કૂખ - 4 RAGHAVJI MADHAD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

કૂખ - 4

કૂખ

લઘુ નવલકથા

રાઘવજી માધડ

પ્રકરણ - ૪

શહેરી સર્વિસની બસમાં બેસી પ્રકાશ ગાંધીનગર પરત આવ્યો. ઘ પાંચના બસ સ્ટેન્ડ પર ઉતર્યો. કોઈ અજાણ્યા નગરમાં કે જગ્યાએ આવ્યો હોય ચારેબાજુ જોતો ઊભો રહ્યો. માણસો, ટ્રાફિક...સઘળું રાબેતા મુજબ ચાલતું હતું. છતાંય તેને ભીડ જેવું લાગ્યું. અકળામણ થઇ. હા, સાંજની સવારી આવવામાં હતી છતાંય તાપ ઓછો થયો નહોતો. પરસેવો લૂછતો તે કોઈની સાથે અથડાઇ જશે તેવા ડર સાથે ફૂટપાથ પર ઝાડના છાંયે ઊભો રહ્યો. સારું લાગ્યું. ન સમજાય કે ઓળખી શકાય એવો ધખારો, ઉત્પાત થોડોક ઓછો થયો.

મારે હવે ચાલવું જોઈએ..બે ડગલા ચાલીને પાછો ઊભો રહી ગયો.ત્યાં કરંડિયામાં પુરાયેલા સાપના જેમ સવાલે ફૂંફાડો માર્યો : ‘શું ઉતાવળ હતી આમ પાછા ફરવાની ?’

‘કેમ !?’ આ વળી કોણે પૂછ્યું ને કોણે જવાબ આપ્યો...પોતે સાવ અજાણ કે અલિપ્ત હોય એમ આજુબાજુ જોવા લાગ્યો. લોકોની અવરજવર ને ભીડ સિવાય કશું હાથ લાગે એમ નહોતું.

‘શોભનાને મળવાનું હતું, પછી પૂછવાનું હતું – બોલ શું હતું ?’

‘હા...હા...એ ખરું !’

મહામૂંઝવણમાંથી મારગ મળી ગયો હોય એમ હાશકારો અનુભવતો પ્રકાશ ધીમે ધીમે ફૂટપાથ પર ચાલવા લાગ્યો. ફૂટપાથ હજુ હમણાં જ નવો અવતાર પામી હતી. તેનાં લીધે ખાડા કે ગાબડા નહોતા. આંખો બંધ કરીને ચાલોતો પણ પગ આડા-અવળો થવાનો પ્રશ્ન નહોતો. ડામર – રોડ પૂરો થાય પછી ફૂટપાથ અને તેની લગોલગ વૃક્ષોની હારમાળા હતી. એક છેડે ઊભા રહી ને જુઓ તો ગ્રીન ગેલેરીનું આવું વૃક્ષોથી ઢંકાયેલું દ્રશ્ય અદભૂત લાગતું હતું. આખું શહેર જ આવું અદભૂત ને રળીયામણું લાગે છે.

પ્રકાશને કશી જ ઉતાવળ ન હોય એમ,કોઈ નવો માણસ ચારેબાજુ નજર નાખીને ચાલ્યે જતો હોય એમ ચાલતો હતો. ચાલવાનું ઓછું બનતું. ઘરથી ઓફિસે જવા બાઈક હતું ને બહાર ક્યાંય જવું હોય તો ઘર સામેથી જ બસ મળે...આજે એમ જ બન્યું હોત. પણ અમદાવાદ બસ સ્ટેન્ડે ઊભો હતો, ગાંધીનગરની બસ જોઈ, પૂછ્યા વગર જ બેસી ગયો હતો. ટિકિટ વખતે ખબર પડી કે બસ ઘ રોડ પર ચાલવાની છે...પ્રકાશને હસવું આવ્યું હતું. આ સાલું ખરું છે, ઘરોડ... ને ચરોડ...!

બસમાં ઝડપથી બેસી જવાનું પોતાને કારણ હાથ આવી ગયું હતું. કોઈના કહેવા પ્રમાણે પોતે ઘણી બાબતોનો નિર્ણય કરી શકતો નથી.તેથી કશોક નિર્ણય કર્યો છે,પોતે અનિર્ણિત નથી તે બહાના તળે બેસી ગયો હતો.

ઘરના દરવાજા સામે ઊભો રહ્યો. ડોરબેલ પર હાથ ગયો...પણ વળતી ક્ષણે કપાયેલી ડાળી માફક હાથ નીચે પડ્યો.સાથે નિસાસો પણ નીકળી ગયો.ખિસ્સામાં હાથ નાખ્યો, ફંફોસ્યું..ચાવી હાથ લાગી.એકવાર તો ચાવી જ ન મળી...ખબર નહી ક્યાં મુકાઇ ગઈ તે, તાળું તોડવું પડ્યું હતું.ચાવી તાળામાં પરોવીને ફેરવી ...પણ પોતાની છાતીમાં છરી ફરતી હોય એમ લાગ્યું. હ્રદયમાં જાણે ચીરા પડ્યા. સખત પીડા થઇ. વમળાઇ જવાયું. દરવાજો ખોલી અંદર આવ્યો...ને સોફા પર ધબ દઈને બેસી ગયો.

કોણ જાણે કેમ આજે પ્રથમવાર ઘર ભેંકાર લાગ્યું.એકલાપણું બંધૂકની ગોળી જેમ છાતીમાં વાગ્યું.

-અંજુ બાળક માટે અહીં દેશમાં આવી. ને તું...

‘તું શું !?’

છાતીમાં બોથડ પદાર્થ અફળાયો હોય એવું થયું. છાતી પર હાથ રાખી આંખો બંધ કરી ગયો.

‘પપ્પા, પાણી...’

‘કેમ આજે મોડું થયું...મોં લેવાઈ ગયું છે, તબિયત તો સારી છે ને ?’

‘મારી ગેમ લાવવાનું તો ભૂલી નથી ગયા ને !?’ આવા કાલાઘેલા સવાલોને મૂક સમર્થન આપતી પત્ની સામે ઊભી હોય. તેની ભાવભીની આંખોમાં પણ અપેક્ષાઓ તોળે વળી હોય...

‘અંજુ !’ અંજુ જાણે સામે ઊભી હોય એમ પ્રકાશ સ્વગત બોલ્યો :‘અત્યારે તો તારા જેમ મને પણ ખાલીપો ઘેરી વળ્યો છે...!’

આંખો ખોલી પ્રકાશ વિહ્વળ નજરે જોવા લાગ્યો, અસ્તવ્યસ્ત ઘરવખરી સિવાય કશું નજરે ન પડ્યું. પળ બેપળ જોતો રહ્યો પછી છાતીફાટ નિસાસો નાખી નમાયા છોકરા જેમ નજરને પાછી વાળી લીધી.

સારું ન લાગ્યું હોય એમ પ્રકાશ ઊભો થયો. કશું સૂઝ્યું નહી એટલે ગેલેરીમાં આવ્યો. સામે જ ચ રોડ છે. રોડ ઠીકઠીક ભરચક હતો. વાહનો પ્રવાહની જેમ એક ગતિએ પસાર થઇ રહ્યા હતા. રોડના કાંઠે ઊભેલા ઊંચા ને ઘટ્ટાદાર વૃક્ષો સૌની ભાળ રાખતા ઊભા હતા. આ વૃક્ષોએ પોતાને કયારેય એકલપણાનો અહેસાસ થવા દીધો નથી. સ્વજન કે પરિવારના સભ્યો સમ ભસ્યા છે. પર્ણો, તાજી ફૂટેલી કૂંપળો, ફૂલો, ડાળીઓ... નજર જોડોને તુરત જ સંવાદ સાધે, સધિયારો આપે.

પણ અત્યારેતો વૃક્ષો અકળ મૌન ધારણ કરીને ઊભાં હોય એવાં લાગ્યાં.

પ્રકાશ પાછો રૂમમાં આવ્યો અને અજાણ્યા માણસ જેમ ઊભો રહ્યો. પાછી ત્રાહિત નજરે રસોડામાં નજર નાખી.

-નથી આવવું, પગ પણ નથી મૂકવો... આવા ઉદગાર સ્વયંભૂ ઊગી આવ્યા.

જમવાની ઈચ્છા નહોતી. ભૂખ મરી ગઇ હતી. અને ભૂખ હોત તો પણ હાથે તો રાંધવું જ નહોતું.

ત્યાં ટિપોઈ પર પડેલા મોબાઈલમાં કોયલ ટહુકી.મનોવન ટહુકાથી ભરી ગયું. કાન સરવા ને સભર થયા.મોબાઈલ નહી,ખુદ માણસ આવ્યો હોય એવું લાગ્યું.મનને ઘેરી વળેલા વિષાદમાંથી ક્ષણભર છૂટકારો થયો.તેણે સહેજ ઝડપથી,વાંકા વળી મોબાઈલ હાથમાં લીધો.. ત્યાંતો કોયલ ટહુકવું છોડી ઊડી ગઇ હતી !

મિસ્ડકોલ કોનો હશે ? શોભના કે પછી...

‘પણ અંજુ મિસ્ડકોલ શું કરવા કરે !’ ત્યાં મનનાં પછવાડે જ બીજો સવાલ બાંયો ચઢાવીને ઊભો હતો : ‘શોભના પણ ક્યારેય...’

‘મોબાઈલ સામાવાળા માટે ખરીદ્યો હોય એમ વાત પોતાને કરવી હોય અને પાછો મિસ્ડકોલ કરે !’ ગુસ્સા સાથે નંબર જોયો. નંબર જોતા તે ઠરી ગયો. તેની ધારણા ખોટી નીવડી.

શોભનાનો મિસ્ડકોલ હતો.

‘આ શોભાના...’પછી તે આગળ બોલી શક્યો નહિ. હાથની મુઠ્ઠીઓ વાળી ગુસ્સો દબાવીને ઊભો રહ્યો.

શોભના અને પોતાના વિશે, ઓફીસમાં થયેલી ગપસપ કાનમાં ઉભરાઈ આવી. એ વાતો, માહોલ નજર સામે ઉપસી આવ્યો હોય એવું થયું. જે ગપસપ થઇ હતી તેમાં છેલ્લે સંભળાયું હતું :‘લેડીઝને પણ સ્પેરવ્હીલ હોય !’ પોતે કશું જ સમજયા વગર સૌની સાથે ભળીને હસવા લાગ્યો હતો. ત્યારે કોઈએ કહ્યું હતું : ‘કેટલો નિખાલસ માણસ છે, પોતાના પર પણ હસી શકે છે !’

પછી સમજાયું હતું કે, શોભના માટે પોતે સ્પેરવ્હીલ છે અને તેની હાંસી ઉડાવે છે.

પહેલા સ્કુટરનું ચલણ હતું. અને સ્કુટરમાં સ્પેરવ્હીલ હોય. તેમ વ્યક્તિને પણ...

પ્રકાશ ઉકળીને ઊછળી ઊઠયો હતો.તે તાડૂકીને બોલ્યો હતો:‘મારા ભાઈ ! આ રમૂજ કે કહેવત તમારા પાસે રાખો...મારા પાસેતો ગાડી જ નથી પછી સ્પેરવ્હીલનો પ્રશ્ન પેદા થતો નથી.’

‘મારા ભાઈ, મારા વીરા...તારે નથી પણ તું તો કોઈનું...’તે આગળ બોલે તે પહેલા વચ્ચે કોઈ ટપકી પડ્યું હતું : ‘કોઈનું એટલે કોનું !?’

‘સમજી જવાનું હોય...’

મીના બજારની ચાની લારીનું આવું મુક્ત વાતાવરણ આંખો સામે ઊભરી આવ્યું હતું.

‘શોભાના...પ્લાસ્ટિકની પીપરમેન્ટ છે. તેને ચગળે રાખવાની...’

માથું પકડી પ્રકાશ સોફાની ખુરશીમાં ઢગલો થઈને બેસી ગયો. શાંત રહેવાનો પ્રયાસ કર્યો પણ સફળતા મળી નહી.ભીતરમાં ભૂકંપ સર્જાયો હતો. તે વિસ્ફારિત નજરે ભૂકંપગ્રસ્ત વસ્તુ કે વિસ્તારને જોતો હોય, આંખનું મટકું મારવું ભૂલીને જોતો રહ્યો.

‘તને મીસ્ડકોલ કર્યો શું કરવા ?’પ્રકાશ પ્રતિસવાલ કરે એ પહેલા જ જવાબ મળી ગયો :‘તેનાં, તારા પરના અધિકારને પ્રગટ કરવા !’

‘ના...’પ્રકાશને ગળું ફાડીને મન થઇ આવ્યું : ‘હું કોઈનું એવું સાધન નથી. હું... હું જ છું.’

છાતીમાં સૂપડાતો શ્વાસને સ્થિર થતા થોડો સમય લાગ્યો. છતાંય તે હિજરાતો રહ્યો.

એક ન પ્રગટેલું સત્ય સામે આવીને ઊભું રહ્યું હતું.

સ્ત્રીની છઠ્ઠી ઇન્દ્રિય બહુ સતેજ હોય છે. તેને ઝડપથી ગંધ આવી જતી હોય છે. અંજુ નામની સ્ત્રીનો પ્રવેશ થયો ને તુરંત શોભનાએ માલિકીભાવ પ્રદર્શિત કર્યો. નહિતર રજા દિવસે ખાસ એવું કોઈ કામ હોય તો જ, તેના પતિની હાજરીમાં ફોન કરે. અને આજે તો ફોનમાં સીધું જ પૂછ્યું હતું : ‘ક્યાં છો ?’

પછી એકાએક શું થયું તે કોઈ અર્ધપાગલન જેમ સ્વગત પ્રકાશ હસવા લાગ્યો. ખરેખર કોના પર હસતો હતો અથવા પીડા પછીનું હાસ્ય છે...ખુદ નક્કી કરી શકે એમ નહોતો. પણ એકલો એકલો બોલવા લાગ્યો : ‘બગડે નહી ત્યાં સુધી બધું સારું જ હોય છે.’

-સંબંધ બગડ્યા પછી તો કસોટી થતી હોય છે...પ્રકાશનું હસવું ને રડવું...સઘળું સ્થિર થઇ ગયું.

વળતા દિવસે પ્રકાશ સમય કરતા થોડો વહેલો ઓફિસે આવી ગયો. પટાવાળા સિવાય કોઈ હતું નહી. પોતાની ખુરશી પર બેઠા પછી બે-ત્રણવાર શોભનાની ખાલી ખુરશી તરફ જોઈ લીધું. એકાદવાર શોભના બેથી હોય એમ ખુરશી તાકી... પણ થોડા ગુસ્સા સાથે નજરને પાછી વાળી લીધી.

-હતું કે શોભના આવી હશે, કોઈ ન આવે એ પહેલા થોડી વાતો થઇ જાય. પણ....

ટેબલ પરથી એક ફાઈલ લીધી.ખોલી...બે-ચાર પાના ઉથલાવ્યા. છેલ્લી નોંધ જોઈ...તેમાં ચર્ચા લખ્યું હતું.પ્રકાશથી બોલાઇ ગયું:‘આમાં ક્લીયરકટ લખ્યું છે છતાંય ચર્ચા ? શેની ચર્ચા !? જવાબદારીમાંથી છટકવાનો અથવા કામ ટલ્લે ચઢાવવાનો આ સરસ કીમિયો છે....ચર્ચા !’

ક્યાંય સુધી એમનેએમ બેઠો રહ્યો. છેલ્લા ચોવીસ કલાકથી અસ્વસ્થ થઇ જવાયું છે. રાબેતા મુજબનો લય તૂટી ગયો છે. સમયની સાંકળની સઘળી કડીઓ અસ્તવ્યસ્ત થઇ ગઇ છે.

-શું કરવા ?

આ સવાલના નક્કર જવાબ માટે પ્રકાશે પોતાની જાત સાથે ખરી લમણાઝીંક કરી હતી પણ મન મગનું નામ મરી પાડતું નથી. હાલકડોલક થાય છે પણ સ્થિર થતું નથી.

નિયત સમય પ્રમાણે અન્ય કર્મચારીઓ જેમ શોભના પણ આવી.તેણે ટેબલ પર પોતાનો પર્સ-થોલો મૂક્યો.પછી સાવ નાનકડા રૂમાલ વડે,ચોક્કસ સ્ટાઇલથી મોં પરના પ્રસ્વેદબિંદુઓ દૂર કરવા લાગી. શોભના ના આગમન પૂર્વે પ્રકાશ ફાઈલમાં મોં રાખીને બેઠો હતો.કશુંક શોધતો હતો.પણ શોભનાના પ્રવેશ સાથે એક ચોક્કસ જાતનું પરફ્યુમ તેની સુગંધ દ્વારા હાજરી પુરાવી દેતું હતું. તેથી પ્રકાશને ખ્યાલ આવ્યો હતો.

અલપ ઝલપપણે પ્રકાશે શોભના સામે જોયું. જો શોભનાએ ખ્યાલ આવે કે,પ્રકાશ મારા સામે જુએ છે...પણ ખાસ નહી.એવું સાબિત કરાવવું હતું.તેથી તે તરફ નજરનો પીછડો ફેરવી પાછો ફાઈલના પાના ઉથ લાવવા લાગ્યો. જોનારને લાગે કે, અતિવ્યસ્ત છે !

રજા પછીનો પ્રથમ દિવસ હતો. તેથી કામમાં થોડી ગરમી રહી. માણસોની અવરજવર અને થોડી પૂછગાછ પણ રહી. તેથી રોજિંદી પ્રક્રિયામાંથી પસાર થતો હોય એમ સામાન્ય રહેવાનો પ્રયાસ કરતો રહ્યો. સમય અને કાર્યની સંતાકૂકડી વચ્ચે રીસેસનો સમય આવીને ઊભો રહ્યો.

શોભના, પ્રકાશના ટેબલ પાસે આવી, કશું બોલ્યા વગર ઊભી રહી.

શોભના લંચબોક્સ લઈને આવે.અને બંને કેન્ટિનમાં બેસી સાથે જમે.લગભગ છેલ્લા બે-ત્રણ વરસથી આ વણલખ્યો ને વણતૂટ્યો નિયમ હતો. સાથે જમવાની આદત પડી ગઇ હતી. એક દિવસે પ્રકાશ બોલ્યો હતો :‘જેના અન્ન એક એનાં મન પણ એક !’ શોભનાએ આંખો તાણી, નેણ નચાવી પ્રકાશ સામે જોઈ વિચિત્ર રીતે હસી હતી.

શોભનાની હાજરીનો પ્રકાશને ખ્યાલ આવી ગયો હતો.પણ આ વેળા તેની હાજરી અકળાવનારી લાગી. થોડીવારતો તેની કશી નોંધ લીધા વગર, કોઈ અજાણ્યો માણસ કામ લઈને આવ્યો હોય એમ સામે જોયા વગર જ ફાઈલમાં મોં રાખી બેઠો રહ્યો.

શોભના કશું બોલી નહોતી છતાંય થયું કે બોલી છે...તેથી ઝડપથી ફાઈલ બંધ કરી એકદમ ઊભો થઇ ગયો. શોભના સામે જોયા વગર બહાર નીકળવું હતું પણ તે એવી રીતે ઊભી હતી કે તેનાં ખસ્યા વગર ટેબલ અને ખુરશીથી બહાર નીકળી શકાય એમ નહોતું.

પ્રકાશે નજર ઉપાડી શોભના સામે જોયું. સામે શોભના પણ આંખો તાણી ક્ષણબેક્ષણ સામે જોતી રહી. પછી સાવ ધીમેથી બોલી : ‘બોક્સ નથી લાવી.’

‘કેમ ?’ પ્રકાશથી પૂછાઇ ગયું. તો કહે : ‘રાતે મોડે સુધી ગરબા જોયા હતા. સવારે ઉઠવામાં મોડું થયું....ત્યાં પોઈન્ટની બસનો ટાઇમ થઇ ગયો હતો.’

એક જ વાક્યમાં શોભનાનો સવારનો યંત્રવત રોજિંદો ઘટનાક્રમ આવી જતો હતો. તે આગળ બોલી : ‘આજે તો યોગેશ પણ ટિફિન વગર ગયો.’

‘શું કરવાનું છે એમ કહે ને ?’ આમ ગુસ્સા સાથે કહેવાના બદલે પ્રકાશે કહ્યું:‘નાસ્તા જેવું કરીશું, ચાલ...’

સામે શોભનાએ કહ્યું : ‘ના, કકડીને ભૂખ લાગી છે. ફૂલ ડીશ જમવું છે. કેન્ટિન સિવાય...’

-ભાવતું હતું ને વૈદ્યે કહ્યું...એના જેવું થયું.શોભના સાથે વાતો કરવી હતી,પૂછવું હતું..ત્યાં આ એકાંત નો મોકો મળી ગયો અથવા શોભનાએ સામેથી જ આપ્યો.

‘સ્ત્રીનું તો કહેવું પડે,ન હોય એવા રસ્તા શોધી આપે.પણ મરજી હોય તો...’એ આગળ બોલ્યો નહી.

બાઈક પર બેસી બંને ઘ પાંચ પાસેની એક જાણીતી હોટલમાં આવ્યા.પોતાને પણ ગઈરાતથી પેટમાં કશું ગયું નહોતું એટલે ગલુડિયાં બોલતાં હતાં. તેથી બંનેમાંથી એકેય કશું જ બોલ્યાં વગર ગુજરાતી થાળી ભરપેટ જમ્યાં.

‘ગઇકાલે કેમ કોલ કર્યો હતો ?’ પ્રકાશે સીધું જ પૂછી લીધું : ‘સવારે તો પૂછ્યું હતું...’

‘ક્યાં છો એમ જ ને !’પ્રકાશનું કહેવું તેના મોંમાથી આંચકી લઈને કહ્યું :‘કેમ ? ન પુછાય, ન મિસ્ડ કોલ થાય !?’

શોભનાનું આમ કહેવું પ્રકાશ માટે સાવ અણધાર્યું હતું. તેથી તે સામે બોલવાના બદલે અબોલ જ રહ્યો. પણ સામે શોભનાનો અધિકારભાવ જાણે અબોલ રહેવા ન માગતો તેમ તે ભારપૂર્વક બોલી : ‘રજાના દિવસે ફ્રેન્ડ ક્યાં અને કોના સાથે ફરે છે તે...’

શોભનાનું આવું આધિપત્યભર્યું કહેવું પ્રકાશને જરાય ઠીક ન લાગ્યું. એકાદ ક્ષણ અબોલ રહ્યો. પછી તેણે વળતો પ્રહાર કરતો હોય એમ સામે જ ફટકાર્યું :‘આવું હું તને પૂછું તો !?’

પ્રકાશનું આમ બોલવું સાંભળી શોભનાના ભવા ચઢી ગયાં.મોં ફૂંગરાઇ ગયું.તીણું નાક સહેજ ઊંચે ચઢી ગયું. તેને કલ્પનામાં પણ નહોતું આવ્યું કે ત્વરિત અને સણસણતો જવાબ મળશે ! તે જોતી રહી...સામે ખરેખર પ્રકાશ જ શેને !? ધારી ને જોયું તો આજે સાવ જુદો લાગતો હતો.પણ હારેલો જુગારી બમણું તેમ શોભનાએ,ગુસ્સો દબાવી એટલા જ આવેગથી સામે કહ્યું:‘મને પૂછે પણ...ત્યાં હું કોઈની વાઈફ છું,મમ્મી છું... સમજ્યો !’

‘તો અહીં શું છો !?’ પછી હોઠે આવીને શબ્દો, અટકીને ઊભા રહ્યા :‘આ સંબંધ શું છે એ કહે તો મને ખબર પડે !’

પ્રકાશનો ચહેરો બદલાઇ ગયો હતો. અંતરમનના યુદ્ધનું સીધું પ્રતિબિંબ ઝીલતું હતું.સામે શોભના માટે પણ એવું જ હતું. બંને તદ્દન અજાણ, અપરિચિત હોય એવી સ્થિતિમાં મુકાઇ ગયાં હતાં.

આપણા વચ્ચે આ શું છે ? શું સંબંધ છે ? શેનું વળગણ છે...આજે ભલે સ્પષ્ટતા થઇ જાય.ભ્રમનું નિરસન થઇ જાય. નાહક ખોટા ખ્યાલમાં રાચવું ? પ્રકાશનો મૂડ બદલાઇ ગયા હતો. આ પાર કે પેલે પાર..

એક વાતનો અંત આવે...વળી અંદરથી પ્રતિ સવાલ પ્રગટ્યો :‘શું કરવા અંત લાવવો છો ?’બેઠકમાં કીડીએ ચટકો ભર્યો હોય એમ ઊભા થઇ જવાયું. આ બધું આજે, એકાએક કેમ ઉદભવ્યું ? સંબંધની સ્પષ્ટતા એટલે શું ? એ કોઈની કાયદેસરની પત્ની છે...શું ચોખવટ કરવી છે,તેની પાસે...પોતાના પ્રશ્નોથી પ્રકાશ મૂંઝાયો.

પ્રકાશ અહીં ગાંધીનગર આવ્યો ત્યારે શહેર સાવ અજાણ્યું હતું.માણસો ઓછાને ઝાડવા ઝાઝાં...સર કારી નગર.છાપ એવી કે કામ સિવાય લોકો સ્મિત પણ નહી કરે.વિવિધ વિસ્તારમાંથી આવેલાં ને વસેલાં લોકો.તેની પ્રકૃત્તિ ને સંસ્કૃતિ અલગ હોય...આ બધાની વચ્ચે પ્રકાશને મૂંઝારો ને એકલાપણું લાગતું હતું. પણ ઓફિસમાં શોભનાનો સધિયારો સાંપડ્યો હતો.હૂંફ,લાગણી અને સહકાર મળ્યાં હતાં.સામે પ્રકાશ તેનાં પડ છાયા જેમ રહ્યો હતો.પોઈન્ટની બસમાં વહેલા-મોડું થાયતો લેવા-મૂકવા જવાનું. સ્થાનિકમાં ક્યાંય જવાનું હોય તો પ્રકાશ હાજર હોય !

બંને એકબીજાની સામાજિક સ્થિતિથી વાકેફ હતા.કદાચ શોભના અનમેરીડ હોત, ઉંમરનો તફાવત ન હોતતો પણ તેનાં મનમાં બીજું કશું ઊગે કે આવે એમ નહોતું.ખબર નહી પણ આવી પાળ પહેલેથી જ પ્રકાશ ના મનમાં બંધાઇ ગઇ હતી.હા,શોભનાનું સાન્નિધ્ય ગમતું હતું. તેને સ્વજન સમજી હૈયામાં હોય એવું કહેતો. સામે શોભના પણ સુખ-દુઃખનો ભાગીદાર સમજતી.પણ આજે આ હકીકતનો છેદ ઊડી ગયો એમ થયું.

‘જો પ્રકાશ !’શોભના સહેજ સરખી બેઠી.છાતી પર સાડીનો પાલવ સરખો કર્યો.પછી અણગમો ઓગા ળી, સહેજ સ્મિત દર્શાવીને બોલી:‘કયારેક માણસને ખુદનો ખ્યાલ રહેતો હોતો નથી.નદીના કાંઠે બેસી છબ છબિયાં કરતો એ ઊંડા પાણીમાં ક્યારે ઊતરી જાય...કહેવાય નહી.’

‘આ વાહિયાત વિધાન છે.મનેતો જરાય લાગુ પડતું નથી.’તે મનોમન બોલ્યો:‘ક્યાં સુધી જવું ને અટકવું તેની મને ખબર છે.’

‘આમાં માણસની હોંશિયારી કે તકેદારી જરાય કામ આવતી નથી.’

‘તમારો અનુભવ લાગે છે !’ પ્રકાશના મોંએ આવી ગયું પણ અબોલ રહ્યો.

ત્યાં શોભના આગળની વાતનું અનુસંધાન જોડી,વાતને વાળવા માગતી હોય એમ મીઠાશ ને હળ વાશથી બોલી :‘અહીં જે કહેવું-પૂછવું તે પૂછને ? ઘેર તો સ્ત્રી માત્રને મર્યાદા નડતી હોય છે.’

પાછળ ટેકો દઇ પ્રકાશ,આંખોનું મટકું માર્યા વગર અપલક નેત્રે શોભના સામે જોઈ રહ્યો.

શોભનાને થયું કે પોતાના કહેવાની ધારી અને સારી અસર થઇ છે. ખુશી વ્યક્ત કરવા, સ્ત્રી સહજ છણકો કરીને કહ્યું : ‘મને ન જોઈ હોય એમ શું જુએ છે !’ આમ કહ્યા પછી શોભનાએ પ્રકાશને કોણીનો હળવો ઠોંસો મારી પોતે લજ્જાળુ મોં કરી પાંપણો ઢાળી ગઇ.

-આ વળી નવું રૂપ !

પ્રકાશની આંખો ચાર થઇ ગઇ. મનપ્રદેશમાં ચક્રવાત થવા લાગ્યો.

આજ સુધી પ્રકાશે કોઈ વાત શોભના આગળ છૂપાવી નહોતી.સઘળું ખુલ્લા દિલે કહી દીધું હતું. પોતે મેરેજ શા માટે નથી કર્યા..વગેરે, વગેરે...જો કે તેમાં શોભનાની વાત કઢાવવાની કુનેહ કામયાબ નીવડી હતી કે પછી પોતાનું ભોળપણ...પણ હવેતો રાંડ્યા પછીનું ડહાપણ હતું...

નહિતર આજે અંજુ સાથેના ઓનપેપર મેરેજ અંગે કહેવું હતું.સમગ્ર પ્રકરણ અંગે માંડીને ચર્ચા કરવી હતી. પોતે ભૂલ કરી રહ્યો છે, ફસાઇતો નથી રહ્યો ને...સઘળું કહેવું, પૂછવું હતું. પણ ખબર નહી,મન ખારું થઇ ગયું હતું. જ્યાં મીઠું ઝરણું વહેતું હતું ત્યાં દરિયા જેવી ખારાશ ઊભરાવા લાગી હતી.

આવું કેમ થયું,શું કરવા થયું ?પ્રશ્નોના જવાબ જડવાના બદલે કોયડારૂપ લાગ્યું.શોભનાનો બદલાવ અથવાતો અસલીરૂપ સમજાય તેવું નહોતું.વારંવાર બદલાતું વર્તન ઊડીને આંખે વળગે તેમ નહી પણ આંખમાં ખુંચે તેવું હતું.

શોભનાના સ્નેહ ખળખળતાં વર્તનની પ્રકાશને જાણે કશી અસર થઇ નહી.તે ધગધગતો નિસાસો નાખીને ઊભો થયો.સંવેદનતંત્રમાં કશીક ગડબડ ઊભી થઇ હોય એમ લાગતું હતું. કોઈ અપ્રગટ વસવસો દિલને વલોવવા લાગ્યો હતો.

પ્રકાશને બહાર નીકળવાની જગ્યા આપવામાં બદલે શોભના જગ્યા રોકી, હકપૂરક ડાઇનીંગ ટેબલ ની ખુરશીમાં બેસી રહી. આવું તે ઘણી વખત કરતી અને કહેતી : ‘ઉતાવળ શેની છે !’

આવું ગમતું...પણ આજે ગમ્યું નહી ને આકરું લાગ્યું.

પ્રકાશે રીતસર ધક્કો મારતો હોય એમ ભીંસ કરી. પણ શોભના ટચની મચ ન થઇ ને મોં મચકોડીને બોલી : ‘કેમ, મારાં સાથે હવે નહી ગમે !’

પ્રકાશે આંખો ફાડી એકદમ શોભના સામે જોયું.

‘એનઆરઆઇ આવી જાય પછી તો...’

‘શોભના !’ પ્રકાશ તીણું ચિત્કારી ઊઠયો : ‘આ શું બોલે છે !?’

જવાબમાં શોભના ઝેર જેવું હસીને આગળ નીકળી ગઇ.

ત્યાં પ્રકાશના ખિસ્સામાં કોયલ ટહુકી. હળવેકથી મોબાઈલ હાથમાં લીધો. કાને ધર્યો...સામેથી અવાજ આવ્યો : ‘હું અત્યારે અમરેલી જવાના બસસ્ટેન્ડ પર ઊભી છું. તું ક્યાં છો ?’

‘જહન્નમાં !’ પ્રકાશથી બોલાઇ ગયું.

‘હે..!!’ સામેનો અવાજ કપડું ચિરાય તેમ લાંબા લસરકે ચિરાઈ ગયો. પણ તરતજ વાતને વાળી લેવાં કહ્યું : ‘હું..હું...ઓફિસમાં છું. આપણે પછી નિરાંતે વાત કરીશું.’

‘કેમ, અત્યારે વાત થાય એવું નથી ? ‘

શોભનાનો સવાલ પ્રકાશને છરી જેમ છાતીમાં ભોંકાયો. અને સવાલમાં રહેલું હળાહળ ઝેર પંડ્યમાં પ્રવેશી, પ્રસરવા લાગ્યું. અને બહુ ઓછા સમયમાં તે જાણે ઝેર ઝેર થઇ ગયો !

‘ના...’ પ્રકાશે દાંત ભીડીને સખતાઈથી કહ્યું.

એટલી જ ત્વરા અને સખતાઈથી શોભનાએ પૂછ્યું : ‘કેમ !?’

બેઉમાંથી એકેય પાસે એવું કોઈ હથિયાર નહોતું આમ છતાં સટોસટના સામસામે ઘા કરી બેઠાં હતાં.

શોભનાના સવાલનો અંતરના ખિસ્સા ફંફોસે તો પણ જવાબ મળવો, પ્રકાશ માટે મુશ્કેલ હતો. પણ આમ થવાના મૂળમાં શું છે તે સમજાઇ ગયું હતું.

-પોતાના જીવનમાં કોઈ સ્ત્રીપાત્ર તો શું,પુરુષપાત્રનો પ્રવેશ થાય તો પણ શોભનાથી પસંદ સહન થાય તેમ નથી. તેમાં આ અંજુ આવવું....ને ધડાકા કે ધમાકાભેર પ્રવેશવાનું આ પરિણામ હોઈ શકે !

જયારે પ્રથમવાર અંજુનો ફોન આવ્યો ત્યારે પ્રકાશે શોભનાને જણાવ્યું હતું. ત્યારે કુનેહથી શોભનાએ પ્રકાશને ખોતર્યો હતો. હળવે હળવે બધી વાતો કઢાવી હતી. કોલેજ કાળના એ સંબંધોના ઝીણા ઝીણા તાંતણા મેળવી તેમાંથી એક નક્કર બાબત તારવીને તાળો મેળવી લીધો હતો.

પ્રકાશ કુમાર ભલે, ભલા-ભોળા લાગે પણ હૈયાનો ખૂણો ખાલી નથી,કોઈના ભાવ-અભાવથી ભર્યો છે.

અને એ સત્ય અત્યારે સામે આવીને ઉભું રહ્યું હતું.

‘હવેતો મારાં સાથે હોવું એ જહન્નમ જેવું જ લાગે ને !’રડમસ અવાજે બોલી શોભના આગળ નીકળી ગઇ. પ્રકાશ સાંભળ્યું – અણસાંભળ્યું કરીને ઊભો રહ્યો. પણ યાદ આવી ગયું કે, બીલ ચૂકવવાનું બાકી છે...

શોભના બાઈક પાસે ઊભી હતી. તેનું મોં જોયાં જેવું નહોતું. નાકનું ટેરવું લાલ ચટક થઇ, સહેજ ઊંચે ચઢી ગયું હતું. ગાલ સુજી ગયા હોય એમ ઉપસી આવ્યા હતા ને આંખોતો રાતભરનો ઉજાગરો વેઠીને ઉઘડી હોય એવી લગતી હતી.

સાવ લગોલગ આવી પ્રકાશે શોભના સામે આંખો મેળવવાનો પ્રયાસ કર્યો. ત્યાં શોભના નાક ફૂત્કારી આડું જોઈ ગઇ.ગુસ્સો પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો.પોતાને પણ પાર વગરનો ગુસ્સો આવ્યો હતો.પણ બંને એક સાથે ગુસ્સો કાઢે,ઠાલવે તો તેનું તેનું પરિણામ ખરાબ આવે...પ્રકાશે કશું કહ્યા,કર્યા વગર બાઈક પર સવાર થઇ, કિક મારી...રેસ કરી. ત્યાં શોભના કશું બોલ્યા વગર પાછળ બેસી ગઇ.

થોડીવારે કહે : ‘આ બાઈકની લોનના કેટલા હપ્તા બાકી રહ્યા છે ?’

પ્રકાશના કાન ચમક્યા.નક્કી ન થયું કે શોભના બોલી,કહી રહી છે.તેણે સહેજ ડોક મરડી શોભના સામે જોવાનો પ્રયાસ કર્યો.ત્યાં શોભનાએ કહ્યું:‘સામે ધ્યાન રાખીને ચલાવો,અકસ્માત થતા વાર નહી લાગે.’

‘અકસ્માત તો થઇ જ ગયો છે !’ તે મનોમન બોલ્યો.

રસ્તા અને ઓછા ટ્રાફિકના લીધે ગાંધીનગરમાં અકસ્માત થયાનું ભાગ્યેજ બનતું. પણ હવે સ્થિતિ ગંભીર થવા લાગી હતી. કાળજી કે સાવચેતીપૂર્વક વાહન ચલાવો તો પણ સામે વાળો અથડાઇ જાય !

‘કહું છું, ડીસેમ્બરમાં છેલ્લો હપ્તો હશે !’

-રજેરજની ખબર રાખે છે...પ્રકાશને ગુસ્સો આવ્યો, મોં બગડ્યું...ને બાઈકનું ગિયર બદલવામાં ભૂલ કરી ગયો.ટોપના બદલે થર્ડ ગિયર પડ્યું...ને એકદમ આંચકો આવ્યો.પાછળથી શોભનાનો અણધાર્યો ધક્કો આવ્યો.તેણે બેલેન્સ જાળવવા ખભા પર હાથ મૂકી બાથ ભરી લીધી.પોતે સંકોરાઇ શકે તેમ નહોતો.ગરમાવા સાથે પરફ્યુમ ને પરસેવાની ગંધ તન-મનને તરબતર કરી ગઇ. એકાદ પળ પૂરતું પણ પીઘળી જવાયું... પણ જાતને સંભાળી લીધી. નહિતર અકસ્માત થઇ જાત !

ઓફિસનું પગથિયું ચઢતાં શોભના પ્રકાશ સામે અટકીને કહે:‘એ સ્ત્રીને તું ઓળખે છેતે તારી માન્યતા છે.’ ઘણાં સમયથી મનમાં ઘોળાતું હતું તે ઊભરાઈને બહાર આવી ગયું:‘તે દસ વરસથી પરદેશમાં રહે છે. ત્યાનું પાણી પીઈ ગઇ છે...જે વ્યવહાર કરે તે, વિચારીને કરજે. પછી કહેતો નહી કે...’

‘બધા વ્યવહાર વિચારીને ક્યાં થાય છે...’આમ કહેવું, મોંમાં મમળાવતો તે શોભના સામે જોઈ તેનાં

બદલાતા મનોભાવને પકડવાનો નિરર્થક પ્રયાસ કરવા લાગ્યો.

આ દરમ્યાન બીજા લોકો-કર્મચારીઓ બાજુમાંથી પસાર થઇ ગયા. પણ સૌ પોત-પોતાની ધૂનમાં, દુનિયામાં રત હતા. અને આમ પણ આવી નોંધ લેવાની કોઈને દરકાર નહોતી.

‘તેને બાળક દત્તક લેવું હોય તે લે,એમાં તારી શી જરૂર છે !’શોભનાને આગળ કહ્યું:‘અને તે ઈમેલની વાત કરી હતી...ગાંડો માણસ પણ આવી પારકી પંચાતમાં ન પડે.’

શોભનાનું કહેવું સાવ કાઢી નાખવા જેવું નહોતું. તેથી કાન ધરી મૌન ઊભો રહ્યો.

‘ચિંતા થાય છે એટલે...બાકી આવી સલાહ દેવાવાળી હું કોણ !?’

શોભના ઝડપથી એકાદ-બે ચઢી ગઇ.પછી પાછું સાંભરી આવ્યું હોય એમ પારોઠ ફરીને કહે:‘ક્યાંક ફસાવીને પરદેશ ચાલી જશે...સ્ત્રીને સમજવી બહુ અઘરી હોય છે પ્રકાશ કુમાર !’આમ કહી શોભનાને જાણે પોતાના ભાથામાં હતું તે છેલ્લું તીર છોડી દીધું.

‘વાહ શોભના દેવી, વાહ...’બે હાથે તાળીઓ પાડી,ખુશાલી વ્યક્ત કરતા હોય એમ કહેવાની અદમ્ય ઈચ્છા થઇ આવી : ‘આપનું આમ કહેવું તદ્દન સાચું છે. આજે આપ સાચું બોલ્યા...’

‘સ્ત્રી હિમશીલા જેવી હોય છે. દરિયામાં તેનો એકાદ દશાંશ ભાગ જ બહાર દેખાતો હોય છે. બાકીનો ભાગ પાણીમાં હોય છે તે નજરે ચઢતો નથી.’ શોભના અગાઉ કહી ચૂકી છે : ‘સ્ત્રીને સમજવા એક જન્મારો ઓછો પડે.’

‘વાહ દેવી, વાહ...સાક્ષાત પરચો પૂર્યો !’

***