જિંદગી ….રમત શૂન્ય ચોકડીની !
પ્રકરણ - ૩
કેમેરાનો ફ્લેશ ઝબક્યો.
એ સાથે ઝબકારાથી ચમકી ઊઠેલી લાવણ્યાની કાળી, લાંબી, ઘેરી પલકો ઊંચકાઈ ન ઊંચકાઈ અને પાર્લાની મીઠીબાઈ કૉલેજમાં એની નજર સમક્ષ ઘડીભરમાં તડાફડી થઈ ગઇ.
લાવણ્યાનાં ખૂબસૂરત ચહેરા અને મોહક દેહાકૃતિને ઝડપનાર એ કેમેરા રોનકનાં હાથમાંથી ખેંચાઈ ગયેલો. રોનક હતપ્રભ હતો. અત્યાધુનિક કેમેરાનો જો એ ગુસ્સા સાથે કરાયેલો 'થ્રો' સમયસર લાવણ્યાએ ઝીલી ન લીધો હોત તો અત્યારે લાખ્ખોની કિંમતનાં એ કેમેરાના ટુકડે ટુકડા થઈ ગયા હોત.
'રોનક, ધિસ ઇઝ માય લાસ્ટ વોર્નિંગ ! આજે જવા દઉં છું, પણ આજ પછી આવી હરકત કરીશ તો ડિનને કહીને ડીસમીસ કરાવી દઈશ...' રોનકનો કૉલર પકડી શલ્ય દહાડતા સ્વરે કહી રહ્યો.
લાવણ્યા ઇચ્છતી નહોતી કે આ વાતનો વધુ બખેડો થાય. એ કેમેરા લઈ ઝડપથી પેલા બન્નેયની નજીક આવી પહોંચી.
રોનક તરફ તેનાં હાથમાં રહેલો કેમેરા લંબાવતા લાવણ્યા સ્થિર સ્વરે બોલી, 'યોર કેમેરા રોનક, જાણતો હોઈશ કે કોઈની મરજી વગર એનો ફોટો ખેંચવો એ ક્રાઈમ છે...'
' આયમ સોરી...' નતમસ્તકે રોનકે કેમેરા પરત લેતાં કહેલું.
પીઠ ફેરવી લાવણ્યા ચાલવા માંડી હતી. કૉલેજમાં 'બ્યુટી ક્વીન'નાં ઉપનામે ઓળખાતી લાવણ્યાને બન્ને યુવકો એને એકટક જતી જોઇ રહ્યાં.
થોડી વારે શલ્યને જાણે ભાન આવ્યું હોય એમ લાવણ્યાની પાછળ ઝડપથી ભાગેલ.
' એક મિનીટ લાવણ્યા ! ઊભી રહે..'
લાવણ્યા શાંતિથી ઊભી રહી ગયેલી. શલ્ય એની સામે આવી ગયો.
'લાવણ્યા, દરેક વાતને સહજતાથી લેવાનો તારો આ સ્વભાવ મને બિલકુલ પસંદ નથી. એ રોનકિયાને તો તારે તારાં સેંડલથી ઝૂડવાની જરૂર હતી.' શલ્યે કંઇક તીખાશથી કહ્યું.
નિ:સંદેહ લાવણ્યા રોનકની બેહુદી વર્તણુંકથી પરેશાન હતી ; પરંતુ ઉગ્ર સ્વભાવનો શલ્ય વાતનું વતેસર ન કરે એ માટે એને ખુદને આ વાત દબાવી દેવાની ફરજ પડી હતી.
શલ્ય હતો જ એવો વિચીત્ર, બાળપણથી ! એ સાથ આજ સુધી જળવાતા રહી, આજે તે એનો કૉલેજમેટ પણ હતો.
શલ્ય અને લાવણ્યાનો મધ્યમવર્ગીય પરિવાર અંધેરીનાં એપાર્ટમેન્ટમાં બાજુ-બાજુનાં બ્લોકમાં વસતો હતો. બંન્ને પરિવાર વચ્ચે સારા પાડોશી વચ્ચે હોય એવો વ્યવહાર અને સંબંધ હતો. એમ જોતાં એમની વચ્ચે બધું બરાબર હતું, એક માત્ર શલ્યને બાદ કરતા !
શલ્ય બચપણથી લાવણ્યા માટે તીવ્ર માલિકીભાવ અનુભવતો. ખૂબ સુંદર હોવાની સાથે, સૌમ્ય અને મળતાવડી લાવણ્યા સાથે રમવા બ્લોકનાં બધા બાળકો આતુર અને તત્પર રહેતાં, પણ શલ્યે ક્યારેય લાવણ્યાને મુકતતાથી તેમની સાથે રમવા દીધી નહોતી. શલ્યને જેની જોડે વાંધો પડતો એની સાથે લાવણ્યાને પણ તેનો વ્યવહાર સ્થગિત કરી દેવા માટે શલ્ય ફરજ પાડતો.
આજે કૉલેજમાં આવ્યાં બાદ પણ આ પરિસ્થિતિમાં સહેજે ફરક પડ્યો ન હતો. શલ્ય પોતાનાં જોહુકમી -દાદાગીરીભર્યા સ્વભાવથી લાવણ્યા પાસે પોતાનું ધાર્યુ જ કરાવતો.
લાવણ્યા ઘણી વાર અકળાઈ ઉઠતી. ક્યારેક ગુંગળામણ પણ અનુભવતી. છતાં એકંદરે બાળપણની મૈત્રી જાળવી રાખવાનાં સંનિષ્ઠ પ્રયાસરૂપે એ ઘણું બધું સહી લેતી અને જતું કરતી. જો કે એમ પાછી તે અમુક બાબતોમાં લગીરેય નમતું ન જોખતી. શલ્ય
આશ્ચર્ય પામી જાય એ હદે મક્કમતા જાળવી શકતી.
લાવણ્યા અને શલ્યનાં બાળપણ બાદ હવે કૉલેજજીવનનાં વર્ષો પણ પૂરા થઈ ચૂક્યાં હતા. શલ્ય બિઝનેસ મેનેજમેન્ટ ને લગતા ઊચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવાનાં પ્રયાસમાં હતો. લાવણ્યા વિચારી રહેલી કે હવે એણે ગ્રેજયુએશન બાદ આગળ શું કરવું જોઈએ ?
એ દરમિયાન એક સાંજે અચાનક......
હાંફતી - ઊછળતી લાવણ્યાને શલ્ય બેતહાશા ચૂમી રહેલો. લાવણ્યા તેની બાંહોની કેદમાં હતી. એ જેમ-જેમ એમાંથી મુકત થવાના પ્રયાસો કરી રહી હતી તેમ-તેમ શલ્યની એનાં પરની ભીંસ સખ્ત બનતી જઇ રહી હતી. શલ્ય આજે જાણે તમામ મર્યાદાઓ ઓળંગવા તત્પર બન્યો હોય એમ લાગી રહેલું. છતાં જ્યારે એ લાવણ્યાનાં હોઠને ચૂમવામાં અસફળ રહ્યો અને તેની પકડ સ્હેજ જ ઢીલી પડી કે લાવણ્યાએ એને એની તમામ તાકાતથી જોરથી હડસેલ્યો.
ગુસ્સાથી લાવણ્યાનો ચહેરો તમતમી રહેલો. શલ્યે સ્હેજ ભોંઠપ અનુભવી. લાવણ્યાનાં આવા તદ્દન શુષ્ક પ્રતિભાવની એને બિલકુલ કલ્પના ન હતી. આજે એણે ઉન્માદવશ થઈ મૈત્રીની રેખા ઓળંગેલી. એ ખૂબ ઉન્માદિત હતો. એની આકાંક્ષા પ્રમાણે એને અમેરિકાનો વિઝાકોલ આવ્યો હતો. જે સમયે તે આ સમાચાર આપવા આવ્યો ત્યારે સન્જૉગવશાત લાવણ્યા એકલી હતી. પરિણામે એનાં ઉન્માદે માઝા મૂકેલી.
અત્યાર સુધી શલ્ય તરફથી આ પ્રકારનો વર્તાવ ક્યારેય થયો નહોતો, તેથી જ લાવણ્યા એની મૈત્રી અને જોહુકમીને સહેતી આવી હતી.
શલ્ય એનાં માટે શું વિચારે છે? શલ્યનાં મનમાં એનું શું સ્થાન છે? એવું એણે ક્યારેય વિચાર્યુ નહોતું ; પણ શલ્ય એનું પ્રીતિપાત્ર નથી જ - એ બાબતે તે ચોક્કસ હતી.
એનાંથી વિરૂદ્ધ શલ્ય માટે તો લાવણ્યા બાળપણથી એની હતી અને તેની જ રહેવાની હતી.
ક્રમશ :
શલ્ય જિદ્દી છે... એની જીદ લાવણ્યાને પામવાની છે. લાવણ્યા શલ્યને હમસફરનાં રૂપમાં નહીં સ્વીકારવા મક્કમ છે. આગલા પ્રકરણ -૪ માં જોઈશું કે બે પાત્રોમાંથી કોની ઇચ્છા પરિપૂર્ણ થશે અને કેવી રીતે.....?