Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો - 3

જિંદગી ...એક દાખલો..સરવાળા-બાદબાકીનો

પ્રકરણ - ૩

કામ્યા અને કાર્તિક બંનેય કલંગુટ બીચ પર આવ્યાં. વહેલી સવારનો સમય હોઈ ટુરિસ્ટોની સંખ્યા બહુ સીમિત હતી. છૂટા-છવાયાં પાંચ- સાત કપલ હતા, એ પણ પાછાં ફોરેનર્સ.

ઉડાઉડ કરતા સાડીનાં પાલવને કામ્યાએ એનાં બદન સાથે કસીને પકડી રાખેલો. ક્ષિતિજે દૂર દરિયામાંથી સુરજ બહાર આવવાની તૈયારી કરી રહેલો.

કાર્તિકની નજર કામ્યાના રમ્ય ચહેરા પર હતી. ક્યાંય કશી કમી નહોતી લાગતી. પાતળા પરવાળા ગુલાબી હોઠ, શ્યામલ કીકી ધરાવતા વિશાળ નેત્રો, રક્તવર્ણા ગાલ અને શેમ્પૂની ખુશ્બૂથી મહેકી રહેલાં કાળા ભમમર વાળ. ધીરે ધીરે કાર્તિક જાણે મદહોશ બની રહ્યો.

અચાનક કામ્યાએ એનો હાથ પકડી લીધો. કામ્યાના એ નરમ સ્પર્શે કાર્તિકનાં શરીરમાં બમણી ઝડપે લોહીને ફરતું કરી દીધું.

કામ્યાનો હાથ સૂર્યોદય ભણી લંબાયેલો હતો. સૂરજ દરિયાની સપાટી ઉપરથી - દરિયામાંથી નીકળી રહ્યો હોય એવા આભાસ સાથે - ધીરે ધીરે ઉપર ચડી રહ્યો હતો.

ક્ષિતિજ તરફ એક દ્રષ્ટિએ જોઈ રહેલાં કાર્તિક અને કામ્યા સૂર્યોદય નિરખવામાં તલ્લીન બની ગયા. જાણે આનંદસમાધિની કોઈ પળ માણી રહી હોય એમ કામ્યાએ પૂર્ણ સૂર્યોદયની વેળાએ ક્ષણભર માટે આંખો બંધ કરી દીધી.

કાર્તિક પણ સ્થિર હતો. આ અદ્દભૂત ક્ષણે કાર્તિકે અનાયાસ હળવા ઝટકા સાથે કામ્યાને પોતાની તરફ ખેંચી લીધી. કામ્યાની આંખો ખૂલે અને તે કંઈ સમજે, એ પહેલાં 'લેટ્સ સેલિબ્રેટ ધિસ મૉમેન્ટ કામ્યા.... ' કહેતાં કાર્તિકનાં ધગધગતા હોઠ કામ્યાના નરમ હોઠ પર ચંપાઈ ગયેલા.

આ જ પળ.... આ જ ઉન્માદિતા.... અને આવા જ સાથની કલ્પના - બીજા શબ્દોમાં કહીએ તો તીવ્ર કહી શકાય એવી ઝંખના કામ્યાના મનમાં વર્ષોથી રમતી હતી અને વણસંતોષાયેલી રહી હતી. ક્ષણભર માટે એની ખુલેલી આંખો આનંદ- સંતોષની પરમ અનુભૂતિને લીધે ફરીથી બિડાઈ ગઈ હતી.

એની ખુલ્લી પીઠ પર કાર્તિકનાં હાથ હતા. એનાં હાથ પણ કાર્તિકને ક્યારે વીંટળાઈ ગયા એની તેને ખબર ન પડી. એ બંનેયને આ મદભરી તંદ્રામાંથી જગાડવા માટે કામ્યાના હાથમાંથી સરી પડેલો એ બ્લુ શિફોન સાડીનો પાલવ ઊડી-ઊડીને વારંવાર એમનાં પર પથરાતો રહ્યો... પછડાતો રહ્યો.

***

' તું દિવસે દિવસે કેવી ચિડિયણ બનતી જઈ રહી છે એનો કોઈ ખ્યાલ છે તને ? ' સમ્યકે બાળકોને ખિજાઈ રહેલી કામ્યાને ટોકી હતી.

કામ્યા સ્તબ્ધ થઇ ગઈ. સાચી વાત હતી સમ્યકની. બાળકો પર ગુસ્સો કરવો કે ખિજાવું એ કામ્યાનાં સ્વભાવમાં જરાય ન હતું. પણ આજકાલ, એને ખુદને ખબર નહોતી પડતી કે એની સાથે થઇ શું થઇ રહ્યું છે. એ રડી પડી.

' નાની - મોટી કોઈ પણ વાતમાં ચિડાઈ જવું અને સાવ નાખી દેવા જેવી વાતમાં રડી પડવું ! શું થઇ ગયું છે તને ? મને તો હતું કે ગોવા જઈને આવ્યાં પછી તું વધારે મૂડમાં રહીશ, એનાં બદલે સાવ ઊંધું જ થયું છે. આખરે તને તકલીફ શી છે ? ' દિવસોથી કામ્યાના વર્તનને ન સમજી શકતા, કંટાળેલા સમ્યકે આજે કામ્યાને લગીર ઉંચા સાદમાં એની સ્થિતિનું ભાન કરાવ્યું હતું.

