ધ ડેથગેમ - પ્રસ્તાવના Het Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ડેથગેમ - પ્રસ્તાવના

બુધવાર, ૫ ઓગષ્ટ, ૨૦૧૫.


'મોનીકા મેમ, તમારા માટે આ પાર્સલ આવ્યું છે.'

'હં', મેં કહ્યું.

મને કમ્પ્યુટર પર એક્સલ શીટમાં વ્યસ્ત જોઈ ઓફિસબોય ત્યાં જ પાર્સલ મૂકી જતો રહ્યો. મેં ત્રાંસી નજરે જોયું તો એક કાળા રંગનું બોક્સ હતું, જેનાં ઉપર વિચિત્ર અક્ષરે મારું નામ લખેલું હતું, - To Monika George.

અજીબ લાગ્યું પરંતુ કામની ડેડલાઈનને પહોંચી વળવા મેં એના પર બહુ ધ્યાન ન આપ્યું. બોક્સને બાજુ પર મૂકી ફરીથી એક્સલ શીટમાં માથું ઘુસાડી દીધું.
બપોરે લંચ પતાવીને ત્યાંજ બેઠાં-બેઠાં ફરી એક વખત મમ્મીને ફોન કરી જોયો, પરંતુ હજુ પણ ફોન સ્વીચઓફ જ બતાવતો હતો.

'કેમ ઉદાસ બેઠી છે?', મારા ઓફિસના કલીગ શ્યામે પૂછ્યું.

'યાર, જો ને , એક તો આ ઓફિસના કામનું આટલું ટેંશન છે અને બીજું ખબર નઈ કેમ, જ્યારથી મમ્મી-પપ્પા સેલવાસ ગયાં છે ત્યારથી ફોન જ નથી ઉપાડતાં. પપ્પાનો ફોન તો નીકળ્યા એ જ રાતથી બંધ થઈ ગયો હતો, મમ્મીના ફોનમાં રિંગ જતી હતી, પણ કોઈ ઉપાડતું નહતું, અને આજ સવારથી તો એ પણ સ્વીચ ઓફ આવે છે.'

'કેમ સેલવાસ?'

'તો તારું ત્યાં સેલવાસમાં કોઈ રેલેટિવ હોય એને પૂછી જો ને!'

'હા મેં મારી એક ફ્રેંડને કીધું તો છે, તે સાંજ સુધી મારા ઘરે જઈ તપાસ કરીને મને કહેશે.'

'ઓકે, ચિંતા ના કર. ચાલ હવે ઓફિસનું કામ પતાવીએ, નહીં તો બોસને ફરીથી સંભળાવવાનું બહાનું મલી જશે.'

'હા બરોબર છે, ચાલ!'

લગભગ સાડા પાંચે કામ પતાવી હું રિફ્રેશ થવા ચા પીવા જતી જ હતી ત્યાં જ પેલું પાર્સલ નજરમાં આવ્યું.

'અરે, આ તો ભુલાઈ જ ગયું!'

ટેબલ પર આગળ મૂકી નાનકડા ચપ્પુથી એનું પેકીંગ ખોલવા લાગી. આવું વિચિત્ર પેકીંગ કોણ કરતું હશે એવાં વિચારો સાથે બોક્સ ખોલ્યું. એમાં ટિફિનના ડબ્બાની જેમ બે લેયર હતાં. ઉપરના ભાગમાં એક સફેદ ચિઠ્ઠી વાળીને મુકેલી હતી.

ચિઠ્ઠી ખોલીને જોઈ તો એમાં એ જ વિચિત્ર અક્ષરે લખ્યું હતું-

*જ્યાં શરૂઆત થઈ હતી ત્યાં જ અંત થશે*
*J*

J? કોણ J? કઈ ખ્યાલ ન આવ્યો.

ચિઠ્ઠી બાજુમાં મૂકી, મેં બોક્સ ઉપાડી હાથમાં લીધું અને જેવો બીજો ભાગ ઉપાડી અંદર જોયું તો મારાથી એક વિકરાળ ચીસ પડાઈ ગઈ. બોક્સ હાથમાંથી પડી ગયું. ચીસ એટલી મોટી હતી કે કદાચ આખી ઓફિસ સ્તબ્ધ થઈ ગઈ હશે.

'મોનીકા! મોનીકા!? મોનીકા, શું થયું?', શ્યામે પૂછ્યું. આખી ઓફિસનો સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો.

મારા હાથ ધ્રુજવા લાગ્યાંં. હું જાણે મૂક બની ગઈ હતી. હું ફક્ત બોક્સ તરફ ઈશારો કરી શકી.

શ્યામે બોક્સ હાથમાં ઉઠાવ્યું અને તમામ સ્ટાફ સહિત તે પણ ચોંકી ઉઠ્યો.

બોક્સમાં એક કપાયેલી આંગળી હતી, જેના પર મારા પપ્પાએ મમ્મીને આપેલી વીંટી હતી, કે જે લોહીલુહાણ હતી.

* * * * * * * * * * * * *

'તમે સો ટકા શ્યોર છો કે આ તમારા મમ્મીની જ વીંટી છે?', પોલીસ ઇન્સ્પેક્ટર સિંઘે મને પૂછ્યું, કે જેમને અમારા બોસે તરત જ બોલાવી લીધા હતાં.

'હા.', હું રડમસ અવાજે બોલી.

'તેઓ અત્યારે ક્યાં હોઈ શકે તેનો કાંઈ ખ્યાલ છે તમને?, ઇસ્પેક્ટર સિંઘે તપાસ આગળ વધારતાં પૂછ્યું.

'મમ્મી-પપ્પા બંને સોમવારે રાતે અહીંથી સેલવાસ જવા નીકળ્યા હતાં, કે જે અમારું મૂળ વતન છે, પરંતુ એ નીકળ્યા એ રાતથી એટલે કે પરમદિવસ રાતથી જ પપ્પાનો ફોન બંધ થઈ ગયો હતો. મમ્મીનો ફોન ચાલુ હતો, રિંગ જતી હતી પણ તેઓ ઉપાડતાં ન હતાં, અને આજ સવારથી તેમનો ફોન પણ સ્વીચઓફ આવે છે.', હું રડતાં રડતાં બોલી.

ઇસ્પેક્ટર સિંઘે સાંત્વના આપી. ' ઓકે, એ બંનેનો ફોન નંબર આપો, જેથી અમે શોધખોળ ચાલુ કરી શકીએ. હું સેલવાસ પોલીસે સ્ટેશને જાણ કરું છું. આપણે બને એમ જલ્દી સેલવાસ નીકળવું પડશે.

'ઠીક છે.', હું માત્ર એટલું જ બોલી શકી.

તેઓ સિક્યુરિટી ગાર્ડ સાથે પાર્સલની ડિલિવરી કોણે કરી હતી તે અંગે પૂછપરછ કરી રહ્યાં હતાં. સિક્યુરિટી ગાર્ડના કહેવા પ્રમાણે તેને હેલ્મેટ પહેરેલો હતો, જેનો ચહેરો સીસીટીવીમાં પણ સ્પષ્ટ નહોતો દેખાતો.

મને અચાનક પેલી ચિઠ્ઠી યાદ આવી. મેં ઇસ્પેક્ટર સિંઘને તે બતાવી.

બારીકીથી નિરીક્ષણ કર્યા બાદ પૂછ્યું, 'આ J નામના કોઈ વ્યક્તિનો સંપર્ક છે તમારે અહીં અમદાવાદ કે સેલવાસમાં?'

'એવું ચોક્કસ તો યાદ નથી પણ કોઇ હોય પણ શકે છે!', મેં વિચારતા કહ્યું.

ત્યાં જ મારા ફોનમાં રિંગ વાગી, કોલર આઇડીમાં મિકી એંથોની દેખાયું, જે સેલવાસમાં મારી ફ્રેન્ડ હતી, જેને મેં મારા ઘરે તપાસ કરવા જણાવ્યું હતું.

'અંકલ અને આંટી તો અહીંયા નથી, પણ પડોશીઓનું કહેવું છે કે તેઓ ગઈકાલે વહેલી સવારે આવ્યાં હતાં, ત્યારબાદ તેઓ દેખાયાં નથી.', મિકી એકસાથે બોલી ગઈ.

'ઓકે.', મેં અહીંયા ઘટેલી તમામ બાબત નિકીને જણાવી.

'ઓહ, હા સાંભળ, એક પડોશી એ એમ પણ જણાવ્યું કે તેમની સાથે કોઈ ત્રીજી અજાણી વ્યક્તિ પણ હતી.'

નિકી ને ઇસ્પેક્ટર સિંઘે તાત્કાલિક સેલવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા કહ્યું.
અને મોડી રાત્રે કેટલાંય અમંગળ વિચારો સાથે અમે સેલવાસ જવાં રવાનાં થયાં.