ધર્માધરન - 1 Author Mahebub Sonaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધર્માધરન - 1

આજનો દિવસ, અલંગનાલુર, મદુરાઇ

મદુરાઈની ગીચ બજાર અતી આનંદથી ભરાઇ ગઈ હતી. લોકો છેલ્લા મહિનાઓથી જલીકટ્ટુની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. રાજ્યભરમાંથી મોટા આખલાઓની આયાત કરવામાં આવી હતી. તે બોસ ઇન્ડીકસ સ્ટડ બુલ હતા. દરેક બળદનું વજન ઓછામાં ઓછું 300 કિલોગ્રામ હતું.
લોકો દૂર દૂરના જિલ્લાઓ અને ગામોમાંથી આવી રહ્યા હતા. ઘણા ગામો આ રમતમાં ભાગ લઈ રહ્યા હતા. આ રમત બહાદુર અને મજબૂત પુરુષો માટે છે. તે નબળા હૃદયવાળા લોકો માટે નથી. આ રમત તમિલનાડુની સૌથી જૂની રમત છે. પ્રાચીન સમયમાં આ રમત લોકોની બહાદુરી, ખેલદિલી અને ગૌરવને ચકાસવાનું સાધન હતું.

જલીકટ્ટુ તમીલ ભાષાના બે શબ્દો પરથી આવ્યો છે. જલી કે સલી જેનો અર્થ પૈસા અથવા સોના અને ચાંદીનો સિક્કો થાય છે. અને કટ્ટુ એટલે થેલી. આ રમતમાં, સીક્કાઓથી ભરેલી એક થેલી ભૂરાયા થયેલા બળદના શિંગડા સાથે બાંધી હોય છે. ખેલાડીઓ આ આખલાને પકડે છે અને તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. જે લોકો તેને નિયંત્રિત કરી શકે છે, તેમને સુંદર ઇનામ મળે છે. જે લોકો આખલાના શીંગમાંથી થેલી છોડાવી શકે છે. તે લોકો પરમ વિજયી ગણાય છે.

ઘણા જિલ્લાના બહાદુર લોકો બેરિકેડમાં હતા, અને દર્શકો વાડની બહાર હતા. લોકોએ પરંપરાગત દૂધ જેવા સફેદ શર્ટ સાથે બગલાની પાંખ જેવી ધોતી પહેરી હતી. મોટા ભાગના લોકોના ચહેરા પર ખૂબ જ ગાઢ અને વીશાળ મૂછ હતી. તેઓ ખૂબ જ રફતારથી તમીલ ભાષામાં બોલી રહ્યા હતા. તે એકબીજાને પોતાનું દમ ખમ બતાવવા થનગની રહ્યા હતા. તેઓ બીજા ગામના સ્પર્ધકોને ચીડવી રહ્યા હતાં. જ્યારે દર્શકો બેતાબીથી કાર્યક્રમના શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતાં. રમત હજી શરૂ થઈ નહોતી. આખલાઓને નશો કરાવી રહાયો હતો. લોકો બળદને ચીડાવી રહ્યા હતા. તેઓ તીક્ષ્ણ હથીયાર વડે બળદને ઘાયલ કરી ઉશ્કેરી રહ્યાં હતાં. તેઓ બળદની આંખોમાં મરચાંની ભૂકી ભભરાવી રહ્યાં હતાં. આખલાઓ બૂમા બૂમ કરતા હતા, રડતા હતા અને ગુસ્સે થતાં હતાં. તેઓને કાબૂમાં રાખવાનું મુશ્કેલ થતું હતું.

લોકો બળદોને ગાંડાતૂર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જો લોકો પર આ પાગલ આખલાઓને છૂટા દોર મુકવામાં આવે, તો તે ઘણા ખેલાડીઓને કચડી નાખશે. આ બળદો કોઈને તેના શિંગડા પર ઉઠાવશે, અને જમીન પર પટકશે. અને તેથી સ્પર્ધા વધુ રોચક બની જશે.

દર્શકો રમત જોવા માટે ઉત્સુક હતા. આ રમત સામાન્ય રીતે પોંગલના ઉત્સવ દરમિયાન રમાય છે. તમિલ લોકો આ તહેવાર ચાર દિવસ સુધી ઉજવે છે. તે સમયે, તેઓ જલીકટ્ટુ રમે છે.

સૈકડો આખલાઓને ચીડવવામાં આવી રહ્યા હતાં. લોકો દોડધામ કરી રહ્યાં હતાં. લોકો આવતા હતાં, બેઠતાં અને રાહ જોતા હતા. અહીં ખૂબ જ કલબલાટ હતો. શોર બકોર જેટલો વધારે તેટલો ખેલાડીયોનો જુસ્સો વધારે.આ લોકોમાં, એક વિચિત્ર માણસ હતો. તેણે ડાર્ક ફ્લક્સ જેકેટ પહેર્યું હતું. તેના ઉપર લાંબો ઓવરકોટ અને ટાઇટ ટ્રાઉઝર પહેર્યું હતું. તેણે લાંબી ડર્બી હેટ પહેરી હતી. તેની પાસે કાળા ઘૂંટણ સુધી લાંબા બુટ હતાં. તે જાદુગરની જેવો દેખાતો હતો. પરંતુ જાદૂગર તો માત્ર હાથનો કમાલ કરી જાણે. થોડા વિજ્ઞાનના નિયમોનો ઉપયોગ કરી લોકોને હેરાની ઉપજાવી જાણે. જ્યારે આ માણસ કશો અલગ જ દેખાઈ રહ્યો હતો.

તે આગળ આવ્યો. તે કશો જાપ કરી રહ્યો હતો. તે બેરીકેડ્સ સુધી પહોંચ્યો. તેણે ચારે દીશામાં નજર ફેરવી પછી તે બેરીકેડ્સ ઉપરથી કૂદી પડ્યો. તેનો એક હાથ વાડ પર હતો. તેનું શરીર આગળ ઝૂકેલું હવામાં હતું. તેના પગની નીચે જાદૂઈ વલય ઘૂમરાઈ રહ્યા હતાં. હતી. તે ધીમી ગતિમાં કૂદયો હતો અને સંપૂર્ણ વેગ સાથે નીચે આવ્યો. તે કંઈક બબડતો અને ચારેય બાજુ પોતાનો હાથ ફેરવતો. તેના ચહેરા પર કોઈ જ ભાવ નહોતા. તેનો ચહેરા પર કેટલાય ઘાવના નિશાન હતાં. તેના લલાટ પરથી માંડીને છેક તેના કાનની બુટ સુધી એક ઘાવનું નિશાન હતું. જેનો ઝખમ ક્યારેય ન ભરાયો હોય તેનું નિશાન હતું.

તેણે બીજી વાડ પાર કરી. આ રમત બહુ જોખમી હોય છે તેથી કોઈ મોટી જાન હાની નિવારવા માટે દર્શકો અને ખેલાડીઓ વચ્ચે બે વાળ નિયત અંતરે બાંધવામાં આવે છે. જેની મધ્યમાં જ આ રમત રમાય છે. તે માણસ મેદાનની વચ્ચે ઉભો રહ્યો. તેણે પોતાના હાથ હવામાં ઊંચા કર્યા. તેના હાથમાં કશું નહોતું. તે શાંત અને આત્મવિશ્વાસ સાથે ઉભો હતો. તેણે થોડી ક્ષણ માટે આંખો બંધ કરી અને પછી પોતાની આંખો ખોલી. એકા એક તેનો હાથ સળગવા લાગ્યો. તેની આંખનો રંગ લાલ થઇ ગયો. તેના હાથમાં હવે વીજળી થવા લાગી. તેની આંખો બળી રહેલા કોલસા જેવી લાલ હતી. તેનો ગોરા રંગ વધુ ભવ્ય દેખાઈ રહી હતી, કારણ કે મસ્તકથી માંડીને પગ સુધી, તેણે બધું જ કાળા રંગનું પહેર્યું હતું.


જ્યારે તેનો હાથે સળગાવા લાગ્યો, ત્યારે લોકો ડરી ગયા. તેઓ અહીં અને ત્યાં દોડવા લાગ્યાં હતા. તેમની વચ્ચેના થોડાક બહાદુર માણસો હજી ત્યાં અડીખમ ઉભા હતાં. તેમાંના કેટલાક તો ત્યાં એટલે જ રોકાયા હતા કારણ કે તે જાણવા માંગતા હતા કે આગળ શું થવાનું છે ? તેઓ પોતાની જીજ્ઞાશાને રોકી નહોતા શકતા. ભીડમાં સૌથી વૃદ્ધ માણસ શું થઈ રહ્યું છે તે જોવા માટે આગળ આવ્યાં.
તેને પોતાના ચશ્માને વ્યવસ્થિત કરવા પડ્યા. તેણે તેની હથેળીને ભવા ઉપર મૂકી હતી. વૃદ્ધ માણસ કદાચ કદાચ પોતાનું શતાયુ જીવન પૂર્ણ કરી ચુક્યા હશે. એક ગોળાકાર અને શ્યામ ચહેરો, અર્ધનગ્ન અને જર્જર દેહ, તેના કપાળ અને હાથ પર ચંદનનો લેપ હતો. તેનો સ્વાંગ બિલકુલ એક પંડિત જેવો હતો. ચહેરા પર જ્ઞાનની આભા જલકતી હતી.

વૃદ્ધ માણસે આખું દ્રશ્ય ઘણા સમય સુધી નિહાળ્યું. કદાચ તેની દૃષ્ટિ નબળી પડી ચુકી હતી. વૃધ્ધ આયુના કારણે તે તેના શરીર પરનું સમતોલન જાળવી નહોતા શકતા. તેને લાકડીના ટેકાની હમેશા જરૂર પડતી. થોડીવારના અવલોકનો પછી, તે બબડયો.

"આ તો અશક્ય છે." તેના ચહેરા પર દર સાફ સાફ દેખાઈ રહ્યો હતો.

"શું થયું ગુરુદેવ?" એક માણસે ચિંતાવશ પૂછ્યું.

"તે કેમ અહીં આવ્યો છે" વૃદ્ધ માણસે આગળ વધતા કહ્યુ.

"પણ તે કોણ છે, ગુરુજી?" તેના અનુયાયીએ પૂછ્યું.

"હે ભગવાન. આ તો તે જ છે." ગુરુજીને ચહેરો સ્પષ્ટ ઓળખાઇ જતા તે ચિંતાવશ બોલ્યા. પેલા માણસના પગની આસપાસ હજી જાદૂઈ પવનની ડમરી હતી. તેનો હાથ હજી બળી રહ્યો હતો.

"પણ ગુરુજી તે કોણ છે?"

"તે એક શેતાન છે. તેનાથી તો શેતાન પણ સારો છે. તે બધું જ જાણે છે. તે સંપૂર્ણ છે. છતાં તે નકામો છે. તે ઘાતક છે. તેના પર આરોપ મૂકાયો હતો " પેલા માણસે કંઈક અવિશ્વસનીય વસ્તુ કરવાનું શરૂ કર્યું હોવાથી ગુરુજીનું વાક્ય અધૂરું રહી ગયું. ડરી ગયેલા લોકો બૂમ પાડી રહ્યા હતા. તેઓ મદદ માટે કાગારોળ કરી રહ્યાં હતા. તેઓ આ અકુદરતી ઘટનામાંથી સુરક્ષિત છટકી જવા ઈચ્છતા હતા.
પેલા માણસના બંને હાથ હવામાં હતા અને તે સળગતા હતાં. તેના હાથની આસપાસ લાલ રંગના તણખાઓ ઉડી રહ્યા હતાં. અચાનક, તેની આંખો બંધ થઈ ગઈ, અને થોડીક વાર પછી તેણે તેની આંખો ખોલી. તે સાવ અલગ આંખ હતી. તેમાં કોઈ કિકી નહોતી કે, કોઈ પડળ નહોતું અને કોઈ લેન્સ નહોતો. તેણે ફરીથી આંખો બંધ કરી અને કંઈક રટણ કર્યું.

"ના રહેવા દે, ભગવાન માટે, હું તને વિનંતી કરું છું. ભગવાન માટે આ બધું બંધ કર. અહીં કેટલાય નિર્દોષ લોકો છે." ગુરુજીએ વિનંતી કરી.

પેલા માણસ પર તેનો કોઈ પ્રભાવ નહોતો થયો. તેણે થોડીવાર સુધી પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. તેના મસ્તિષ્કમાથી એક રહસ્યમય પ્રકાશનું કિરણ નિકળ્યું. તે પ્રકાશ થોડો લાલ, થોડો લીલો હતો. તેણે આંખો ખોલી અને બળદો સામે જોયું. તે સામૂહિક હિપ્નોટિઝમ કરી રહ્યો હતો. તે કોઈના પણ મનને વાંચી અને કાબૂમાં રાખી શકતો હતી..

"દોડો" તેણે એક ઝટકો મારતા હાથ નીચે કર્યો. આખલોઓ સાવ પાગલ થઈ ગયા. ગુસ્સે ભરાયેલાં આખલાઓએ લાકડાની પટ્ટીથી બનેલી નાની દિવાલો તોડી નાખી હતી. તેઓ ગુસ્સામા પોતાની કોઠડીમાંથી બહાર આવ્યા. જે તેમના માર્ગમાં આવતું તેઓ તે સમસ્ત તોડી રહ્યા હતા. કદાવર આખલાઓએ સૈકડો પ્રેક્ષકોને કચડી નાખ્યા. કેટલાક બળદો ડબલ ફેન્સ પાર કરી શક્યા હતા. તેઓ દરેક વસ્તુનો નાશ કરી રહ્યા હતા. લોકો ખૂબ ગભરાઈ ગયા હતા. તે સૌએ અહીંથી નાસી જવાનો પ્રયાસ કર્યો. તેમાંના કેટલાકને સફળતા મળી પણ ખરી. અહીં ખૂબ અરાજકતા ફેલી હતી.

જો કે, ત્યાં એક નાનો બાળક હતો જે ડરી ગયેલા લોકો પર હસી રહ્યો હતો. જ્યારે બળદ કોઈની કમર તોડતો ત્યારે તે નાચતો. બળદ લોકોને ફંગોળતો ત્યારે તે જોર જોરથી તાળીઓ પાડતો. તે બાળક સાવ કુમળી વયનો હતો. તેનું ઉંમર લગભગ સાત કે આંઠ વર્ષની માંડ હશે.
પેલો જાદૂગર જેવો લાગતો માણસ પોતાનું ફ્લક્સ જેકેટ વ્યવસ્થિત કરતા હરખાયો. તેને જે જોઈતું હતું તે તેને મળી ગયું. તે પેલા બાળક તરફ આગળ વધ્યો. બાળક હજી તમાશાનો આનંદ લઇ રહ્યો હતો. પેલા માણસે તેનો હાથ હવામાં ઉંચો કર્યો અને તેણે કંઈક પકડ્યું હોય તેવો ડોળ કર્યો. તેણે થોડા જાદૂઇ મંત્રનો જાપ કર્યો. તેણે પોતાનો બીજો હાથ લહેરાવીને આદેશ આપ્યો હતો.

"પ્રકટ ભવ:"

છોકરો તે જ સમયે નીચે જમીન પર પડી ગયો. તે મૂર્છિત થઈ ચૂક્યો હતો. તેની આંખો ખૂલી પડી હતી. તેના ચહેરાનું સ્મીત હજી એટલું જ બરકરાર હતું. પરંતુ તે જમીન પર મૃતપ્રાય અવસ્થામાં જમીન પર પડી ગયો હતો.
પેલા માણસે પોતાના હાથમાં કંઈ જ પકડ્યું નહોતું, તેમ છતાં તેણે પોતાની આંગળીઓને કશું જકડી રાખ્યું હોય તેવી અવસ્થામાં રાખી હતી. જ્યારે તેણે દૃશ્યમાન થવાનો આદેશ આપ્યો, ત્યારે એક સફેદ ધૂમાડો અચાનક દેખાયો.

પેલા એ આ ધુમાડાની ગરદન પકડી લીધી.

"મારે ક્યાં જવું જોઈએ?" તેણે પૂછપરછ કરી.
ત્યાં ન તો કોઈ ચહેરો હતો, ન તો કોઈ શરીર, હતો તો ફક્ત ધૂમ્ર હતો.

તેમાંથી અવાજ આવ્યો.

"જ્યાં સૂર્ય મોતીના સમુદ્રમાં ડૂબી જાય છે ત્યાં."

તેણે ધુમાડાને છોડી દીધો અને પાછા જવાનો હુકમ કર્યો. તરત ત્યાંથી ધુમાડો ગાયબ થઈ ગયો. નાનો બાળક જાગી ગયો. તેણે ફરી તાળીઓ પાડવા માંડી.
પેલા માણસે એક સીટી વગાડી. આકાશમાંથી કંઈક આવતું જણાયું . થોડીક ક્ષણોમાં, તે દૃશ્યમાન થયું. તે દૂધ જેવો સફેદ હતો, પવનથી પણ તેજ હતો. તે પેલા માણસનો ઘોડો વિદ્યુત હતો. વિદ્યુત એટલે વીજળીનો તેજ ઝટકો. તેનું નામ તેની ગતિ માટે પાડવામાં આવ્યું હતું. તે બીજા અશ્વોથી અલગ હતો. તે તેજ, સ્ફૂર્તીવાળો, સોનેરી પાંખવાળો, ચતુર અને એક દગાબાજ માણસનો વફાદાર અશ્વ હતો.

જ્યારે વિદ્યુત મેદાનમાં ઉતર્યો ત્યારે ધૂળના વાદળ ઉઠ્યાં અને પડી ગયાં. વિદ્યુતના હણહણવાનો અવાજ એટલો તીવ્ર હતો કે સાંભળનારાએ પોતાના કાનને પોતાના હાથ વડે ઢાંકી દીધા. પેલો માણસ તેની પીઠ ઉપર સવાર થઈ ગયો. તે વિધુતની પાંખો સહેલાવી રહ્યો હતો. તેણે વિદ્યુતને હવામાં ઉપર ઉઠાવ્યો.

તે પાછળ ફર્યો. તેણે બધા તોફાને ચડેલા આખલાઓ તરફ જોયું. તેણે તેની હથેળીઓ મસળી અને તેના મોંમાંથી થોડી હવા ફૂંકી. તેણે દરેક દિશામાં જોયું, અને સ્મિત સાથે કહ્યું

"સ્વાહા"

તે જ સમયે, તોફાની હવા જમીન પરથી પસાર થઈ. બધા આખલાઓ રેતીના મહેલની જેમ વિખરાઈ ગયા. ઝખ્મી લોકો અજબ હેરાનીથી એક બીજા સામે જોઈ રહ્યાં હતાં. તેઓ કેટલીય વખત આખલાઓના શીંગડા પર ચડીને જમીન પર પટકાયા હતા. કેટલાય આખલાઓ તેમને ખૂંદી ચુક્યા હતા. પરંતુ તેમના શરીરના તમામ ઘાવ અદ્રશ્ય થઇ ગયાં હતાં. તેમને ન તો દર્દ થતું હતું. ન તો તેમને થાક લાગ્યો હતો. તેઓ એકબીજા સામે જોઈ રહ્યાં હતાં. જમીન પર પડેલા આખલાઓ ફરી ઉભા થયાં અને સાવ સામાન્ય સ્થીતીમાં પોતપોતાના સ્થાને સ્વયં ચાલ્યા ગયા.

ચાર પાંચ અનુયાયીઓએ ગુરુજીને ઉભા કર્યા. થોડી ક્ષણો બાદ ગુરુજીની સ્થીતી સામાન્ય થઈ. લોકો ગુરુજીની આસપાસ ઉભા રહી ગયા હતા.

"ગુરુજી આ બધું શું હતું?" ટોળામાંથી કોઈ અચરજથી બોલ્યું.

ગુરુજી ધ્રુજતા સ્વરે બોલ્યાં. " બસ એ જ છે જે ન હોવું જોઈએ. તેણે આવું શું કામ કર્યું? કોને ખબર"

"પણ તે કોણ હતો?" કોઈએ પૂછ્યું.

"તે શેતાનનો પણ બાપ છે. તેણે તો પોતાની ફૂલ જેવી પત્નીને પણ ભૂખ્યા વરુની માફક રહેંસી નાખી છે. તો આ બધા લોકોને શા માટે જીવતા છોડ્યા?" ગુરુજી ચારે તરફ મેદની સામે જોઇને કહ્યું.

"તેની પત્ની..., એવો તો કોણ છે હરામી?" ભીડમાં ઉભેલા લોકોને તેના પર ધૃણા ઉપજી આવી અને કોઈનું લોહી ઉકલી આવ્યું.

" તેણે હમેશાં સારપનો આંચળો પહેર્યો હતો. તેણે પોતાના મિત્રોને દગો દીધો. જેણે તેને આંગળી પકડાવીને ચાલતા શીખવ્યો . જેણે તેને પ્રેમ કર્યો. જેણે તેને જાદુ વિદ્યા શીખવી તે બધાના સીનામાં ફરેબનું બેરહેમ ખંજર તેણે હસતા હસતા ઉતારી દીધું. " ગુરુજી ધ્રુજી રહ્યાં હતાં. તે રડી રહ્યાં હતાં. તે બધાં લોકોનું દર્દ મહેસૂસ કરી રહ્યા હતા.

"હે ભગવાન કોણ છે તે કમજાત." કોઈ ચીડાઈને બોલ્યું.

"તે માણસ નથી. નફરતનો દેવતા છે. તેનું નામ છે ધર્મા..." ગુરુજી તેનું નામ લેતાં પણ ધ્રુજી ઉઠ્યાં. "ધર્મા... ધર્માધરન" તેણે પોતાનું વાક્ય પૂર્ણ કર્યું.

"શું ધર્માધરન?" લોકોમાં ફડક પેસી ગઈ. સૌ એકબીજા સાથે ગુસફુસ કરવા લાગ્યા. કોઈ કહે તેણે આમ કર્યું હતું. તેણે તેમ કર્યું હતું. ધર્મા આવો ક્રૂર હતો. ધર્મા તેવો દાનવ હતો. લોકોમાં તેની દંતકથા બહુ મશહૂર હતી. પેઢી દર પેઢી લોકોએ તેમના બાળકોને ધર્માની બરબરતાના કિસ્સા સંભળાવ્યા હતા. બાળકો પહેલાં પણ તેના કારનામાં સાંભળીને કાંપતા હતાં. હજી પણ થરથર ધ્રૂજે છે. લોકો માનતા હતાં કે આ માત્ર કથાઓ છે. પરંતુ આજે સાપેક્ષ પહેલી વાર ધર્માને જોઈને કેટલાયની ધોતી પલળી ગઈ હતી. હજી ધર્માનો વિકરાળ સ્મીત કરતો ચહેરો સૌના મનમાં દહેશત ફેલાવી રહ્યો હતો. જ્યારે ધર્મા પોતાની નવી મંઝીલ તરફ વાદળોને ચીરતો આગળ વધી રહયો હતો.