પણ કોઈ પરિણામ આવ્યું ન હતું. ઇચ્છવા છતાં કામ્યા સહજ નહોતી થઇ રહી. કામ્યાને મૂડમાં લાવવાનાં અને ખુશ રાખવા માટેનાં સમ્યકના તમામ પ્રયત્નો એળે ગયેલાં.

સમ્યક ખરેખર મૂંઝવણમાં મૂકાઈ ગયેલો. પરેશાન કરી રહેલ કામ્યાનાં આ બદલાયેલા વર્તન માટે, પૂછે તો કોને પૂછે ? નજીક તો કાર્તિક હતો. પણ આજકાલ તો એ એકદમ શાંત બની ગયેલો, એવો શાંત કે જાણે જીભ પેટમાં ન ઉતારી ગયો હોય !

ગોવાથી પાછાં ફર્યા બાદ કાર્તિકનાં પણ વર્તન, વ્યવહાર અને સ્વભાવમાં ધરમૂળથી પરિવર્તન આવી ગયેલું. જો કે સૌમ્યાએ આ બાબત બહુ લક્ષમાં નહોતી લીધી. એ ઘરનાં કામકાજ, રસોઈ અને સૂરની દેખભાળમાંથી નવરી પડે તો વિચારે ને !

ધરતીકંપ આવતા પહેલાં થઇ રહેલ ભૂગર્ભમાં થઇ રહેલ હિલચાલનો સામાન્ય માનવીને અંદાજ નથી આવતો, એમ કાર્તિક અને કામ્યાના પરિવર્તિત થઇ રહેલાં વર્તન - વ્યવહાર પાછળ આવી રહેલાં તોફાનનો અણસાર પણ કોઈને આવ્યો ન હતો.

***

ઘણા દિવસ પછી આજનો દિવસ કંઈક હળવાશભર્યો અને ફરી ખુશીઓ લઇને આવ્યો હોય એવું લાગી રહેલું.

આજે સૂરનો જન્મદિવસ હતો. ના, ફકત સૂરનો નહીં, સાથે - સાથે કાર્તિકનો પણ જન્મદિવસ હતો. આજુ બાજુના ફ્લૅટના નાના બાળકો સહિત સમ્યક અને કામ્યા પણ એમનાં બાળકો વિશ્વ-ચિરાયુ સાથે સૂરની બર્થ-ડે ઉજવણીમાં હાજર હતા.

નાના અમથા બે રૂમ -કિચનના ફ્લેટમાં આમન્ત્રિત બાળકોની મસ્તી ચાલી રહેલી અને દોડાદોડી થઇ રહેલી. આ સમયે પણ કાર્તિકની નજર કામ્યા પર જ હતી, તો કામ્યા પણ નજર ચોરીને એની તરફ આછું હસી દેતી.

બર્થ-ડે સરસ રીતે ઉજવાઈ ગયેલો. આજુબાજુમાંથી આવેલાં બાળકો ઘરભેગા થઇ ગયેલાં. પણ હજી ઘર અને ખાસ કરીને કિચનમાં ખાદ્ય સામગ્રી વેરણછેરણ પડી હતી.

ભીડ અને કોલાહોલથી કંટાળી ગયેલો સૂર રડવા પર ચડી ગયેલો. એને છાનો રાખવા - સુવડાવવા માટે સૌમ્યા બેડરૂમમાં ગઈ. કાર્તિક -સમ્યક ટીવી જોતા બેઠા હતા. બાળકો વિશ્વા અને ચિરાયુ સૂર માટે આવેલી ગિફ્ટ જોઈ રહેલાં.

એ દરમિયાન કામ્યા કિચનમાં કામ આટોપી રહેલી. કાર્તિક પાણી પીવાના બહાને કિચન તરફ આવ્યો હતો. કામ્યા બેધ્યાન હતી. અચાનક એના બંને ખભા પર હસ્તસ્ર્પર્શ અનુભવાતા એ ચમકી ગઈ.

સ્પર્શથી ચમકી ગયેલી - કામ્યાનો ચહેરો તત્ક્ષણ પાછળ ફર્યો. કાર્તિકને સન્મુખ જોઈ એક ક્ષણ માટે એનું દિલ ફફડ્યું અને બીજી ક્ષણે આંદોલિત થઇ રહ્યું. કંઈક ગભરાટ અને ઉત્તેજનાને લીધે એનાં કપોલપ્રદેશ પર પ્રસ્વેદ જામ્યો. એનાં હોઠ આછું ફફડ્યા, ' કાર્તિક...... '

એ કાર્તિકને જોઈ રહી. કાર્તિકની આંખો એને કંઈક પૂછતી હતી. એની પાસેથી કંઈક ચાહતી હતી. કામ્યાના ધ્રુજતા હોઠ પર કોઈ કલાકારની પીંછી ફરતી હોય એમ કાર્તિકની આંગળીઓ ફરી રહી. અજબ સંવેદન અનુભવી રહેલી કામ્યાની આંખો સહજપણે બંધ થઈ ગઈ.

આ દશ્ય જોઈ, કામ્યાને કામમાં ઝડપ કરવા માટે કહેવા આવેલો સમ્યક કિચનના દરવાજા પાસે ખોડાઈ ગયો.... એમ ને એમ પૂતળાંની જેમ.

ક્રમશ :

રાહ જોશો પ્રકરણ – ૪ ની….