પિયર Nirav Chhabhaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિયર


શિવાની ના લગ્ન ને છ મહિના થયા હતા.શિવાની લગ્નબાદ છ મહીને પહેલીવાર પિયર રહેવા આવેલી. આમ તો સાસરું રાજકોટથી નજીક સુરેન્દ્રનગરમાં જ હતું પણ શિવમની નોકરી બેંગલોર, લગ્ન બાદ રીસેપ્શન પતાંવી બેઉ હનીમુન માટે ઉપડી ગયેલાં અને પાછાં આવી શિવાની પગફેરાની વિધિ માટે એક દિવસ પૂરતું પિયર આવેલી અને તરત જ નવયુગલ બેંગલોર માટે રવાના થઈ ગયેલું. હાલ થયેલા લગ્ન, નવા દિવસો, નવું ઘર, નવું શહેર, નવો માહોલ, બધું સેટ કરતાં કરતાં ક્યાંય દિવસો પસાર થઈ ગયા. અને શિવાની સવારે વહેલી ફ્લાઈટથી રાજકોટ પહોંચી.

દીકરી લગ્નબાદ પહેલીવાર ઘરે આવી રહેલી મમ્મી-પપ્પા, દાદા-દાદી, બધાંયના ચહેરા હરખથી છલકાઈ રહેલા. શિવાનીના રૂમની સાફ સફાઈ થઈ ગયેલી, એના બેડ પર એની ગમતી પ્રિન્સેસ વાળી ચાદર પથરાઈ ગયેલી. શિવાનીને ભાવતાં બધાં નાસ્તા બનાવીને ડબ્બામાં ભરાઈ ગયેલા, દાદીએ પોતાંના હાથે શિવાનીના પ્રિય મગસના લાડુ, મેથીના વડા અને સાતપડી પૂરી બનાવેલી, એના ગમતાં પુસ્તકો એના સ્ટડી ટેબલ પર મુકાઈ ગયેલ, સવારે ભાઈ સાથે જોગિંગ માટે જવા એના સ્પોટ્સ સુઝ શુ-રેકમાં ગોઠવાઈ ગયેલા, એના ઈસ્ત્રી થયેલા કપડા ફરી ઈસ્ત્રી કરાવી મંદાબહેને તેના વોર્ડરોબમાં મૂકી દીધેલા, એના ટેડીબેર પણ કબાટમાંથી નીકળી એના બેડ પર બેસી ગયેલા. ભાઈ તો બેનને મળવા એટલો ઉતાંવળો થયેલો કે ફ્લાઈટ પહોંચવાના એક કલાક પહેલાંથી એરપોર્ટ જઈ બેસી ગયેલો.

ગહરે પહોંચતા જ સામે દીકરી ૨૩ વર્ષ રહેલીએ ઘરને જોતાં ગળગળી થઈ ગઈ, શિવાનીની આંખો પણ ઉભરાઈ આવી. પછી તો, “ઘર કેવું છે ? શિવમ કુમારનો સ્વભાવ કેવો છે? તને ફાવી ગયું અજાણ્યા શહેરમાં? કોઈ તકલીફ તો નથી ને…? તું તો ફોન પણ નથી કરતી… હવે અમને તો સાવ ભૂલીજ ગઈ છે હો…” ડાઈનીંગ ટેબલ પર ચા-નાસ્તા સાથે આવા સવાલો અને ફરિયાદો શરુ થયા… મંદાબેનને ઊભાં થતાં જોઈ શિવાની બોલી, “મમ્મી ક્યાં જાય છે? બેસને થોડીવાર.” મંદાબેન ડાઈનીંગ ટેબલ પર પડેલી ખાલી પ્લેટો લેતાં બોલ્યાં, “ના, ના હો… મારે રસોડાંમાં ઘણું કામ છે, આજે તાંરી ભાવતી બધી રસોઈ બનાવી છે.”

“અરે મમ્મી હું હજી પંદર દિવસ રોકવાની છું અહિયાં તારી સાથે… બધું આજેજ બનાવીને ખવડાવી દઈશ કે શું ?”

