માધવને રડતો જોઈ ઇલાબહેનને નવાઇ તો લાગી હતી કારણ માધવ એમ ક્યારેય નાનપણમાં પણ આવું રડ્યો ન હતો. ક્યારેય જીદ કરવી કે રડવું તેના શબ્દકોષમાં જ ન હતું. આટલું રડતો જોઈ ઇલાબહેન પણ ગભરાઈ ગયાં. જ્યારે ખબર પડી કે જય બહાર ભણવા જાય છે ત્યારે માધવ ને ખીજાવા કે તું શું છોકરીની જેમ રડે છે એમ કહેવા કરતાં તેણે માધવને સમજાવવાનું શરૂ કર્યું. ઇલાબહેન ને તો એમ જ કે માધવ અને જય વર્ષોથી મિત્ર છે એટલે તેનાં થી છૂટાં પડવું માધવને ખૂંચતું હશે. બેટા હવે તું પણ કોલેજમાં આવ્યો અને આગળ જતાં તું પણ અલગ સ્ટડી કરવા ક્યાંક જઈશ. અમને પણ તારે એકલાં મૂકી ને જાવું જ પડશે. માધવ ખૂબ જ રડ્યો અંતે શાંત થયો અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો.
ઇલાબહેને ચેતન ભાઈ ને ફોન કર્યો અને ઘરે જલ્દી આવવા કહ્યું. જય ને પણ ફોન કર્યો ઘરે આવવા કહ્યું પરંતુ જયને સવારની ફલાઇટમાં જવાનું હતું એટલે તૈયારી કરવામાં સમય નથી એવો જવાબ આપ્યો. ઇલાબહેન ફરી માધવના રૂમમાં ગયાં જોયું તો માધવ ઊંઘી ગયો હતો એટલે થયું કે રસોઈ પતાવી લે અને 'આજે તો ખાસ માધવને ભાવતી પાણીપુરી મંગાવું જેથી તેનો મૂડ સરખો થાય' એમ વિચારી તેણે પાણીપુરી પાર્સલ માટે ફોન કર્યો. ઇલાબેન મોબાઈલ લઈ બેઠાં , પણ ચિત ચોંટતું ન હતું એટલે રિમોટ લઈ ટીવી જોવા લાગ્યાં. એક મા માટે સૌથી તકલીફ વાળું એટલે તેનાં બાળકના આંખમાં અશ્રુ વહેતાં જોવું. અઘરું ત્યારે બને જ્યારે સમજમાં જ ન આવે કે તેના બાળકને કઈ વાતની તકલીફ છે. છેલ્લા ચાર મહિના કોલેજ ને થયાં એક પણ દિવસ માધવે કોલેજ પાડી ન હતી અને જય અને માધવની જોડી તો માત્ર સ્કુલ જ નહીં માધવના ઘરની આજુબાજુ પણ ફેમસ થઈ ગયેલ અને ઘણાં તો હસતાં હસતાં કહેતાં પણ ખરાં કે માધવ તારા લગ્ન પછી તો આ જય ને છોડજે બાકી તારી પત્નિ તને છોડી દેશે. માધવ એટલું જ કહેતો કે લગ્ન જ નથી કરવા વહુ ક્યાં આવશે...
બેલ વાગી ચેતન ભાઈ આવી ગયા હતાં. માધવ હજી ઊંઘતો હતો. પાર્સલ પણ આવી ગયું હતું ઇલાબહેન જામવાની તૈયારી કરવા લાગ્યાં અને ચેતનભાઇ ને માધવને જગાડવા કહ્યું. ચેતન ભાઈ અને માધવ બાપ દીકરો હતાં પણ સાથે ખાસ મિત્રો પણ ઘણી વખત એમ બનતું કે ઇલા બહેન ની મજાક કરવામાં ચેતનભાઇ અને માધવ એક થઈ જતાં ત્યારે ઇલાબહેન કહેતાં પણ ખરાં કે આ જોવો આવું જ થાય ઍટલે જ મારે દીકરી જોતી હતી. ઇલાબહેન નવ મહિના દીકરી માટે ના દરેક ટોટકા કર્યા ત્યાં સુધી કે ડોકટર ને પૂછ્યું પણ ખરું કે દીકરા માટે દવા હોય તો દીકરી માટે ની દવા પણ હોવી જોઈએ મને તે આપો. ડોકટર મજાકમાં કહેતાં કે તમને તો દીકરો જ આવશે. કોઈ દવા દુઆ કામ નહીં લાગે. માધવ એક જ હતો પણ એ દીકરો છે કે દીકરી એવું ક્યારેય અલગ ઉછેર થયો જ ન હતો. માધવ રડતો ત્યારે પણ ક્યારેય ઇલાબહેન કે ચેતનભાઇ એ એમ નથી કહ્યું કે શું કામ છોકરી ની જેમ રડે છે. ઘરનું નાનું મોટું કામ પણ માધવ ને શીખવાડેલું ત્યાં સુધી કે એકલો હોય તો આરામ થી પોતાના પૂરતી રસોઈ બનાવી જમી શકે. ઇલાબહેન અને ચેતનભાઇ ઇચ્છતા હતાં કે માધવ ક્યારેય કોઈ ઉપર નિર્ભર ન રહેવો જોઈએ. બરાબર યાદ છે નાનપણ માં ઇલાબહેન ફ્રોક લઈ આવ્યાં હતાં અને માધવને પહેરાવેલ પછી ફોટો પડાવ્યો તો કોઈ કહે જ નહીં દીકરો છે કે દીકરી અને આમ પણ માતાપિતા ની નજરે તો બધા એક સમાન છે હોય. નાનપણ થી માધવ ને ઇલાબહેન ની લિપસ્ટિક કે ક્રીમ કે કોમ્પેક્ટ લગાડવાનો બહુ જ શોખ હતો.
"માધવ બેટા જાગ જો તારી ભાવતી પાણીપુરી મંગાવી છે" માધવ ને ચેતન ભાઈ એ પ્રેમ થી જગાડ્યો. માધવ ની ઈચ્છા જ નહોતી થતી ઉઠવાની કહેવાયને કે નીંદર તે અર્ધ મૃત્યુ છે. માધવ બસ એમ જ રહેવા લાગતો હતો. ચેતન ભાઈ ને જવાબ આપ્યો કે "તમે જાવ મને ભૂખ નથી." ચેતન ભાઈએ સમજવા નો પ્રયત્ન કરવા માધવ ને પ્રેમ થી કહ્યું "બેટા જાગ જોઈ , મને વાત કર તારા મનમાં શું ચાલી રહ્યું છે " માધવ જાગી બેઠો થયો , જેવા ચેતન ભાઈ ને જોયા તો ચેતન ભાઈ ને ભેટી રડવા લાગ્યો. "હું જય ને પ્રેમ કરું છું જય મારી જિંદગી છે પપ્પા અને તે મને મધદરિયે મૂકી જાય છે." ચેતન ભાઈ કંઈ જ સમજે તે પહેલાં જ માધવે પોતાના હ્રદયની વાતો કહેવાનું શરૂ કરી દીધું. "પપ્પા જ્યાર થી પ્રેમ શું છે તે ખબર પડી ત્યાર થી મને જય જ ગમે છે. બે વર્ષ થી તો જય પણ મને પ્રેમ કરતો હતો પણ અચાનક કેમ તે મને છોડી જઈ રહ્યો છે"(#MMO)
ચેતન ભાઈ એ ઇલા બહેન ને રાડ પાડી ને પાણીના ગ્લાસ સાથે રૂમમાં બોલાવ્યા. ચેતનભાઇ પોતાના દીકરાની પરિસ્થતિ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં અને તેની ઈચ્છા હતી કે ઇલાબહેન પણ તેને તેમાં સહાય કરે. માધવે પાણી પીધું અને થોડો સ્વસ્થ થયો. "પપ્પા મમ્મી મને જય સાથે પ્રેમ છે, જય ને પણ મારી સાથે પ્રેમ છે. સમજુ છું કે તમને તકલીફ થશે , લોકો વાતો કરશે સમાજ માં તમારી જે નામના છે તે નામોશી માં ફેરવાશે પણ પપ્પા મારી જાતીય પસંદગી તે મારા હોર્મોન પર આધાર રાખે છે. વ્યક્તિગત તો હું જે માધવ પહેલાં છું તે જ છું માત્ર હું કોઈ છોકરી ને પ્રેમ નથી કરી શકતો મને કોઈ છોકરી આકર્ષી શકતી નથી." જય ના ભાઈ ને આ વાત ની ખબર પડી ગઈ હતી એટલે તેણે જય ને અને મને દૂર કરવા આવું કર્યું છે. (#ક્રમશ:)