શતરંજના મોહરા
પ્રકરણ - ૫
'સ્ટોપ દેવયાની, ડોન્ટ મૂવ ' જયરાજે ઘર છોડીને જઇ રહેલી દેવયાનીને પડકારેલી.
જયરાજ તન્નાને પણ ગણકાર્યા વગર ઘર છોડીને જઈ રહેલી દેવયાનીને રોકવાની મિથ્યા કોશિશ અમેયે કરી નહીં એ સારું થયું.
કેમ કે દેવયાની સહેજ પણ થડકયા વગર હાથમાં હેન્ડ પર્સ અને એની સમાન ભરેલી બેગ લઇ ડ્રોઈંગરૂમના દરવાજા તરફ ધપી ગઈ હતી.
ફ્લેટની બહાર એને લઇ જવા માટે આવેલો જોસેફ એને સસ્મિત આવકારી રહેલો. જયરાજ તન્ના અને અમેય કોઈ નાટક ભજવાતું હોય એમ મૂક પ્રેક્ષક બનીને જોતાં રહ્યાં અને દેવયાની જોસેફ જોડે ચાલી ગયેલી.
***
ગઈકાલે બે વર્ષ બાદ, ચર્ચગેટની ફેશન સ્ટ્રીટમાં ઘૂમી રહેલી દેવયાનીનો ભેટો અચાનક જોસેફ જોડે થઇ ગયેલો.
માલેતુજાર બાપની છોકરી હોવા છતાં દેવયાનીને મધ્યમવર્ગીય ખરીદદારોમાં જાણીતી આ જગ્યા ન જાણે ખૂબ ગમતી. ભાવ-તાલની મઝા લઇ કશું ને કશું ખરીદવા, એ અઠવાડિયામાં એક વાર તો અહીં અચૂક આવતી જ.
અચાનક એ ચમકી હતી. જોસેફ જેવા લાગતા એ વ્યક્તિ પાછળ એ દોડેલી. અને એ જોસેફ જ હતો.
જોસેફ હસી રહેલો, ' દેવી, મને ખાતરી હતી કે એક ને એક દિવસ તું મને અહીં જ મળીશ.. '
' આઈ..., આઈ કાન્ટ બીલીવ જોસેફ !' અભિભૂત થઇ ગયેલી દેવયાની સંકોચ વગર જોસેફને ભેટી પડેલી.
બંનેય જણા નજીકના કોફીશોપમાં ગયા હતા.
' ડુ યુ નૉ જોસેફ, તારા વગર હું કેટલી હેલ્પલેસ થઇ ગયેલી ! ક્યાં જતો રહેલો તું ? ' દેવયાની ફરિયાદ કરી રહેલી.
'જતો નહીં રહેલો, પાર્સલ કરવામાં આવેલો મને ! ' જોસેફે વક્ર સ્મિત કરતા કહેલું.
'વ્હોટ ? કઈ રીતે ? સમજાયું નહીં... ' દેવયાનીએ પૂછ્યું. એનાં ચહેરા પર ખરેખર મૂંઝવણ તરી આવેલી.
' યોર ડેડ - મિસ્ટર જયરાજ પરિમલ તન્ના - એ મને મારા પેરેન્ટ્સ પાસે ઑસ્ટ્રેલિયા પાર્સલ કરી દીધેલો - બળજબરીથી, ધમકી આપીને. જો હું મુંબઈમાં રહીશ તો સલામત નહીં રહું. '
દેવયાનીના હોઠ ભીડાઈ ગયા. બંનેય જણા કોફીશોપમાંથી બહાર નીકળ્યા ત્યારે દેવયાનીના ચહેરા પર વિચિત્ર ચમક હતી અને આંખોમાં કોઈ મક્કમ નિર્ધાર.
***
સ્વાભાવિકપણે પોતે નહીં જાણતી હકીકત જોસેફ પાસેથી જાણીને દેવયાની ફરી એનાં અસલ રૂપમાં આવી ગઈ હતી. એ ફરી જોસેફ તરફ આકર્ષાઈ ગઇ હતી.
અમેયે એને ખૂબ સમજાવી હતી.
'દેવયાની, જોસેફ તારો ભૂતકાળ છે. હવે આપણે મેરિડ છીએ. પૂરી સોસાયટી સામે આપણે મેરેજ કરેલાં છે. તારાં આ નિર્ણયથી આપણાં બન્નેયનાં ઘરની પ્રતિષ્ઠા ખરડાઈ જશે. '
' સો વ્હોટ ? આઈ હેવ બીન ચીટેડ..., હું માની નથી શકતી મારા ડેડ મારી સાથે આવી રમત રમી ગયા. તને ખબર છે ? વ્હોટ હી ટોલ્ડ મી ? દેવયાની તું સેટલ થઇ જા. મને જોસેફ સામે પણ વાંધો નથી. બ્લડી લાયર ! એમને જોસેફ સામે વાંધો હતો. એટલે એને ધમકી આપી મારી લાઈફમાંથી આઉટ કરી દીધો.. ' દેવયાની ભયકંર ગુસ્સામાં હતી.
'દેવયાની, બિહેવ યોરસેલ્ફ - તને ભાન છે ખરું કે તું તારા ડેડને ગાળ આપી રહી છે. ' અમેયે દેવયાનીને થોડો ડારવાનો પ્રયાસ કરેલો.
દેવયાનીના ચહેરા પર કટુ સ્મિત આવી ગયેલું, ' યુ મીન ટુ સે... હું એક સંસ્કારી - સુશીલ છોકરી નથી, જે એનાં બાપને ગાળ આપી રહી છે. તારે મને જે સમજવી હોય એ સમજ. આઈ ડોન્ટ કેર. માય મોમ કમિટેડ સુસાઈડ વ્હેન આઈ વૉઝ સિક્સ યર્સ ઓન્લી ! શું તું એ જાણે છે કે એ આપઘાત પાછળ માત્ર અને માત્ર જયરાજ પરિમલ તન્ના જવાબદાર હતો ???'
અમેય સ્તબ્ધ હતો. બે વર્ષના લગ્નજીવનમાં દેવયાનીએ આવી કોઈ વાત કરી ન હતી.
'.... અમેય, જયરાજ તન્નાએ તારાં દવા-દારૂ પાછળ પૈસા ખર્ચી તને ખરીદી લીધો છે, મને નહીં ! ' દેવયાનીએ ફુંફાડો મારેલો.
હા, જયરાજ તન્નાની સમયસરની આર્થિક મદદને લીધે પોતે આજે જીવિત હતો, એ અહેસાન અમેય ક્યારેય ભૂલી શકે એમ ન હતો. કદાચ એટલે જ એ દેવયાનીને આટલું સાચવતો હતો.
'પિસ્તાળીશ વર્ષ સુધી બેફામપણે એશોઆરામથી જીવ્યા બાદ મારાં બાપને સ્થિર લાઈફ યાદ આવી હતી. વારસદારની ઈચ્છા જાગી હતી. એટલે એનાથી વીસ વર્ષ નાની એવી મારી મોમ સાથે એણે મેરેજ કર્યા.. ' દેવયાનીના ચહેરા પર એટલો તિરસ્કાર છવાઈ ગયેલો કે અમેય વધુ વાર એની સામે જોઈ પણ ન શક્યો.
'છતાં લગ્ન પછી પણ ડેડ સુધર્યા નહીં. મારી મોમે કંટાળીને ડિવોર્સ માંગ્યા. એ પણ આપ્યાં નહીં. સોનાનાં પીંજરામાંથી આઝાદ ન થઇ શકેલી મારી મોમ આખરે કંટાળીને આપઘાત કરીને મરી ગઈ. મારી મોમને એણે એની મરજી પ્રમાણે જીવવા ન દીધી, પણ હું તો મારી મરજીથી જીવીને રહીશ. જોઉં છું કે મને કોણ અટકાવે છે ?'
