Jindagi... Ramat shuny chokdini - 4 books and stories free download online pdf in Gujarati

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 4

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની !

પ્રકરણ - ૪

છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ !

શલ્ય આજે ટેકસાસ જઇ રહ્યો હતો. બધા એને એરપોર્ટ પર મૂકવા આવ્યાં હતા. લાવણ્યા પણ !

હજી પંદર દીવસ પહેલાં તો શલ્યનાં હાલ બારે વહાણ ડૂબી ગયા હોય એવાં હતા.

વર્ષોથી એની જોહુકમીને વશ થઈ, તેની જ ઇચ્છા પ્રમાણે વર્તતી લાવણ્યાએ એનાં લગ્નનાં પ્રસ્તાવને ધરાર નકાર્યો હતો. બંને કુટુંબની સહમતી હોવા છતાં લાવણ્યા આ લગ્ન માટે રાજી નહોતી.

શલ્ય એમ હાર માને ખરો ? એની હયાતીમાં લાવણ્યા જેવી યુવતી બીજા કોઈની બને કે, લાવણ્યા બીજા કોઈને ચાહે તો એ એની અવહેલના થયા બરાબર કહેવાય એમ સમજતો શલ્ય લાવણ્યાને મનાવવા ભરપૂર પ્રયાસ કરી રહેલો.

'આખરે તને મારાંથી પ્રોબ્લેમ શું છે ?'

શલ્યનાં આ પ્રશ્ન સામે લાવણ્યાએ જવાબ વાળેલો, ' હું હમણાં લગ્ન કરવા ઇચ્છતી નથી. ઓછામાં ઓછા ત્રણ-ચાર વર્ષ હું નિર્બન્ધપણે - નિરાંતવા મને જીવવા માંગુ છું. '

'તો તું મારી રાહ જોઇશ ?' શલ્યે અધીરાઈભેર પુછ્યું હતું.

જવાબમાં લાવણ્યા મૌન રહી. એનાં એ મૌનમાં ઘણું બધું હતું. એક જવાબ હતો, જે નકાર હતો.

શલ્ય ઘીંસ ખાઈ ગયો. એ ભીતર સુધી ખળભળી ઉઠ્યો.લાવણ્યા એનાથી દૂર સરી જઇ રહી છે, એ અહેસાસે એની લાવણ્યાને પામવાની ઇચ્છા વધુ બળવત્તર બનાવી.

અંતે લાવણ્યાએ હાર માની હતી. શલ્ય એનાં ઇરાદામાં આંશિક રીતે સફળ થયેલો. શલ્યની જાત-જાતની દુહાઈઓ અને ભાત-ભાતની ભાવાત્મક રજૂઆતોએ લાવણ્યાને વિવશ બનાવી. શલ્ય સાથે લગ્ન કરવા માટે એનાં કુટુંબીઓનું પણ દબાણ કંઈ ઓછું ન હતું.

એ શલ્ય સાથે લગ્ન કરવા તૈયાર થયેલી, પણ એક શરત સાથે ! લાવણ્યાએ મૂકેલી એ શરતથી શલ્ય છકકડ ખાઈ ગયો હતો. છતાં લાવણ્યાને કોઈ પણ પ્રકારે પ્રાપ્ત કરવા ઇચ્છુક શલ્યે એ શરત સ્વીકારી હતી.

?????

બે વર્ષ બાદ.....

'કેવું લાગ્યું સુધન મૂવી ? ગમ્યું કે નહીં? 'આઇનોક્સ મલ્ટિપ્લેક્સમાંથી સુધન નામક યુવાન જોડે બહાર આવી રહેલી લાવણ્યા એને સ્નેહાળ સુરે પૂછી રહેલી.

' સારું હતું...' એ યુવાનનાં અવાજમાં નિર્લેપતા હતી કે નિ:સ્પૃહતા - એ કળવું મુશ્કેલ હતું.

'ગમ્મે તે થાય સુધન, પણ આજે તો હું તને મૂડમાં લાવીને જ રહીશ...' એમ લાવણ્યા મનોમન લવી ઉઠી હતી.

'ચોપાટી જઈએ...' લાવણ્યાએ પ્રસ્તાવ મૂકયો.

'અત્યારે ? નવ વાગ્યાં છે! ' ચોખ્ખી 'ના' કહેવાનાં બદલે સુધને સમય તરફ ધ્યાન દોર્યુ.

'મુંબઇમાં રાતનાં નવ એટ્લે કંઇ જ ન કહેવાય. રોજ તો હું ફ્રી નથી હોતી.એટ્લે ઇચ્છવા છતાં....'

'પ્લીઝ લાવણ્યા, વધુ કાંઈ જ ન કહીશ. હું તારાં ઉપકાર હેઠળ દિન પ્રતિદિન એમ પણ દબાતો જઇ રહ્યો છું.' સુધને લાવણ્યાને આગળ કહેતાં અટકાવી દીધી હતી.

લાવણ્યા અને સુધન જ્યારે ઘર તરફ હળવી વાતો કરતા આવી રહેલાં ત્યારે રાતનાં બાર વાગવા આવ્યા હતા. બ્લોકનાં કમ્પાઉન્ડમાં હજી ચહલ- પહલ્ હતી. એક બ્લોકની ખુલ્લી બારીમાંથી બે આંખો કતરાતી નજરે એમને આવતા જોઇ રહેલી.

થોડી ક્ષણો બાદ, કામ્યાનો મોબાઇલ રણકી ઉઠ્યો હતો. સામા છેડે ન જાણે કોણ હતું અને શું કહી રહેલું કે લાવણ્યાનો ગુલાબી ચહેરો થોડી જ પળૉમાં લાલઘૂમ થઈ ગયેલો.

'શલ્ય..!' લાવણ્યાનો સાદ ફાટતો હતો.

'શલ્ય, તું મને ડિવોર્સ આપી રહ્યો છે. એનો મને કોઈ વાંધો પણ નથી અને અફસોસ પણ નથી. પણ તું મારાં પર શા માટે કીચડ ઉછાળી રહ્યો છે ? લગ્ન કરવાની જીદ તારી હતી. જો તને મારા પર વિશ્વાસ નહોતો તો તેં મારી સાથે લગ્ન શા માટે કર્યા? છેલ્લાં બે વર્ષથી તું ટેક્સાસમાં છે. શ્યામલી સાથેની તારી ગાઢ મિત્રતાનાં સમાચાર મને પણ મળે છે, પણ મેં તારાં પર કદીયે અવિશ્વાસ નથી કર્યો કે નથી અછડતા પણ એનાં વિશે જાણવાની કોશિશ કરી. બાય ધ વે, તું મને ડિવોર્સ પેપર્સ મોકલી શકે છે. કશાયની અપેક્ષા રાખ્યાં વગર હું સહી કરી આપીશ તને....' કોલ કટ કર્યા પછી લાવણ્યા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

એની આંખોમાંથી વહેતા આંસુઓમાં અવહેલનાનાં દર્દ કરતાં ક્ષોભની માત્રા વધુ હતી.શલ્યને ગુમાવવા કરતાં શલ્યે જે રીતે એનાં ચારિત્ર્ય પર કિચડ ઉછાળી ડિવોર્સની માંગણી કરેલી એનાથી એનું અંતરમન તાર-તાર થઈ રહ્યું હતું.

લાવણ્યાની નજીક ઊભેલો સુધન ક્ષુબ્ધ હતો. એણે અક્ષર:સ લાવણ્યાને સાંભળી હતી. લાવણ્યાનાં તૂટી રહેલાં સંસાર બદલ એ પોતાને દોષિત માની રહ્યો હતો. એ લાવણ્યાને આશ્વાસન આપવા ઇચ્છતો હતો. એને સંભાળી લેવા ઇચ્છતો હતો. પરંતુ એ માટે માત્ર બે ડગ પણ એનાં કદમ આગળ ધપી ન શક્યાં. જાણે પગમાં કોઇએ મણ-મણનો ભાર લાદી દીધો હોય એમ સ્થિર થઈ ગયેલો.

ક્રમશ :

સુધન કોણ છે ? લાવણ્યા એની શા માટે આટલી સંભાળ લઇ રહી છે ? શું સુધન અને લાવણ્યાનો સંબંધ ખરેખર શુદ્ધ - વિશ્વાસપાત્ર છે, કે શલ્યનો આક્ષેપ સાચો છે ! એ જાણવા પ્રકરણ -૫ નો ઈંતજાર કરશો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED