MY FAVOURITE POEMS IN GUJARATI books and stories free download online pdf in Gujarati

મારા પ્રિય કાવ્ય ...

1. તુ સહી શકે જખ્મો બધા

તુ સહી શકે જખ્મો બધા તારા દિલને એવું મહાન કર ।

લક્ષ્ય હજી દૂર છે તું ગગન થી ઉંચી ઉડાન ભર।

તું લડે સદા ન પડે કદી તારી હારનો સ્વીકાર કર।
જીત શત્રુઓ પ્રેમથી તુ અહમ ને દંભનું દાન કર ।

તું વહે સદા સરિતા સમૂ ને કહે કથા યુગ યુગ તણી।
કોઈ દે ફૂલો કોઈ પથ્થરો એનું પ્રેમથી સન્માન કર ।

અહીં ચોતરફ ચતુર બધા કોઈ કોઈનું નથી માનતું ।
કોઈ સાંભળે કે ન સાંભળે તું અમન ને પ્રેમ ને ગાન કર।

તારા અશ્રુ હો તારી પ્રાર્થના તારું મૌન હો તારી સભ્યતા ।
તું હંસ છો મોતી ચણી શકે તું શંખલા માં ન ધ્યાન ધર ।

અહીં સુખનું તળીયું પામવા હરદમ દુખી છે માણસો ।
મળે સૌને કાયમ સાંત્વના તુ દિલ ને એવું મહાન કર।

તું ઇશ્વરી કોઈ અંશ છો તુ સત્ય પ્રીત નો વંશ છો ।
તુ છો ઉદ્ધારક વિશ્વનો પાર્થ થઈને નિશાન કર ।

અહીં મઝહબો ની યાદ છે વળી પ્રાંતવાદના ભાગ છે
હવે કોમવાદ ને રોકવા રુડી એકતા નીશાન કર।

ના મંદિરો કે મસ્જીદો ના ચર્ચ કે ગીરજાઘરો।
તારા દિલને પ્રથમ તો સાફ કર પ્રભુ ને પછી મહેમાન કર ।

ના જપ ને તપ નો રંજ કર ના તીર્થ ધ્યાન નો દંભ કર ।
સાઈ રામ આવે ગોતવા જો તું કર્મને ભગવાન કર।

-સાંઇરામ દવે

2. જૂઠ બોલે છે

નદીના ખાઈને સોગન સદંતર જૂઠ બોલે છે
જો પૂછું ખારવા બાબત સમંદર જૂઠ બોલે છે,

જગત પાગલ છે એવું આજ સુંદરતાની પાછળ કે
અહીં એ સત્યવાદી છે જે સુંદર જૂઠ બોલે છે.

નથી કંઈ પ્રશ્ન કે નારાજગી પણ એક ચિંતા છે,
બહુ વિશ્વાસથી આજે તું સૈયર જૂઠ બોલે છે.

ગવાહી આપતી વખતે મેં તારી આંખ વાંચી છે,
મને શંકા પડી છે ,કે ખરેખર જૂઠ બોલે છે?

અહીં એક સ્વપ્નની ચોરી થઈ છે બહુ સિફતપૂર્વક
સબૂતોમાં બે આંસુ છે 'ને બિસ્તર જૂઠ બોલે છે.

મેં એની પાંખ પર લોહીના ડાઘા જોયા છે કિન્તુ,
અહિંસા નામનું ભોળું કબૂતર જૂઠ બોલે છે.

3.લખ મને.

તારા દિલને જે વલોવે છે તે વ્યથા લખ મને,
હલબલે વાંચીને હૈયું તે અજંપા લખ મને.

આંખ મીંચીને હું કલ્પું વણલખાયેલી વિગત,
તું કદી એવું ય કર પત્રો અધૂરા લખ મને.

તારા શબ્દોમાં નિહાળીશ ફક્ત તારા પ્રેમને,
સાચા નહીં તો એક બે જૂઠા દિલાસા લખ મને.

એકાન્તની વસતી લઈ બેઠો છું હું ઘરને ખૂણે,
કેવી છે મારા વિનાની તારી દુનિયા લખ મને.

વાસ્તવિકતાની અગનમાં સઘળું ભસ્મીભૂત છે,
હું તને ક્યારે કહું છું કે તું સપનાં લખ મને.

4.

બૂરી તો છે છતાં સંગત મળી સારી શરાબોને,
સુરાલયમાં મેં જોયા છે શ્રીમાનોને,જનાબોને.

ગગનમાં આ જગા ખાલી નથી એમાં લપાયા છે,
ચમકવાની રજા મળતી નથી જે આફતાબોને.

બનાવટ રૂપની પણ રૂપનો આધાર માંગે છે,
સુઘડ ને સ્વચ્છ કાગળ જોઈએ નકલી ગુલાબોને.

હસીનોને મેં જોયા છે સદા એવી ઉદાસીથી
રસિક જે રીતથી જોયા કરે મોંઘી કિતાબોને.

બરાબર એની સામે નામ પણ એનું ન લેવાયું,
કર્યા'તા યાદ મેં કઈં કેટલા સુંદર ખિતાબોને.

'મરીઝ' હું પ્રશ્ન પૂછું તો નિખાલસ દિલથી પૂછું છું,
કે ચૂપ કરવાનો રસ્તો એ જ છે હાજરજવાબોને.

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
જૂજવે રૂપે અનંત ભાસે
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે

પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે
વિવિધ રચના કરી અનેક રસ લેવાને
શિવ થકી જીવ થયો એ જ આશે

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિષે ભેદ ન હોયે
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી
જેહને જે ગમે તેને પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સૂઝે

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું
જોઉં પટંતરો એ જ પાસે
ભણે નરસૈંયો એ મન તણી શોધના
પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે

-નરસિંહ મહેતા

બીજા રસપ્રદ વિકલ્પો