ગુલાબી રંગ આથમતી સંધ્યાનો Urvi Hariyani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુલાબી રંગ આથમતી સંધ્યાનો



પૂરો પત્ર વંચાઈ રહ્યા બાદ દિવ્યેશની આંખો ભીની થઇ ગયેલી . આવા પત્રની તો તે ક્યારની રાહ જોઈ રહેલો . જ્યારથી ઝીલ પરણીને સાસરે ગઈ ત્યારથી.

ત્યાં મમતાએ આવી ગાર્ડન ટીપોઈ પર ચા-નાં બે કપ મૂક્યા . એક કપ તેણે દિવ્યેશને આપ્યો . બીજો પોતે લીધો . ઝીલનાં હસ્તાક્ષરવાળો દિવ્યેશનાં નામે આવેલ એ કવર એણે ફોડયું ન હતું . એમાં ઝીલનો કોઈ સંદેશો હશે એ જાણવા છતાં એમને એમ એ કવર અકબન્ધ આપ્યું હતું.

એની આંખોમાં આતુરતા હતી . ઝીલનાં ખુશી સમાચાર જાણવાની આતુરતા . પત્રમાં ઝીલે ખુશી સમાચાર સિવાય કંઈક એવું ઘણું બધું લખ્યું હતું જે ખૂબ અલગ હતું . એ વાંચીને દિવ્યેશનું હૈયું ભરાઈ આવેલ . દિવ્યેશે એ પત્ર મમતાને આપ્યો . જેમ - જેમ મમતા એ પત્ર વાંચતી ગઈ તેમ - તેમ તેની આંખો ભીંજાતી ગઈ .

??????

સતત છેલ્લાં દસ દિવસથી રડ રડ કરતી મમ્મીને જોઈ છ વરસની ઝીલ મુંઝાતી હતી . સંસાર ફરી માંડવાનો નિર્ણય મમતાને કમને લેવો પડેલ .

જીવનનિર્વાહ માટે, કાયમી વસવાટ માટે એની પાસે કંઈ જ બચ્યું ન હતું. કચ્છમાં આવેલાં એ ગોઝારા ભૂકંપે એનાં પતિ અખિલેશ સહિત દોઢ વર્ષીય માસૂમ પુત્ર નીલ અને સાસુને ભરખી લીધેલાં . ઘર જમીનદોસ્ત થઈ ગયેલું . કીંમતી ઘરવખરી દટાઈ ગયેલી .

મૂડીમાં એની પાસે એની છ વર્ષીય પુત્રી એક માત્ર ઝીલ રહી હતી . ભુજ ખાતેનાં નિરાશ્રિત કેમ્પમાં આજે તેમનો છેલ્લો દિવસ હતો .


આજે દિવ્યેશ સાથે એનાં કોર્ટમેરેજ હતા . ભચાઉ નજીકના નાનકડા ગામમાં વસતો દિવ્યેશ આજે ભુજ ખાતે લગ્ન માટે આવ્યો હતો . એ મમતા સાથે લગ્નગાંઠે બંધાઈને બેય મા -દીકરીને એની સાથે લઈ જવાનો હતો .

કરીયાણાનો છૂટક ધન્ધો કરતો દિવ્યેશ પાંત્રીસનો થઈ ચૂક્યો હોવા છતાં પરણી નહોતો શક્યો .માતા -પિતાના એક માત્ર પુત્ર એવા દિવ્યેશને માથે માતા - પિતાની બહુ મોટી જવાબદારી હતી . લકવાગ્રસ્ત માતા છેલ્લાં પંદર વર્ષથી ખાટલાવશ હતી .પિતાએ વર્ષો પહેલાં એક અકસ્માતમાં આંખો ગુમાવી દીધેલ.

પરિણામે નાની ઉંમરમાં દિવ્યેશે ધન્ધો અને મા-બાપને સંભાળવા પડેલ . અન્ડર ગ્રેજ્યુએટ , નાનકડા ગામમાં રહી સાધારણ આવક રળતા , માતા- પિતાની બેવડી જવાબદારી ધરાવતા દિવ્યેશનું ઠેકાણું પડ્યું ન હતું તો એમાં કોઈ નવાઈ ન હતી

કુંવારો દિવ્યેશ એક પુત્રીની માતા એવી મમતા સાથે લગ્ન કરવા સમજપૂર્વક તૈયાર થયો હતો . જેમ - જેમ એનાં માતા -પિતાની ઉંમર વધતી જઇ રહેલ તેમ તેમ એનો સમય તેમની સારસંભાળમાં વધુ અને દુકાનમાં ઓછો થતો જઇ રહેલ .

હવે દવાઓનાં વધતા ખર્ચ સામે ઓછું ધ્યાન અપાઈ રહેલ ધન્ધો ઓછું રળી રહેલ . એ મુશ્કેલીએ એને મા -બાપની જવાબદારી ઉપાડવામાં સાથ આપે એવી જીવનસાથીની તીવ્ર જરૂરિયાત ઉભી કરી દીધેલ . એનાં લીધે એ સમજપૂર્વકનાં સગવડિયા લગ્ન માટે પ્રેરાયો હતો .


મમતાએ હળવા કંપભર્યા સ્વરે પહેલી મુલાકાતમાં જ એને કહી દીધેલું કે ઘર અને આર્થિક સ્વાવલંબનનાં અભાવે જ તે આ લગ્ન કરી રહી છે . એનાં માટે ભૂકંપમાં ગુમાવી દીધેલ પતિ અખિલેશ અને પુત્ર નીલને ભૂલી , સંસાર માંડવાનું શક્ય નથી .


દિવ્યેશ સાથે એનાં ગામમાં જતાં પહેલાં મા -દીકરી ભુજના જમીનદોસ્ત થઈ કાટમાળ બની ચૂકેલ તેમનાં ઘરને છેલ્લી વાર જોવા ગયેલ .દટાઈ ચૂકેલ ફ્લેટની સાથે એમનાં પૂર્વ સંસારની યાદો દટાયેલ હતી .બંને મા - દીકરી એકમેકને વળગી ખૂબ રડેલાં .


અખિલેશના ભરપૂર લાડમાં ઉછરેલ ઝીલ માતાના સગવડીયા લગ્નથી ઘણી અસ્વસ્થ થઈ ગયેલી . ઝીલ એની માતાના સંજોગો, પરિસ્થિતિ અને વાસ્તવિકતા સમજવા માટે ઘણી નાની હતી .

એનું બાળમાનસ સ્વાભાવિકપણે દિવ્યેશને પિતાના સ્થાને સ્વીકારવા તૈયાર ન હતું . એ શરૂઆતમાં રોજ રડતી અને મમતાને કહેતી , ' મમ્મી , મારે જુના ઘરે જવું છે . મારી સ્કૂલે જવું છે . મને અહીં નથી ગમતું...' મમતા તેને યેનકેન પ્રકારેણ શાંત કરતી .તે રાતોરાત બદલાઈ ચૂકેલ પોતાની તેમ જ દીકરીની પરિસ્થિતિ પર નિ:સાસો નાંખતી .

જો કે બીજી તરફ લગ્ન બાદ આર્થિક ચિંતા ટળી જતાં મમતા ઘણી રાહત અનુભવતી હતી . મમતા એનાં માતા-પિતાનું મોટી વયે થયેલ એક માત્ર સંતાન હતી .એનાં માતા - પિતા તો તેનાં લગ્ન સમયે પણ હયાત ન હતા . મામા - માસીની ઓથે મોટી થયેલી મમતાનો એમની સાથેનો સંપર્ક લગ્ન બાદ નહીંવત્ જેવો થઈ ગયેલો .અખિલેશના કુટુંબમાંય એક માત્ર એની માતા હતી , જે ભૂકંપમાં દીકરાની સાથે જ ચાલી નીકળેલ .

દિવ્યેશ ઘણો સજ્જન હતો . એ મમતાની વ્યથાને સારી રીતે સમજતો હતો . એણે સીધી કે આડકતરીક રીતે કયારેય મમતા પાસે સંસારસુખનો દાવો કર્યો ન હતો .


સામા પક્ષે મમતાએ પ્રેમપૂર્વક સામાજિક દ્રષ્ટિએ એનાં સાસુ - સસરા એટલે કે દિવ્યેશનાં માતા -પિતાની સારવારનું કાર્ય સંભાળી લીધેલ. દિવ્યેશનો ઘણો બધો ભાર હળવો થઈ ગયેલ . હવે એ એનું પૂરેપૂરું ધ્યાન ધન્ધામાં આપી શકતો હતો . એનો ધન્ધો ફરી બરાબર ચાલવા લાગ્યો હતો .
પરંતુ ઝીલ બહુ ચીડિયણ બની ગયેલી . નવી બદલાયેલી પરિસ્થિતિમાં ગોઠવાવામાં એને તકલીફ થઈ રહેલ . એને એની મમ્મી સુવાંગ એટલે કે પૂરેપૂરી જોઈતી હતી . સાસુ - સસરાની સારવારમાં પરોવાયેલી મમતાને જોતાં તે ધૂંધવાઈ ઉઠતી . એ નાના નાના કારણોસર કજિયા કરતી . એ કહેતી , ' રોજ રોજ મને ખીચડી નથી ભાવતી .'

મમતા એને સમજાવતી - પટાવતી . જો કે દિવ્યેશનાં ધ્યાનમાં આ વાત આવી જતાં તે રોજ ઘરે પાછા ફરતાં એનાં માટે બજારનું ફરસુ ફરસાણ જેવું કે ભજીયા - ભૂસું - ગાંઠિયા બંધાવી લાવતો . એ મમતાને કહેતો કે , 'ભલે મમ્મી-પપ્પા એમની નાદુરસ્ત તબિયતને લીધે અવનવું ન ખાય . પણ ઝીલ માટે એણે ઝીલને ભાવતું સારું સારું ખાવાનું બનાવવું . એ પણ તેમની સાથે ખાશે.'

જો કે આ ગાળો બહુ લાંબો ન ચાલ્યો . બસ , જાણે વહુની આવવાની જ રાહ જોતા હોય એમ મમતાની ચાકરી પામી એ વૃદ્ધ પતિ - પત્નીએ વારાફરતી વર્ષ - સવા વર્ષનાં અંતરે પોતાની જીવનલીલા સંકેલી લીધી .

તેમની વિદાય બાદ સૂના પડેલાં ઘરમાં દિવ્યેશ અને મમતા એકદમ મૌન બની ગયાં . બંનેય ને સમજાતું ન હતું કે તેઓ આ સંજોગોમાં શું કરે ?

દિવ્યેશે અંતે એનો રસ્તો કાઢ્યો હતો . ઝીલ નવ વર્ષની થઈ ચૂકી હતી . ગામની શાળાનું અભ્યાસ ધોરણ બહુ કંઈ સારું ન હતું. તેણે મમતાને સૂચવ્યું હતું કે ઝીલનાં સારાં ભવિષ્ય માટે બંનેય મા -દીકરી ભુજમાં રહે. એ ત્યાંનો ખર્ચો આપશે અને જરૂરત પ્રમાણે આવતો - જતો રહેશે .

મમતાને પહેલાં તો દિવ્યેશની વાત સમજાઈ ન હતી . અને જ્યારે સમજાઈ તો તેનાં પર વિશ્વાસ ન આવતો હોય એમ તેને જોઈ રહી .

ઝીલ તો 'ભાઈ 'ની આ દરખાસ્ત સાંભળી નાચી ઉઠેલી . દિવ્યેશનાં માતા-પિતા એને 'ભાઈ' કહી સંબોધતા . એ પ્રમાણે ઝીલ પણ જરૂર પડ્યે દિવ્યેશને બોલાવવો પડે એમ હોય તો ' ભાઈ ' કહેતી. સ્વાભાવિકપણે તે પોતાના પિતા અખિલેશની જગ્યાએ દિવ્યેશને નહોતી સ્વીકારી શકી .એમાં એનો વાંક ન હતો . એમ તો ખુદ સામેથી લગ્નબન્ધન સ્વીકારનાર મમતાય એને અખિલેશની જગ્યા ક્યાં આપી શકી હતી ?

મમતાને લાગ્યું હતું કે દિવ્યેશનો પ્રસ્તાવ આવકારદાયી છે . દિવ્યેશના માતા -પિતાનું અવસાન થઈ ગયેલ હોઈ એ મનથી એમ માની ચૂકેલ કે દિવ્યેશ તરફની એની જવાબદારી પૂરી થઈ ગઈ છે .નાના ગામમાં ન તો ઝીલનું કોઈ ભવિષ્ય હતું કે ન તો એમને બાંધી રાખે તેવું કોઈ ખેંચાણ . જો કે ક્ષણભર માટે , પહેલીવાર એ દિવ્યેશના આ ઉદાર પ્રસ્તાવથી ભીતરથી હલી જરૂર ગયેલી .

પોતાનાં ગમતા શહેરમાં વસવાટની અને ગમતી સ્કૂલમાં દાખલ કરવાની વાત જ્યારે દિવ્યેશે કરેલી ત્યારે ઝીલને તો આસમાન હાથવેંતમાં હોવાની લાગણી થઈ આવેલી . એ પળે , એક ન દેખાય એવા બહુ જ બારીક લાગણીનાં તંતુથી 'ભાઈ ' સાથે તેનું દિલ જાણે-અજાણ્યે જોડાઈ રહ્યું .

