When watching movie was a festival - 1 books and stories free download online pdf in Gujarati

જ્યારે ફિલ્મો જોવી પણ એક ઉત્સવ હતો! - ૧

આ આર્ટીકલમાં તારક મહેતા કા ઉલટા ચશ્માના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેની જેમ ‘હમારે ઝમાને મેં’ ની વાત અને વખાણ કરીને આજના જમાનાની કે આજના યુવાનોની સિનેમા જોવાની આદતની ટીકા કરવાની કોઈજ ઈચ્છા નથી. આ આર્ટીકલનો હેતુ માત્ર ને માત્ર યુવકોને તેમના માતા-પિતા અને દાદા-દાદી કેવી રીતે ફિલ્મો જોવાનો આનંદ મેળવતા તે જણાવવાનો છે અને એમના માતાપિતા અને દાદા-દાદી જો આર્ટીકલ વાંચતા હોય તો તમને એ સમયમાં ફરીથી પ્રવાસ કરાવવાનો છે.

એ સમય લગભગ પંદર વર્ષ પહેલા સુધી ચાલુ હતો જ્યારે સિંગલ સ્ક્રિન થિયેટરોની સંખ્યા હજી પણ સારીએવી હતી. પરંતુ તેનાથી પણ આગળ વધીએ તો એ સમયે ફિલ્મો તો શુક્રવારે જ રિલીઝ થતી. પછી ભલે ગુરુવારે કે બુધવારે ઈદ કે દિવાળી હોય તો પણ ફિલ્મો તો શુક્રવારે જ રિલીઝ થાય એ નિયમ હતો. એમાં જો અમિતાભ બચ્ચનની ફિલ્મ હોય તો તેની રાહ આગલા અઠવાડિયાથી જ શરુ થઇ જતી. એ સમયનું મારું બાળપણ યાદ કરું તો જે શુક્રવારે જે કોઇપણ નવી ફિલ્મ આવવાની હોય તે પહેલાના રવિવારે રાત્રે શહેરભરમાં ફિલ્મના નાના અને વિશાળ પોસ્ટરો દીવાલો પર ચીપકાઈ જતા.

આટલું જ નહીં પરંતુ એ સમયના ગુજરાતી અખબારોમાં પણ દર શુક્રવારે અને રવિવારે એક અથવા દોઢ પાનું ભરીને તે દિવસે રિલીઝ થયેલા કે ઓલરેડી રિલીઝ થઇ ચૂકેલી ફિલ્મોની મોટી મોટી જાહેરાતો આવતી. બાળક તરીકે જે વખતે કોઈ નવી ફિલ્મનું વિશાળ પોસ્ટર જોવું હોય તો એના માટે મારા વિસ્તારની બહાર નીકળવું પડતું. કારણકે મારા વિસ્તારમાં આ પ્રકારે પોસ્ટરો ચોંટાડવામાં આવતા નહીં પરંતુ જ્યારે મમ્મી પપ્પા જોડે બજારમાં ખરીદી કરવા જાઉં ત્યારે એ પોસ્ટરો નજરે ચડે અને પગ ત્યાંજ થોભી જાય.

છાપામાં પણ આવતી પેલી મોટી જાહેરાતોમાંથી દરેકને ન્યાય આપવાનો આવતો એટલે દરેક જાહેરાતને ધ્યાનથી જોવાની. એના ચિત્રવિચિત્ર ફોટાઓ જોવાના, નીચે કોણ કોણ કલાકારો છે એના નામ, જાણ હોવા છતાં વાંચવાના, પછી શોના સમય શું છે એ પણ જોવાના મોટેભાગે ૧૨-૩-૬-૯ જ હોય પણ તોય જોવાના એટલે જોવાના જ અને છેવટે કયા કયા થિયેટરમાં એ શો ચાલે છે એની માહિતી લેવાની. હવે ફિલ્મ જોવા માટે તો પૈસા લાગે? એટલે ક્યારે જોવી એ નિર્ણય માત્ર પપ્પાનો જ હોય.

ત્યારે ટીકીટના ભાવ તો નવી ફિલ્મ હોય તો પણ એક જ હોય જેટલા એ જૂની થાય ત્યારે, પણ જ્યારે કોઈ મોટા કલાકારની ફિલ્મ આવે ત્યારે તેની ટીકીટો થિયેટરની બહાર ‘બ્લેકમાં’ વેંચાતી હોય. એટલે કોઈ વ્યક્તિ બલ્ક બુકિંગ કરાવીને ટીકીટોને બમણા કે ત્રણગણા ભાવે વેંચે. જો કે અમુક મામલામાં થિયેટર માલિકોની પણ એમાં સાંઠગાંઠ હોવાના કિસ્સા બહાર આવતા, કારણકે ટીકીટબારી ખુલે કે પંદર મિનિટમાં હાઉસફૂલનું પાટિયું ઝૂલતું જોવા મળે એટલે દર્શકો જે લાંબી લાઈનમાં ઉભા હોય એને ડાઉટ પડે જ પડે કે “દયા, કુછ તો ગડબડ હૈ!”

આ હાઉસફૂલનું પાટિયું એ કોઇપણ થિયેટર માલિક માટે ગર્વનો વિષય હતો, અને તે ફિલ્મના નિર્માતા, નિર્દેશક અને કલાકારો માટે પણ એ જ ફીલિંગ લઇ આવતો. જ્યારે પણ થિયેટરની બદ્ધી જ ટીકીટો વેંચાઈ જાય ત્યારે આ હાઉસફૂલનું પાટિયું ઝૂલતું. હવે કોઈ વ્યક્તિ બપોરે ૧૨ના શોનો પ્રોગ્રામ કરીને આવ્યો હોય તો મોટાભાગના કિસ્સામાં એ બપોરે બે વાગ્યે ૩ વાગ્યા માટે જ્યારે ટીકીટ બારી ખુલે ત્યારે ફરીથી ટીકીટ લઈને ‘પિચ્ચર’ જોયા વગર તો ઘરે જવું જ નથી એવી હઠ લઈને જ ઉભો હોય. પણ પરિવાર સાથે ફિલ્મ જોવા આવનાર વ્યક્તિ મોટાભાગના કિસ્સાઓમાં વિલે મોઢે જ પરત ફરતો.

તો આ બ્લેકની ટીકીટ ત્યારેજ વેંચાય જ્યારે ફિલ્મ નવી નવી હોય. આવી સામાન્ય સમજ હતી. અમિતાભ બચ્ચનની ફિલ્મો તો પહેલેથી જ હીટ માનવામાં આવતી! એટલે એની ફિલ્મોની ટીકીટના બબ્બે-ત્રણત્રણ અઠવાડિયા સુધી કે તેનાથી પણ વધુ સમય સુધી બ્લેક બોલવામાં આવતા. એટલે મિડલ ક્લાસ પરિવારો મોડેથી જ ફિલ્મો જોવાનું પસંદ કરતા. ભલું થજો ભગવાનનું કે એ સમયે સોશિયલ મિડિયા ન હતું નહીં તો તત્કાળ રિવ્યુ કરનારાઓને લીધે ટીકીટોના બ્લેક કરનારા ભૂખે મરતા હોત!

રિવ્યુની વાત આવી છે તો એ સમયમાં ગુજરાતી અખબારોમાં ફિલ્મ રિવ્યુની કોઈ સિસ્ટમ જ ન હતી. માત્ર અંગ્રેજી અખબારોમાં શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મોના રિવ્યુ રવિવારે આવતા જેમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ખાલીદ મોહમ્મદના રિવ્યુ વધુ વંચાતા અને વખાણતા. એ વખતે એમના રિવ્યુ વાંચનારાઓ પણ એ જ ભૂલ કરતા જે આજકાલ લોકો કરે છે અને એ ભૂલ એવી કે રવિવારે સવારે એમનો રિવ્યુ વાંચીને નક્કી કરે કે સાંજે ફિલ્મ જોવા જવી કે નહીં!

આગળ આપણે ચર્ચા કરી કે બ્લેકમાં ટીકીટ તેના મૂળભાવ કરતા બે ગણા કે ત્રણ ગણા ભાવમાં વેંચાતી, તો કદાચ આજના કોઈ યુવાન કે યુવતીને સવાલ થાય કે તો છેવટે ટીકીટની મૂળ કિંમત કેટલી હોય? જો હું તમને ટીકીટના દર જણાવીશ તો તમને હસવું આવશે. મેં છેલ્લે મારા કોલેજકાળમાં સિંગલ થિયેટરમાં ફિલ્મ જોઈ હતી બોબી દેઓલ, મનીષા કોઈરાલા અને કાજોલની ‘ગુપ્ત’ અને એ વખતે હું મારા મિત્રો સાથે ૭ રૂપિયાની બાલ્કનીની ટીકીટ લઈને ફિલ્મ જોવા ગયો હતો.

હવે આ બાલ્કની એટલે શું? આવો સવાલ યુવાપેઢીના વાચકને થાય એ સ્વાભાવિક છે. તો ચાલો જાણીએ કે આ બાલ્કની એટલે શું! પણ વેઇટ... આ માહિતી આપણે આ લેખમાળાના આગલા ભાગમાં વાંચીએ તો? ત્યાં સુધી થોડી રાહ જુઓ ઓકે?

ક્રમશઃ

૪ સપ્ટેમ્બર ૨૦૧૯, બુધવાર

અમદાવાદ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED