શાપિત વિવાહ -11 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાપિત વિવાહ -11

બેટા તને ખબર છે કે આપણા અને જયરાજસિંહ ના પહેલેથી એટલે કે વિશ્વરાજસિહ વખતથી જ સારા સંબંધો હતા કોઈ એવુ સગપણ નહોતું છતા બંનેના ધંધાઓમા લેવડદેવડ અને વ્યવહાર ચાલતો.પણ એ વ્યવહાર એવા રહ્યા હતા કે સાથે ઘર સુધી એ પહોંચ્યા હતા. એટલે કે આપણા બંનેના ઘરેથી બધા એકબીજા ના ઘરે જતાં. બધા સાથે બહુ સારું બનતું.

એ પ્રમાણે જ હુ પણ ત્યાં જતો બાપા સાથે. ત્યાં કુમુદ પણ બધાની સાથે હોય. અમે સાથે જ રમતા. અને હવે ધીરે ધીરે બધા મોટા થઈ ગયા હતા. મારે અને કુમુદને બહુ ભળતુ.

એ સમયમાં તો બહુ નાની ઉમરમાં લગ્ન થઈ જતાં. અને એમાં પણ દીકરીઓ તો સોળે પણ માડ પહોંચે ત્યાં તો લગ્ન નો માડવો રોપાઈ જતો.એ પ્રમાણે જ કુમુદ સોળમા વર્ષમા પ્રવેશતા જ તેના માટે છોકરા જોવાની વાત થઈ.

કુમુદ હતી તો રૂપરૂપનો અંબાર !! અને પાછી ગુણિયલ અને કામકાજમાં એક્કો... એટલે લોકો તેના સાથે વિવાહ માટે તો લાઈનો લાગે એવું હતુ. પણ એ સમયે વિશ્વરાજસિહ ને એક વિચાર આવ્યો કે કુમુદ અને પૃથ્વી ના સગપણ નુ વિચારીએ તો ??

તેમને મારા બાપુને આ માટે વાત કરી કે આપણે નાતભાઈઓ તો છીએ જ સાથે આટલા સારા સંબંધો છે. અને આપણા સંતાનો પણ એકબીજાને બહુ સારી રીતે ઓળખે છે.અને અમે કુમુદના સગપણ માટે છોકરાઓ જોઈ રહ્યા છીએ તો તમને જો વાધો ના હોય તો પૃથ્વી અને કુમુદનુ વેવિશાળ કરીએ તો ??

અને બંને પક્ષે હા પડી ગઈ. એ વખતના સમયમાં તમારી જેમ કોઈ છોકરા છોકરીને એકબીજાને ગમે છે કે નહી એ કોઈ પુછતુ નહી ....અને અમે બંને એક અતુટ બંધનમાં બંધાઈ ગયા.

અમારે તો આવી રીતે તમારી જેમ મળવાનું ના હોય કે ના ફોન. ક્યારેક કોઈ પ્રસંગે મળાય કે પછી કોઈ તેને અહી દિવસમાં થોડો સમય માટે આપણા ઘેર તેડી આવે તો.

સાચું કહુ તો અમારા મન તો પહેલેથી મળેલા જ હતા. પણ અમે કંઈ આવુ તો કહી શકીએ નહી. પણ આ નક્કી થતાં જ મે તેના આખોમા મારા માટેનો અપાર પ્રેમ જોયો છે...એની સ્નેહ નીતરતી લાગણીઓ મને તેનામા ભીજવી દેતી.

બેટા તને એમ થતુ હશે કે બાપુ આજે આવી વાતો કરી રહ્યા છે ?? પણ પ્રેમ એ પ્રેમ હોય છે આ જમાનાનો કે એ જમાનાનો બસ નિસ્વાર્થ પ્રેમ...

બસ તમે અત્યારે પહેલાં એકબીજાને પસંદ કરીને સગપણ કરો. અને તમારે લગ્ન પહેલાં બધી વાતો અને ઓળખાણો  થઈ જાય જ્યારે અમારા જમાનામાં એક મર્યાદાની સીમામાં રહીને સગપણ પછી પ્રેમ અને લગ્ન પછી આખી જિંદગી એકબીજા સમજીને રહેવામા જતી જેથી અમારા સમયમાં કોઈના છુટાછેડા નહોતા થતા.

અત્યારે એકબીજા સાથે બધી વાતો લગ્ન પહેલાં જ વહેચાઈ જાય... એકબીજા સામે પારદર્શકતા ના નામે બધુ જ એકબીજાને ખબર હોવી જોઈએ એ સિધ્ધાંત પર બધી જ વાતો થઈ જાય અને લગ્ન પછી એ જ વાતો લઈને ઝઘડા શરૂ થાય. અને સહનશક્તિ અને પરસ્પર ના વિશ્વાસ ના અભાવે સંબંધો જલ્દીથી તુટી જાય છે.

અનિરુદ્ધ : સાવ સાચી વાત છે બાપુ... તમારા એમની સાથે સગપણ થયેલું હતુ તો આપણા દાદી સંતોકબા કેમ હતા ??

પૃથ્વીબાપુ : હા બેટા એ તને કહુ. મને યાદ છે કુમુદ સાથેની છેલ્લી મુલાકાત. હુ તેના ઘરે ગયો હતો અભાપુરા કંઈક કામથી. એ દિવસે કુમુદ અને તેના મમ્મી ઘરે હતા.બાકીના બધા ત્યાં બીજા ગામમાં કોઈના વિવાહ હતા તો ગયા હતા. એ વખતે અમારા લગ્ન માટેનુ લખાઈ ગયું હતુ.

તે એકલી હોવાથી તે ઉપર હતી અને તેના એ રૂમમાં અને એ જ હીચકા પર બેઠી બેઠી તેના મીઠામધુરા કંઠમાં તેની આદત મુજબ ગીતો ગાઈ રહી હતી. મને ત્યાં જોતાં જ તેની મમ્મી એ મને આવકાર્યો અને બેસવા કહ્યું. કોણ જાણે મારી આખો કુમુદને એક વાર જોવા માટે તરસી રહી હતી એટલે હુ આમ તેમ તેને શોધી રહ્યો હતો. આ વાત તેની મમ્મી વાચી લીધી મારા હાવભાવ પરથી આખરે તે એક મા હતી !!  અને તેમને મને સામેથી કહ્યું કે કુમુદ ઉપર રૂમમાં છે.

મને તેવી રીતે તેની પાસે જવાનું અજુગતું જરૂર લાગ્યું. પણ જાણે એક માની મમતા પણ જાણી ગઈ હશે કે એમ તેમને મને સામેથી એની પાસે જવા કહ્યું. એક મા અંદરથી જરુર ચિતિંત હશે. પણ સાથે આપણા સંસ્કાર પણ એમ થોડા કાચી માટીના હતા.

હુ ઉપર જરૂર ગયો.ત્યાં દરવાજા પાસે તેને ગાતી જોઈ જ રહ્યો...બસ નીરખતો જ રહ્યો...તેનામાં આખેઆખો ખોવાઈ ગયો.... તે ગાવામા મગ્ન હતી. થોડી વાર પછી ગાતા ગાતા તેની નજર બારણા પાસે ઉભેલા મારા પાસે પડી અને મને એમ જોઈને એકદમ શરમાઈ ગઈ. તેના ગાલ ગુલાબી ગુલાબી થઈ ગયા.... મારા પણ રોમેરોમમાં એક ઝણઝણાટી વ્યાપી ગઈ. જાણે આખોથી જ બધી વાત થઈ ગઈ....તેને શરમથી તેનો એ સાડીનો પાલવ ઓઢી લીધો.

અને એ સાથે જ એ રૂમમાંથી બહાર નીકળીને નીચે જવા ગઈ અને એનો હાથ મારા હાથ સાથે અથડાયો...જાણે એના કોમળ રૂપાળા હાથોને મારા એ ખરબચડા રૂવાટીવાળા હાથનો સ્પર્શ પણ સારો લાગ્યો હોય તેમ બસ ખમો...થોડા દી....એમ કહીને લજ્જા ને સંકોરતી એ સડસડાટ નીચે ઉતરી ગઈ.

બેટા તને નથી લાગતુ ને કે કોઈ આવી વાતો થોડી બીજાને કહે ?? પણ આ વાત આખી જિંદગીમા પહેલી વાર મે તને જ કરી છે .

અનિરુદ્ધ : ના બાપુ જરાય નહી...અત્યારે જો નેહલને આ તફલીક ના હોત તો તો હુ તમારી સાથે વધારે જ શાતિથી વાત કરત...અને કદાચ આવુ થયું ના હોત તો મને ક્યારેય આ બધુ ખબર જ ના પડત.

પણ આ છેલ્લી મુલાકાત કેમ હતી બાપુ ??

આટલા વર્ષો પછી પણ આગળની વાત કહેતા જે માણસની આખો ભીજાઈ જાય, એ પણ કોઈ પણ પ્રકારના શારિરીક સંબંધો વિનાનો પ્રેમ એ કેવો નિર્મળ, નિસ્વાર્થ પ્રેમ હશે કે જેનો તો પરિવારની આખી વ્યાખ્યા જ અત્યારે બદલાઈ ગઈ છે.

પૃથ્વીબાપુ :  એ મુલાકાત પછી અમે મળ્યા નહોતા અને લગ્ન ટંકાઈ ગયા હતા. અને તેના માત્ર દસ દિવસ પહેલાં સમાચાર મળ્યા કે કુમુદે ત્યાંના એક અવાવરું કુવામાં કુદીને આત્મહત્યા કરી દીધી છે....

દરેક ના મોઢે એક જ વાત હતી કે તે તો આ લગ્નથી બહુ હરખાતી હતી. તેની ખુશી તો સમાતી નહોતી એવુ તેની બહેનપણીઓ કહેતી અચાનક શું થઈ ગયું ??... (રડતા રડતા) બસ બેટા હુ અને કુમુદ હંમેશા માટે અલગ થઈ ગયા...

અનિરુદ્ધ : પણ એનુ કારણ મળ્યું હતુ કે નહી તેમણે પોતાનું જીવન આમ કેમ ટુકાવ્યુ ??

પૃથ્વીબાપુ : ના બેટા એ હજુ સુધી ક્યારેય કોઈ જાણી શક્યું નહોતું અને હજુ પણ નથી ખબર. પણ એ આવી રીતે આટલા વર્ષો બાદ નેહલ સાથે આવુ કરી રહી છે તો કંઈક કારણ તો હશે જ જે એમના પરિવાર સાથે જ જોડાયેલુ હોય કદાચ...કે તેના આત્મહત્યા માટે પણ જવાબદાર હોઈ શકે..... એટલે જ એની આત્મા હજુ સુધી ભટકી રહી છે.

આ વાતનો જવાબ તો આપણા એ બાવાજી જે બહુ જ્ઞાની છે એ આપી શકે તેમના પ્રભાવથી અથવા એ આત્મા પોતે જ કહી શકે.

એમ કહીને તેઓ તે બાવાજીનુ સરનામું કહે છે પણ કહે છે એકલો ના જઈશ વિષ્ણુ ને સાથે લઈ જા એ આ બધી વાતોમાં બહુ સારૂ જાણે છે....

અનિરુદ્ધ  : હા બાપુ આશીર્વાદ આપો મને કે આ બધામાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય ચોક્કસ મળે અને નેહલની જિંદગી બચી જાય અને અમે હંમેશા માટે એક થઈ શકીએ... અને તે પગે લાગીને વિષ્ણુ ને સાથે લઈને એ બાવાજી પાસે પહોચવા માટે ગાડી ભગાવે છે.

શું અનિરુદ્ધ ને બાવાજી મળશે ?? અને મળશે તો તેઓ એની કોઈ મદદ કરી શકશે ?? શાપિત વિવાહ નો એ શ્રાપ દુર થશે ??

જાણવા માટે વાચતા રહો, શાપિત વિવાહ - 12

next part................. publish soon.........................