દિવ્યેશે મમતાને કહયું હતું કે આજ સુધી એની જીંદગીનાં પરિઘનું કેન્દ્ર તેનાં માતા - પિતા હતા. હવે એમની વિદાય બાદ એ કેન્દ્ર ઝીલ બનશે . મમતાએ અઢી વર્ષ સુધી તેના માતા- પિતાની સેવા કરવામાં તેનો સાથ આપ્યો એ બદલ તે હંમેશ તેનો ઋણી રહેશે . હવે ઝીલની ઇચ્છા સંતોષવી અને તેની ઈચ્છા મુજબ એને સારામાં સારી સ્કૂલમાં એડમિશન લઈ આપી એને બહેતર રીતે ઉછેરવી એ જ એનાં માટે પ્રાથમિક અને મહત્વનું છે .

મમતા દિવ્યેશનાં વિચાર જાણી દંગ થઈ ગયેલ . તેનું ઓશિયાળું અંતર આળુ થતાં , બે અશ્રુબિંદુ એની આંખમાં ચમકી ગયેલાં અને એ છુપાવવા માટે તેને ચહેરો ફેરવી લેવો પડેલ .

દિવ્યેશે કહેલું કરી બતાવ્યું હતું . ભુજની સારી સ્કૂલમાં ઝીલનું એડમિશન લીધું હતું . સ્કૂલની નજીકમાં જ ઘર ભાડે લીધેલું . મા - દિકરીની જરૂરિયાત મુજબ જરૂરી ઘરવખરી ગામનાં ઘરેથી તો થોડીક ભુજની બજારમાંથી ખરીદીને ઘર વસાવી દીધેલું .

પહેલીવાર , એ બંનેયને ત્યાં મૂકી જ્યારે ગામ પાછો ફરતો હતો ત્યારે તેનાં પગ મણ મણનાં વજન મુકાઈ ગયા હોય એમ ભારે થઈ ગયા હતા. મમતાય ક્ષુબ્ધ હતી . ફકત ઝીલ કલબલાટ કરતી હતી . દિવ્યેશની આંખોમાં પાણી આવી ગયા હતાં . તેને લાગ્યું કે દુનિયામાં જાણે કે એ તદ્દન એકલો થઈ ગયો હતો . છતાં પણ , પોતાની ખુશી માટે મા - દિકરીને બાંધી ન રાખવા માગતા દિવ્યેશે એક વાર પણ પાછું વાળીને જોયું ન હતું.

ભુજ ખાતે મા - દીકરી સરસ રીતે ગોઠવાઈ ગયેલ .મમતાને તો ભૂકંપ અસરગ્રસ્ત રાહે સરકારી ખાદી ગ્રામોદ્યોગમાં ઠીક ઠીક કહી શકાય એવી નોકરી પણ મળી ગઈ હતી .

એવામાં એક દિવસ , શનિવારની સાંજે દિવ્યેશ ભુજનાં ઘરે પહોંચ્યો ત્યારે ઝીલ ઘરનાં બારણે જ રડું રડું થતાં ચહેરે ઊભી હતી .

દિવ્યેશને જોતાં જ એણે દોટ મૂકી અને એને લપેટાઈ જતાં રડતાં રડતાં બોલવા માંડી ,' હું ક્યારની તમારી રાહ જોઉં છું ભાઈ . જુવોને મમ્મીને શું થઈ ગયું છે ! સવારથી એ મારી સાથે કાંઈ બોલી પણ નથી.....'

દિવ્યેશને ફાળ પડી . તે ઘરની અંદર દોડી ગયો . અર્ધબેભાન જેવી મમતાનો તાવ દિવ્યેશે માપ્યો તો થર્મોમીટરનો આંક પાંચને સ્પર્શી રહેલો. તાબડતોબ તેણે મમતાને હોસ્પિટલે દાખલ કરી .

એની સાથેનાં લગ્ન બાદ મમતા પહેલીવાર આવી ગંભીર બીમારીમાં પટકાઈ હતી .ફકત શનિ - રવિ પૂરતું રોકાવા આવેલ દિવ્યેશને પંદર દિવસ રોકાઈ જવું પડેલ . મમતાની સારવાર દરમ્યાન તેઓ પ્રથમવાર એકબીજાની નજીક આવ્યાં હતાં . તેઓ એકમેકને અનુભવી શકતાં હતા , સમજી પણ શક્યા હતા .

ઝીલ હવે એટલી નાની રહી ન હતી . એ ઘણું બધું સમજતી થઈ ગયેલ. તેને હવે ઘરમાં પુરુષની હાજરીનું મહત્વ તેમ જ જરૂરત સમજાઈ રહેલ.એમાંય ખાસ કરીને મમ્મીની બીમારીથી ગભરાઈ ગયેલ ઝીલ માટે તો હવે 'ભાઈ' ની ગેરહાજરીનો વિચાર પણ અસહ્ય થઈ પડેલ . મમતા પણ ઊંડે ઊંડેથી દિવ્યેશની હાજરી ઝંખી રહેલી . આખરે વગર કોઈ અપેક્ષા કે વિના સ્વાર્થે , મા - દીકરીની કાળજી રાખનાર , તેમની પાછળ તન તોડીને ખર્ચ કરતાં દિવ્યેશને તેઓ ચપટીભર લાગણી પણ ક્યાં આપી શક્યા હતા !! દિવ્યેશની મહત્તા સમજાતાં એમને વાર લાગી હતી , પણ જ્યારે સમજમાં આવી ત્યારે ....?

??????

દિવ્યેશે ગામ જવાની તૈયારી કરી લીધેલ . મા - દીકરી બેય ઢીલા થઈ ગયેલ . જતા દિવ્યેશની આડે ઝીલ દોડી આવીને ઊભી રહી ગયેલ , ' ભાઈ , તમે અહીં અમારી સાથે જ રહી જાવને ..'

વર્ષો પછી પોતાનાં તરફ ઝીલે દેખાડેલ લાગણીથી દિવ્યેશની આંખમાં અશ્રુઓ ધસી આવેલ .પાછળથી મમતાએ આવીને તેનાં ખભે હાથ મૂકયો હતો . મમતાનો એ લગ્ન પછીનો પ્રથમ લાગણીસભર સ્પર્શ હતો . હર્ષભર્યા હૈયે દિવ્યેશે મા-દીકરી બંનેયને પોતાનાં અંકમાં સમાવી દીધેલ .

વર્ષ પછી ખંગ વળ્યો હતો . લગ્નજીવનનાં ચાર વર્ષ સુધી હળવા લાગણી - હુંફભર્યા સ્પર્શથી પણ વંચિત રહેલ દિવ્યેશને મમતાએ પાંચમાં વર્ષે પુત્રની ભેટ આપી આગળનાં વર્ષોનાં અભાવનું સાટું વાળી દીધેલ.

એ પુત્રનું નામ ઝીલે પાડ્યું હતું નીલ ! અલબત્ત , નીલનો જન્મ દિવ્યેશની ઈચ્છાથી નહીં સંપૂર્ણતયા મમતાની મરજીથી થયેલ . આપણા પછી ઝીલનું કોણ ? એવી દલીલ સાથે મમતાએ આડકતરીક રીતે દિવ્યેશને ખુદનાં સંતાનનું પિતૃત્વ પ્રદાન કરેલું .

પછીનાં વરસો પાણીનાં રેલાની માફક વહ્યાં . મમતાની નોકરી ચાલુ હતી. દિવ્યેશે ગામનો કારોબાર સંકેલી, ભુજમાં ધન્ધો જમાવ્યો હતો . નીલનાં પગલે ઘરમાં સમૃદ્ધિ અઢળક આવી હતી .આર્થિક રીતે તેઓ ખાસ્સા સધ્ધર બની ચૂકેલાં .

એ વર્ષો દરમ્યાન વગર કોઈ સમજુતી કે વણકહ્યે નીલની સારસંભાળનો દોર મમતાએ લીધેલ તો ઝીલની પ્રગતિ અને કારકિર્દીનો હવાલો દિવ્યેશે સંભાળ્યો હતો .


ઝળહળતી શૈક્ષણિક કારકિર્દી ધરાવતી ઝીલનાં લગ્ન તેનાં જેવા જ સમોવડીયા યુવક સાથે થયેલાં . લગ્ન સમયે સૌથી વધુ અશ્રુઓ દિવ્યેશનાં જ વહ્યાં હતા .

??????

દિવ્યેશ અને મમતાની મેરેજ એનિવર્સરીની ગિફ્ટ સાથે ઝીલે પોતાનાં હસ્તાક્ષરથી લખીને મોકલેલ પત્ર તો ગિફ્ટ કરતાં ક્યાંય મૂલ્યવાન હતો. આજે તેમની ઝીલ પત્રમાં શું - શું લખતી હતી !

.....દરેક બાળક માટે એનાં પિતા સર્વોપરી હોય છે . એનાં મનમાં એનાં પિતાથી વિષેશ ઊંચું સ્થાન કોઈનું ન હોઈ શકે .પણ ભાઈ , તમે મારાં મનમાં પિતાથી પણ ