Danav Jalandharni Rasprad vaat books and stories free download online pdf in Gujarati

દાનવ જલંધરની રસપ્રદ વાત

દાનવ જલંધરની રસપ્રદ વાત

દાનવ જલંધરની ઉત્પત્તિ અને વિનાશની રસપ્રદ વાત

આપણા પુરાણોમાં કહેવામાં આવેલી અસંખ્ય વાર્તાઓમાં દાનવ જલંધર અને વૃંદાની વાર્તા પણ અત્યંત મોહક છે. આ વાર્તા આપણે બહુ ઓછી સાંભળી છે, પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આ વાર્તામાં શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાન પણ સામેલ છે. વૃંદા એ અત્યંત પવિત્ર મહિલા હતી અને તેને કારણે જ તેનો પતિ જલંધર અજેય હતો. ભગવાન વિષ્ણુએ એક લીલા બતાવી અને જલંધરને હારવું અને આથી વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે આ વાર્તામાં જ આપણને રામ અને સીતાને અલગ કેમ થવું પડ્યું એનું મૂળ કારણ પણ જાણવા મળે છે. વૃંદાના શ્રાપને કારણે વિવિધ શાસ્ત્રોની વાર્તાઓ અત્યંત રસપ્રદ બની છે.

ભગવાન શંકર જ્યારે ઇન્દ્ર પર ગુસ્સે થયા

એક વખત ઇન્દ્ર દેવોના ગુરુ બૃહસ્પતિ સાથે ભગવાન શંકરને મળવા માટે કૈલાશ પર્વત ગયા. ભગવાન શંકરને આ બાબતની પહેલેથી જ ખબર પડી ગઈ, આથી તેમણે ઇન્દ્રની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. શિવે એક વૃદ્ધ પરંતુ તેજસ્વી ઋષિનું રૂપ ધારણ કર્યું અને કૈલાશના દ્વાર પર ધૂણી ધખાવીને પોતે જાણેકે ધ્યાન ધરતા હોય એમ બેસી ગયા.

જ્યારે બૃહસ્પતિ સાથે ઇન્દ્ર ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે આ તેજસ્વી તપસ્વીને ત્યાં બેસેલા જોયા આથી ઇન્દ્રએ તેમને ભગવાન શિવ કૈલાશમાં છે કે કેમ એવો સવાલ કર્યો. પરંતુ તપસ્વી બનેલા શિવે જાણેકે પોતે ઊંડા ધ્યાનમાં હોય એવો ડોળ કરીને કોઇપણ જવાબ ન આપ્યો. બે-ત્રણ વખત આ તપસ્વીને સવાલ કર્યા બાદ પણ જ્યારે તેણે કોઈજ જવાબ ન આપ્યો એટલે ઇન્દ્રએ ગુસ્સે થઈને તપસ્વી પર વજ્રનો આઘાત કર્યો.

ઇન્દ્રના આ વજ્રાઘાતથી ભગવાન શિવ પણ ક્રોધિત થયા અને તેમણે ગુસ્સામાં આવી જઈને પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું. ઋષિ બૃહસ્પતિ તરતજ ઓળખી ગયા કે આ તપસ્વી અન્ય કોઈ નહીં પરંતુ ભગવાન શિવ જ છે. આથી જ્યારે શંકર ભગવાન ઇન્દ્રને પોતાના ત્રીજા નેત્રમાંથી નીકળી રહેલી અગ્નિથી મારવા જઈ રહ્યા હતા ત્યારેજ બૃહસ્પતિએ તેમના પગે પડીને ઇન્દ્રને ન મારવાની વિનંતી કરી અને ત્યારે શંકર ભગવાન શાંત થયા. હવે આ ત્રીજા નેત્રમાંથી નીકળેલો અગ્નિ તો શંકર પરત લઇ શકે તેમ ન હતા આથી તેમણે તે અગ્નિને ક્ષીરસાગરમાં પધરાવી અને ત્યારેજ તેમાંથી એક તેજસ્વી અને શક્તિશાળી બાળકની ઉત્પત્તિ થઇ.

જલંધરનો જન્મ

આ તેજસ્વી અને શક્તિશાળી બાળકે જન્મ લેતાની સાથેજ જોરજોરથી રડવાનું શરુ કર્યું. તેના રુદનનો અવાજ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ ગયો અને દરેકને તકલીફ આપવા લાગ્યો. આથી બ્રહ્માજી તેને શાંત પાડવા માટે પૃથ્વી પર આવ્યા અને બાળકને તેમણે પોતાના ખોળામાં લીધું. બ્રહ્માજીના બાળકને ખોળામાં લેવાની સાથેજ બાળકે તેમની દાઢી જોરથી પકડી અને ખેંચી અને એટલી જોરથી ખેંચી કે બ્રહ્માજીને આંસુ આવી ગયા. આથી બ્રહ્માજીએ આ બાળકનું નામ જલંધર પાડ્યું, કારણકે તે જળને ધારણ કરી શકતો હતો. ત્યારબાદ બ્રહ્માજીએ આગાહી કરી કે આ બાળક અજેય રહેશે અને માત્ર ભગવાન શિવ જ તેને હણી શકશે તેમજ શંકર ભગવાન દ્વારા હણાયા બાદ તે તેમના ત્રીજા નેત્રમાં પરત જતો રહેશે.

જલંધર અને શુક્રાચાર્ય

જલંધર અત્યંત સુંદર યુવાન તરીકે મોટો થયો અને તેને દાનવોના ગુરુ શુક્રાચાર્યે શિક્ષણ આપ્યું. ત્યારબાદ શુક્રાચાર્યે જ જલંધરના લગન દાનવ કાલનેમીની સુંદર પુત્રી વૃંદા સાથે કરી આપ્યા. ત્યારબાદ શુક્રાચાર્યે જલંધરને જણાવ્યું કે દેવો પાસે સમુદ્રમાંથી મેળવેલું એક અણમોલ રત્ન છે પરંતુ તેના પર ખરો હક્ક તો દાનવોનો છે અને આથી દાનવોએ કોઇપણ ભોગે તે રત્ન પરત લેવું જોઈએ. આથી જલંધરે ઇન્દ્રને સંદેશ મોકલ્યો કે તે પેલું રત્ન દાનવોને હવાલે કરી દે.

પરંતુ ઇન્દ્રએ આમ કરવાની ના પાડતા દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધમાં અસંખ્ય દાનવો અને દેવો મૃત્યુ પામ્યા. શુક્રાચાર્ય પાસે સંજીવની જડીબુટ્ટી હતી અને આથી તેમણે મરણ પામેલા તમામ દાનવોને ફરીથી જીવિત કરી દીધા. તો બીજી તરફ બૃહસ્પતિ પાસે દ્રોણગીરી પર્વત હતો જ્યાં આવી અસંખ્ય જડીબુટ્ટીઓ હતી આથી તેમણે તેનો ઉપયોગ કરીને તમામ દેવોને ફરીથી જીવિત કરી દીધા. આથી શુક્રાચાર્યે જલંધરને સલાહ આપી કે તે કોઇપણ રીતે દ્રોણગીરી પર્વતને સમુદ્રમાં ડુબાડી દે તો દેવો ફરીથી જીવિત ક્યારેય નહીં થઇ શકે.

ભગવાન વિષ્ણુ અને જલંધર વચ્ચેનું ભીષણ યુદ્ધ

જલંધરે શુક્રાચાર્યની સલાહ અનુસાર દ્રોણગીરી પર્વતને સમુદ્રમાં ડુબાડી દીધો. આથી એક પછી એક દેવો દાનવો સાથેના યુદ્ધમાં મરવા લાગ્યા પરંતુ બૃહસ્પતિ તેમને પુનઃજીવિત કરી શક્યા નહીં. આથી ગભરાયેલા દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુ દેવોની મદદ કરવા માટે તૈયાર થયા પરંતુ લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે જલંધર પણ તેમની જેમ સમુદ્રમાંથી ઉદભવ પામ્યો છે જેથી તેઓ તેને પોતાનો ભાઈ માને છે આથી તેને કોઇપણ પ્રકારનું નુકશાન જવું જોઈએ નહીં.

ભગવાન વિષ્ણુએ ત્યારબાદ જલંધર સાથે યુદ્ધ તો ચાલુ કર્યું પરંતુ તે ખૂબ લાંબુ ચાલ્યું અને વિષ્ણુ પણ જલંધરને કોઇપણ પ્રકારનું નુકશાન કરી ન શક્યા, છેવટે તેમણે જલંધરને લક્ષ્મીજીએ કહેલી વાત કહી આથી જલંધરે તેમને દેવલોક છોડીને કાયમ માટે ક્ષીરસાગરમાં વસવાટ કરવાનું કહ્યું અને તો જ પોતે યુદ્ધ બંધ કરશે એમ કહ્યું. આથી વિષ્ણુ ક્ષીરસાગર ચાલ્યા ગયા. ત્યારબાદ જલંધરે વીણીવીણીને દેવોને મારવાનું શરુ કર્યું અને છેવટે તે વિજયી થયો અને ત્રણેય લોકનો સ્વામી બન્યો. ત્યારબાદ નિરાશ થયેલા દેવો નારદજી પાસે મદદ માટે ગયા.

નારદજીની જલંધર સાથેની મુલાકાત અને ભગવાન શિવનો ગુસ્સો

દેવો સાથે ચર્ચા કર્યા બાદ નારદજી જલંધરને મળવા ગયા. જલંધરે નારદજીનું સ્વાગત કર્યું. નારદજીએ કહ્યું કે તેઓ ભગવાન શંકરને ત્યાંથી આવી રહ્યા છે અને તેમની પાસે એક એવું સુંદર રત્ન છે જે જલંધર પાસે પણ નથી. જલંધરે જ્યારે આ બાબતે પૂછ્યું ત્યારે નારદજીને આ રત્ન એટલે પાર્વતીજી વિષે કહ્યું. જો પાર્વતી પણ જલંધરને મળી જાય તો તે અને તેનું રાજ્ય પૂર્ણ થઇ જશે.

નારદજીની વાત સાંભળીને જલંધરે જરા પણ રાહ જોયા વગર શંકર ભગવાનને સંદેશ મોકલ્યો કે તેઓ પાર્વતીને પોતાને હવાલે કરી દે. સ્વાભાવિક છે કે આ સાંભળીને ભગવાન શંકર અને પાર્વતી બંને ગુસ્સે થયા અને શંકર ભગવાને જલંધર વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. ભગવાન શંકરની શક્તિ આગળ જલંધરની શક્તિઓ નબળી પડતી જોવા મળી આથી તેણે સુંદર અપ્સરાઓનું સર્જન કર્યું જેથી ભગવાન શંકરની સેનાનું ધ્યાન ભટકાય.

જલંધરનો વધ અને વૃંદાનો ભગવાન વિષ્ણુને શ્રાપ

બીજી તરફ જલંધર પોતે ભગવાન શંકરનું રૂપ લઈને પાર્વતી પાસે ગયો, પરંતુ પાર્વતીને ખબર પડી ગઈ કે તે જલંધર છે આથી તેમણે કાળીનું રૂપ લીધું અને જલંધર પર હુમલો કર્યો પરંતુ તે અહીંથી નાસી ગયો. ત્યારબાદ પાર્વતીજી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને જલંધર વિષે જણાવ્યું. ભગવાન વિષ્ણુએ કહ્યું કે જલંધરને જે કોઇપણ શક્તિ મળી રહી છે તે તેની વૃંદાની પવિત્રતા અને તેની પતિપરાયણતાને કારણે મળે છે આથી જો વૃંદાની પવિત્રતા ભંગ થાય તો જ જલંધરનો નાશ થઇ શકશે.

ત્યારબાદ ભગવાન વિષ્ણુએ જલંધરનું રૂપ લીધું અને વૃંદા પાસે ગયા. વૃંદા વિષ્ણુને જલંધર સમજીને તેમને ભેટી પડી, પરંતુ તરતજ તેને ખ્યાલ આવ્યો કે આ જલંધર નહીં પરંતુ ભગવાન વિષ્ણુ છે. આથી તેણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે ત્રેતાયુગમાં તેમની પત્નીનું કોઈ દાનવ અપહરણ કરશે અને તેમને પોતાની પત્ની વગર એકલું રહેવું પડશે.

બીજી તરફ જેવી વૃંદાની પવિત્રતા ભંગ થઇ કે ભગવાન શિવે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને જલંધર તેમાં સમાઈ ગયો અને ત્યારબાદ વૃંદાએ પોતાનો આત્મા પાર્વતીમાં સમાવી દીધો.

આમ જલંધરના વધને કારણે ભગવાન રામ અને સીતાને અલગ રહેવાનો વારો આવ્યો હતો તેમ આપણા પુરાણો કહે છે.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED