પૂછીને થાઈ નહીં પ્રેમ... Anuj Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૂછીને થાઈ નહીં પ્રેમ...

કોલેજના પહેલા દિવસે જ જ્યારે સંયમે સોકોલ્ડ સોફેસ્ટિકેટ સ્ટુડન્ટ્સની જમાત વચ્ચે પાણી પીવાના નળ પર ખોબો ધરી પાણી પીધાં બાદ નિર્દોષ અદાથી પોતાની લટ સરખી કરતી શ્રાવીને જોઈ ત્યારે પેહલી વાર એને લાગ્યું કે પ્રેમ વિશેની બોલીવુડના પિક્ચરો જોઈ જોઈને ચવાઈ ગયેલી એની માન્યતાને કોઈ તાજો અર્થ મળ્યો. ઉંમરની જરૂરિયાત મુજબ ઉત્તપન્ન થયેલા હોર્મોન્સે શરીરમાં દિલ નામની જગ્યા પર ઍટ્રેકશન નામનું વાઈબ્રેશન ઉભું કર્યું. આજ સુધી એને ક્યારેય કોઈ છોકરી પ્રયત્ન કરવાથી પણ આટલી ગમી ન હતી, જેટલી શ્રાવી એને પેહલી જ વારમાં ૧૧ સેકન્ડ સુધી પાણી પિતા જોઈને ગમી ગઈ. પિક્ચરોમાં બતાવવામાં આવતી પ્રેમ વિશેની એકની એક રિપીટેડ થતી વાતો હંમેશા તેને વાહિયાત લાગી હતી. પણ શ્રાવીને જોયા બાદ તરત પ્રેમ નામના શબ્દ માટે એના મનમાં રહેલી સેંકડો મૂંઝવણની ગાંઠ છૂટવાની શરૂઆત થઈ હોઈ એવું એને લાગ્યું. ત્યારે એ ક્ષણોમાં જ એને થયું કે જો આ છોકરી ફર્સ્ટ યરમાં, મારી ફિલ્ડમાં અને મારા જ કલાસમાં હોઈ તો...

કોલેજ શરૂ થયાના ચોથા દિવસે સંયમ એના ડિપાર્ટમેન્ટની બિલ્ડીંગ નીચે એના ક્લાસમાં પાડવામાં આવેલા 'પ્રેક્ટિકલ લેકચર્સ'ના ગ્રુપમાં બીજા ચાર ગ્રૂપ મેમ્બર્સ અને પાંચમી ગ્રુપ મૅમ્બર્સ શ્રાવીની બાજુમાં ઉભો હતો. એને એ દિવસની સવાર ઉપર વિશ્વાસ જ નોહતો થતો. લાગતું હતું કે હમણાં આલાર્મ વાગશે અને એ ઉઠી જશે, જો આલાર્મ વાગતું જ રહેશે અને એ નહીં ઉઠે તો એનો રૂમ પાર્ટનર માહિર એને લાતો મારીને તો ચોક્ક્સ ઊઠાડી દેશે. પરંતુ શ્રાવીના હાથમાં રહેલો ફોન અચાનક શ્રાવિના હાથમાંથી છટકી સંયમને પગની આંગળીઓ પર વાગ્યો ત્યારે જે પીડા એને મેહસૂસ થઈ ત્યારે ફાઇનલી સંયમને લાગ્યું કે "ના...ખરેખર આ કોઈ સપનું નથી પણ હકીકત છે કે શ્રાવીએ ફર્સ્ટ યરમાં એની જ ફિલ્ડમાં એડમિશન લીધું છે અને એ પણ એના ક્લાસમાં જ છે, અને એમાંય ક્લાસમાં પાડવામાં આવતા દરેક પ્રેક્ટિકલ એકપ્રિમેન્ટ્સના ગ્રુપમાં પણ એ એની સાથે જ છે"
ફોનનો ખૂણો જોરથી ટચલી આંગળી પર લાગવા છતાં જ્યારે શ્રાવીએ "ઓહ...આઈ એમ વેરી સોરી. અચાનક જ ફોન હાથમાંથી લપસી ગયો, ધ્યાન જ ના રહ્યું મારું... તને વાગ્યું તો નથી ને ?" આટલું પૂછ્યું ત્યારે સંયમે તરત એ ઘટનાની નાજુકતામાં લપસીને કહી દીધું "અરે ઇટ્સ ઓકે...આઈ એમ ફાઈન...આટલામાં થોડું કંઈ વાગી જાઈ"

એક વર્ષ પૂરું થયું, બે વર્ષ પૂરા થયા, ચોથું વર્ષ પૂરું થવા આવ્યું. સંયમને ક્યારેય શ્રાવી સિવાય બીજી કોઈ પણ છોકરી પ્રત્યે આવો ભયંકર લગાવ નોહતો થયો. આટલા સમય દરમિયાન બંને સારા મિત્રો બની ગયાં હતાં. આ બધા સમયમાં એક નાનો ચાન્સ પણ સંયમ છોડતો ન હતો કે જેના દ્વારા એ શ્રાવીની નજીક જઇ શકે. હંમેશા કોઈને કોઈ બહાનું એ ઉભું કરી લેતો કે જેથી એ શ્રાવીની સાથે વધુ સમય વિતાવી શકે. હેલ્પ કરવાના બહાનાને આગળ ધરી એ બધા કામ સંયમ શ્રાવી માટે કરતો કે જે આજ સુધી કોઈ છોકરીના પ્રેમમાં પડેલા કોઈ છોકરાએ કર્યું જ હોઈ. આ દરમિયાન શ્રાવીને પણ દરેક છોકરીમાં અચૂકપણે રહેલી 'સેન્સ'દ્વારા સંયમના મનમાં એના પ્રત્યે રહેલા સોફ્ટ કોર્નર વિશે ખ્યાલ તો આવ્યો જ હતો...

એવું નોહતું કે સંયમને શ્રાવી પ્રત્યેની એની લાગણીઓ પર શંકા હતી કે નોહતો એ પોતાની લાગણીઓનો શ્રાવી પાસે એકરાર કરવાથી ડરતો હતો. એને માત્રને માત્ર એકરાર કર્યા બાદની 'વાર્તા'નો ડર હતો. એના માટે શ્રાવી એના પ્રસ્તાવને સાંભળ્યા બાદ હા પાડે કે ના એ બહુ મહત્વ નોહતું રાખતું. શ્રાવીની જો ના પણ આવે તો એને મંઝુર હતી કેમ કે આ ચાર વર્ષોમાં એ સ્પષ્ટ પણે એના ઘડાયેલા અનુભવ અને સમજ પ્રમાણે માનતો થયો હતો કે પ્રેમ એટલે બે પાત્રો વચ્ચે રહેલા સંબંધને કાયમ માટે એકબીજાની સાથે રહેવાના વચનથી બાંધી દેવાનું નામ નહીં પરંતુ બંનેની મરજી મુજબ કોઈ પણ 'નામ' વગરના સબંધોના આકાશમાં ઉડવાની સ્વાતંત્રતાનું નામ હતું. સંયમને ડર હતો કે શ્રાવી સાથેની એની મિત્રતામાં એના એકરાર બાદ કોઈ ફર્ક આવશે અને શ્રાવી સાવ એની સાથે વાત કરવાનું બંધ કરી દેશે અથવા શ્રાવી એના વિશે કંઈક ઊંધું જ વિચારવા લાગે કે સંયમ મિત્રતાના નામે એને છેતરી રહ્યો હતો. આવા તર્કના તકલાદી કારણોને લીધે સંયમ નામ પ્રમાણે એની શ્રાવી પ્રત્યેની લાગણીઓને પરાણે દિલમાં 'સંયમપૂર્વક' દબાવીને બેઠો રહ્યો.આ લાગણીઓને મનમાં રોકી રાખવાથી ઉભું થતું ફ્રસ્ટેશન પણ એ ભોગવી ચુક્યો હતો આ ચાર વર્ષો દરમ્યાન. ઘણી બધી વખત એણે પોતાની જાતને તૈયાર કરી શ્રાવીને પોતાના દિલની વાત પોતાના લાગણી પરના 'સંયમ'ને તોડીને કહી દેવા માટે પણ એ ના કરી શક્યો. એને એની જાત પર આ પ્રકારની મુદ્દા વગરની મજબૂરીથી ગુસ્સો પણ આવતો. ઘણા દિવસો અને ઘણા બધા દિવસોની રાતો એ શ્રાવીને કામ વગર મેસેજ કરવો કે નહીં, મેસેજ કરીશ તો શું થશે ? એને કેવું લાગશે ? ગમશે કે નહીં ? એવા તર્ક ભરેલા સવાલો પોતાની જાતને પૂછી પૂછીને કાઢી નાંખતો. આ દરેક સવાલોના જવાબ હા આવે એવું સંયમ ઇચ્છતો. પણ દરેક સવાલોના સંયમની જાત જવાબ આપે એ પહેલાં સંયમનો પોતાની લાગણી પરનો 'સંયમ' વિવિધ તર્કો આપી નકારમાં આપી દેતો.

ચોથા વર્ષના અંતમાં એના માટે આ વાત અસહ્ય થઈ ગઈ હતી.લાસ્ટ યરના લાસ્ટ વાઇવાના લાસ્ટ રાઉન્ડમાં એના ડિપાર્ટમેન્ટના લાસ્ટ ફ્લોરના લાસ્ટ ક્લાસની લાસ્ટ બેંચીસ પર બેસી સંયમ પોતાની જાતને લાસ્ટ ટાઈમ શ્રાવીને કહી દેવા માટે મનાવવાના પ્રયત્નો કરતો હતો. ત્યાં જ અચાનક એના ફોન પર ૨:૦૪ મિનિટે વોટ્સએપ પર નોટિફિકેશન આવી. શ્રાવિનો મેસેજ હતો "સંયમ ફર્સ્ટ ફ્લોરના ફર્સ્ટ કલાસ પર આવને". સંયમને યાદ આવ્યું કે એમના ગ્રુપના પ્રોજેક્ટની ફાઇલ એની પાસે છે, કદાચ એ લેવા માટે શ્રાવી બોલાવતી હશે. એ ક્લાસમાં ગયો, જોયું તો શ્રાવી એકલી હતી. શ્રાવીએ સંયમને જોઈને હસીને કહ્યું "સંયમ એક મિનિટ બેસ અહીં, મારે તને કંઈક કહેવું છે"...
૨:૪૧ મિનિટે શ્રાવીએ એના સોશિયલ મિડિયા પર સ્ટેટ્સ મૂક્યું.
'प्यार का पहला ख़त लिखने में वक़्त तो लगता है
नये परिन्दों को उड़ने में वक़्त तो लगता है।
जिस्म की बात नहीं थी उनके दिल तक जाना था,
लम्बी दूरी तय करने में वक़्त तो लगता है।

દરિયાનું એક જોરદાર મોજું શ્રાવિના પગ પાસે આવીને એને ભીંજવી ગયું. અને અચાનક એ એની કોલેજના એના ડિપાર્ટમેન્ટના ફર્સ્ટ ફ્લોરના ફર્સ્ટ કલાસમાં ફર્સ્ટ ટાઈમ કરેલાં પ્રપોઝની યાદોમાંથી બહાર આવી. એણે દરિયા કિનારે સંયમને શચીનો હાથ પકડી દરિયાકિનારાની નિર્દોષ સાંજને માણતા જોયા. એણે આ ક્ષણોને ફોટો ક્લિક કરી થંભાવી દેવાની હરકત કરી અને ઇન્સ્ટા પર એ ફોટો સાથે એક પોસ્ટ અપડેટ કરી જેનું કેપશન હતું.
'દરિયાના મોજાં કંઈ રેતીને પૂછે
તને ભીંજાવું ગમશે કે કેમ...
એમ પૂછીને થાય નહીં પ્રેમ'

- અનુજ

1 poetry lines - हस्तिमल हस्ती
2 poetry lines - તુષાર શુક્લ