરી પાછા ઘરે ફરતાં હતાં ત્યારે સુમન તો લગ્નમાં કોણે કોણે વખાણ કર્યા, કોણ ઇર્ષામાં બળી ગયું... એની હોંશે હોંશે સુધીરને વાતો કરતી હતી. પણ સુધીર કોઈ હાવભાવ બતાવ્યા વગર ચૂપચાપ બધું સાંભળી રહ્યો હતો. ઘર આવી ગયું, સુધીર અને સુમન બન્ને ટેક્ષીમાંથી ઉતર્યા. સુધીર ટેક્ષીનું બિલ ચૂકવતો હતો ત્યાં જ બે બાઈક સવાર આવી સુમનના ગળામાંથી નેકલેસ ખેંચી નાસી છૂટ્યા.

બુમાબૂન કરી પણ ચોર તો નાસી છૂટ્યા. સુમન તો ત્યાં ને ત્યાંજ ફસડાઈ પડી ભાનમાં આવી તો હોસ્પિટલમાં હતી. બન્નેના મનમાં એક જ પ્રશ્ન હતો, હવે શું કરીશું ? શનાયાને એનો હર તો પાછો આપવો પડશે.

સુધીર એ હીરાના ઝવેરી પાસે ફોટામાં હાર બતાવીને સેમ ટુ સેમ હાર બનાવવાનો ઓર્ડર આપી દીધો.

પણ એના માટે એને ઘર વેચી દેવું પડયું. સુમને એના મંગળસૂત્ર સિવાય બધા દગીના આપી દેવા પડ્યા. સુધીર ચૂપચાપ શનાયાના ઘરે જઈને એનો હાર આપી આવ્યો. શનાયાએ પણ એમનું એમજ બોક્સ એના

વોર્ડરોબમાં મૂકી દીધું. સુધીરે આગ્રહ પણ કર્યો, કે તમે પ્લીઝ ચેક કરી લેજો પણ શનાયા એ એમ કહીને ટાળી દીધું, "અરે જીજાજી એમાં શું ચેક કરવાનું?"

સુધીર અને સુમન પાસે હવે કોઈ મિલકત નહોતી. સુમન વિચારોની તંદ્રામાંથી બહાર નીકળી ફટાફટ સાડીના છેડેથી આંસુ લૂછીને વાસણ કરવા લાગી. આમ ને આમ વરસ વીતી ગયું. સુમનને પોતાની ભૂલનો, ખોટી આદતનો બરાબર અહેસાસ થઈ ગયો હતો.

આ તરફ શનાયા પતિ સાથે વર્લ્ડ ટુર કરીને પછી ફરી તો સુમન માટે પણ ઘણી બધી ગિફ્ટ લાવી હતી. પણ એ સુમનને સરપ્રાઈઝ આપવા માંગતી હતી, એટલે એ સીધી એના ઘરે પહોંચી પણ ત્યાંતો બીજું જ કોઈ રહેતું હતું. પાડોશી પાસેથી સુમનનું નવું સરનામું મળ્યું. પણ સુમનની હાલત, સુમનના ઘરની હાલત જોઈને એ આઘાત પામી ગઈ. એને સુમનને કારણ પૂછ્યું, "આવું કેવી રીતે બન્યું ?"

પણ સુમન શું બોલે ? આખરે શનાયાની જીદ આગળ સુમનને ઝૂકવું પડ્યું. એને શનાયાને 'નેકલેસ'વાળી ઘટના કહી. અને શનાયા "ઓહ માય ગોડ!" કહીને બે હાથ વચ્ચે માથું પકડીને બેસી ગઈ. "સુમન, ડિયર એ ડાયમન્ડ નેકલેસ રીયલ ડાયમન્ડનો નહોતો." હવે ચોંકવાનો વારો સુમનનો હતો.

શનાયા, "કાશ, જ્યારે જીજાજી હાર આપવા આવ્યા ત્યારે મેં એકવાર ચેક કરી લીધું હોત તો, હું ત્યારેજ કહી દેત. મારા લીધે તમે આટલો ટાઈમ આવી પરિસ્થિતિમાં વિતાવ્યો."

"ના શનાયા, તારો વાંક નથી, મારી આદત જ મારો વાંક..."

શનાયા એ રીયલ ડાયમન્ડનો એ હાર સુમન અને સુધીરને પાછો આપી દીધો. સુધીર અને સુમને પણ મનોમન ભગવાનનો પાડ માન્યો. પણ સાથે સાથે સુમને બહુ મોટો જિંદગીનો પાઠ પણ શીખી લીધો.