કૂખ - 2 RAGHAVJI MADHAD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂખ - 2

કૂખ

લઘુ નવલકથા

રાઘવજી માધડ

પ્રકરણ : ૨

કોયલનો ટહુકો સાંભળી અંજુ ચોંકી ગઇ. અને વ્યાકુળ થઇ ચારેબાજુ જોવા લાગી.

વૃક્ષની ડાળીએ બેસીને કોયલ ટહુકે..પણ આજુબાજુ ક્યાંય વૃક્ષ નથી. પોતે ખુલ્લા રોડ પર ચાલ્યાં જાય છે ને સાવ પાસે ટહુકો સંભળાયો...પણ અચરજ વધુ ટક્યું નહી. કોયલ પ્રકાશના મોબાઈલમાં ટહુકી રહી હતી.

પ્રકાશે મોબાઈલમાં નજર નાખી પછી દયામણી નજરે અથવા અંજુને ન ગમે એવું કોઈ કાર્ય કરી રહ્યો હોય અંજુ સામે વકાસી રહ્યો.અંજુને જરાકેય નવાઇ ન લાગી.પોતે અમેરિકાથી આવી,સીધી જ પ્રકાશને મળી હતી ત્યારે પણ તેનું મોં આવું જ થઇ ગયું હતું.કારણોમાં પડી નહોતી.કદાચ આટલા વરસો પછી પ્રકાશ આવો થઇ ગયો હોય. તેનો સ્વભાવ બદલાઇ ગયો હોય. પણ હવે મસાણમાંથી મડદાં બહાર કાઢવાનો કોઈ અર્થ નહોતો.અત્યારેતો કામથી મતલબ હતો. કામ પછી પોતપોતાના રસ્તેથી હતા ત્યાં ચાલ્યા જવાનું હતું.

અંજુએ પ્રકાશ સામે જોયું.મર્માળુ હસી. ત્યાં હોઠ પર શબ્દો આવીને ઊભા રહ્યા હતા :‘વાહ, શું રીંગ ટ્યૂન સિલેક્ટ કરી છે !’

પણ સામે પ્રકાશનું તનાવગ્રસ્ત વદન જોઈ અંજુ ઓઝપાઈ ગઈ. પોતાનાથી કોઈ ભૂલ થઇ કે શું ?

ફોન શોભનાનો હતો. લેન્ડલાઇન પરથી આવ્યો હતો. રીંગ ફરીવાર વાગી એટલે પાંચ-સાત ડગલા દૂર જઇ પ્રકાશે રીસીવ કર્યો.

‘ક્યાં છો ?’

‘હું...હાલ બહાર છું.’થોથરાતા સ્વરમાં જવાબ આપ્યો:‘મારા એક ફ્રેન્ડ આવ્યા છે તેનાં સાથે...’સામે કશો પ્રતિભાવ ન મળ્યો અથવા મળે તે પહેલા જ ઝડપથી કહી દીધું : ‘હું પછી વાત કરું છું.’

શોભના સાથેનો સંવાદ સંકેલાઈ ગયો હતો પણ ચિતમાં સંકેલાયો નહોતો.વિવાદની ભૂમિકામાં આવી ગયો હતો. પ્રકાશ અંજુથી થોડું અંતર રાખી સહેજ ઉતાવળા પગલે ચાલવા લાગ્યો.

ફોન પછીથી બદલાયેલું પ્રકાશનું વર્તન અંજુને રીતસર વાગ્યું,ખટક્યું.કોનો ફોન હશે તેનાં પણ તર્ક વિતર્ક થવા લાગ્યા.પણ પરદેશમાં જે શીખી હતી તે,કોઈના અંગત જીવનમાં જરૂર વગર ચંચુપાત ન કરવો ...નહિતરતો પ્રકાશને બે ખભેથી ઝાલી,આંખોમાં આંખો પરોવી પૂછી લે:‘પ્રકાશ, માય ડિયર ફ્રેન્ડ...કઈ કોયલ નો ટહુકો હતો તે તું એકદમ ડીસ્ટર્બ થઇ ગયો ?’પણ આવું પૂછવાનો,ખણખોદ કરવાનો સમય રહ્યો નહોતો. ક્યારનોય વહી ગયો હતો.હા,એકવાતનું ભાન થયું કે ઓચિંતાનું આવવા જેવું નહોતું.ટિકિટ બુક થઇ ગઈ હતી. પ્રકાશ સાથે મળવાની વાત સાથે સમય-તારીખ જણાવી દેવા જેવા હતા.

પણ ઊંડે ઊંડે ધરબાયેલું હતું કે હું મારા પ્રકાશને મળવા જઇ રહી છું...સરપ્રાઈઝ આપવાનો લ્હાવો જતો શું કરવા કરવો ? આવી પ્રેમાળ ને સ્નેહાળ હરકતો જે વરસોથી ધરબાઇ ને ઢબુરાઈ ગઇ છે.ઉંમર વધે છે પણ મનતો ત્યાનું ત્યાં જ હોય છે.પણ સમજ દ્વાર ખખડાવતું હોય એમ સ્વગત બોલાઇ ગયું:‘બધું આપણી ધારણા મુજબનું ક્યાં હોય છે,થાય છે...’પછી ઉમેરીને કહે :‘નહિતરતો આવું કહેવા આવવાનો સમય જ ન આવ્યો હોત ને ?

પ્રકાશને કશુંક અચાનક યાદ આવી ગયું હય એમ પાછા ફરીને જોયું. અંજુ એમ જ ચાલી આવતી હતી.શોભના અને અંજુની ચાલ ઘણું સામ્ય હતું. પલકારામાં સરખામણી ઉદભવી આવી. શું કરવા ? પોત પોતાની જગ્યાએ બરાબર છે...આવું મનોમન સખળડખળ થવા બદલ સ્વ પર ગુસ્સો આવ્યો.

‘આમ બીજો શું પ્લાન છે ?’

‘પ્લાન !?’ અંજુને નવાઇ લાગી.

વાતને સરખી કરતા પ્રકાશે ધીરજથી કહ્યું : ‘એટલે શું કાર્યક્રમ છે...’

અંજુને સમજાય ગયું કે પ્રકાશ પોતાનાથી છૂટવા માંગે છે. કામ પતે એટલે રવાના થાય...રાજકોટના રેસકોર્ષમાં બાવડું પકડીને બેસાડતો, આડાઅવળી વાતો કરીને પણ રોકી રાખતો એ પ્રકાશ આ અથવા હવે નથી. મન થોડું ખિન્ન થયું.

-પ્રકાશ એ રહ્યો નથી તેમ તું પણ સમૂળગી બદલાઇ નથી ગઇ !?

‘હું સમજુ છું પણ શક્ય બને તો મારે વહી ગયેલી ક્ષણોને જીવંત કરી, ફરી જીવવી છે.’

મૌન પડઘમ વચ્ચે બંને એમ જ ચાલતાં રહ્યાં.

‘બસ..આ એક જ કામ છે. તે કેવી રીતે કરવું ઘટે તે નક્કી કરી છુટ્ટા પડીએ.’

અંજુના કામ અંગે કશો પ્રતિભાવ આપવાના બદલે મૌન રહ્યો.

‘અહીંથી હું બરોડા જવાની છું...’

પ્રકાશ પાસે હા-ના કે કોઈ પૃચ્છા કરવાને કારણ નહોતું. વળી એમ જ ચાલતાં રહ્યાં.રોડ પર અવર જવર હતી છતાંય ચાલવામાં અડચણ થતી નહોતી. કોઈ સધિયારો સાંપડતો હોય એવી પ્રતીતિ થતી હતી. પણ વચ્ચે વચ્ચે પ્રકાશ ડોકલાઈ જતો હતો. શોભના વચ્ચે આવી જતી હતી.

‘હા, એમ હોયતો મને કોઈ હરકત નથી.’ પ્રકાશે કહ્યું : ‘પણ...’

‘પણ...શું ?’ અંજુએ સામે કહ્યું : ‘પણ શું, કશું જ નહી. હું તારા પર ભરોસો રાખીને આવી છું એમ તું પણ મારા પર...’

‘ક્યારેક ભરોસાની ભેંસ પાડો જણીને ઊભી રહે છે !’

હ્રદયમાં શૂળ ભોંકાયા જેવી પીડા થઇ. અંજુનું મોં બગડી ગયું. તેને બોલવું હતું : ‘હું એટલું અનુભવી ચૂકી છું કે જગતમાં કોઈ પર વિશ્વાસ મૂકી ન શકું.’

છતાંય બોલી : ‘શ્વાસ અને વિશ્વાસની વચ્ચે રમવાનું નને જીવવાનું છે.’

‘વાહ...’ પ્રકાશથી બોલાઇ જ ગયું. પણ આગળ શું ? કોકડી મુંઝાણી. પછી હોઠે આવ્યું તે બાકી ગયો : ‘તારા પાસે ગુજરાતીનું શબ્દભંડોળ સારું લાગે છે.’

અંજુ બીજું બોલવું હતું પણ બોલી ગઇ : ‘આમ ક્યાં સુધી ચાલતાં રહીશું ?’

‘મુકામ ન આવે ત્યાં સુધી.’

ક્ષણભર ઊભા રહી, સામે જોઈ હસવાં લાગ્યાં. પછી કહે : ‘બસ સ્ટેન્ડ સુધી...’

ઓટો રીક્ષા રોકી, બંને બેઠાં.

નજર ટળે પસાર થતાં દ્રશ્યોમાં શોપીંગ સેન્ટર, મેગામોલ, સાઈનીંગવાળાં જાહેરાત બોર્ડ, રાજકીય

નેતાઓના હોર્ડિંગ્સ, ટ્રાફિક, રોડ-ઓવરબ્રિજ...સઘળું છેલ્લા દાયકામાં બદલાઇ ગયું હતું. અને જ્યાં જુઓ ત્યાં લગભગ દરેક વ્યક્તિ મોબાઈલમાં એંગેજ હતી. અંજુ અચરજ સાથે જોતી રહી.

વોલ્વો બસમાં બેસવાનું હતું તે ગીતા મંદિર-એસ..ટી.ડેપોએ આવ્યા.અંજુએ સોની નોટ રીક્ષાવાળાને આપી. ત્યાં તેને અટકાવીને પ્રકાશ કહે :‘ત્યારે તું જ પૈસા ચુકવતી હતી. હવે મને ચુકવવા દે !’

અંજુની આંખો પહોળી થઇ ગઇ.તેની નજર બદલાઇ ગઇ. ઉરાઉર જઈ તેનાંથી ધીમા ને ઋજુ સ્વરે બોલાઇ ગયું : ‘તને એ બધું યાદ છે, પકા !’

‘તારા એ પકા ને બધું જ યાદ છે પણ આ આજનો પ્રકાશ ભૂલી જાય છે તેનું શું કરવું ?’

પણ તે કહે :‘તને શંકા છે ?’પછી કહે :‘અંજુ તે સમયે તું મારા સાથે ન હોતતો કદાચ હું કોલેજ પૂરી કરી ન શક્યો હોત અને આજે ગામડામાં મજુરીએ...’

પ્રકાશના આમ કહેવામાં ઘણું આવી જતું હતું.અંજુના હૈયે એક બાજુ શૂળો ભોંકાય ને બીજી બાજુ ટાઢક વળી.હરખથી દિલ છલકાઈ ગયું.સારપ સ્વીકારનાર માણસનો હજુ દુષ્કાળ પડ્યો નથી. માણસાઇની મહેંક વાતાવરણમાં હજુય પ્રસરે છે.

અંજુનું હ્રદય ભરાઈ ગયું. ને જાણે ટળવળતો ખાલીપા મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો. થયું કે બરોડા નથી જવું. અહીં પ્રકાશની સાથે જ રોકાઇ જાય. કામ તેનું જ છે...બીજે જવાની જરૂર જ શું છે ?

પોતાનો બરોડા જવાનો નિર્ણય બદલવાના આશયે પ્રકાશ સામે જોયું. ત્યાં પ્રકાશે જ કહ્યું : ‘બુકિંગ કરવી લઈએ.’ પછી પ્રત્યુતરની રાહ જોયા વગર પ્રકાશ બુકિંગબારીએ ગયો. અંજુ સમસમીને ઊભી રહી.

પ્રકાશે બસની બારી પાસે ઊભા રહી, વિદાય કરતા અંજુને કહ્યું : ‘તું જેમ કહે તેમ. હું આવીશ અને મેરેજ ડોક્યુમેન્ટ સહી કરી આપીશ.’ સામે અંજુએ મોં ભરી, કાન ઉભરાઈ જાય એમ થેંક્યું કહ્યું.

બસ ગયા પછી પ્રકાશ એમ જ ઊભો રહ્યો.અમરેલીના બસડેપો પરથી અંજુ ઘણીવાર વિદાય કરી હતી.પણ આજે કાંઈક જુદો ભાવ, અનુભૂતિ થઇ રહી હતી.સમજાતું નહોતું. ભરચક ભીડની વચ્ચે સાવ એકલો - અટૂલો હોય તેમ ઓશિયાળી નજરે ઊંચે ઉપાડીને જોયું. બસો દ્વારા માણસોની અવરજવર થઇ રહી હતી. ડેપોનો નકશો બદલાઇ ગયો હતો. અદ્યતન બની ગયો હતો. એરપોર્ટ ઊભા હોય એવું લાગતું હતું. અંજુને તો વિદાય એરપોર્ટ પર જ હોય ને ! કોઈ અર્ધપાગલ જેમ મંદમંદ હસવા લાગ્યો. એમ જ પગ ઉપડ્યા...

-ક્યાં જવું ? શું કરવા જવું ? તે અચકાઈ ને ઊભો રહ્યો. પ્રશ્નો પગને બંદીવાન બનાવી ગયા.

શોભનાએ ફોનમાં સીધો જ સવાલ કર્યો હતો : ‘ક્યાં છો ?’

રજાના દિવસે શોભના લગભગ સંપર્ક ન કરે. અનિવાર્ય હોય તો ફોન કરે. વળી આવો સવાલ પણ કયારેક કર્યો નથી. તેથી તેને જ ફોન કરી ને કહે : ‘હું અહીં અમદાવાદમાં છું, બોલ શું કામ હતું ?’

પણ ઘરના બીજા કોઈ સભ્ય ફોન ઉપાડે તો શું કહેવું ? ફોન કરતા અટક્યો. સીધા તેનાં ઘરે જવું...ને પછી કહેવું કે, આ વિસ્તારમાં હતો તે...

ગાંધીનગર જઈને શું કરવાનું ? સરકારી મકાનમાં ચોરના માથા જેમ આથડવાનું ? તેના કરતા અહીં સમય પસાર થઇ જશે ને શોભનાએ પણ સારું લાગશે.

-શોભનાને સારું લાગશે...તેથી શું ? અને આ બધું તેને સારું લગાડવા માટે જ...

આ સવાલ નવો નથી પણ શોભના સાથેના સંબંધ જેટલો જુનો છે. લાખ પ્રયાસ છતાંય જવાબ જડ્યો નથી, અંજુના જેમ જ.વળી જવાબ મળી જાય છે તો મન હાથ મુકવા દેતું નથી.:‘ના, એવું ન હોય.’

‘તો પછી શું છે, આ ?’

સાપ સાણસામાં આવ્યો હોય એવી સ્થિતિ થઇ.

શોભના મેરીડ છે...કોઈની પત્ની છે..સંતાનની માતા છે ! આ બોર્ડર કદાચ કોઈ અપેક્ષિત સંબંધના કાંઠે ઊભા રહેવા માટે હોય.

રજાના દિવસોમાં શોભના સંપૂર્ણ સમર્પિત હોય છે, તેનાં પરિવારને. તેનાં ઘરે ગયા હોઈએ અને શોભનાને જોઈએ તો સાવ જુદી લાગે. પ્રેમાળ અને ઘરેલું ગૃહિણીના દર્શન થાય. અવઢવમાં મુકાઇ જઈએ-અહીં ઘરમાં છે તે શોભના સાચી કે પછી ઓફિસમાં આવે છે...

-વ્યક્તિના આવા બે રૂપ હોઈ શકે ?

વળી શોભનાએ જ કહ્યું છે – રજા દિવસે ઓફિસનો કોઈ માણસ મળવા આવે તે ઘરમાં કોઈને ગમતું નથી. બાળકો તો રીતસરના નાગના જેમ ફેણ ચઢાવે. આમ ધુત્કારતા હોય એવું લાગે.

‘તો હવે શું કરવું ?’

‘શેનું, શું કરવું ?’ પોતાનો સવાલ જાણે પોતે જ ભૂલી ગયો.

પણ તુરંત જ યાદ આવી ગયું હોય એમ સ્વગત કહે : ‘શું કરવાનું, ઘરે જવાનું...!’

‘ધરતીનો છેડો ઘર.’

તાપના લીધે અકળામણ થતી હતી. તેમાં પાછો વાહનોનો કર્કશ અવાજ ને ગુંગળાવનારો કાર્બન. અમદાવાદ આવવું જ ગમતું નથી. એમ નહી, ગાંધીનગર છોડવું જ ગમતું નથી.

‘ચાલો ત્યારે...’ કોચવાતા મને જાતને જ સાબદી કરી.

‘પણ શોભનાએ ફોન શું કરવા કર્યો હતો..?’ આ સવાલ તો સામે ઊભો જ હતો. પણ અંદરથી ધક્કો આવ્યો.હલબલી જવાયું. છલોછલ ભરેલા વાસણમાંથી કશુંક કાંઠા બહાર નીકળે એમ નીકળ્યું. સારું ન લાગ્યું. સામે ધડ દઈને કહી દીધું : ‘કાલે ઓફિસે આવવાની જ છે ને ? કહેશે...’

પ્રકાશ ગાંધીનગર આવવા બસમાં બેસી ગયો.

**********

બસની આરામદાયક સીટમાં અંજુ આંખો બંધ કરી, પગ લંબાવીને સૂતી હોય એવી સ્થિતિમાં હતી. બસ બરોડા તરફના નેશનલ હાઈ-વે સ્પીડમાં દોડ્યે જતી હતી. ફોર ટ્રેક લેન-પેવર રોડના લીધે બસની તેજ ગતિ હોવા છતાં પેટનું પાણી પણ હલતું નહોતું. સમથળ ચાલ્યે જતી હતી.

પણ બસની ગતિ કરતા અંજુના મનની ગતિ ભારે તેજ હતી. બહાર કરતા અંદરના રોદા-હડદોલા વધારે આંચકા આપતા હતા. લાખ પ્રયત્નો હોવા છતાંય આંખો ખુલી ગઇ. અને તે બારી બહારના જગતને જોવા લાગી. રસ્તા પડખેની હરિયાળી...ખેતરો, મોલાત...રંગબેરંગી ઝાડવાં...ઝડપથી પસાર થતી આ નયન રમ્ય દ્રશ્યાવલિ...લાગે નહી કે પોતે ગુજરાતમાં છે !

પણ ત્યાં ઈમેઈલ વાળી હકીકત યાદ આવી ગઇ. આવું કૃત્ય માત્ર અહી જ થાય...આ યાદ કે હકીકત

પોતે ગુજરાતમાં જ છે તેની પ્રતીતિ કરાવતી હતી.

સાવ કારણ વગરનું વિઘ્ન ઊભું કર્યું હતું. પ્રકાશ ખરેખર સારો, સજ્જન કહેવાય. તેણે ઇમેઈલ બાબતે કહ્યું ખરું – તારા વિશેનો આવો મેઈલ આવ્યો છે..પણ વિશેષ લક્ષ આપ્યું નહી.નહિતર કોઈ માણસ આવી પારકી પંચાતમાં પડે જ શું કરવા ? કહી દે : ‘તમારે જે કરવું હોય એ કરો, અમારે શું લેવાદેવા ?’

અંજુને થયું કે એ લોકોને હવે સ્પષ્ટ કહી દેવું પડે : ‘હું તદ્દન સ્વતંત્ર છું. મારે શું કરવું અને ન કરવું તેની મને ખબર છે.

-આ બધું કહેનારા તમે કોણ ?’

અંજુ બરાબર સમજતી હતી કે,બધાં સ્વાર્થના સગાં છે.મારી સંપત્તિ પાછળ શાન ભાન ભૂલી ગયાં છે.

જો કે આમ કહેવામાં પોતાનું કાળજું કપાઈ જાય, જીવ ચિરાઈ જાય...તમે મારાં લોહીનાં સગાં છો, મારો પરિવાર છો. એવું કહેવાનું મન થવું જોઈએ.પણ લોહીના બદલે સ્વાર્થના સગાં નીકળ્યાં.મને સાપનો ભારો કે દીકરી પારકી થાપણ સમજી,સોનાના ઈંડા આપતી મરઘી સમજી એક પરદેશી સાથે પરણાવી દીધી.

તમારે તો સમાજમાં વટ પાડવો હતો-જુઓ મારી દીકરી પરદેશમાં છે ! વાત અહીંથી પૂર્ણ થતી નહોતી. મને પગથિયું બનાવી તમારી પ્રજાને પરદેશ મોકલવી હતી.

સોનાના પિંજરમાં કેદ આ પોપટ જોવામાં તમને સુખી-સંપન્ન લાગતો હશે પણ ખરેખર એવું નથી. હું આર્થિક રીતે સંપન્ન છું પણ સુખી નથી.મારાં દિલમાં દાવાનળ સળગી રહ્યો છે.ક્યારેક મારાં સામે જુઓતો ખરાં ? મને સંભાળવાનો, સમજવાનો પ્રયાસ તો કરો ?

મારી માંહ્યલી પીડા, વેદના કોને કહું ?

જગતમાં કોઈ એવું ઠેકાણું તો જોઈએ ને, તેના ખભા પર માથું ઢાળી મોકળા મનથી આ કરમકથની કહી શકાય...હૈયું ઠાલવી શકાય.

-બાપુ લાંબા ગામતરે ચાલ્યા ગયા.બાને આ સઘળી બાબત સમજાવવી મુશ્કેલ છે.વળી હું ડિવોર્સ લઇ એકલી રહું છું.વચ્ચે કોઈના ઘરમાં બેઠી હતી...તેથી બાની ગણતરીમાં હું હવે વંઠેલ છું, નાઠાબારી છું !

બસ ધીમી પડી એક અદ્યતન હોટલ પાસે ઊભી રહી.અંજુની ગડમથલને જાણે બ્રેક લાગી.તે ઘડીભર એમ જ સ્થિર બેસી રહી.પછી ફ્રેશ થવા,બસના અન્ય મુસાફરો સાથે બહાર આવી.હોટલની લક્ઝુરીયસ સુવિધા જોઈ છક થઇ ગઇ.‘અરે ફોરેન કન્ટ્રી જેવું જ...’આમ બોલવા જતી હતી ત્યાં જ ટોઇલેટ પાસેની ગંદકી જોઈ...મન ઉબકાઈ ગયું.સુગ ચઢી.થયું કે સુવિધા હોય, મળે પણ તેને લાયક થવું,હોવું એ વધુ અગત્યનું છે.

ત્યાં, લાંબા હાથ કરી ભીખ માગતી એક છોકરી પર નજર ગઇ. અંજુ બે ડગલાં આગળ ચાલી.

-છોકરી હશે દસ-બાર વર્ષની. છોકરી જેટલી ગંદી-ગોબરી હતી તેના કરતાં વધારે ગોબરું તેની કાંખમાં તેડેલું છોકરું હતું.

એક જાતની ચીતરી ચઢી.

‘તારે આવું બાળક દત્તક લેવું છે !?’

‘ના...’ અંજુથી ચિત્કારી જવાયું. પગ પછાડતી તે એકદમ બસમાં આવી. ધબ દઇ સીટમાં બેસી ગઇ. છાતી સૂપડાવા લાગી હતી. આંખો બંધ કરી તે હળવું હાંફલવા લાગી. શરીરે પરસેવો વળવા લગ્યો હતો.

-આવું શું કરવા થાય છે...ખુદ સમજી કે નક્કી કરી શકે એમ નહોતી.પણ ભીખ માગતી છોકરીને જોઈ અને બાળક દત્તક લેવાની બાબત...આ અંગેની પ્રતિક્રિયાએ આવી સ્થિતિ સર્જી હતી.

‘અંજુ ! બાળક એ બાળક જ છે. ગરીબના પેટ જન્મ લેવો કે તવંગરના પેટ...એ ક્યાં કોઈના હાથની વાત હોય છે. તું આવા એક બાળકને નવજીવન આપીશ ને પામીશ...એવું વિચાર ને !’

ઘડીભર આંખો બંધ કરી શૂન્યમનસ્કપણે બેઠી રહી..પણ પેલું દ્રશ્ય સાલ છોડતું નહોતું.બોટલમાંથી પાણીના બે-ચાર ઘૂંટ ભર્યા. આડ-અવળી નજર ઘુમાવી. થોડું સ્વસ્થ થવાયું હોય લાગ્યું.

ધીમે ધીમે ઊગતા સૂરજના કિરણો માફક તેનાં મનમાં નવતર વિચારોની કૂંપળો ફૂટવા લાગી.

‘આમ તો સ્વાર્થ તારો છે...તારા ખાલીપાને ભરવા બાળક દત્તક લે છો. નહી કે તેનાં જીવન માટે !’

આંખો પહોળી થઇ ગઇ.કોઈએ છાતી પર અચાનક મુક્કો માર્યો હોય એમ થયું.પીડા સહન કે વહન ન થઇ હોય એમ અંજુ સીટમાં થોડી આઘા પાછી થઇ.બાજુમાં બેઠેલી સ્ત્રીએ ત્રાંસી નજરે જોયું.અંજુ સ્વસ્થ ને સરખા થવાનો પ્રયત્ન કરવા લાગી.

આંખો બંધ કરી....

બાળકના વિચારમાત્રથી અંજુની દ્રષ્ટિ બદલાઇ ગઇ.ચારેબાજુતો ઠીક પોતાનામાં સઘળું ભર્યુંભર્યું લા ગવા માંડ્યું.છાતીમાં જાણે વ્હાલપના ઝરણાં વહેવા લાગ્યાં..ને સાવ ઓછી મિનિટોમાં ખુદ ખળખળવા લાગી.

-હું અને મારું બાળક...આખું જગત તેમાં સમાઈ જશે. બીજું કોઈ નહી, બીજું કાંઈ નહી.

બસ હળવા આંચકા સાથે ઊભી રહી.આંખો ઉઘડી ગઇ ને જાણે મનમાં રચાયેલી દુનિયા પત્તાના મહેલ માફક ધરાશયી થઇ ગઈ. તે ઉઘાડી આંખે જોતી રહી...

પછી કંડકટરને અધિરાઇથી કહે : ‘પ્લીઝ..મારે ઉતરવાનું છે !’

વડોદરામાં જ્યાં બહેનપણીને ઉતરી હતી ત્યાં પાછી આવી.ફ્રેશ થઇ. સોસાયટીમાંથી બે પાડોશીઓ મળવાં આવ્યાં હતાં તેને મળી. પૂછ્યું તેનાં જવાબો આપ્યા.

-ડોલરિયા દેશમાં બધાં આવવું છે, જાણવું છે...કશું ખોટું નથી.પણ એક બાબત સ્વીકારી લેવી પડે કે, જે અહીં છે તે ત્યાં નથી અને ત્યાં છે તે અહીં નથી. બંનેની સંસ્કૃતિ અલગ છે.

અંજુ વાત કરતી હતી ત્યાં પ્રકાશનો ફોન આવ્યો. એકદમ ઊભી થઇ ઘર બહાર આવી.

‘પહોંચી ગઇ ?’

પૃચ્છા માત્રથી અંજુનું હૈયું જાણે ધબકારો ચૂકી ગયું. કોઈએ આમ ચિંતા દાખવીને પૂછ્યું...અથવાતો કોઈ ખબર પૂછનાર છે... અંજુ માટે બહુ મોટીને મૂલ્યવાન ઘટના હતી. તે આનંદના અતિરેકમાં, મઝાકના સૂરમાં બોલી : ‘ક્યાં !?’

‘જ્યાં પહોંચવાની હતી ત્યાં...’

અંજુએ લહેકો કરતા કહ્યું : ‘હું ક્યાં પહોંચવાની હતી ?’

પણ સામે પ્રકાશનો જવાબ ન મળ્યો એટલે સહજતાથી કહી દીધું : ‘હું સુખરૂપ પહોંચી ગઇ છું. ડો’ન્ટ વરી...રાત્રીએ નિરાંતે વાત કરીશું. થેન્ક્સ...ગુડઇવનિંગ...’

વરસો પછી કોઈએ આવી કાળજી લીધી હતી. અંજુ અંતરમાં જાણે દીવડા પ્રગટવા લાગ્યા. તે

બારસાખ પકડીને ક્યાંય સુધી ઊભી રહી. ક્યાંય વાંચેલા કે સાંભળેલા શબ્દો મનમાં ગૂંજવા લાગ્યા : સગાં વ્હાલા કહીએ છીએ પણ સગાં બધાં વ્હાલાં હોતા નથી ને વ્હાલા હોય તે સગાં હોતા નથી...

‘તે આનું નામ..!’

સમયની સાથે દટાઈ કે કટાઈ ગયેલો સંબંધ જાણે ધસાઈને ચળકાટ મારવા લાગ્યો. પ્રકાશ પ્રત્યેની લાગણી તીવ્ર ને ધારદાર થઇ ઊઠી. મોં પર આનંદ છવાઇ ગયો અને હોઠ પર સ્મિત ફરકવા લાગ્યું.

દરવાજે ઊભી અંજુની બહેનપણી વંદના,અંજુના આ બદલાતા મનોભાવને બારીકાઇથી જોઈ રહી હતી. તે એક ડગલું આગળ ચાલી અંજુ સામે જોઇને બોલી : ‘કોઈ ફ્રેન્ડનો ફોન હતો.’

જવાબમાં અંજુ માત્ર મોઘમ હસી. ત્યાં વંદનાએ ફરી પૂરક સવાલ પૂછ્યો : ‘મળવા ગઇ હતી તેનો ફોન હતો !?’

અંજુએ ડોક હલાવી હા કહી.પણ તેનું મોં બગડી ગયું હતું.મોં પર અણગમાના ભાવ ઉપસી આવ્યા હતા.ત્યાં પરદેશમાં આવી પડપૂછ કોઈ ન કરે.તેમાં અંગત બાબતમાં તો કોઈ ચંચૂપાત ન કરે.સૌને પોત પોતાની લાઈફ હોય છે. અહીંતો વાત સાલ જ ન છોડે ! થોડી કડવાશના લીધે અંજુ કશું બોલી શકી નહી. પછી રૂમમાં આવી બંને એક સાથે સોફા પર બેઠી.ભારેખમ પળો પસાર થતી રહી.બંને વચ્ચે વરસો પૂર્વે જે સહજતા, સાલસતા હતીતે કાળની ગર્તામાં દટાઈ ગઇ હતી.અબોલતાના ભાર સાથે વંદના રસોડામાં ગઇ.

વંદનાના બંને બાળકો આવીને પડખે ક્યારે બેસી ગયાં તેનો અંજુને ખ્યાલ રહ્યો નહોતો. જોયું તો બંને કોઈ વિચિત્ર કે નવતર ભાવે,આંખો તાણીને જોઈ રહ્યાં હતા.ચશ્મામાંથી પણ તેની પાણીદાર આંખો સ્પષ્ટ દેખાઈ રહી હતી.

વંદનાના પરિવારમાં પતિ-પત્ની સમેત બે બાળકો,સાસુ-સસરાને હતાં.થોડા સમયથી નણંદ અઘરણી નું આણું વળીને આવી હતી. જે રીવાજ મુજબ ડીલેવરી થયા બાદ બે-ત્રણ માસ પાછી સાસરે જવાની હતી.

અંજુ આ ભર્યા-ભાદર્યા ઘરને, કુંટુંબ વાત્સલ્યભાવે જોઈ રહી હતી.ઘરમાં કોઈ રાહ જોનારું કે પૂછનારું હોય તો સાંજે સમયસર ઘરે પાછાં ફરવાનું મન થાય.નોકરી-ધંધાનો સમય પૂરો થાય તે પહેલા ઉચાટ થવા લાગે કે, ઘરે ક્યારે જવાશે...

-ઘરે જવાની કોઈ ઉતાવળ કે જરૂર ન હોય તો હોટલમાં જમી લેવું, ગેસ્ટહાઉસમાં સુઈ જવાનું...

અંજુ સયુંકત પરિવારમાં ઊછરી છે. ઘરમાં પંદરથી વીસ માણસોનો બહોળો પરિવાર હતો.તેમાં એકાદ મહેમાન કે ભાણિયાંઓ હોય તે જુદાં !

રાતે વાળું કરવા માટે રીતસરની પંગત પડે. ઘરડાં બા હાથમાં દૂધનું બોઘરણું લઈને પીરસવા નીકળે..એક એક સભ્યને લાડભર્યા હુલામણાં નામ લઈને આગ્રહ કરે.તેમાં મોટા બાપુ,બાપુ, કાકા...ભલે મોટા હોય...છતાંય નાના છોકરાઓ જેમ આગ્રહ કરીને પીરસે !

ઘરનું રોજિંદુ કામ, નાના-મોટા પ્રસંગો,સુખ-દુઃખ...સઘળું વહેંચાઇ જતું. સાજા-માંદા, નબળા-સબળા એક બીજાની ઓથમાં સચવાઈ જતા. તેમાં નાના છોકરાંઓ ઊછરીને કયારે મોટાં થઇ જતાં તેનોતો ખ્યાલ જ ન રહેતો.ઘર પંખીના માળાના માળા જેવું લાગતું.હા,તેમાં ક્યાંક-ક્યારેક બેસૂરો કલબલાટ થતો છતાંય ચાલતું. ભર્યું ભર્યું લાગતું. ગામડાંનાં ભૂસાતા આ ભાતીગળ લોકચિત્રો અંજુની ચક્ષુ સામે ઉપસતા હતા.

હવે તો સ્થિતિ સાવ બદલાઇ ગઇ હતી. કુંટુંબમાં પણ એક જ સંતાન હોય છે.જેથી તેને ભાઈ, ભાભી, નણંદ, જેઠ, દિયર...જેવાં સ્નેહભીના સગપણની વ્યાખ્યા પરીક્ષાના ઉત્તર જેમ ગોખાવવી પડશે. કાકા-કાકી કે ફઇ-ફૂઆના સગપણની વાત ગળે ઉતરાવવી મુશ્કેલ પડશે.

બંને બાળકો સાથે થોડી વાતો કરી પણ જામ્યું નહી. સંવાદ સંધાતો નહોતો, ક્યાંક કશુંક તૂટતું હતું.

રાતે ડાઇનિંગ ટેબલના બદલે નીચે બેસીને એક સાથે જમ્યાં. ભોજન સામગ્રી વચ્ચે જ મૂકી દીધી હતી. છતાંય સ્વભાવ મુજબ વંદનાના સાસુ સૌને આગ્રહ કરવાનું ચૂકતાં નહોતા.

અંજુના ચિતમાં સચવાયેલો એ માહોલ વીરડા જેમ ઊભરાવા લાગ્યો હતો.કલરવતો એ પરિવાર મનને પ્રેમાળ પજવણી કરવા લાગ્યો હતો.રહી રહીને સવાલ ઊઠતો હતો કે,ક્યાં ગયો એ કલરવનો દેશ-પરિવેશ ? ક્યાં ખોવાઇ ગઇ ને કેમ લુપ્ત થઇ ગઇ એ સ્વજનોની દુનિયા ?

-ત્યારે આજના જેવી ભૌતિકતા નામે કશું જ નહોતું પણ નિરાંત હતી....બીજો કોઈ ઉત્પાત નહોતો.

અંજુથી નિસાસો નખાઈ ગયો.

‘હં..તો તારો શું પ્રોગ્રામ છે ?’ ઘરકામ પરવારી વંદનાએ બેઠક લેતા પૂછ્યું.

અંજુ તેનાં મોં સામે જોઈ રહી.હજુ એ ગામડું સ્મૃતિમાં રમ્યા ને ભમ્યા કરે છે.તેનાં મીઠા સ્મરણો વાગોળવાનો એક અનેરો આનંદ આવે છે. તેવાં ખરા ટાણે જાણે વંદનાએ પૂછ્યું...સાકર વચ્ચે મીઠાની કાંકરી આવી ગઇ હોય એમ લાગ્યું.મોં બગડી ગયું.ગામડાંમાં તે સમયે મહેમાન ક્યારે જશે, કેટલું રોકાશે તે પૂછાય જ નહી. આવું પૂછે તો અપમાન જેવું લાગે..પણ સમય બદલાયો.વંદના આમ પૂછે તેમાં જરાય ખોટું નથી.

વાસ્તવિકતા સ્વીકારી અંજુ કહે :‘ગામડે મમ્મી પાસે જવું છે ને પછી તો આ બધું જે થાય તે...’

આંખનું મટકું માર્યા વગર વંદના અંજુ સામે જોતી રહી. અંજુનો સ્વર બદલાયો હતો.સ્વરમાં ભીનાશ હતી. અને ભીનાશ પછવાડે પગ દબાવીને ઊભેલી વેદના વંદનાથી અજાણ રહી નહોતી.

-પૂછવાનું કારણ પણ એટલું જ હતું કે અંજુના પ્રોગ્રામનો ખ્યાલ આવે તો તે પ્રમાણે ઘરનું આયોજન થાય અને તેની સાથે જવાનું ફાવે...

‘આ બધું જે થાય તે...’

અંજુએ વંદના સામે જોયું. જોતી રહી...ને પછી એકદમ બાથ ભરી ગઇ. અને સોળ સોળ વર્ષની કિશોરીઓ હોય તેમ ક્યાંય સુધી એકમેકને વળગી વાંસા પંપાળતી રહી. ઉંમર ઓગળી ગઇ અને સ્થળ-કાળ વિસરાઈ ગયા.

બાળકો ને બધાં સૌ-સૌના રૂમમાં સૂઈ ગયાં હતાં. માત્ર અંજુ અને વંદના આગળના રૂમમાં સોફા પર બેઠી હતી. ટી.વી. સાવ ધીમા અવાજે ચાલુ હતું. જેથી બેઉનો અવાજ તેમાં સમાઈ આગળ પ્રસરે નહી.

થોડી એમ જ વાતો કર્યા પછી ‘વંદુ...!’ આટલું બોલી અંજુ અટકી ગઇ. તેની છાતીમાં ભરાઇ ગયેલો ડૂમો ઓગળવા લાગ્યો હતો. હૈયું હાથ રહ્યું નહોતું. તે મોં દબાવી રડવા લાગી.

-તું આટલી પોચટ ?ત્યાંતો કેટલી કઠોર,નઠોર થઇ ગઇ હતી.ને અહીં...પણ સવાલને ગણકાર્યા વગર તે રડતી રહી.

થોડીવાર પછી વંદનાએ પૂછ્યું : ‘શું વાત છે ?’

મહાપ્રયાસે રડવું ખાળી અંજુ બોલી : ‘કશું જ નથી. પણ મારે રડવું છે, રડવા દે...!’

અંજુ રડતી રહી ને સામે ભીની આંખે સ્થિરભાવે વંદના જોતી રહી.

‘ત્યાં પરદેશમાં..’

‘શું ત્યાં પરદેશમાં...’ વંદનાએ અંજુને ઉઘાડવાના પ્રયાસ સાથે કહ્યું.

‘ત્યાં આમ બધું જ છે. પણ....’ અંજુ આંખો લૂછતી બોલી :‘પણ હૈયું હળવું કરવાના ઠેકાણાં નથી.’

વંદના અંજુ સામે ક્ષણભર તાકી રહી.પછી ધરબાયેલો નિસાસો નાખી ને બોલી:‘અહીં પણ એવું જ છે. કાગડા બધે જ કાળા...’

***