પ્રકરણ ૨
એ ગુલાબનાં કોલેજનાં છેલ્લાં મહિના હતા. વાર્ષિકોત્સવ પત્યા પછી પરીક્ષા હતી અને પછી વેકેશન. એ બાદ ફક્ત પરિણામ લેવાં જવાનું હતું. ગુલાબ અને માધવના ઘર પાસે પાસે હતા. વચ્ચે એક દીવાલ જ હતી. બંને સરખી ઉંમરના અને સાથે ભણતા હોવાથી એકસાથે જ બસમાં કોલેજ જતા અને ઘરે આવતાં. ગુલાબ એના માબાપનું એકનું એક સંતાન હતી તો સામે છેડે માધવ પણ એકલો જ હતો એટલે બાર વરસના માધવને લઈને જ્યારે એની મમ્મી, વનિતાબેન અહી રહેવા આવ્યા ત્યારે ગુલાબ ખુશ ખુશ થઇ ગયેલી. એને એક મિત્ર મળી ગયેલો. માધવના પપ્પાનું થોડા સમય પહેલાં જ અવસાન થયેલું અને વનિતાબેન એકલા હાથે ખાખરા વણીને માધવને ઉછેરતા હતા. સાસરામાં પતિના ગયા બાદ સારો આવકાર ના મળતા અને પિયરીયું પણ સધ્ધર ન હોવાથી એમણે જાતે જ મહેનત કરીને માધવને ઉછેરવાનું નક્કી કરેલું અને એમાં એમની ખાખરા વણવાની કળા કામે લાગી હતી. માધવ પણ ખુબ ડાહ્યો અને પ્રેમાળ છોકરો હતો. એની મમ્મીનો પડ્યો બોલ જીલતો અને બને એટલું ધ્યાન ભણવામાં જ આપતો. ગુલાબની મમ્મી પુષ્પાબેનને વનિતાના રૂપમાં એક સખી મળી ગયેલી અને ગુલાબનાં પપ્પા લાલભાઈને એક નાની બેન! બંને કુટુંબ વચ્ચે સ્નેહના જે તાંતણા બંધાણા એ વરસો બાદ આજે પણ અકબંધ હતા.
હમણા હમણાથી પુષ્પાબેનની તબિયત સારી નહતી રહેતી. એમને અશક્તિ આવી જતી હતી અને શરીરમાંથી ઝીણો તાવ જવાનું નામ જ નહતો લેતો. ઘણી દવા કરાવી, દાકતર પણ બદલી જોયા છતાં કોઈ ફરક ના પડ્યો. ગુલાબ હવે વીસ વરસની થઇ ગયેલી. એના હાથ પીળા કરાવી દેવાય તો હું આરામથી જીવ છોડું, એવું એ વારે વારે કહેતાં અને એ સાંભળી સાંભળીને જ ગુલાબે વિચારેલું, પહેલીવાર! એના સાજન વિષે! કોણ હશે એ? કેવો હશે? એ પોતાને આખી દુનિયાના બધા પુરુષો કરતાં વધારે પ્રેમ કરતો હશે? એ જ્યારે પણ મળે તો પોતે એને ઓળખશે કેવી રીતે? એનું મન સવાલ કરતું અને પછી એ જ જવાબ પણ આપતું.
ઓળખાશે કેમ નહિ? પોતાના મનનો માનેલો જ્યારે સામે આવીને ઉભો રહેશે, એની પ્રેમભરી નજર એના શરીર પર ફેરવશે ત્યારે પોતાનું રોમ રોમ એ નજરના સ્પર્શને ઓળખી નહિ જાય! પોતાનું હૈયું ઝાલ્યું શે રહેશે? જોર જોરથી એ ધબકવા નહીં લાગ્યું હોય! એ વિચારોની સાથે જ ગુલાબનું હૈયું અત્યારે જ જોર જોરથી ધડકવા લાગતું. સામે કોઈ ના હોવા છતાં એને લાગતું જાણે સામે જ કોઈ ઉભું છે, એક અદ્રશ્ય આવરણ પાછળ એટલે જ પોતાને એ દેખાતો નથી પણ, એની નજરને એ મહેસુસ કરી શકે છે. ક્યારેક એ નજીક આવીને ફૂંક મારીને એના ચહેરા પર જુલી રહેલી લટને હલાવી જાય છે એ જાદુઈ હવાનો સ્પર્શ પોતે ઊંઘમાંય ઓળખી જાય છે. કયારે હટશે એ અદ્રશ્ય આવરણ અને ક્યારે થશે ગુલાબનું એના સાજન સાથે મિલન... એ મિલનના મીઠા મધુરા સપના જોતી ગુલાબ ઊંઘી જાય છે અને સપનામાં એ મિલન થાય છે. પાતળો, ઉંચો કોઈ શશક્ત પુરુષ આવીને ગુલાબને પોતાની બાંહોમાં ભરી લે છે. ગુલાબ ના ના કરતી રહે અને અજાણ્યો ચહેરો એના કપાળે,એની આંખો પર, એના ગાલ પર ચુંબનોનો અવિરત વરસાદ કરી મેલે છે, પોતે ગૂંગળાઈ જાય છે, શ્વાસ લેવા ફાંફા મારે છે, એનું નાજુક બદન ક્યારે પેલા વિશાળ પહાડી પુરુષ નીચે દબાઈ જાય છે એનું પણ એને ભાન નથી રહેતું. એ વખતે એના અંગ અંગમાં પીડા ઉભરી આવે છે અને છતાં, અને છતાય ગુલાબને એ પીડા ગમે છે! એ પીડાને વારંવાર વાગોળવામાં એને અનેરો આનંદ આવે છે! એ વાત અલગ છે કે આજ સુંધી ક્યાંય કોઈ પણ પુરુષમાં એને એના મનના માણિગરની એક હલકી જલક માત્ર જોવાં નથી મળી! એને વિશ્વાસ છે કે કોઈ એવી વ્યક્તિ આ દુનિયામાં છે અને એકને એક દિવસ એ જરૂર એને મળશે ત્યાં સુંધી એણે એની રાહ જોવાની હતી...! એ પણ જોતો હશે પોતાની રાહ, એને પણ પોતાના જેવા જ સપના આવતા હશે અને એટલે જ એ સપનાનું પ્રતિબિંબ પોતાને દેખાય છે, સપના રૂપે! જ્યારે પણ એ કોઈ ફિલ્મમાં હીરો હિરોઇનને પ્રેમ કરતાં જોતી ત્યારે એ મનોમન એમની જગ્યાએ પોતાને અને એનાં સપનાના સાજનને મૂકીને કાલ્પનિક ઉડાણ ભરતી રહેતી...
ઘરમાં ચાલતી ગુલાબનાં લગ્નની વાતો સાંભળી એને થતું કે હવે એ દિવસ નજીક આવી ગયો છે જ્યારે એ પોતાનાં સાજનને સાચુકલી મળશે... કેટલી બધી વાતો કરવાની હતી એની સાથે. ગુલાબ સપનામાં ખોવાઈ જતી. જે હજી જીવનમાં આવ્યો જ નથી એ એનો સાજન કેવો હશે એમ વિચારતાં વિચારતાં હવે એ હવે આવો જ હોવો જોઈએ એ નિષ્કર્ષ પર ગુલાબ પહોંચી ગયેલી એની જાણ બહાર... અચાનક એનાં અંતરમાંથી જાણે એક અવાજ ઊઠતો...
“પાછી વળી જા ગુલાબ સપનાં અને હકિકત વચ્ચેનો ફરક સમજ, એવાં સપનાં ના જો જેને તૂટતાં જોવાની હિંમત ના કરી શકાય!”
ગુલાબ પાછી વિચારે ચઢી જતી આ અંતરમાં કોણ બેઠું બોલતું હશે? શું એ આત્માનો અવાજ છે? આત્માનો અવાજ હોય તો પણ મને જ કેમ સંભળાય છે? આજે જ સ્ટેજ ઉપર કેવો સીન ભજવાઈ ગયો! એ અવાજની વાત મેં માની અને આટલો મોટો ફિયાસ્કો થયો.. કોણ કહે છે તમારાં મનની, તમારાં અંતરની વાત સાંભળો એ ક્યારેય ખોટી સલાહ નહીં આપે..? એ તો સારું હતું કે સામે માધવ હતો એની જગ્યાએ કોઈ બીજો હોત અને મને સામે મારી દીધું હોત તો? ઑ.. બાપરે.... વિચારતાં જ કમકમા આવી જાય છે.
માધવ ગુલાબને મનોમન પસંદ કરતો હતો પણ ક્યારેય એ વાત ગુલાબને કહેવાની એની હિંમત નહતી થઇ. એણે વિચારેલું કે કોલેજ પૂરી થયા બાદ પોતે કોઈ સારી નોકરી શોધી લે પછી એની મમ્મીને કહીને ગુલાબને ઘરે માંગુ લઈને જશે. લાલભાઈ કાકાનો તો પોતે આમેય લાડકો છે અને પુષ્પાકાકી મમ્મીને પોતાની બેનની જેમ સાચવે છે વાંધો નહિ આવે, એ લોકો ‘હા’ જ કહેશે! બાકી બચી ગુલાબ તો એની ‘ના’ને બંદા ગણકારે જ શું કામ? એ ના પાડે તો જબરજસ્તી કરીનેય એને મનાવી જ લઈશ. મારા જેટલું ચાહનારો એને આખી દુનિયામાં બીજો ક્યાં મળવાનો? ગુલાબની લાગણીથી બે ખબર માધવ એની રીતે જ વિચારતો હતો.
માધવ અને ગુલાબના સપના, એમના અરમાનોની જરાય તમા ના રાખનાર નિયતિએ એનું કામ ચાલુ કરી દીધું હતું, વરસો પહેલાથી કદાચ! હવે વખત આવી ગયો હતો એનો પરચો દેખાડવાનો. તમે ગમે એટલું ધારીલો, માની લો, વિચારી લો, થવાનું તો એ જ છે જે એણે નક્કી કર્યું હોય! તમારા સપના તુટવાથી નિયતિને કોઈ પીડા થતી હશે?
ગુલાબ છેલ્લું પેપર આપીને ઘરે આવી એ સાંજે જ એના ઘરનો ફોન જોર જોરથી રણકેલો. એમના એક જાણીતા બેનનો ફોન હતો, એ ગુલાબ માટે એક વાત લઈને આવ્યા હતા. છોકરો અમદાવાદમાં રહેતો અને ખાધેપીધે સુખી ઘરનો હતો. કોઈ મોટી કંપનીમાં એ ઊંચા હોદ્દા પર નોકરી કરતો હતો. એના ઘરમાં એના સિવાય એક બહેન અને મમ્મી હતા. એના પિતાનું બાળપણમાં જ મોત થઇ ગયેલું અને ત્યારથી લઈને અત્યાર સુંધી એ છોકરાની મમ્મી પ્રતિક્ષાબેન જ એ કુટુંબના એકમાત્ર કર્તા હર્તા અને વડીલ બની રહેલા. એમનો મોટો દીકરો વિરાજ અને એનાથી ત્રણ વરસ નાની બહેન રત્નાનાં લાલન પાલન પાછળ જ એમણે એમની જિંદગીનો મહત્તમ સમય વિતાવેલો કરેલો. આજે એ વિરાજને પરણાવીને એમની સઘળી જવાબદારીમાંથી મુક્ત થઇ જવા ઈચ્છતા હતા. એટલે જ જ્યારે એમની સખી લતાબેને એમને ગુલાબની વાત કરી ત્યારે એ છોકરી જોવાં આવવા રાજી થઇ ગયા હતા.
લતાબેનને તો સ્ટેજ ઉપર જોઈ ત્યારની આરસની પૂતળી જેવી ગુલાબ ખુબ ગમી ગયેલી એમને કોઈ છોકરો હોત તો એ ગુલાબને પોતાને ઘરે જ લઈ આવત પણ અફસોસ એમનાં ઘરે ભગવાને એક દીકરી જ આપી હતી. લતાબેન વિરાજને બાળપણથી ઓળખતા હતા, એ સારો છોકરો હતો એટલે જ એમણે પ્રતીક્ષાબેનને કાને આ વાત નાખેલી. બીજાં એક બેન જે બંને પરિવારોને સારી રીતે ઓળખતા હતા એમને વચ્ચે રાખીને લતાબેને ગુલાબ અને વિરાજની મુલાકાત ગોઠવી હતી....
ક્રમશ...
©Niyati Kapadia
મારી બીજી વાર્તાઓ અને લખાણ વાંચવા માટે તમે મારું પેજ લાઈક કરી શકો છો, આ રહી એની લિંક,
https://www.facebook.com/Niyatikapadias-Stories-551413138525739/