“હુંયે એજ કહું છું કે હજી પંદર દિવસ છે તે પછી નિરાંતે વાતો કરીશું.” કહેતાં મંદાબહેન રસોડાં તરફ ચાલ્યાં.

“આ મમ્મી પણ ને હજીયે એવી ને એવી જ છે…”

“અરે જવાદે તાંરી માંને તું અહિયા આવ બેસ મારી પાસે આપણે બે નિરાંતે વાતો કરીએ એમેય છ મહિનાની વાતો ભેગી થઈ છે.” કહેતાં દાદીએ શિવાનીનો હાથ પકડી પાસે બેસાડી અને પછી તો બેયની વાતોની એક્સપ્રેસ ગાડી ચાલી પડી…

“અરે, સારિકા તું અત્યારે?” સારિકા ફોઈને દરવાજે જોતાં દાદા સરપ્રાઈઝ થઈ છાપું મૂકી ઊભા થઈ કહેવા લાગ્યા.

“સારિકા બેટા, આવ આવ.” દાદી પણ તેમની તરફ જોતાં બોલ્યા.

“શું વાત છે આજે તો બંને દીકરીઓ ઘરે આવી છે મારી, ખૂબ ગમી તાંરી સરપ્રાઈઝ !” કહીને દાદાએ સારિકા ફોઈના માથે હાથ મૂક્યો.

“અરે, પપ્પા આ બધો પ્લાન આપણી શીવુનો છે એને મને બેંગ્લોરથી જ ફોન કરીને કહી દીધેલું.”

“હા અને ફોઈએ પહેલાં ‘ના’ પણ પાડેલી પણ પછી મેં એમને મનાવી લીધાં.” કહી શિવાની ફોઈને વળગી પડી.

“અરે ગાંડી બાપના ઘરના દરવાજા તો દીકરી માટે હંમેશાં ખુલ્લાજ હોય… ઘરે આવવા ક્યારેય ના કહેવાનીજ ન હોય.” દાદીએ એમને પાસે બેસાડતાં કહ્યું.

“એજ તો દાદી, તમેજ કહો હવે પાછી હું બેંગ્લોરથી ક્યારે પાછી આવાની. અને ક્યારે તમને બધાંને મળી શકત ? એટલે મેં ફોઈને થોડા દિવસ અહિયાંજ રહેવા બોલાવી લીધાં.”

“ખૂબ સારું કર્યું તે.” કહેતાં દાદાએ ફરી હાથમાં છાપું લીધું.

“ફોઈ તમે બેસો હું પાણી લાવું.” કહેતી શિવાની રસોડાં તરફ દોરાઈ ગઈ.

ફ્રિજમાંથી પાણીની બોટલ લેતાંમાં ને કહ્યું ”મમ્મી સારિકા ફોઈ આવ્યા છે, મારી સાથે રહેવા”

શિવાનીએ બધાંને પાણી પીવડાવ્યું અને પાછા બધાં વાતોએ વળગ્યાં. શિવાનીના ઘરે આવ્યાનો ઉત્સાહ સારિકા ફોઈના આવવાથી દાદા-દાદીના ચહેરા પર બમણો થયેલો દેખાઈ રહેલો. લગભગ અડધો કલાક પસાર થઈ ગયેલો પણ મા હજી કેમ સારિકા ફોઈને મળવા બહાર ન આવી, કંઈ થયું તો નહીં હોય ને શિવાની વિચારતી ઊભી થઈ ફરી રસોડાંમાં ચાલી. મા લોટ બાંધી રહી હતી.

“મમ્મી, ફોઈ ક્યારના આવીને બેઠા છે તું આવી નહીં એમને મળવા ?”

“અરે, તે ગામમાં જ છે તે હાલતાં ને ચાલતાં દોડ્યાં આવે છે એમના આવવાની વળી ક્યાં નવાઈ છે ?” મમ્મીનો આવો ઉદ્ધતાઈવાળો જવાબ સાંભળી શિવાનીને જરા આંચકો લાગ્યો… એ ડઘાઈ ગયેલા ચેહરે રસોડાંની બહાર નીકળી પણ બારશાખે સહેજ રોકાઈ સારિકા ફોઈ દરવાજાની આડે ઊભાં રહી સાંભળી રહેલ… કદાચ અંદર જતાં હતાં મમ્મીને મળવા પણ આવું સાંભળી પગ ત્યાંજ રોકાઈ ગયા હશે એવું શિવાનીને લાગ્યું બંનેની આંખો એક થઈ… અને બન્નેએ સ્મિતની આપ લે કરી.

જાણે અપમાનનું એક બિંદુ ગળે ઉતારી જઈ એ ભારે હ્રદયે સહેજ મલકાયાં અને મમ્મી તરફ ગયાં. ”ભાભી કેમ છો ? બહુ કામમાં લાગો છો… લાવો ચાલો હું આવી ગઈ છું હવે તમને મદદ કરાવું…”

શિવાની દરવાજેથી જોઈ રહેલી મમ્મીએ ઊંચું જોયા વિનાજ જવાબ આપ્યો… ”આ લોકો ટાણું-કટાણું જોયા વિના વારંવાર હાલ્યા જ આવે છે તે વસ્તારી ઘરમાં મજામાં ક્યાંથી હોય…?” ફોઈના ચહેરાનો રંગ ઊડી ગયો, “અરે, લાવોને હું મદદ કરાવું આજે તમે થોડો આરામ કરો.” ફોઈએ ચહેરા પર સ્વસ્થતા જાળવવાનો પ્રયાસ કરતાં ફરી કહ્યું, ”ના રે ના આજે ક્યાં વળી કંઈ નવાઈનું છે આતો રોજનું થયું તમ તમારે બાપને ઘેર આવ્યાં છો તે આરામ કરો મારા નસીબ ક્યાં તમારા જેવા છે કે રોજ ચાલતાં પડીએ પિયર ને ભાભીઓ પાસે સેવા કરાવીએ.” માંડ કોરી રાખેલી આંખો પાંપણોના કિનારા સુધી ભીંજાઈ ગઈ. કદાચ હવે એ વધુ કંઈ બોલી શકે એમ નહોતાં એ નીચે નજરે રસોડાંની બહાર નીકળી ગયા..

જમતી વેળાએ પણ મમ્મીએ ફોઈને પીરસતી વખતે ખાસ આગ્રહ ન કર્યો. પરિસ્થિતિનો તાગ પામી ગયા હોય એમ સૌ મૂંગા મોઢે શાંતિથી બપોરનું ભોજન લીધું. અને વાતાંવરણને હળવું કરવા પ્રયન્ત કરતાં ફોઈએ વાત શરુ કરી, “મમ્મી, નાનકાના શું સમાચાર છે એ મજામાં ?” અને ટેબલ પરથી વસ્તુ લેતી વખતે પણ મમ્મી બોલવા લાગી, “મજામાંજ હોયને, દિયર-દેરાણી કેવા લેહરથી રહે છે કેનેડામાં, છે એમને કોઈ ચિંતા…? આ વારંવાર બધાં આવી જાય છે તે મારાથી હવે કોઈની વેઠ નથી થતી, બધાંનું મારેજ કરવાનું, મને નથી પરવડતું હવે…” ફોઈ ચૂપચાપ નીચું જોઈ ગયેલાં… શિવાનીને આ બધુંજ મનમાં ખટકી રહેલું એને જેમ તેમ કરી બપોર પસાર કરી. સાંજે ચા માટે બધાં પાછા ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયાં અને ફોઈને રૂમમાંથી પોતાનો થેલો લઈને બહાર આવેલાં જોઈ અમે બધાંય ઊભાં થઈ ગયાં.

“ફોઈ, થેલો કેમ લીધો ?” મેં આશ્ચર્યથી એમની સામે જોઈ પૂછ્યું.

“હું ઘરે જઈ રહી છું.”

“અરે પણ તમે તો બે ત્રણ દિવસ રોકવાના હતાંને મારી સાથે આમ અચાનક જવાની શું જરૂર છે ?”

“બેટા ઘણાં વર્ષો રોકાઈ, હવે કેટલું રોકાવાનું ?” એ મંદ સ્વરે આટલુંજ કહી શક્યાં.

“અરે ! ના, ફોઈ હજીતો આપણે શાંતિથી વાતો પણ નથી કરી અને તમે આમ….” શિવાનીને વચ્ચે અટકાવતાં દાદીએ કહ્યું, “બેટા શીવું જવાદે એને, સારિકાને રોકીશ નહીં.” દાદીના ગળામાં બાજેલા ડૂમાને એમના અવાજમાં કળી શકાતું હતું.

રોકી રાખેલું આંસુ ફોઈની આંખોમાંથી જગ્યા કરી વહી નીકળ્યું માત્ર ”આવજો” કહી ફોઈ ઘરની બહાર નીકળી ગયાં. દાદી આંખો લૂછતાં પોતાનાં રૂમમાં ચાલ્યા ગયાં. શિવાનીના મનમાં દુઃખની આંધી ઉમટી પડી, સવારે ઘરે આવ્યાનો ઉત્સાહ સાંજ થતાં સુધીમાં સાવ ખરી પડેલોએ સારીકાફોઈને ભીની આંખે ઘર છોડી જતાં જોઈ જ રહી…

શિવાનીને ક્યાંય કળ નોહતી વળતી આજે મનને ક્યાંય ચેન નહોતું પડતું. સાંજનું ડીનર પણ એને મૂંગા મોઢે નામ પૂરતું જ લીધું. ભાઈ સાથે પણ કોઈ મસ્તી ના કરી અને પોતાના રૂમમાં પુરાઈ ગઈ. એને આખી રાત સારિકા ફોઈના જ વિચારો આવતા રહ્યા.. અને સાથે સાથે પોતે બનાવેલા સરપ્રાઈઝ પ્લાન માટે પણ અફસોસ થવા લાગ્યો કે જો મે એમને બોલાવ્યાં જ ન હોત તો કદાચ ફોઈ આટલા દુઃખી ન થયા હોત… મમ્મીના વર્તન માટે એને પારાવાર દુઃખ થઈ રહેલું કે મમ્મીએ ફોઈ સાથે આવું શું કામ કર્યું ? દાદીનો દુઃખી ચહેરો એને અંદર અંદર ખૂબ પીડિત કરી રહેલો એ વિચારતી રહી… કે દીકરો ઘરડો થાય તોયે ઘરે પાછા આવતાં ક્યારેય વિચારતો હશે ? કે ઘરે જાઉં કે ના જાઉં? તો દીકરી પરણીને જાય પછી એને મા-બાપના ઘરે આવવા આટલું વિચારવાનું ? જેમ દીકરો મોટો થાય એમ દીકરી પણ તો ૨૨થી ૨૫ વર્ષ એ ઘરમાં રહી મોટી થાય છે તો લગ્ન બાદ એના હક શું કામ ફરી જાય છે ? શા માટે એ એનું ઘર નથી રહેતું ? જ્યાં એની બાળપણની મીઠી યાદો સચવાયેલી હોય એવા ઘરે એ એની ઈચ્છા મુજબ ન આવી શકે ? એને મન હોય એટલા દિવસ ન રહી શકે? લગ્નબાદ અમૂક ઉંસમંરે ઘરે આવતી દીકરી શું માત્ર એક બોજ બની રહે છે ? એ કેમ ભૂલી જવામાં આવે કે એ પણ તો આ ઘરનું એક સંતાંન છે… સારિકા ફોઈની વિદાયે શિવાનીના મનમાં કેટલાયે સવાલોને જન્મ આપેલો, વારંવાર આંખ સામે તરવરી ઊઠતો ફોઈનો આંસુ વાળો ચહેરો એના નખશીખ રૂવાંડા ઊભાં કરી દેતો…

એને ફરી ઘડિયાળમાં જોયું ૬ વાગી ચુકેલા, એ બેડ પરથી ઊઠી બારીમાં ઊભી રહી. ના જાણે મનમાં શું સૂઝ્યું કે ફ્રેશ થઈ એ રસોડાંમાં પહોંચી. થોડીવારે વાસણો ખખડવાનો આવાજ સંભળાતાં મંદાબહેન રસોડાં તરફ દોડી આવ્યાં પણ અંદરનું દ્રશ્ય જોતાં જ એમના પગ ઉંબરે અટકી ગયા. કપાળ પર આશ્ચર્યની ત્રણ રેખાઓ દોરાઈ ગઈ… નવ વાગ્યા પહેલાં ન ઉઠતી અને રસોડાંમાં ભાગ્યેજ પગ મૂકતી શિવાની આજે સવારના પહોરમાં ચા-નાસ્તો બનાવી રહેલી.

“અરે શીવું આ શું ? આટલાં વહેલાં ઊઠવાની શું જરૂર હતી અને આ બધું હું કરું છું ને તું આરામ કર જા.” શિવાનીના હાથમાં રહેલી સાંણસી લેતાં બોલવા લાગ્યાં. “ના મમ્મી પ્લીઝ મને કરવા દે.” શિવાની સાંણસી પરની પકડ મજબુત કરતાં બોલી અને બધાંને ચા-નાસ્તો પીરસવા લાગી. એ પછી પણ શિવાનીએ રસોઈમાં ઘણી ખરી મદદ કરી અને ઘરમાં ઝાંપટ-ઝૂંપટ કરવા લાગી, ઘર વ્યવસ્થિત ગોઠવવા લાગી. “બેટા, શીવું આં બધું શું કરે છે તું થોડા દિવસ આવી છે તે આરામ કરને.” મંદાબહેને કહ્યું પણ શિવાનીએ પોતાંનું કામ ચાલુજ રાખ્યું. મંદાબેનને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે દાદી પણ શિવાનીના વર્તનમાં આવેલો ફેરફાર જોઈ રહેલાં.

બપોરે જમવાનો સમય થયો ને શિવાની નહિ-ધોહી તૈયાર થઈ પોતાની બેગ લઈ બહાર આવી. એને જોતાંજ દાદી ઊભાં થઈ ગયાં. “બેટા કેમ બેગ કાઢી ? ક્યાં જાય છે ?” મંદાબહેન પણ પ્રશ્નાર્થ નજરે એને જોઈ રહ્યાં.

“બેંગલોર પાછી જાઉં છું દાદી, ૨ વાગ્યાની ફ્લાઈટ છે, શિવમે મારી ટીકીટ કરાવી દીધી છે.”

“અરે પણ આમ અચાનક! તું તો પંદર દિવસ રહેવાની હતીને ? ઘરે કંઈ થયું છે ? શિવમ કુમાર તો મજામાં છે ને ?” મંદાબહેને એકીસામટા સવાલો પૂછી લીધા.

“ના મમ્મી એવું કંઈ થયું નથી હું મારી મરજીથી મારી ઈચ્છાથી પાછી જઈ રહી છું.”

“શું થયું છે તને શીવું આજે સવારની તું કંઈ બોલતી નથી, કામ કર્યા કરે છે અને અત્યારે પાછી જઈ રહી છે પૂછું છું તો કંઈ કહેતી પણ નથી… અમારા મન પર શું વીતશે એની તને કોઈ ચિંતા છે ?” મંદાબહેનની આંખોમાંથી આંસુ નીકળી રહેલાં. એ દબાયેલા અવાજે બોલી રહેલાં શિવાની એમને જોઈ રહેલી. શિવાની એમની પાસે જઈ એમનાં ખભે હાથ મૂક્યો અને ધીરેથી બોલી.

“મમ્મી, તારી ચિંતા છે એટલેજ જઈ રહી છું…” મંદાબહેનને કંઈ સમજાયું નહીં. એ પ્રશ્નાર્થ ભરી આંખે શિવાની તરફ જોવા લાગ્યાં.

“હા, મમ્મી તારી ચિંતા છે મને એટલેજ જઈ રહી છું, અત્યારથી આદત પાડી રહી છું પિતાના ઘરે ઓછું રોકવાની, હું જાણું છું મા કે તું મને ખૂબ વ્હાલ કરે છે પણ દીકરીના પાનેતરનો છેડો જે દિવસે એક પારકા ખેસ સાથે બંધાય છે ત્યારે એના બાપના ઘરના બધા હક સાથેના છેડા છૂટી જાય છે ત્યારબાદ દીકરી એક મહેમાન અને થોડી ઉંમર બાદ એક બોજ બનીને રહી જતી હોય છે… મારો ભાઈ પરણશે આપણાં ઘરમાં જ્યારે ભાભી આવશે, હું રહેવા આવીશ પણ એકજ દિવસમાં મારે ઘર છોડીને પોતાના ઘેર ચાલ્યા જવું પડશે જેમ ગઈ કાલે સારિકા ફોઈ ગયાં… રડતા ચહેરે… અને દાદી બધો સમય રડતાં રહ્યાં… મમ્મી આપણે એકબીજાને ખૂબ વ્હાલ કરીએ છીએ અને આમ એકબીજાને રડતાં નહીં જોઈ શકીએ એટલે હું અત્યારથીજ ઘરની માયા ઓછી કરી રહી છું પોતાના ઘરે જઈ રહી છું એ વાત સ્વીકારવાની કોશિષ કરું છું હવે મારો આ ઘર પર કોઈજ અધિકાર નથી…” મા, દાદી અને દીકરી ત્રણેયની આંખોમાંથી શ્રાવણ વરસવા લાગ્યો મંદાબહેનને દીકરીની વાત અને પોતાની ભૂલ સમજાઈ ગઈ. ત્રણેય એકબીજાને ભેટીને છુટ્ટા મોંઢે રડી પડ્યાં. મંદાબહેનને પોતાનાથી થયેલ ભૂલનો પારાવાર પસ્તાવો થયો એમને દાદા-દાદીની સામે કરગરી માફી માંગી તેમજ તરતજ સારિકા ફોઈને ફોન કરી માફી માંગી તેમને ભાવથી આમંત્રણ આપી ફરી ઘરે બોલાવ્યાં… દાદા-દાદીએ શિવાનીને રોકી લીધી અને વ્હાલથી ચૂમી ભરી ગળે લગાડી… શિવાનીનું ખળભળી રહેલું મન શાંત થયું અને નખશીખ રૂંવાડે રુવાંડે ઠંડક પ્રસરી. દાદી મમ્મી અને સારિકા ફોઈના ખડખડાટ હસતા ખીલેલા ચહેરા જાણે શિવાનીના મનોમષ્તિકમાં ઘુમરાઈ રહેલા સારિકા ફોઈના ભીની આંખોવાળા ચહેરાની છાપ મિટાવી રહેલા.


“ના બંગલા, ના ગાડી, ના તમારી મિલકતમાં ભાગ લેવા…હું કદીક આવું છું ઘરે, મારા વીતેલા બાળપણની એ યાદ લેવા…

અડધું જીવન મારું મેં પણ વિતાવ્યું છે અહિયાં, હજીયે સતાવે છે મને એ સંભારણાં, મારી ઢીંગલી, હીંચકાઅને આ આંગણાં…

જોવો જ્યારે અમને ડેલીએ તમારી… બસ ચાહું હું માત્ર તમારા હેત.
.
એક બહેનની ભાભીને અરજ ..દીકરી ની. મા ને. અરજ...
દીકરી...બહેન...પત્ની....ક્યાં માલિક બનવા. આવે છે એ તો પોતાનું છે. એ. વહેંચવા આવે છે. એને આપણે સમજી શકતા નથી.
-નીરવ