226 - Mister Liss books and stories free download online pdf in Gujarati

૨૨૬ - મિસ્ટર. લિસ

આજકાલ ગુજરાત ના દરેક યુવા ને એક જ લાલસા છે, સપનાઓ ના દેશ કેનેડા જવાની !! કેનેડા માં દર વર્ષે આશરે ૧૨.૧% ભારતીય આવે છે, વર્ષ ૨૦૧૯ ના ૧૨.૧% માં એક હું પણ હતો. ડિસેમ્બર ની હાડકા થીજાવતી ઠંડી માં, મેં કેનેડા ની ધરતી (આમ તો બરફ) પર પગ મુક્યો. શિયાળા માં કેનેડા એકદમ શાંત ને ઠંડુ હોય છે, ચારેય તરફ નાના નાના બરફ ના પહાડો, ઝાડ પાર પંખી તો છોડો પત્તાં પણ જોવા ના મળે! સફેદ રંગ નું સામ્રાજ્ય ચારેય તરફ સ્થપાયેલું હોય છે ને અજવાળું, નામ માત્ર જ હોય છે.વાતાવરણ માં એક વિચિત્ર ગમગીની હોય છે ને માનિસક તણાવ ના કિસ્સાઓ આવા માં વધુ સાંભળવા મળે છે.બસ! આવા માં ઉતર્યા પછી હું કામ-ધંધો શોધવા લાગી પડ્યો, ૩ મહિના ની મેહનત પછી મને એક નોકરી મળી ગઈ , પણ મને ખબર નોહતી કે એ નોકરી મારા દુનિયા ને ધરમૂળ થી હલાવી નાંખશે!

સંત.આંદ્રેઝ : વૃદ્ધાશ્રમ, ૧૮૫૦ માં ચાર્લ્સ નામના ધનવાન શેઠનું અકાળે મૃત્યુ થયું, એમની યાદ માં એમના પત્ની અને પુત્ર એ આ આલીશાન વિલા બનાવ્યું. પત્ની જુલિયા અને પુત્ર ચાર્લ્સ જુનિયર ના મૃત્યુ બાદ, આ ઘર સરકાર ને દાન કરી દેવા માં આવ્યું અને સરકારે તેને એક વૃદ્ધાશ્રમ માં ફેરવી દીધું. છેલ્લા ૮૦ વર્ષ થી આ વૃદ્ધાશ્રમ ઘરડાઓ ની દેખભાળ કરે છે ખાસ કરી ને માનસિક રીતે થાકી ગયેલા વૃધ્ધો નું, આ નોકરી મળ્યા બાદ હું ખુબ ખુશ હતો કે હું આટલી મોટી સંસ્થો નો ભાગ બનીશ, પણ મને ખબર નોહતી કે આ નોકરી મને લોઢા ના ચણા ચાવવા મજબુર કરી દેશે!! તો એવો જાણીએ કે આ નોકરી માં એવું શું હતું કે હું માનસિક રીતે હચમચી ગયો હતો!!

માર્ચ મહિનાનો પેહલો શનિવાર, બરફ ના પહાડો હવે શિવલિંગ જેવા દેખાઈ રહ્યા હતા, વાતાવરણ થોડું ખુશનુમા હતું ને સુરજ દાદા ઝગમગી રહ્યા હતા,મારી નોકરી નો એ પેહેલો દિવસ હતો. બરાબર સવાર ના ૮ વાગે હું સંત.આંદ્રેસ પોંહચી ગયો, મારા બોસ આવ્યા ને મને એક રૂમ સુધી લઇ ગયા, રૂમ ની બહાર લખ્યું હતું "૨૨૬-મિસ્ટર લિસ"!

બોસ બોલ્યા, "કાલે આ દાદા એ બહુ ઉત્પાત મચાવ્યો હતો એટલે એને દવા આપી છે, કદાચ મોડો ઉઠશે! ને હા!! જરા સાચવજે આ દાદા થોડા આક્રમક છે!" એટલું કહીને એ ચાલી નીકળ્યા. હું બહાર ખુરસી માં બેઠો બેઠો ઇન્ડિયન ન્યૂઝ જોવા લાગ્યો. થોડી વાર માં મને નળ ચાલુ હોય એવો અવાજ આવવા લાગ્યો, મને એમ કે દાદા ઉઠ્યા હશે ને ભૂલથી નળ ચાલુ રાખી ને જતા રહ્યા હશે. એટલા માંજ દરવાજા નીચે થી પાણી આવવા લાગ્યું. મેં દરવાજો ખોલી ને જોયું, હું બે મિનિટ તો હું ડઘાઈ ગયો. દાદા નગ્ન અવશ્થા માં દરવાજા પાછળ પેશાબ કરી રહ્યા હતા!

હું "આ શું કરો છો દાદા? તમારા કપડાં ક્યાં છે?"

દાદા " કોણ છે તું? ભાગ અહીં થી નાઈ તો માર ખાઈશ!!"

હું તરત ભાગ્યો નર્સિંગ સ્ટેશન તરફ, કદાચ કોઈ નર્સ મારી મદદ કરી દે! ત્યાં એક નર્સ બેઠી હતી મેં એને કીધું " જેમ્સ લિસ ઉઠી ગયા છે અને એ અજીબ વર્તન કરી રહ્યા છે તમે જલ્દી કોઈ પગલાં લો"

ને દુનિયા ના દરેક ખૂણે મળતો સ્ટાન્ડર્ડ જવાબ, એક સણસણતા લાફા ની જેમ એ નર્સ એ મને વળગાળી દીધો " આ બધું કામ મારુ નથી! બીજા ને શોધી લે, પેલી PSW ને પકડ! જા, મારુ માથું ના ખાઈશ...સવાર સવાર માં લમણાં લેવા આવી જાઓ છો!"

PSW એટલે પર્સનલ સપોર્ટ વર્કર, દરેક ઘરડા ઘર માં એવા કર્મચારીઓ હોય છે જે બા-દાદાઓ ને નાહવા-ધોવા થી મંડી ખવડાવા સુધી ની જવાબદારીઓ પુરી કરે છે!

હું એ PSW ની પાસે ગયો ને બધું સમજાવ્યું, એ થોડી વાર મારી સામે જોઈ રહી ને એટલા માં, એના મોહ પાર ગુસ્સો, લાચારી ને ડર...વારાફરતી પસાર થઇ ગયો. આ બધા હાવભાવ હું સમજુ એ પેહલા એ બોલી ઉઠી " એનું તો રોજ નું છે! મારે બીજા 3 જાણ જોઈશે હું લઇ ને એવું,ત્યાં સુધી તમે બહાર જ રેહજો!" હું દરવાજની બહાર બેઠો બેઠો વિચારતો હતો કે એક દાદા માટે ૪ જણા....દાદા એટલા બધા ઝનૂની છે?!!

૫ મીન માં PSW નું ટોળું આવી ગયું. બધા અંદર ગયા ને દાદા એ બુમરાડ નાખવાની સારું કરી "કાલે જ તો ના પડી હતી, અહીં આવવા ની...લાગે છે બેહરા છો...કાન નીચે પડશે ત્યારે જ સંભળાશે..!!" થોડી વાર પછી એક બાઈ એ દાદા ને ડાયપર પેરાવા એમના બે હાથ પકડ્યા પણ એટલા માં દાદા એ હાથ છોડાવી દીધા ને પછી " ફટ્ટાક...ફટ્ટાક..!" દાદા એ બે લાફા પેલી બાઈ ને લગાવી દીધા આ બધું જોયા પછી મેં દાદા ને પકડી રાખ્યા ને બધી બાઈઓ એ ભેગા થઇ દાદા ને તૈયાર કાર્ય!

બધા ગયા પછી મને ડર હતો કે દાદા મને મારવા ના દોડે, પણ કદાચ હવે એમનો ગુસ્સો ઓછો થઇ ગયો તો. હું એમને નાસ્તો કરવા લઇ ગયો.

અહીં ઘરડા ઘર માં જ બધી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. એમને બેસાડી ને હું બ્રેક લેવા ગયો. આમતેમ ફરતા ફરતા મને એક ફાઈલ નજરે ચઢી, નર્સિંગ સ્ટેશન ના ડેસ્ક પર ખુલ્લી પડી હતી, ને એમાં આજનો કિસ્સો લખ્યો હતો...એ ફાઈલ જેમ્સ લિસ ની હતી. મેં મારી જિજ્ઞાસા અને સમય બંને ને મન આપી ને ફાઈલ ઉપાડી અને વાંચવા લાગ્યો પણ એ ફાઈલ મને એક સાથે ઘણા આઘાત ને સવાલ આપવાની હતી...!!

ફાઈલ માં જેમ્સ લિસ વિશે ની વાતો હતી પણ એના દરેક પત્તાં પાર જેમ્સ ના મહાન કારનામાઓ છાપયેલા હતા.

પહેલું પત્તુ.... જેમ્સ નો માન્ચેસ્ટર યુનિટેડ ફૂટબૉલ ટીમ ની ટી-શર્ટ માં ફોટો!! લખાણ માં હતું કે જેમ્સ સતત ૭ વર્ષ માન્ચેસ્ટર સિટી માટે રમ્યા હતા, આ ક્લબ ઇન્ટરનેશનલ ક્લબ બન્યો એ પેહલા તેઓ લોકલ મેચ માં રમતા હતા. ક્લબ બન્યા પછી એમના સમ્માન માં એક ટી-શર્ટ છાપવા માં આવી ને એમને ભેટ સ્વરૂપે આપવા માં આવી. જેમ્સ કુલ ૫૩ મેચ રમ્યા છે જેમાં એમના નામે ૧૯ ગોલ્સ છે.

બીજું પત્તુ....જેમ્સ નો આર્મી યુનિફોર્મ માં ફોટો!! યુનિફોર્મ પર સ્કોટલેન્ડ એર-ફોર્સ નો સિમ્બોલ હતો, જેમ્સ ની પાછળ વર્લ્ડ વોર-૨ ના બોમ્બર લડાકુ વિમાન હતા. બાજુ માં લખ્યું હતું જેમ્સનો જન્મ સ્કોટલેન્ડ માં થયો હતો ને નાનપણ થી જ એમને પ્લાન ઉડાડવાનો શોખ હતો. તેઓ એર-ફોર્સ ઓફ સ્કોટલેન્ડ માં જોડાયા ને ૧૨ વર્ષ સુધી સાર્જન્ટ ની પદવી શોભાવી ને નિવૃત્ત થયા. આ દરમિયાન એમની બહાદુરી ને સેવા માટે બે મેડલ પણ અપાય છે (જે મેં પછી થી એમના રૂમ ની દીવાલ પર જોયા). આ વાંચ્યા પછી મનોમન મને દાદા માટે માન થઇ આવ્યું, દરેક દેશપ્રેમી ને એક સૈનિક માટે હોય એવું માન!!

ત્રીજું પત્તુ જોઈ ને તો મારી આંખો ફાટી ને ફાટી જ રહી ગઈ...દાદા નો ઇંગ્લેન્ડ ના મહારાણી સાથે નો ફોટો. આપણે બધા ને ખબર છે કે મહારાણી કોઈ જેવા-તેવા સાથે ફોટો નથી પડાવતા. બાજુ માં લખ્યું હતું આર્મી માં સેવા બદલ દાદા ની નીમણૂક મહારાણી ના ફોજદારો માં થઇ હતી અને ૩ વર્ષ બાદ તેઓ ફોજદારી-વડા બન્યા એ વખત નો આ ફોટો છે, પાંચ વર્ષ પછી દાદા પોતાના અંગત કારણો ના લીધે નિવૃત્તિ લઇ કેનેડા આવી ગયા હતા.

ચોથું પત્તુ ઘણું રસપ્રદ હતું.... એમાં દાદા ના ઘણા ફોટા હતા... દુબઇ, તુર્કી, શ્રી-લંકા, જાપાન અને સૌથી રસપ્રદ ભારત માં દાદા નો ફોટો, લખાણ વાંચતા ખબર પડી કે દાદા બોઇંગ કંપની સાથે જોડાયા હતા અને અલગ અલગ દેશ માં લડાકુ વિમાન ની ડિલિવરી કરવા જતા હતા. હજુ હું આગળ વાંચું એ પેલા પાછળ થી એક કર્કશ અવાજે મને ડરાવી દીધો.એ હેડ નર્સ હતી.

નર્સ " એય...કોને પૂછી ને આ ફાઈલ ખોલી?? તને ખબર છે ડૉક્ટર ની કે મારી પરવાનગી વગર આ ફાઈલ કોઈ વાંચી શકે નઈ!!"

પછી મને ખબર પડી કે અહીં PIHIPPA કરી ને એક કાયદો છે જે દરેક દર્દી ની ફાઈલ ની અંગત રાખે છે. પણ એ ફાઈલ ઘણા સવાલ મૂકી ગઈ " દાદા કેમ અચાનક કેનેડા આવી ગયા?" "દાદા કેમ આવા થઇ ગયા છે?" "દાદા કેમ એમના છોકરો જોડે નથી રહેતા?"

જોત-જોતા માં ૩ મહિના વીતી ગયા ને દાદા ને મારી સાથે ફાવી ગયું, હું અને દાદા ખુબ વાતો કરતા ને વાત વાત માં હું મારા સવાલ ના જવાબ શોધવાનો પ્રયત્ન કરતો પણ દાદા ને કઈં યાદ નોહ્તું. એમના પત્ની પણ આવતા,મેં એમને પણ પૂછી જોયું પણ એમને પણ કંઈ ઝાઝી ખબર નોહતી.

એક દિવસ હું જેમ્સ ને લઇ ને બાજુ ની વિન્ગ માં ગયો. જેમ્સ આમતેમ આંટો મારતાં હતા અને હું એમની અતરંગી રમતો જોઈ રહ્યો હતો, ક્યારેક ખુરસી ઉંચકતા, ક્યારેક રૂમ નો દરવાજો લૂછતાં તો વળી ક્યારેક મને દુશ્મન ફોજ ના સિપાહી બતાવતા જે ફક્ત એમને જ દેખાતા. એવા માં જ એક સ્ત્રી આવી ને જેમ્સ ને વળગી પડી. આમતો જેમ્સ સ્ત્રીઓ થી દૂર ભાગે છે પણ એ સ્ત્રી સાથે ખુબ હસી ને વાત કરતો હતો.

જાણે-અજાણે મને આજે દરેક સવાલ ના જવાબ મળવા ના હતા!!વાતચીત પર થી ખબર પડી કે એનું નામ ડેબી છે ને એ ફૂડ-સર્વિસીસ માં કામ કરે છે.

હું " તમે કેટલા વર્ષ થી અહીં છો? ને જેમ્સ ને તમારી જોડે એટલું બધું કેમનું ફાવે છે?"

ડેબી " વેલ, હું અહીં છેલ્લા ૧૨ વર્ષ થી કામ કરું છું, ને હું જેમ્સ ને ત્યાર થી ઓળખું છું જયારે એ એક જવાબદાર પિતા ની સાથે સાથે એક રમુજી ને સમજદર માણસ હતો!"

હું " હેં...શું કીધું? રમુજી ને સમજદાર? મતલબ કે જેમ્સ ની હાલત આવી થઇ, એ પેહલા થી અહીં આવે છે? પણ કેમ?", મેં આશ્ચર્ય સાથે પૂછ્યું.

ડેબી "જેમ્સ ની જિંદગી બહુ કઠોર રહી છે.. જમાના નો ભાર વેઠેલો માણસ છે....જેમ્સ નો દીકરો ડેવિડ....એનો વ્હાલો અને સુખદુઃખ નો એકલો સાથી ડેવિડ અહીં દાખલ હતો. જેમ્સ રોજ સાંજે જમવાના સમયે આવતો, ફૂડ-સર્વિસ માં હું એ વખતે હું પિરવાસનું કામ કરતી ને જેમ્સ રોજ બધા માટે લિન્ડોર ની ચોકલેટ લાવતો કારણકે એના ડેવિડ ને એ બહુ ભાવતી હતી..એ રોજ એના હાથ થી ડેવિડ ને ખવડાવતો ને જમ્યા પછી રોજ એને જુના કિસ્સા યાદ કરાવતો..!!

ડેબી " ડેવિડ ને કઈ સમજાતું નઈ, ડેવિડ ને એટલી જ ખબર હતી કે કોઈ માણસ રોજ એને ખવડાવે છે એટેલ એ બે ઘડી હસી લેતો...પણ જેમ્સ ને આશા હતી કે એક દિવસ ડેવિડ એને ઓળખશે..બિચારો જેમ્સ બધાં એને મૂકી ને જતા રહ્યા!"

હું " બધાં મતલબ?"

ડેબી " આજથી ૭૦ વર્ષ પેહલા જેમ્સ જયારે મહારાણી નો ફોજદાર હતો ત્યારે એ લોકો લંડન માં રહેતા હતા... એ સમયે લંડન માં પ્લેગ ફાટી નીકળ્યો..એમાં જેમ્સ ની પત્ની અને એના બે મોટા દીકરા ૨ વર્ષ ની અંદર વાર-ફરતી ગુજરી ગયા; ને જેમ્સ એની દીકરી કથેરિન એન્ડ ડેવિડ સાથે કેનેડા આવી ગયો...કદાચ લંડન માં એને એના પરિવાર ની યાદ આવતી હશે...પણ.. " ડેબી એ મોટ્ટો નિસાસો નાખ્યો...

હું " પણ?"

ડેબી " કેનેડા પણ જેમ્સ ને ફળ્યું નહિ...અહીં આવી ને એને બીજા લગ્ન કાર્ય..પેલા જે રોજ આવે છે ને એ, જોસફીન એમની સાથે. જેમ્સ ને એમ કે એના બાળકો સચવાઈ જાય પણ જેવા જોસફીન ના દીકરાઓ મોટા થયા અને તેમનો કથેરિન ને ડેવિડ સાથે રોજ કોઈ ને કોઈ બાબતે ઝઘડો થતો, ને એક દિવસ કેથરીન જેમ્સ ને કીધા વગર એના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ...કદાચ જેમ્સ ને ડેવિડ એટલે જ વહાલો હતો કે આજીવન નિસ્વાર્થ ભાવે એ જેમ્સ ની સાથે જ રહ્યો..ને ડેવિડ આબેહૂબ જેમ્સ જેવો જ લાગતો."

ડેબી " બે વર્ષ પેહેલા ડેવિડ ગુજરી ગયો ને એના સદમાં માં જેમ્સ એવો થઇ ગયો..એક મહાન વ્યક્તિત્વ નો એવો કરુણ અંત..ભગવાન પણ કઠોર દિલ નો છે..." એટલું બોલતા ની સાથે જ ડેબી આંખ માં આંસુ લઇ ચાલવા લાગી... જતાં જતાં મને કેહતી ગઈ!!

"તને ખબર છે ડેવિડ નો રૂમ કયો હતો?"

હું "ના"

"૨૨૬-મિસ્ટર. લિસ"

ઉપર વાળો પણ ગજબ છે!! એક બાપ ને દીકરા નો વારસો આપી દીધો. આ ગાંડપણ પણ અજબ છે, જેમ્સ ને આજે યાદ પણ નથી કોણ જોસેફીન ને કોણ ડેવિડ...એને તો બસ એટલી જ ખબર છે કે એક સ્ત્રી આવે છે,રોજ સાંજે એની જોડે બેસવા ને ખવડાવા. જેમ્સ હવે બધા દુઃખો ને તકલીફો થી આઝાદ છે..કદાચ આજ ઉપ્પર વાળા ની કરામત છે!!

આ ઘરડાઘર માં આવા ઘણા કિસ્સા છે જે મને રોજ હચમચાવી દેતા..આવતા અંકે, કિચેનર ના રોક-સ્ટાર જ્હોન ટોનિન ને એના એક મિત્ર ની વાત કહીશ..જેને મને સમજાવ્યું કે મિત્રતા એટલે મૌત સુધી જોડે રેહવાની કસમ.

એક એવો વાર્તા સંગ્રહ જે તમને પાગલપન ની દુનિયા માં લઇ જશે. જેમાં " મહાન વિભૂતિઓ નો કરુણ અંત કેમ?" એ સવાલ નો જવાબ તમને મળશે. પાગલપન એક બીમારી છે કે ઈલાજ? અને દરેક પાગલપન પાછળ ના કિસ્સા એટલે સંત.આંદ્રેઝ:વૃદ્ધાશ્રમ

બીજા રસપ્રદ વિકલ્પો