Featured Books
શ્રેણી
શેયર કરો

જ્યારે ફિલ્મો જોવી પણ એક ઉત્સવ હતો - ૩

મારું બાળપણ અમદાવાદમાં વીત્યું અને મોટાભાગની કિશોરાવસ્થા પણ. કિશોરાવસ્થાના પાંચ વર્ષ તે સમયે પંચમહાલ તરીકે ઓળખાતા જીલ્લાના મુખ્યમથક ગોધરા અને બાદમાં લુણાવાડામાં પસાર કર્યા હતા. આ ઉપરાંત ઉનાળુ વેકેશનમાં વતન રાજકોટ અને જન્મસ્થળ જામનગર જવાનો વારંવાર મોકો મળતો જે યુવાનીમાં પ્રવેશ કરવા પછી પણ સતત ચાલુ રહ્યો હતો. આમ કુલ પાંચ વિવિધ સ્થળો અથવાતો નગરોના થિયેટરો જોવાનો, માણવાનો મોકો મળ્યો છે.

પરંતુ એ સમયમાં કોઇપણ શહેર કે નગર હોય કેટલાક ચૂંટેલા થિયેટરો જ સ્વચ્છ અને સુઘડ રહેતા. એક બીજી હકીકત પણ હતી અને એ એવી હતી કે જો કોઈ થિયેટર સ્વચ્છ હોય તો પણ તેમાં ગરમીના સમયમાં ફિલ્મ જોતી વખતે ઠંડકનો અનુભવ થશે જ એવી કોઈજ ગેરંટી ન હતી. એ સમયે ઘરમાં એસી હોય એ તો બહુ મોટી વાત કહેવાતી ઇવન થિયેટરો માટે પણ એને વસાવવા મોંઘા પડી જતા, આથી એ વખતે એરકુલ્ડ થિયેટરો અસ્તિત્વ ધરાવતા હતા. એરકુલ્ડ થિયેટર એટલે આપણે ત્યાં જે અત્યારે કુલર હોય છે, પેલા ઘાંસવાળા એવા જાયન્ટ કુલરોથી સિનેમાહોલ ઠંડો કરવામાં આવતો.

આ પ્રકારના એરકુલ્ડ થિયેટરોની રિલીઝ થનારી અથવાતો થઇ ચૂકેલી ફિલ્મોની છાપામાં જાહેરાત આવે ત્યારે તેના મોટા અક્ષરે લખેલા નામની પાછળ ‘(એરકુલ્ડ)’ એમ ખાસ લખવામાં આવતું. આ જ વસ્તુ તેની ટીકીટ પર પણ લખવામાં આવતી. પરંતુ જેમ અગાઉ કહ્યું તેમ આ પ્રકારની ‘લક્ઝરી’ સિનેમાચાહકોને શહેરના દરેક થિયેટરોમાં મળે જ એ જરૂરી ન હતું. તેમ છતાં ભદ્ર સમાજના અથવાતો મધ્યમવર્ગના લોકો ત્રણ કલાકની બાદશાહી ભોગવવા માટે પ્રાથમિકતા આ પ્રકારના થિયેટર્સને જ આપતા.

મારો અંગત અનુભવ કહું તો જ્યારે અમદાવાદના સિનેમાગૃહો થિયેટર્સમાંથી મલ્ટીપ્લેક્સ બનવા તરફના સંક્રાંતિકાળમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આ પ્રકારના એરકુલ્ડ થિયેટર્સની સંખ્યા પણ મરવાના વાંકે જીવી રહી હતી. આજે જે બંધ પડી ગયું છે તે આશ્રમરોડ પર આવેલા ‘શ્રી’ સિનેમામાં ભરઉનાળે નવાનવા ગમવા લાગેલા અક્ષયકુમારની ફિલ્મ ‘ખિલાડીઓ કા ખિલાડી’ જાણેકે કોલસાની ભઠ્ઠીમાં બેસીને જોઈ રહ્યો હોય એવો અનુભવ કરેલો છે અને એ પણ કોઇપણ પ્રકારની ફરિયાદ કર્યા વગર. આજે હું જ કોઈ મલ્ટીપ્લેક્સમાં ઉનાળામાં ફિલ્મ જોતી વખતે પાંચ મિનીટ પણ એસી બંધ થાય તો આકુળવ્યાકુળ થઇ જાઉં છું અને વિચાર આવવા લાગે છે કે હવે બાકીની ફિલ્મ પૂરી કેમ થશે?

અમદાવાદના એ સમયના એરકુલ્ડ અથવાતો સારા કહી શકાય તેવા થિયેટર્સમાં નટરાજ, દિપાલી (આજનું સીટી ગોલ્ડ), અજંતા-ઈલોરા (એ સમયનું મલ્ટીપ્લેક્સ, એકજ બિલ્ડીંગમાં ઉપર અને નીચે થિયેટર્સ), શિવ (આજનું શિવ સિનેપ્લેક્સ), શ્રી (તેના છેલ્લા દિવસો સિવાય), લાલદરવાજા નજીકનું રૂપાલી, રિલીફ રોડ પરનું રિલીફ અને રૂપમ (જો કે અહીં ગુજરાતી ફિલ્મો વધુ આવતી, તેમ છતાં), અહીંથી થોડે દૂર પ્રકાશ, કાંકરિયા પાસેનું બીજું ‘મલ્ટીપ્લેક્સ’ અપ્સરા-આરાધના અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ મારા ઘરથી ચાલીને જવાય એટલી દૂર આવેલું અંજલિ!

રાજકોટના સારા થિયેટર્સમાં આમ્રપાલી, એસ્ટ્રોન, ધરમ, ગિરનાર અને આ તમામથી શિરમોર એવું ગેલેક્સી! ગેલેક્સી એ સમયે પણ આજના મલ્ટીપ્લેક્સની સુવિધાઓ આપતું અને અહીંની સાઉન્ડ સિસ્ટમ એ સમયે પણ અદભુત ગણાતી. મેં મારા કોલેજકાળમાં ફરીથી રિલીઝ થયેલી ફિલ્મ ‘શોલે’ ગેલેક્સીમાં જોઈ હતી અને હું એવું ભારપૂર્વક કહી શકું છું કે મેં અત્યારસુધીમાં સો કરતાં પણ વધુ વખત શોલે જોઈ હશે પરંતુ ગેલેક્સીમાં શોલે જોવાના અનુભવ સાથે અન્ય એક પણ અનુભવની તુલના કરવી જ બેકાર છે! જામનગરમાં મને અત્યારે એક અંબર સિનેમા યાદ આવે છે જે ઠીકઠાક કહી શકાય એવું હતું.

ગોધરામાં કૃષ્ણ અને ચિત્રા વ્યવસ્થિત થિયેટર હતા પરંતુ તેમ છતાં એ સમયે ગામથી દૂર એવા મૂનલાઈટ સિનેમાની સરખામણી અમદાવાદ, વડોદરા જેવા શહેરોના થિયેટર્સ સાથે કરી શકાય એવી હતી. અહીં ભારતની પ્રથમ 3D ફિલ્મ ‘છોટા ચેતન’ જોવાનો અહ્લાદ્ક અનુભવ મળ્યો હતો. મને યાદ છે કે તે સમયે 3D ટેક્નિક ભારતમાં નવી નવી વિકસી હતી એટલે મૂનલાઈટ સિનેમાના પડદાને ચારેતરફથી કાળા કપડાથી ઢાંકી દેવામાં આવ્યો હતો અને ફિલ્મ અમુક અઠવાડિયા જ ચાલી હતી કારણકે પછી વિતરકોને તેને અન્ય નાના નગરોમાં દેખાડવાની હોવાથી હાઉસફુલ જતી હોવા છતાં તેને અહીંથી ‘ઉતારી લેવામાં’ આવી હતી.

અમદાવાદના ઉપર જણાવવામાં આવેલા તમામ થિયેટર્સ સ્વચ્છ, સુઘડ અને ‘એરકુલ્ડ’ રહેતા અને આ તમામ ‘પ્રિમીયમ’ થિયેટર્સમાં પ્રિમીયમ ફિલ્મો જ આવતી. હા એક વાત જરૂર હતી કે તે સમયે એવી ઘણી ફિલ્મો હતી જે ત્રણ કલાક લાંબી રહેતી. હવે આખા દિવસમાં ઓછામાં ઓછા ચાર શો તો સમાવવા જ પડતા? એટલે ઘણીવાર એવું બને કે એક શો છૂટે એટલે બીજો શો તરતજ શરુ કરી દેવામાં આવતો. આથી આ થિયેટર્સના સફાઈ કર્મચારીઓને નાની ફિલ્મોમાં સાફસફાઈ કરવાનો ચાન્સ મળતો એ આ પ્રકારની ફિલ્મોમાં ન મળતો. આથી દર્શકો ફિલ્મ જોવા પોતપોતાની જગ્યાએ બેસી જાય અને ફિલ્મ શરુ થઇ જાય પછી તેઓ સફાઈ કરવાનું શરુ કરતા. આમ, ઘણીવાર ફિલ્મમાં કોઈ રસપ્રદ સીન ચાલી રહ્યો હોય અને એ સફાઈ કર્મચારી પોતાની ફરજ બજાવવા આવે અને કહે “બોસ જરા પગ ઊંચા લેજો તો!” તે વખતે એવો તો ગુસ્સો આવતો...એવો તો ગુસ્સો આવતો કે વાત જ ન પૂછો!

તો આ પ્રકારના લાંબી ફિલ્મો જોતા સમયે એક અન્ય અનુભવ પણ થતો. અમુક ફિલ્મો ત્રણ કલાક કે ત્રણ કલાકથી સહેજ લાંબી હોય તો બીજો શો તરતજ ચાલુ કરી દેવામાં આવતો આથી એક શોના દર્શકો હજી બહાર જઈ રહ્યા હોય અને પછીના શોના દર્શકો અંદર આવી રહ્યા હોય ત્યાં સુધીમાં તો ફિલ્મ શરુ થઇ જતી. ‘મૈને પ્યાર કિયા’ અને ‘હમ આપકે હૈ કૌન’ આ બંને ફિલ્મો વખતે અંજલિ સિનેમામાં આ પ્રકારનો અનુભવ થયો હતો. આ બંને ફિલ્મો જોવા માટે થિયેટરમાં પ્રવેશ કરતી સમયે જોયું તો ફિલ્મના ટાઈટલ્સ ઓલરેડી શરુ થઇ ગયા હતા. પરંતુ જ્યારે ફિલ્મ પૂરી થઇ અને થિયેટરની બહાર નીકળવાનું થયું ત્યારે શરૂઆતમાં જે ટાઈલ્સ ચૂકાઈ ગયા હતા એ જોવા મળી ગયા હતા એનો સંતોષ માની લીધો હતો!

આ સિરીઝના અંતિમ ભાગમાં આપણે જોઈશું કે એ સમયે ફિલ્મો જોવી ઉત્સવ કેમ ગણાતો તેના મૂળ કારણો.