રવિવાર, ૨ ઓગષ્ટ ૨૦૧૫.
'મારે નથી આવવું', લેપટોપ પર સ્પેસબાર કી જોરથી દબાવીને મેં કહ્યું.
'ઓકે, ઓકે, મિસ જ્યોર્જ, આઈ રેસ્ટ માય કેસ', મમ્મીએ વકીલની ભાષામાં વાતનો અંત આણ્યો. 'આ તો તારા પપ્પાની ઈચ્છા હતી કે આપણે ત્રણેય સેલવાસ જઈએ એટલે તને ફરીથી યાદ કરાવ્યું.
મમ્મી અને પપ્પા બંને અમદાવાદ શહેરના ખ્યાતનામ વકીલોમાં સ્થાન ધરાવતા હતાં. પણ મેં વકીલાતને બદલે એમબીએ પસંદ કર્યું. બારમાં ધોરણ સુધી દાદા-દાદી સાથે સેલવાસમાં જ ભણી, કોલેજ માટે મમ્મી-પપ્પાએ અહીં અમદાવાદ બોલાવી લીધી. પપ્પા ભલે વર્ષોથી અમદાવાદ રહે છે, પરંતુ સેલવાસ પ્રત્યેનો તેમનો સ્નેહ જરા પણ ઓછો નહોતો થયો. દાદા-દાદીના ગુજરી ગયા પછી પપ્પા અને મમ્મી દર બે મહિને અચૂક સેલવાસ જઈ આવતાં. અને હંમેશની જેમ કામની વ્યસ્તતાને કારણે આ વખતે પણ મારાથી નીકળી શકાય તેમ નહતું.
'એને ના આવવું હોય તો વાંધો નઈ', પપ્પા ગંભીરતાથી બોલ્યાં. આમ, તો સહેજ ગંભીર સ્વભાવ ધરાવતાં પપ્પા આજે વધારે ચિંતિત લાગતાં હતાં. 'ત્યાં અગત્યનું કામ છે, બે દિવસમાં પતાવીને પરત જ ફરવું છે.' , સેલવાસ જાય ત્યારે ઓછામાં ઓછું અઠવાડિયું ગાળતાં પપ્પાની બે દિવસમાં પાછા ફરવાની વાત મને ગળે ના ઉતરી.
'કેમ, પપ્પા કંઈ ટેંશન છે?'
'ના, બેટા કંઈ નથી, ચલો ગુડ નાઈટ!', પપ્પા ગંભીરમુખે જ તેમના બેડરૂમ તરફ ચાલ્યાં ગયાં. મમ્મીએ મને રાહ જોવાનો ઈશારો કર્યો, અને તેઓ પણ બેડરૂમ તરફ ગયાં.
હું ફરીથી લેપટોપમાં વ્યસ્ત થઇ ગઈ. અડધો કલાક બાદ મમ્મી પાછી આવી. ' બેટા, મેં તારા પપ્પાબે આટલા સિરિયસ ક્યારે નથી જોયા, નક્કી કઈંક વાત છે જે આપણને જણાવી નથી શકતાં. મને બહું ચિંતા થાય છે. કામનો તણાવ છે કે બીજી કોઈ વાત છે ખ્યાલ નથી આવતો', મમ્મી એકધારું બોલી ગઈ.
'કંઇ વાંધો નઈ મમ્મી, તેઓ સેલવાસ જશે એટલે બધો તણાવ ઉતરી જશે, ડોન્ટ વરી.'
'એટલે જ તો તને કહું છું, તું પણ ચાલ , તને પણ કેટલો સ્ટ્રેસ છે, ત્યાં શાંત વાતાવરણમાં બધાનાં મન મોકળાં થઈ જશે.
'ઓકે, ચલો, હું ટ્રાય કરીશ. તમે લોકો કાલે ત્યાં જાઓ, હું વિકેન્ડ પર આવી જઈશ.', મમ્મીને હાશકારો થતાં તેઓ સુવાં ચાલ્યાં ગયાં.
*************
' ચા પીશો?', પોલીસજીપ એક હોટલ આગળ ઉભી રાખી ઇસ્પેક્ટર સિંઘે પૂછ્યું. સવારના લગભગ પાંચ વાગતાં હતાં.
ચા પીતાં-પીતાં મેં મમ્મી પપ્પા સેલવાસ જવા નીકળ્યાં એની આગલી રાતે થયેલી ચર્ચા વિશે વાત કરી.
'તમને શું લાગે છે તેમને કંઈ વાતનું ટેંશન હોઈ શકે?
'ખબર નઇ, સર!', મેં વિચારતાં કહ્યું.
'કોઈની સાથે અણબનાવ, દુશ્મનાવટ, જેનો તમને ખ્યાલ હોય.', ઇસ્પેક્ટર એ પુછપરછ આગળ વધારતાં પૂછ્યું.
'સર, તેઓ બંને વકીલ છે, અને તેમના પ્રોફેશનમાં તો વણમાંગી દુશ્મનાવટ તો સ્વાભાવિક છે, પરંતુ તેઓ હંમેશા દરેક પરીસ્થિતિનો સામનો કરવા સક્ષમ હતાં. આમ છતાં કોઈ અણબનાવ હશે તો તેના વિશે મને ચોક્કસ ખ્યાલ નથી.'
'કદાચ એવો કોઇ કેસ કે એવી કોઈ વ્યકિત સાથે સંબંધ જેમનો તમને અથવા તમારી મમ્મીને ખ્યાલ ન પણ હોય?'
'હોઈ શકે, સર પણ સેલવાસમાં? સમજ નથી આવતું શું થઈ રહયું છે!', હું રડમસ આવજે બોલી.
ફ્રેશ થઈને અમે ફરીથી મુસાફરી ચાલુ કરી.
*************
સવારે સાડા આઠ વાગ્યે અમે સેલવાસ પહોચ્યાં. લગભગ ચાર વર્ષ પછી હું સેલવાસ પરત ફરી હતી.
પાર્ક સીટી સોસાયટીની છેલ્લી હરોળમાં અમારું ઘર હતું. મેં મિકીને ફોન કરીને પહેલેથી જ બોલાવી લીધી હતી, જેનું ઘર અમારાં ઘરથી થોડે જ દૂર હતું.
ઘરનો ઝાંપો ખોલી જેવી મુખ્ય દરવાજા પર નજર ગઈ મારી તો આંખો ફાટી ગઈ. ઓફિસમાં મને જે બોક્સ ડિલિવર થયું હતું, આબેહૂબ તેવું જ બોક્સ દરવાજા આગળ પડ્યું હતું. કમને મેં હાથમાં ઉઠાવ્યું, ઉપર મારુ નામ લખ્યું હતું.
'અરે, આ તાળું કોને તોડ્યું? ગઈકાલે મેં જોયું ત્યારે તો બરાબર હતું.', મિકીએ અચાનક અમારું ધ્યાન દરવાજા તરફ દોર્યું. તૂટેલું તાળું કડી પર લટકતું હતું અને દરવાજો અંદરથી બંધ હતો.
'મમ્મી-પપ્પા...', હું જોરથી દરવાજો ખટખટાવા લાગી. અચાનક અંદરથી કંઇક તૂટવાનો અવાજ આવ્યો. ઇસ્પેક્ટર સિંઘે અમને પાછળ ધકેલી દરવાજાને જોરથી લાત મારી તોડી નાખ્યો.
અમારા આશ્ચર્ય વચ્ચે કાળું મુખોટું પહેરેલ એક વ્યકિત લોબીની બારીનો કાચ તોડી તેમાંથી સરકી રહ્યો હતો. ઇસ્પેક્ટર સિંઘે બૂમ મારી તેને રોકવાની કોશિશ કરી પરંતુ ત્યાં સુધી તે બહારની બાજુ ઝાડીઓમાં નીકળી ગયો હતો. ઇસ્પેક્ટર સિંઘે પણ તેની પાછળ દોટ લગાવી.
હું અને મિકી આખા ઘરમાં જોઈ વળ્યાં. મમ્મી-પપ્પા કે બીજું કોઈ ઘરમાં મોજુદ નહતું. દસ મિનિટ બાદ ઇન્સ્પેકટર સિંઘ પરત ફર્યા.' શીટ, ભાગી ગયો.', તેમના ચહેરા પર નિરાશા દેખાતી હતી.
સ્વસ્થ થયાં બાદ ધ્રુજતાં હાથે મેં પેલું બોક્સ ઉઘાડયું. આ વખતે માત્ર એક મોટા બોક્સમાં ચિઠ્ઠી વાળીને મુકેલી હતી.
*વેલકમ ટુ ડેથગેમ, મોનીકા!*
*J*