Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 1

જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો

પ્રકરણ - ૧

'પરમ દિવસે આપણા ચિરાયુના લગ્ન છે. કામ્યા, તું આવીશને ? ' સમ્યકે પૂછ્યું.

સ્થિર નજરે કામ્યા ક્ષણભર સમ્યક તરફ જોઈ રહી. સમ્યક એનો પતિ અને ચિરાયુ એ બંનેનો વહાલસોયો પુત્ર.

કેવું વિચિત્ર હતું કે - એનો પતિ એણે પૂછી રહ્યો હતો કે, એ એનાં પુત્રનાં લગ્નમાં આવશે કે નહીં ?

એટલા માટે કે કદાચ એ પૂરેપુરી રીતે જ્ઞાત હતો કે કામ્યા ચિરાયુના લગ્નમાં હાજરી નહીં આપે. ગયા વર્ષે પણ ક્યાં કામ્યાએ વિશ્વાની ડિલિવરી કરાવી હતી ? વિશ્વા એની જ દીકરી હોવા છતાં વિશ્વાની ડિલિવરી અને ત્યારબાદની જવાબદારી સૌમ્યાએ જ તો સુપેરે પાર પાડી હતી. પણ, હા.... ગયા વર્ષે આ સીઝનમાં કાર્તિક કેટલો બિમાર થઇ ગયેલો ?

'ઓહ.. કાર્તિક... ' કામ્યાનાં હૈયેથી જોરદાર સણકો ઉઠ્યો. એનાં રૂપાળા ચહેરા પર પીડા તરવરી ઉઠી.

સમ્યક તરફથી એની નજર દીવાનખંડમાં સુખડના હારથી શોભી રહેલી કાર્તિકની હસતી તસ્વીર પર જઈ ઠરી.

કાર્તિક એનાં તરફ તેની તોફાની દ્રષ્ટિ માંડી કહી રહેલો જાણે, ' ચિરાયુનાં લગ્નમાં જવાનું છે ને કામ્યા ? જરૂરથી જજે . પણ હા, એનાં માટે આપણે લીધેલી પેલી સ્પેશ્યલ ઓરેન્જ કલરની મને ખૂબ ગમેલી, એ સાડી પહેરજે. '

કામ્યાની આંખો ઉભરાઈ આવી. ચિરાયુ હતો તો એનો પુત્ર, પણ કાર્તિક એનાં લગ્ન માટે કેટલો ઉત્સાહિત હતો ! લગ્નમાં પહેરવા અરમાનીનો સૂટ એણે પણ લીધેલો.

કાર્તિકની ચિરવિદાયને આજે લગભગ પચીસ દિવસ થયા હતા. સમ્યક રોજ સાંજે આ સમય પર એની પાસે આવતો. ભાગ્યે જ બંને વચ્ચે કોઈ શબ્દની આપ-લે થતી. સાયંકાળનો એ સમય સરી જતો.

સૌમ્યા, સૂર, વિશ્વા તેમ જ ચિરાયુ સુધ્ધાં એની ફીયાન્સીને લઇ બે-ત્રણ વાર એને મળવા આવી ગયેલો.

કામ્યા નસીબદાર હતી. એનો પરિવાર આજે પણ એની સાથે હતો. કાર્તિકની અંતિમવિધિ સમયે પણ બધા હાજર હતા.

શું કામ્યા ખરેખર નસીબદાર હતી ? કેવા કેવા એણે જિંદગીમાં નિર્ણયો લીધા હતા ! કોઈ અણજાણ વ્યક્તિ એની કથા સાંભળે તો એમ જ કહે કે કામ્યાને જિંદગીનો દાખલો સાચો ગણતા કયારેય આવડ્યું જ નહીં.

***

' હું તમને ફકત કામ્યા કહી શકું ? ચાલશે ને ? ' પ્રથમ મુલાકાતે આ પ્રથમ વાક્ય કાર્તિકે સીધું કામ્યા સાથે દ્દષ્ટિ એક કરતાં પૂછ્યું હતું.

'અને એ જ રીતે હું તમને કાર્તિક કહું તો તમને ગમશેને ? ' જવાબમાં ઝડપથી પ્રત્યુત્તર વાળતા, પોતાના તોફાની નેત્રો નચાવતાં કામ્યાએ રણકારભર્યુ હસી દીધું હતું.

વરસો પહેલાની આ પ્રથમ દિલફેંક મુલાકાત થઇ હતી - સમ્યક અને કામ્યાના બોરીવલીસ્થિત લકઝુરિયસ ડુપ્લેક્ષ ફ્લેટમાં.

એ સમયે - કાર્તિક મહેતા પુણેની ઓફિસમાંથી ટ્રાન્સફર થઇ સમ્યક દેસાઈની મુંબઈની ઓફિસમાં આવેલો. એક તો ગુજરાતી અને ઉપરથી એનાં સરળતાથી ભળી જવાના ગુણને લીધે કાર્તિકની સમ્યક જોડે ઝડપથી મિત્રતા બંધાઈ ગયેલી.

મુંબઈમાં નવા-નવા આવેલા, ફ્લેટની શોધમાં ઘુમતા કાર્તિકને સમ્યકે ઘરે જમવા નિમંત્ર્યો હતો ત્યારે આ મુલાકાત થયેલી.

કાર્તિક, સમ્યકની પત્ની કામ્યાના આગઝરતા રૂપને જોઈને પ્રથમ દ્રષ્ટિએ ઠંડોગાર થઇ ગયેલો. કામ્યા મુંબઈગરી હોવાની સાથે આધુનિક દેખાવ અને મુક્ત વર્તન ધરાવતી બેહદ ખુબસૂરત અઠ્ઠાવીસ વર્ષની પરિણીતા હતી. કાર્તિક પણ કઈ કમ ન હતો. એ પણ દેખાવડો, મિલનસાર પ્રકૃતિ ધરાવનાર અને ખાસ તો લોભામણી આકર્ષક અદાઓનો શાહજહાં હતો.

પ્રથમ મુલાકાતથી કામ્યા અને કાર્તિક વચ્ચે એવી કેમિસ્ટ્રી જામી ગઈ હતી કે સમયકની સાથે કામ્યા પણ ફ્લેટ શોધાવવામાં કાર્તિકની મદદે લાગી ગઈ હતી.

'તમારાં બંનેનો અને ખાસ તો કામ્યાનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. ' કાર્તિક કહી રહેલો. કામ્યા મરક મરક હસી રહેલી.

' સાચે જ કાર્તિક, યુ આર ડેમ્ લકી ! આટલો સરસ ફ્લેટ -આટલા સસ્તા ભાડામાં... એય તે બોરીવલી જેવા વિસ્તારમાં તને મળી ગયો છે. ઇટ્સ અનબિલિવેબલ ! 'સમ્યક કહી રહેલો.

'તું તો જાણે છે સમ્યક કે આ બધી અહીં હાજર છે - એ કામ્યાદેવીની મહેરબાની છે. સિમ્પલી, અનબિલીવેબલ વાત તો છે જ ! આ કામ્યાએ એની એન. આર. આઈ ફ્રેન્ડને આવો સુંદર ફ્લેટ કઈ રીતે ભાડે આપવા મનાવી લીધી, એ જ સમજાતું નથી. ' કહી કાર્તિકે માથું ખંજવાળવાનો એવો આબાદ અભિનય કર્યો કે કામ્યા ખિલખિલાટ હસી પડી. એનાં એ હાસ્યને બંનેય મિત્રો માણી રહ્યાં.

***

બીજા જ મહિને કાર્તિક એની ડિલિવરી કરવા માટે પિયર ગયેલી પત્ની સૌમ્યા અને પાંચ મહિનાનાં સૂરને તેડી લાવ્યો હતો.

સૌમ્યાને - એ પ્રથમવાર કામ્યાને મળી, તે ક્ષણથી એક અણજાણ ભીતિ ઘેરી વળેલી. જો કે કામ્યાએ એની જોડે સખીપણા બાંધી દીધેલાં.

સૌમ્યાએ અનાયાસે શબ્દો ચોર્યા વગર એને કહેલું, ' કામ્યા, તમે કોઈ પણ સ્ત્રીને ઈર્ષ્યા આવે એટલા સુંદર તો ખરા જ, સાથે ડર પણ લાગે. '

કામ્યા ચમકી પડી હતી, ' ડર ? શાનો ડર ?'

'એ તમને નહીં સમજાય. ' કહી સૌમ્યાએ વાત રોળી નાખી હતી. એ ગભરુ, સીધી-સાદી ગુજરાતી ગૃહિણી હતી. કહી શકે એમ ન હતી કે, મારાં રસિક ભ્રમર જેવા પતિ કાર્તિકનું દિલ તમારાં પર આવી જાય તો મારું શું ?

સૌમ્યાની ઉંમર ફકત બાવીસ વર્ષની હોવા છતાં પ્રથમ પ્રસુતિ બાદ એનું શરીર ગોળમટોળ થઇ ગયું હોવાને કારણે એ કામ્યા કરતા પણ મોટી લાગતી હતી. જયારે કામ્યા, સાત વર્ષની વિશ્વા અને ત્રણ વર્ષના ચિરાયુની 'મા' હોવા છતાં એની સવળોટ, ઘાટીલી અને ચુસ્તપણે જળવાયેલી કાયા અને એનાં સ્વભાવની ચંચળતાને કારણે એની ઉંમર કરતા દસકો નાની અને નછોરવી લાગતી.

જો કે જયારે સૌમ્યાએ જોયું કે કામ્યા જેવી રૂપના ઢગલા સમી પત્ની ધરાવનાર સમ્યક શાંત પ્રકૃતિ ધરાવનાર, નરમ અને સરળ દિલ માણસ હતો તો એ લગીર આશ્વસ્ત થઇ. કેમ કે એ ભલે, કાર્તિકની જેમ હરતાં-ફરતાં... 'સૌમ્યા - માય સ્વીટી, માય હની, માય ડાર્લિંગ કે માય બૅબી કહીને સંબોધતો ન હતો, પણ એ કામ્યાને ખુબ-ખૂબ ચાહતો હતો એ બાબત એની આંખોથી અને કામ્યા તરફનાં એનાં વર્તાવથી સ્પષ્ટપણે દેખાઈ આવતી.

આ જ વાત કાર્તિક અને કામ્યાને એકમેકની વધુ નજીક આવતાં ખાળશે એવું એ માનતી. જે આંશિક રીતે સાચી પણ હતી. સમ્યકનાં આ ઉદાત્ત વ્યક્તિત્વને લીધે જ કામ્યા અને કાર્તિક ઘણા સમય સુધી મર્યાદામાં રહેલાં.

***

'હાઈ હની, આર યુ રેડી ? ' કાર્તિકે ઘરમાં પ્રવેશતા પહેલો સવાલ કર્યો.

'નહીં કાર્તિક, આજે સૂરને ઠીક નથી. આજે આપણે સમ્યક-કામ્યાને ત્યાં નહીં જઈએ. 'સૌમ્યાએ બુઝેલા સ્વરે જવાબ આપ્યો.

'વ્હોટ ? શું થયું સૂરને અચાનક ? ' કાર્તિકનો સ્વર થોડો ચિંતિત થયો.

'બસ, બપોરથી રડ - રડ કરે છે. ડુંટીએ હિંગ ચોપડી. ગ્રાઇપ વોટર પીવડાવ્યું.... . '

'નોનસેન્સ ! લેટ મી કોલ કામ્યા... ' કાર્તિક તરત કામ્યાને કૉલ કરવા લાગ્યો. સૌમ્યાથી એ સહન ન થયું. એણે ઝાપટ મારી કાર્તિકના હાથમાંથી મોબાઈલ છીનવ્યો.

'અત્યારે પણ કામ્યાને કૉલ ? ડોક્ટરને કૉલ કરો ' સૌમ્યા બરાડી.

' યુ સ્ટુપિડ !' કાર્તિકે દાંત ભીસ્યા. પછી એકદમ શાંત થઈને ઉભો રહ્યો. બોલ્યો, ' લગાડ કૉલ ડોક્ટરને... '

' હું ? હા, ... પણ મને ડોક્ટરનો નંબર ખબર નથી ' સૌમ્યા બસ આટલું બોલી કે તરત કાર્તિકે, સૌમ્યાનાં હાથમાંથી મોબાઇલ લઇ લીધો અને કામ્યાને કૉલ લગાવ્યો.

થોડીવારે કાર્તિકને સૌમ્યા ચુપચાપ સાંભળી રહેલી, ' સાંભળ સૌમ્યા. તું ગમારની ગમાર રહેવાની છો. મેં કામ્યા સાથે વાત કરી. એ એનાં પીડિયાટ્રિશિયનનું મને એડ્રેસ મોકલે છે. સાથે - સાથે આપણને વગર એપોઈન્ટમેન્ટે ડૉક્ટર સૂરને ચેક કરી આપે એવી ભલામણ કરશે. હા, હું તો સમ્યક - કામ્યાને ત્યાં જ જમવાનો છું. પછી રમી રમીશું. હોમ થિયેટર પર પિક્ચર જોઈશું. કેટલો મસ્ત પ્રોગ્રામ બન્યો છે આજનો ! પણ તારી ટૂંકી નજર ક્યારેય લાંબે નહીં પહોંચે. બપોરનો સૂર બિમાર છે, એ તું મને રાત્રે સાડા આઠ વાગે કહે છે. જેને ત્યાં આજે જમવાનો પ્રોગ્રામ છે, એને પણ સમયસર જાણ નથી કરતી.... વાહટસ ધ હેલ વિથ યુ ?'

ઉખડેલા મને નામરજીથી સૌમ્યા એ પોગ્રામમાં જોડાઈ તો હતી. ડોક્ટરની દવાથી સૂરને આરામ પણ તરત થઇ ગયેલો. ભલે કાર્તિક ખુશ હતો, પણ એ ખુશ ન હતી. એ તે જોઈ શકતી હતી, જે સમ્યક જોઈ નહોતો શકતો.

સરળ - સીધો- સાદો સમ્યક તો ખુશ હતો. લગ્નજીવનનો દસકો પૂરો થવા આવ્યો હતો ત્યારે કામ્યામાં જે શિથિલતા અને ચીડિયાપણું ધીમે-ધીમે પ્રવેશી રહ્યાં હતા, એ અચાનક અદશ્ય થઇ જતા - સમ્યકે આશ્ચર્ય અને આનંદ અનુભવેલા.

જ્યારથી કાર્તિક સાથે પરિચય થયો અને તેના કુટુંબ સાથે ઘરોબો કેળવાયો, ત્યારથી કામ્યા પહેલાની જેમ ઉષ્માસભર અને આનંદિત રહેવા લાગી હતી. એ સમ્યક અનુભવી શકતો હતો. એ ખુશ હતો, કેમ કે એની કામ્યા ખુશ હતી.

પણ એ તે નહોતો જાણતો કે બે એક્સપ્રેસ ટ્રેન સામસામે એક જ પાટા પરથી ધસમસતી આવી રહી હતી અને જબરદસ્ત ધડાકા સાથે એક એવો અકસ્માત એની જિંદગીમાં સર્જાવાનો હતો કે એની કારમી યાદ અને અસર હંમેશા માટે રહી જવાની હતી.

ક્રમશ :