કોઈ ફિલ્મ સારી કે સંપૂર્ણ ક્યારે કહેવાય? જયારે ફિલ્મની વાર્તા, સ્ક્રીનપ્લે, સિનેમેટોગ્રાફી, ડાયલોગ્સ, સંગીત, એક્ટિંગ અને ફિલ્મનું એડિટિંગ સારું હોય. ટૂંકમાં ફિલ્મના દરેક પાસા મજબૂત હોય અને તેના માટે ખુબ ખંતથી મહેનત થાય ત્યારે એક સારી ફિલ્મ બનતી હોય છે. ક્યારેક એવુંય બને કે કોઈ ફિલ્મ જોતી વખતે તમને એવું લાગે કે તમે તે જોઈ નથી રહ્યા જીવી રહ્યા છો. ફિલ્મ પુરી થયા બાદ તમને સતત તે ફિલ્મના જ વિચારો આવે અને તે તમારી જિંદગીનો એક ભાગ બની જાય કે તમારી જિંદગીમાં કોઈ ચેન્જ પણ લાવી દે.
બસ આવી જ એક ગુજરાતી ફિલ્મ એટલે 'હેલ્લારો'.
તો સ્વાગત છે તમારું અમારી ચેનલ ફિલ્મ રીવ્યુ ગુજરાતી પર કે જ્યાં આજે આપણે વાત કરીશું રજુ થયેલી ફિલ્મ 'હેલ્લારો' વિષે. આમ તો હવે બધાને ખ્યાલ જ છે કે આ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ છે, પણ તેને કેમ નેશનલ એવોર્ડ મળ્યો તે જાણવું હોય તો ફિલ્મ જરૂરથી જોવી જોઈએ.
ખરેખર તો આ ફિલ્મ છે જ નહિ. આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે તેના નામને સાર્થક કરતો 'હેલ્લારો' જ છે - જેને ગુજરાતી સિનેમામાં એક ઇતિહાસ સર્જી દીધો છે. ફિલ્મની સ્ટોરી અને ડિરેકશન અભિષેક શાહના છે. ફિલ્મને મજબૂત સહારો મળ્યો છે તો તે છે સૌમ્ય જોશી અને મેહુલ સુરતી દ્વારા. ફિલ્મના ડાયલોગ્સ અને ગીતો સૌમ્ય જોશી એ લખ્યા છે અને તેને સ્વરબદ્ધ કર્યા છે મેહુલ સુરતી એ. જે લાંબા સમય સુધી લોકોને યાદ રહી જશે.
અમે ટ્રેલરના બ્રેકડાઉનમાં જ જણાવેલું કે ફિલ્મનું મુખ્ય પાત્ર જો કોઈ હોય તો તે ગરબા છે અને જો તમે ધ્યાનથી દરેક ગીત સાંભળશો અને તેને એક ક્રમમાં ગોઠવી દેશો તો તમને ફિલ્મની વાર્તા સમજાઈ જશે એટલા સહજ રીતે તે ફિલ્મમાં સંકળાયેલા છે. બીજી મજા છે ફિલ્મના ડાયલોગ્સ. એટલા મજબૂત ડાયલોગ્સ લખાયા છે કે તમે બસ ખાલી 'વાહ' એવું જ મહેસુસ કરશો.
એક્ટિંગની વાત કરીએ તો દરેક કલાકારે પોતાનું ૧૦૦% આપ્યું જ છે પણ જો કોઈ પાત્ર લાંબા સમય સુધી યાદ રહી જાય તો તે છે મંજરી, ભગલો, મુળજી, લીલા, કેસર અને રાધા. પણ એનો અર્થ એ નથી કે બીજા પાત્રોનું મહત્વ નથી દરેક પાત્ર કોઈ ને કોઈ રીતે તો યાદ રહી જ જાય છે.
પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીની જે સ્થિતિ હોય છે તેનું આબેહૂબ ફિલ્માંકન ફિલ્મમાં થયેલું છે. દરેક સ્ત્રીની પીડાને તમે પણ મહેસુસ કરી શકશો. જયારે પહેલીવાર તેઓ ગરબા કરે છે ત્યારના દરેક સ્ત્રીના હાવભાવ - જે જોવાની એક અલગ જ મજા છે અને તેમને ગરબા કરતા જોઈ તમારા પગ પણ આપોઆપ તાલ આપવા લાગશે.
ફિલ્મમાં નાની નાની વાતો એવી સહજ રીતે સાંકળવામાં આવી છે કે તમારું ધ્યાન સ્ક્રીન પરથી હટવાનું નામ નહિ લે અને અંતે ફિલ્મનો ક્લાઈમેક્સ - અદભુત. બસ આ એક જ શબ્દ મળશે તમને બોલવા માટે. ફિલ્મ પુરી થઇ જશે ને તમને લાગશે કે કેમ પુરી થઇ ગઈ!! અને તમે ફિલ્મને તાળીઓથી વધાવી લેશો એ ચોક્કસ વાત છે. અને અંતમાં ફિલ્મ પત્યા બાદ તમે એક વાર તો જરૂરથી વિચારશો કે ફરી ફિલ્મ જોવીજ જોઈએ. ફિલ્મ લમ્બો સમય સુધી લોકોને યાદ રહી જશે તે વાત તો નક્કી .
ટૂંકમાં ફિલ્મ એવોર્ડ વિજેતા તો બનેલી જ છે પણ લાગે છે કે બોક્સ ઓફિસ પર પણ બધા રેકોર્ડ તોડશે. અમે દરેક મુવીને ૧૦ માંથી સ્ટાર આપીએ છીએ પણ આ ફિલ્મ માટે ૧૦ સ્ટાર ઓછા જ પડશે. તો આ ફિલ્મે ૧૦ આઉટ ઓફ 11 આપતા તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અમારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ. ફરી મળશું ગુજરાતી ફિલ્મોની અવનવી માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ.