જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 8 Urvi Hariyani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 8

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની !

પ્રકરણ - ૮

શ્યામલી, આખરે તને મારામાં શું કમી લાગે છે ?' મૌન શ્યામલીને શલ્ય ધૂંધવાતા સ્વરે પૂછી બેઠો.એની ધીરજ હદ વટાવી ચૂકેલી.

શલ્યનાં મનની બધી વાત શ્યામલી સમજતી હતી. એને શલ્ય ગમતો નહોતો. અલબત્ત, એ પોતાની પાછળ ગમે તે કરવા માટે તૈયાર રહેતા શલ્યનો જરૂર પડ્યે વગર ખચકાટે ઉપયોગ કરી લેતી.

'વેલ...એઝ એ ફ્રેન્ડ તું ઠીક છે, પણ તું ક્યારેય મારો હસબન્ડ ન બની શકે શલ્ય ! આ વાત તું જેટલી સ્પષ્ટપણે સમજી લે એ તારાં હિતમાં છે.' અકળાયેલી શ્યામલીએ શલ્યને આજે એની કિંમત કરતાં એનું ચોક્કસ સ્થાન ચીંધી દીધેલું.

એમ હાર માને તો શલ્ય શાનો?

'અનમોલ તને નહીં સ્વીકારે તો પણ તને મારી જરૂર નહીં પડે?'છંછેડાયેલા અહમ્ સાથે એણે શ્યામલીને પૂછ્યું.

શલ્યે શ્યામલીની દુઃખતી નસ દબાવી હતી. શ્યામલીએ ક્ષણભર વેધક નજરે શલ્ય તરફ જોયું પછી એ જે બોલી એનાંથી શલ્યને પગથી માથા સુધી અગનજાળ લાગી ગઈ.

' પહેલાં હું એ વાત ક્લિયર કરી દઉં કે અનમોલ અને મારી વચ્ચે સ્વીકાર-અસ્વીકારનો પ્રશ્ન જ નથી. છતાં પણ જો એમ હોય તો શલ્ય, દુનિયામાં તારાં જેવા ડિવોર્સી સિવાય ચઢિયાતા, સારા અને સ્વસ્થ પુરુષોનો દુકાળ પડ્યો છે કે શું?' આટલું કહી શ્યામલી ઉપાલંભભર્યુ ખડખડાટ હસી પડેલી.

બિચારો શલ્ય ! શ્યામલીની આવી ચોખ્ખે ચોખ્ખી અવહેલનાથી આખેઆખો સિવાઈ ગયો.

આ ક્ષણે એને શારડીની જેમ આરપાર વીંધતો અફસોસ થઈ રહ્યો કે ઉતાવળમાં આવી જઈ એણે શ્યામલીના લોભે લાવણયા સમી પત્નીને ડિવોર્સ આપી જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી છે. શ્યામલી અને લાવણ્યા, એ બંને વચ્ચેની પસન્દગીમાં જો શ્યામલીની મજબૂત આર્થિક બાજુ નજરઅંદાજ કરે તો નિ:શંક લાવણ્યા જ બધી રીતે - સ્વભાવ, સમજદારી, સંસ્કાર અને સુંદરતાની દ્રષ્ટિએ ચડિયાતી સાબિત થતી હતી.

છેલ્લાં વર્ષથી એ પોતાનાં ઘરનાં લોકોનું પરણીને ઠરીઠામ થવાનું દબાણ તેમ જ તેની ખુદની કામનાઓનું દમન ફકત શ્યામલીને પ્રાપ્ત કરવાની આશામાં સહી રહ્યો હતો. એ શ્યામલીએ આજે એને સ્પષ્ટ ભાષામાં જણાવી દીધું હતું કે એ હમણાં તો નહીં, પણ ભવિષ્યમાંય એની ક્યારેય બની શકશે નહીં.એ મૂઢ બની ગયો. ખાલીપણાનો અહેસાસ એનાં રોમરોમમાં છવાઈ ગયો.

???????

એ વરસાદી રાત્રે લાવણ્યા એની જીવન કિતાબના પાનાઓ અનમોલ પાસે ખુલ્લા મૂકી રહી હતી અને મોબાઇલ રણકી ઉઠેલ. એની જીવન કિતાબરૂપી કથાને અધૂરી મુકાવનાર કૉલ શલ્યનો હતો.

શ્યામલીએ ભણેલા સ્પષ્ટ નનૈયા બાદ ફકત અઠવાડિયા જેટલાં ટૂંકા સમયમાં શલ્ય મુંબઇ આવી પહોંચ્યો હતો.

ખુદના કુંટુંબીઓએ શોધી રાખેલી જોવાલાયક યુવતીઓમાંથી કોઈ એકને પસંદ કરી સંસાર વસાવવાની ઉતાવળ સાથે એ આવ્યો હતો.એ બધી યુવતિઓને જોઈ ચૂકયો હતો, મળી ચૂક્યો હતો ; પણ લાવણ્યાની તોલે આવી શકે એવી કોઈ યુવતી એને જોવા મળી નહીં. એ હતાશ થઈ ચૂકેલો.

વારંવાર એનું મન લાવણ્યાને મળવા બેચેન થઈ જતું.એનાં ઘરનાંઓએ કહી દીધેલું કે, ખાસ તો એની મોટી બેન આશાએ કહેલું કે - જે સુધનની સાથે લાવણ્યા પોતાનાં ઘરમાં રહેતી હતી એની સાથે જ એ પરણી ગઈ છે. લગ્ન બાદ લાવણ્યાનું કુટુંબ હવે બીજે રહેવા જતુ રહ્યું છે.

પણ જ્યારે એને એ હકીકત જાણવા મળી કે બીજા લગ્ન થઈ ગયા બાદ પણ લાવણ્યા એકલી છે તો એ એનું કારણ જાણવા તત્પર બની ગયો.એણે વિહ્વળ થઈ લાવણ્યાને કૉલ કરેલો.

?????

'લાવણ્યા, તું મને માફ નહીં કરે ?'

શલ્ય લાવણ્યાનાં હાથને એનાં હાથમાં લઈને પૂછી રહ્યો હતો. એનાં સ્પર્શથી દાઝતી હોય એમ લાવણ્યાએ પોતાના હાથ તેનાં હાથમાંથી ઝડપપૂર્વક સેરવી લીધેલા.

લાવણ્યાને પોતાને મળવા માટે રાજી કરવા શલ્યને ઘણા પ્રયાસો કરવા પડ્યા હતા. લાવણ્યાની ગેરહાજરીમાં એ અનસૂયાને મળ્યો હતો. એણે અનસૂયા પાસે પોતાના અવિચારી ડિવોર્સનાં કૃત્ય બદલ માફી માંગી પોતાના તરફ કરી લીધેલ.

અનસૂયાને શલ્યનું અમેરિકાથી પાછું ફરવું અને ફરી લાવણ્યાને મળવા માટેની એની ઈચ્છા વ્યક્ત કરવી એ કાળાડિબાંગ અંધારામાંથી પ્રગટતા એક આશાનાં કિરણ સમુ ભાસ્યું.

'શલ્ય તને મળવા માંગે છે તો એને એક વાર મળવામાં હરકત શી છે ? ગમે તેમ એ તારો ભૂતપૂર્વ પતિ અને વિશેષ તો બાળપણનો મિત્ર છે, તો આટલી કઠોરતા સારી નહીં..' આવું કહી સમજાવી -પટાવી અનસૂયાએ પુત્રી લાવણ્યાને શલ્યને મળવા તૈયાર કરી હતી.

અંધેરીની એ આધુનિક રેસ્ટોરાંમાં લાવણ્યા શલ્યને મળી.

શલ્યના હાથમાંથી હાથ સેરવી લીધા બાદ લાવણ્યા ચૂપ હતી. શલ્ય પણ ચૂપ હતો.

થોડીવારે તે બોલ્યો, ' બિલીવ મી, લાવણ્યા ! હું તને કયારેય ભુલ્યો ન હતો. અતિ પ્રેમ હોય ત્યાં શંકા આવે જ એ ન્યાયે હું તને સુધનની તારા ઘરમાંની ઉપસ્થિતિને લીધે અન્યાય કરી બેઠો. શ્યામલી ફકત મારી મિત્ર છે. એથી વિશેષ કંઈ નહીં.'

'તું મને શા માટે આ બધું કહી રહ્યો છે ? તારી સાથેનો ભૂતકાળ હું સદંતર વિસારે પાડી ચૂકી છું. તારાં માટે મારાં મનમાં અત્યારે કંઈ જ નથી.' લાવણ્યાએ સાહજીકતા દર્શાવેલી.

'ખરેખર ?' શલ્ય ઉત્સાહિત થઈ ગયો.

'ફરી એક વાર કહે કે તારાં મનમાં મારા માટે કોઈ અભાવ કે ફરિયાદ નથી.હું જાણતો હતો લાવણ્યા, કે તું મને ન જ ધિક્કારી શકે. શું આપણે ફરી એક ન થઈ શકીએ ?'

લાવણ્યા ડઘાઈ ગઈ.શલ્ય સાથે ફરી...?ના...ના...ના...એનું મન વિદ્રોહ પોકારી ઊઠ્યું. એને ઈચ્છા થઇ આવી કે તે ત્યાંથી ઉભી થઈને સડસડાટ ચાલી નીકળે, પણ તે એમ ન કરી શકી.

લાવણ્યાનું અંતર લોહીનાં આંસુએ રડી રહ્યું. એની જિંદગીની શુન્ય-ચોકડીની રમતમાં ત્રીજા શૂન્ય તરીકે ફરી શું શલ્ય જ પ્રવેશવાનો હતો? આ જ મારું ભાવિ હશે ? શા માટે વિધિ મને વાંરવાર આવી રીતે ચકરાવે ચડાવી રહી છે?

લાવણ્યાની જિંદગી પર એવું તો ધુમ્મસ છવાયેલું હતું કે તેને એક સમયે તરછોડનાર - મધદરિયે ડૂબાડનાર શલ્ય આજે એનાં ઘરનાં બધાને તારણહાર સમો ભાસી રહ્યો હતો.

એવા સંજોગો ઉપસ્થિત થયા હતા કે લાવણ્યા ફરી એક વાર ઇચ્છવા છતાં શલ્યને તરછોડી નહોતી શકતી. શલ્યને ફરી સ્વીકારવામાં એના નારીત્વનો નર્યો હાસ થઈ રહ્યો છે એમ જાણવા છતાં એ લાચાર હતી. મજબૂરીના કળણમાં તે ઊંડે ઊંડે ખૂંપી રહી હતી જાણે ! કોઈ એને ઉગારે એવું હતું ખરું ?

ક્રમશ :

અંતિમ પ્રકરણ – ૯ ….રાહ જોશો.