' હું અટકાવીશ તને દેવયાની.... ' જયરાજ તન્નાનો સ્વર પડઘાયો હતો.
અમેય એનાં સસરા જયરાજને પહેલાં સંદેશ આપી ચુકેલો કે દેવયાની આવતીકાલે ઘર છોડી જઈ રહી છે. એટલે એ પોતાની દીકરીને જતી અટકાવવા આવી ચઢેલો.
પોતાની રીતે દેવયાનીને સમજાવવામાં નિષ્ફળ રહ્યો હોવાથી અમેયે જયરાજ તન્નાને દેવયાનીએ જે નવું કમઠાણ સર્જેલું - એ કોલ કરી જણાવી દીધેલું.
શું કરે એ ? ભલે એ દેવયાનીને ચાહતો નહોતો. પણ બે વર્ષના લગ્નજીવન બાદ એનાં કોઈ વાંક-ગુના વગર દેવયાની તેને તરછોડી જાય એ કઈ રીતે સહી શકાય ?
દેવયાનીને સમાજની તમા ન હતી. પણ એ, જે સમાજમાં રહેતો હતો - એ પ્રમાણે એનાં માટે દેવયાનીનું આ રીતે ઘર છોડીને ચાલી જવું, એ એનાં ઘરની આબરૂ અને ખુદની પ્રતિષ્ઠા પર એક ઘા હતો.
પણ આખરે તો,જયરાજ તન્ના કે અમેય કોઈનેય મચક આપ્યાં વગર દેવયાની ધરાર જોસેફ સાથે જતી રહેલી. એટલું જ નહીં, પંદર દિવસ પછી એણે અમેયને છૂટાછેડા માટેની નોટિસ મોકલી આપેલી.
***
આજે રવિવાર હતો.
આરઝૂને મૂડમાં લાવવા માટે તમન્ના એને આજે ' કવીન ' મૂવી જોવા લઇ આવી હતી. એ ઈચ્છી રહેલી કે સતત લગ્નોત્સુક મુરતિયાઓના 'નકાર'થી હતોસ્તાહ થઈ ગયેલી એની 'દિ' આ મૂવી જુવે. એટલું જ નહીં, કંગના રનૌતે ભજવેલા બૉલ્ડ પાત્રથી પ્રભાવિત થઇ - બને એટલી સામાન્ય બની જાય.
બીજી તરફ જય અને નિધિ, જે બંનેય પતિ-પત્ની હોવાની સાથે અમેયના ખૂબ અંગત મિત્ર હતા- એ દેવયાનીથી તરછોડાઈ નિરાશ બની ચૂકેલા અમેયને વાતાવરણ ફેર માટે ફ્લેટની બહાર ખેંચીને ચોપાટી પર ફરવા લઇ આવ્યા હતા.
ખરેખર 'ક્વીન' મૂવી જોઈને નીકળેલી આરઝૂનો મૂડ પરિવર્તિત થઇ ચૂકેલો.
કેટલાય સમય પછી બંનેય બેનો ફેરિયા પાસેથી શીંગ-ચણા લઇ શાંતિથી ચોપાટી પર બેઠી હતી. થોડે જ દૂર બેઠેલા જય અને નિધિનું ધ્યાન આ બંનેય તરફ દોરાતા, પતિ-પત્ની બંનેએ સાંકેતિક પરસ્પર ઈશારો કરેલો.
હા, એ બંનેય અમેયની એક સમયની વાગ્દતા રહી ચુકેલી આરઝૂને સારી રીતે ઓળખતા હતા.
ક્રમશ :
શું જય - નિધિનો આરઝૂ અને અમેયને ફરી મેળવવાનો પ્રયાસ સફળ થશે ? શું જયરાજ તન્ના, એની પુત્રી દેવયાનીના બંડને ચલાવી લેશે ? દેવયાની છૂટાછેડા લેવામાં સફળ થાય છે કે નહીં ?
આખરે આ કથાના મહોરાં હવે આગળ કઈ ચાલ ચાલશે એ માટે પ્રકરણ - ૬નો ઇન્તજાર કરશો.