શતરંજના મોહરા - 4 Urvi Hariyani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શતરંજના મોહરા - 4

શતરંજના મોહરા

પ્રકરણ - ૪

'દિ... ' તમન્ના દોડી આવી હતી.

પૂરા ચૌદ દિવસ પછી હોસ્પિટલથી આવેલી આરઝૂ ઘરમાં પ્રવેશતાં જ ફસડાઈ પડેલી. તમન્નાને ઘરે ડોક્ટરને બોલાવવા પડ્યા હતા, કેમ કે આરઝૂ બેહોશ થઇ ગઈ હતી.

તમન્નાએ માનેલું કે પૂરા ચૌદ દિવસ અવિરત આરામ કર્યા વગર અમેયની સુશ્રુષામાં રહેલી આરઝૂ હદ બહારના થાકથી બેહોશ થઇ ગઈ છે.

જો કે ડોક્ટરે કહેલું, ' મારા માનવા પ્રમાણે,થાક કરતા કોઈ માનસિક આઘાત લાગ્યો હોવાનો સંભવ વધારે છે. '

જયારે તમન્નાને ખબર પડી કે અમેયના પિતાએ સગાઈ તોડી નાખી છે તો એ આંચકો ખાઈ ગઈ હતી .

સગાઈને દોઢ વર્ષ થઇ ચૂકેલું. ૨ મહિના પછી તો લગ્ન લેવાયા હતા. તમન્નાએ આરઝૂને હિમ્મત બંધાવી હતી, ' ટેન્શન ન કર દિ, જે જીજુનો છેલ્લાં દોઢ વરસમાં એક દિવસ તને મળ્યા વગર ખાલી નથી ગયો - એ જીજુ એમ કઈ બીજી જોડે થોડા ફેરા ફરી લેશે ? '

તમન્ના સહિત જેટલા આરઝૂ અને અમેયને ઓળખતા હતા એ બધાને વિશ્વાસ હતો કે અમેય ગમે તેમ કરી એનાં પિતાને મનાવી લેશે અને લગ્ન તો આરઝૂ સાથે જ કરશે.

કોઈ અજાણ્યા દગો કરે ત્યારે એટલો હ્ર્દય પર ઘા નથી લાગતો, જેટલો પોતાના માન્યા હોય એનાં પરનો વિશ્વાસ તૂટે ત્યારે લાગે છે.

આરઝૂ સાથે એવું જ થયું હતું. એનો વિશ્વાસ તૂટ્યો હતો. પોતાના પિતાના ઈમોશનલ બ્લેકમેઇલથી મજબુર થયેલો અમેય - દેવયાનીને પરણી ગયો હતો.

અત્યંત લાગણીશીલ આરઝૂ નર્વસ બ્રેકડાઉનનો ભોગ થઇ પડી. હતાશામાં ગરકાવ એવી આરઝૂના પસાર થઈ રહેલા એક - એક યુગ સમા દરેક દિવસની તમન્ના સાક્ષી રહેલી. એ પોતાની દિ ને પ્રણયભંગની વેદનામાંથી બહાર લાવવા, આનંદમાં રાખવા માટે શક્ય એટલાં તમામ પ્રયાસો કરતી.

***

અમેય અને દેવયાનીના દામ્પત્યજીવનની શરૂઆત એકદમ ઠંડી થઇ હતી. અમેય સાથેના લગ્ન એ સંપૂર્ણપણે દેવયાનીની મરજી વિરુધ્ધનાં લગ્ન હતા. અમેય એને પોતાનાં માટે કોઈ પણ પ્રકારે યોગ્ય નહોતો લાગતો.

ક્યાંથી લાગે ? એને જે પસંદ હતો એ જોસેફ કરતાં અમેયની પર્સનાલિટી એકદમ વિપરીત હતી.

ક્યાં છ ફુટ ઊંચો, મજબૂત-પહોળા ખભા , વાંકડિયા વાળ, ભૂરી આંખો અને ગૌર વર્ણ ધરાવતો હૂબહૂ હોલિવૂડના હીરો જેવો દેખાતો જોસેફ અને ક્યાં સામાન્ય કદ,રંગ,ચહેરો અને મઘ્યમ ઊંચાઈ ધરાવતો અમેય !

દેવયાની સરખામણી ફકત દેખાવની નહીં, બંનેનાં સ્વભાવની પણ કરી બેસતી.

જોસેફ ગોવાના મુક્ત વાતાવરણમાં ઉછેર્યો હોઈ ઘણી મુક્ત વિચારસરણી ધરાવતો. એટલું જ નહીં, એ ફકત 'આજ' માં જીવવામાં માનતો. ફકત વર્તમાનને સુંપૂર્ણપણે ભોગવવાની એની વિચારસરણીને લીધે એને મોજ -મઝા અને શોખમાં છૂટથી પૈસા વાપરવાની આદત હતી.

જયારે અમેય મઘ્યમવર્ગીય પરિવારમાં ઉછર્યો હોઈ 'આજ' પહેલા 'કાલ'નો વિચાર પહેલા કરતો. દેવયાનીને આ કારણસર અમેય ઠંડો, રિઝર્વ અને કંજૂસ લાગતો.

શરૂઆતમાં દેવયાનીને અમેયનો સ્પર્શ અજાણતાંય થઇ જતો તો એ એને એવો ઝટકોરી નાંખતી કે અમેય ખસિયાણો પડી જતો. એવા બે -ત્રણ અનુભવ પછી એ સભાનપણે દેવયાનીથી દૂર રહેતો થઈ ગયેલો.

એક દિવસ....

સાંજના વહેલા ઘરે આવી ગયેલા અમેયે, દેવયાની ઘરે છે કે બહાર ગઈ છે - એ જોવા એનાં બેડરૂમમાં ડોકિયું કરેલું. એ સૂઈ રહેલી.

હા, અમેય અને દેવયાની બંનેય જયરાજ તન્નાએ એમનાં લગ્ન પર ભેટ આપેલ ફ્લેટમાં રહેતા હતા. અમેયે એ ફ્લેટમાં દેવયાની સાથે અલગ રહેવાનું એનાં ખુદના પિતાની ઈચ્છાથી સ્વીકારેલું. ફ્લેટ એક હતો,પણ બંનેય પતિ-પત્નીના બેડરૂમ અલગ હતા.

જોગાનુજોગ એ દિવસે રસોઈ બનાવવા માટે આવતી રસોઇયણ પણ આવી ન હતી.

'હું પાવભાજી ઓર્ડર કરી રહ્યો છું, તારે કંઈ મંગાવવું છે દેવયાની ?' રાત્રે નવ વાગે પણ ન ઉઠેલી દેવયાનીના બેડરૂમમાં અમેય પૂછવા ગયેલો.

દેવયાનીએ કોઈ જવાબ ન આપેલો.

દેવયાનીને અમેયના ટીવી પર મોટા અવાજે ન્યૂઝ સાંભળવાના શોખ સામે ખૂબ અણગમો હતો. જે આજે અમેય સાંજથી સાંભળી રહેલો. છતાં, એ એકવાર પણ હંમેશની જેમ ટીવી બંધ કરવા ડ્રોઈંગરૂમમાં નહોતી ધસી આવી.

અમેયને કંઈક અસામાન્ય લાગ્યું. અનાયાસે એનાંથી દેવયાનીના કપાળે હાથ મુકાઈ ગયેલો.

જેવો મુક્યો - એવો ખેંચાઈ ગયો હતો એનો હાથ, કેમ કે કપાળ તો ધગધગી રહેલું. દેવયાનીને સખત તાવ ચડ્યો હતો.

એ તરત કિચન તરફ દોડ્યો હતો. ફ્રીઝમાંથી ઠંડુ પાણી અને નેપકીન લઇ આવેલો. ફટાફટ ઠંડા પાણીના પોતા એનાં કપાળે મુકવા લાગેલો. થોડીવારે એણે દેવયાનીને દવા પણ આપી હતી.

રાત્રે એક વાગે દેવયાની થોડીક સામાન્ય થઇ હતી. એ બેડમાં બેઠી થયેલી.

'કેવું લાગે છે હવે ? '

'આયમ કવાઇટ ઓકે.. ' દેવયાનીએ એનાં બંનેય હાથ ઊંચા કરી આળસ મરડતા કહ્યું.

અમેયે સભાનતાથી એને ઉત્તેજી રહેલ દેવયાનીની આ કામણગારી અદાનાં મોહપાશમાંથી છટકતા કહ્યું, ' ગુડ, આયમ લિવિંગ ધ રૂમ. ટેક કેર.. '

અમેય દેવયાનીના બેડ પરથી ઉભો થયો હતો કે સહસા દેવયાનીએ અમેયને પોતાના તરફ ખેંચી લીધો હતો.

છ મહિના પછી... હા, લગ્નના પૂરા છ મહિના પછી - એ બંનેય આજે એકમેકમાં એકાકાર થયા હતા.

આમ, છેવટે - દેવયાની અને અમેયનું સહજીવન શરૂ થયું હતુ, પણ આ માત્ર દૈહિક ઐક્ય જ હતુ; મનોઐક્ય નહીં. કેમ કે હજી પણ એ બંનેય પોતપોતાના સાથીઓને વિસરી નહોતા શક્યા.

***

તમન્ના ધુંવાફુંવા હતી.

આજે ફરી એક વાર એક લગ્નોત્સુક મુરતિયાએ એની બેન આરઝૂને નકારી હતી.

આરઝૂને જોવા આવનાર કોઈ પણ યુવક સૌ પ્રથમ આરઝૂનો જૂનો ‘ઘા’ ઉખેળતો . જેમ કે, કેટલો સમય તમારી સગાઇ રહી ? એ તૂટી કેમ ? વિગેરે.

આવા પ્રશ્નોથી બે વર્ષ જૂની યાદો વારંવાર તાજી થતા માંડ-માંડ સ્વસ્થતા કેળવી રહેલી આરઝૂ વધૂ મુરઝાઈ જતી. એ કારણસર પછી સામા પક્ષેથી જવાબ નકારમાં આવતો.

એવું ન થાય એ માટે - આરઝૂ અને જે-તે યુવાનની મુલાકાત વખતે તમન્ના ઇરાદાપૂર્વક હાજર રહેતી તો, બે દિવસ પછી એવો જવાબ આવતો કે મુરતિયાને આરઝૂમાં નહીં, તમન્નામાં રસ છે.

તમન્ના અને એનાં માતા-પિતા મનોમન ઈશ્વરને પ્રાર્થી રહેલાં કે આરઝૂ માટે વિધિએ તય કરેલો જીવનસાથી શક્ય એટલો વહેલામાં વહેલો મોકલી આપે.

સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ નથી જતી. એમની પ્રાર્થના મંજૂર થઇ ગયેલી અને ફરી એકવાર આરઝૂના જીવનમાં પ્રેમરૂપી વસંતનું આગમન થતા એ ફૂલની માફક ખીલી ઉઠી હતી .

ક્રમશ :

પ્રિય વાચકો, આરઝૂના જીવનમાં ફરી 'પ્રેમ 'ની ઋતુ લાવનાર કોણ છે ? દેવયાનીએ શું ખરેખર એનાં પિતા જયરાજ પરિમલ તન્નાની શરણાગતિ સ્વીકારી લીધી છે ? દેવયાનીની જયરાજ તન્નાને માત આપતી ચાલથી ફરી કેટલા મોહરા ઉડે છે?

એ વાંચવા આગળના પ્રકરણ- ૫ નો ઇન્તજાર કરવો રહ્યો.