Jindagi... Ramat shuny chokdini - 7 books and stories free download online pdf in Gujarati

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 7

જિંદગી ….રમત શૂન્ય ચોકડીની !

પ્રકરણ - ૭

'દીદી, શુન્ય ચોકડીની રમતમાં તું હમેંશા મને હરાવી દે છે...'

નાના ભાઈ મલય સાથે શુન્ય ચોકડીની રમત રમી રહેલી લાવણ્યા ઘડીભર એની ફુંગરાવેલ મ્હોંએ કરેલ ફરીયાદથી હસી પડી. પછી એને એક અકળ ઉદાસી ઘેરી વળી.

શુન્ય ચોકડીની રમતમાં સળંગ ત્રણ શુન્ય કે ચોકડી એક લાઇનમાં ગોઠવી દેવાય તો બાજી આપણી તરફથી સફળ રમાઇ ગણાય. પણ જીંદગી ?

સરખામણી જીંદગી અને શુન્ય ચોકડીની રમતની ? હા, લાવણ્યા માટે તો જીંદગી શુન્ય ચોકડીની રમત જેવી જ ભાસી રહેલી.

પહેલાં શલ્ય, પછી સુધન અને હવે ? હવે અનમોલ ? શું અનમોલ એનો આવો ભૂતકાળ જાણ્યા પછી એને સ્વીકારી શકે ? શું અનમોલ એની જિંદગીની બાજી અંતિમ પાત્ર બની જીતાડી આપે એમ હતો ખરો ?

સતત મનમાં ઉઠતા પ્રશ્નોથી પરેશાન થઈ રહેલી લાવણ્યાનાં ચહેરા પર આશા -નિરાશાનાં પલટાતા ભાવની ચડ-ઉતર જોઇ રહેલાં સુરજ - અનસૂયાનાં હ્રદય દ્રવી ઉઠેલ.

અનસૂયા તો રોજ ઈશ્વરને હાથ જોડીને પૂછતી, ' ઓ પ્રભુ, મારી પુત્રી આખરે કયા ગુનાની સજા ભોગવી રહી છે ? લાગતું હતું કે સુધન જેવો જમાઈ મેળવી અમે ધન્ય થઈ ગયા પણ એય સપ્તપદીનાં વચન નિભાવવામાં આખરે પાછો જ પડ્યો ને ! '

લાવણ્યાએ એની અસ્વસ્થતા ઝડપથી ખંખેરતા મલયને કહ્યું, ' મારી પાસે તું ભલે નથી જીતી શકતો, પણ મારી સાથે રમીને કરેલી પ્રેકટીસ તને બીજાને હરાવવામાં કામ આવે છે, એ કંઈ ઓછું છે ? '

' એ વાત ખરી...'નારાજ થયેલાં મલયનાં ચહેરા પર મલકાટ છવાયો.ફરી ભાઈ -બેન રમતમાં પરોવાયા.

????????

જેમ લાવણ્યા પરેશાન હતી, એમ અનમોલ પરેશાન હતો.

ઓફીસમાં બધુ કામ રાબેતા મુજબ થઈ રહેલું પણ યંત્રવત્ !

આજે એક બીજી યુવતીનો કૉલ અનમોલ પર આવેલો. જે એક સમયે એની ઘણી નજીક હતી.

'હાય... અનમોલ ! ' સામા છેડેથી જાણે કોયલે ટહુકાર કરેલો.

'ઓહ ! શ્યામલી યુ ? હાઉ ડુ યુ ડુ ? ' અનમોલે તરત એનો અવાજ પારખી લીધેલો.

' થેન્ક ગોડ ! તું મને ઓળખી તો શક્યો. હમણાં આપણે એટલું ટચમાં નથી રહી શક્યા.બટ નૉવ ઓવર એન્ડ નો મોર....'

અનમોલ નવાઈથી શ્યામલીને સાંભળી રહ્યો. એનાં મનમાં શ્યામલીની વાતની કોઈ ગડ નહોતી બેસી રહી.

' બાય ધ વે, આપણી વાત મુજબ વર્ષ થવા આવ્યું છે. બોલ, હવે તું શું વિચારે છે ? તારો ફાઈનલ જવાબ શું છે ? '

શ્યામલીનાં પ્રશ્ને અનમોલને ખરેખર વિચારમાં નાખી દીધો. હમણાં તો તે ક્યાં કશુ વિચારતો જ હતો ? તેનાં બધાય વિચારો જાણે હડતાલ પર ગયા હોય એવી એની હાલત હતી.

શ્યામલીથી એનું મૌન વધુ સહન ન થયું. એ ગુસ્સે થઈ.

'વેલ, ડોન્ટ રીપ્લાય ઑર એક્સપ્લેઈન. હું તારો જવાબ સમજી ગઇ.' શ્યામલીએ હતાશ સ્વરે કોલ કટ કરી નાંખ્યો.

શ્યામલીની સામે કૉફીશોપમાં બેઠેલ શલ્ય ઘણું બધું સમજી ગયેલો. એ મનોમન મલકી ઉઠ્યો. શ્યામલી હવે જાણે હાથવેંતમાં હતી.

????????

અનમોલ જ્યારે ટેક્સાસમાં અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે તે શ્યામલીથી વર્ષ સિનિયર હતો. એ બન્નેયનાં પિતાનો વ્યવસાયિક સમ્બન્ધ રહ્યો હોય તેઓ પરસ્પર ઝડપથી નજીક આવી ગયેલાં.

વધતા જતા એ ગાઢ સંબંધને અનમોલે તો કોઈ નામ નહોતું આપ્યું પણ એને ચાહવા લાગેલી શ્યામલીએ સંબંધને 'પ્રેમ' નામ આપી દીધેલું.

અનમોલને ચાહતી અને ઝંખતી શ્યામલીએ એ જ અરસામાં અનમોલ પાસે લગ્નનો પ્રસ્તાવ મુકેલો. અનમોલ એ વખતે સ્પષ્ટ નહોતો. એણે શ્યામલીનાં પ્રસ્તાવને નકાર્યા વગર એવો જવાબ આપેલો કે શ્યામલી વિચાર કરતી થઈ ગયેલી.

'શ્યામલી, તું ભલે મૂળ ભારતીય છે - પણ ઉછરી છે અહીંની અમેરિકન સંસ્કૃતિ વચ્ચે. જ્યારે હું અહીં રહેવા કે વસવા નહીં, માત્ર અભ્યાસ માટે આવ્યો છું.મારૂં જીવન મુંબઇમાં છે અને તારું ટેકસાસમાં છે. ન હું મુંબઇ છોડવા ઇચ્છું કે ન તું ટેક્સાસ છોડી શકે. આપણી વચ્ચે સ્થળ, વાતાવરણ ઉપરાંત સંસ્કૃતિ ભેદ પણ છે. ' અનમોલે સમજદારીપૂર્વક એ સમયે બંન્ને વચ્ચે રહેલાં તફાવત પર ધ્યાન દોર્યુ હતું.

પણ વ્યક્તિ જ્યારે 'પ્રેમ'માં હોય ત્યારે એટલી મુસ્તાક હોય છે કે એને કોઈ વાત અશક્ય લાગતી નથી. કોઈ તફાવત કે ભેદ દેખાતા નથી. એ સમયે તે એવા જ વિચારોમાં હોય છે કે જેવું એ ધારશે તેવું જ થશે. ભલા શ્યામલી એમાંથી કઈ રીતે બકાત રહી શકે ?

'અનમોલ, પ્રેમને સ્થળ -સંસ્કૃતિનાં બંધન નથી હોતા.હું તને ખૂબ ચાહું છું. મને મારાં પ્રેમ પર પૂરી શ્રધ્ધા છે કે તું જરુર મારાં માટે ટેક્સાસ પાછો આવીશ.'

અનમોલ શ્યામલીની કંઇક ઘેલછાભરી લાગતી વાત પર ફકત હસ્યો હતો. જો કે શ્યામલી ગંભીર હતી. એ આગળ બોલી, ' અનમોલ, એવું પણ થઈ શકે છે કે કદાચ હું તારાં માટે ટેક્સાસ છોડી દઉં. અલબત્ત, એનો આધાર તારા માટે મારામાં રહેલાં પ્રેમની તીવ્રતા પર છે. હાલ તો મારાં અભ્યાસનું એક વરસ બાકી છે ત્યાં સુધી હું તારાં પાછા ફરવાની રાહ જોઈશ કે તું મારાં માટે પાછો ફરે.'

અનમોલ એની લાગણી સમજતો હતો. એણે શ્યામલીની આ વાતને પણ હળવા સ્મિત સાથે શાંતિથી સાંભળી લીધેલી.

????????

એ વરસાદી અંધારઘેરી રાત્રિએ ઓફિસમાં રોકાઈ ગયેલી લાવણ્યાએ અનાયાસ અનમોલનાં હોઠેથી સરી પડેલ પ્રણયનાં એકરાર બાદ પોતાનું હૈયુ એની પાસે પૂરેપૂરૂ ઠાલવી દીધેલું. જે વાત એણે એની કોઈ સખીને કહી નહોતી, માતાને કહી નહોતી એ વાત એણે એક પણ શબ્દ ચૉર્યા વગર અનમોલને કહી હતી.

'શલ્યને મેં કયારેય ચાહ્યો ન હતો. એથી મારાં પર જ્યારે શલ્ય મારાં જ ફેમિલીનું દબાણ લાવ્યો ત્યારે મેં લગ્નનો પ્રસ્તાવ સ્વીકારતાં પહેલાં અમુક શરતો કરેલી.'

અનમોલ સ્તબ્ધ હતો. એ જેને ચાહવા લાગ્યો હતો એ લાવણ્યા કોઈની પરિણીતા છે ?

લાવણ્યા અટક્યા વગર બોલી રહેલી, ' મેં શલ્યને કહેલું કે તને મારાં પતિનાં રૂપમાં સ્વીકારવા મને થોડો સમય જોઇશે.એ માટે હું પોતાને કેળવીશ. જ્યારે મને લાગશે કે હું એને પતિ તરીકે સ્વીકારી શકુ છું, ત્યારે જ એને પતિ તરીકેના હક ભોગવવાની અનુમતિ આપીશ. અલબત્ત, તે અમેરિકા જઇ રહ્યો હોય - બન્નેય પરિવારની ઇચ્છા પ્રમાણે લગ્ન કરીશ પણ એની વિવાહિતા ફકત પેપર પર રહીશ.'

'શલ્ય માની ગયેલો ?' અનમોલથી પૂછાઇ ગયેલું.

'હા, ફકત શલ્ય નહીં - એ સમયે એનાં ઘરનાં પણ મારી શરત સાથે સહમત થયા હતા કે મારી અમેરિકાની ફાઇલ તૈયાર કરી શકાય એટ્લે કોર્ટ મેરેજ કરવા. બાકી શલ્યનો અભ્યાસ પૂરો થયા બાદ, એ અમેરિકાથી પાછો આવે ત્યારે સામાજિક અને સાંસારિક રીતે - તે બન્નેય પતિ -પત્ની ધામધૂમથી વિવાહવિધી સંપન્ન કર્યા બાદ બનશે.એ વખતે શલ્યે આ શરત મન મારીને સ્વીકારી લીધેલ.પરન્તુ વર્ષ જેવો સમય વીત્યા પછી એનાં વહેમીલા - ડંખીલા સ્વભાવે સુધનની ઊડતી વાતો સાંભળી મને ડિવોર્સ આપવા પ્રેર્યો હતો.'

' ઑહ....' અનમોલ સમજી ન શક્યો કે એણે કઈ રીતે વ્યકત થવું જોઈએ.

'મારાં મમ્મી -પપ્પાની ઇચ્છા અને સુધનનો મારાં પ્રત્યેનો લગાવ જોઇ મેં મારો બીજો સંસાર શરૂ કરેલો.'

' મીન્સ...?' લાવણ્યાએ તરત આપેલ આ બીજો આંચકો અનમોલને હચમચાવી ગયો.

'મીન્સ કે સુધન સાથે મારાં લગ્ન થયા. લગ્ન બાદનાં દિવસો સરસ હતા. એ ખૂબ પ્રેમાળ હતો અને મને કદાચ પોતાની જાત કરતાં પણ વધુ ચાહતો હતો.....' લાવણ્યા કહેતી જઇ રહેલી. અનમોલ સ્થિર નજરે લાવણ્યાને જોઇ રહેલો.

બરાબર એ સમયે લાવણ્યાનો મોબાઇલ રણકી ઉઠેલો અને અનમોલનાં મનમાં ઉઠતા પ્રશ્નો અનુત્તર રહી ગયા કે એક સમયે સુધન સાથે સુખી જીવન ગાળી રહેલી લાવણ્યા અત્યારે કેમ એકલી છે ? સુધન કયાં છે ?

ક્રમશ:

અનમોલ પાસે જીવનસાથી પસંદ કરવા માટે એક નહીં બે વિકલ્પ છે. અનમોલ કયા વિકલ્પ પર પસંદગી ઉતારે છે …એ માટે વાંચશો આગળનું પ્રકરણ - ૮.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED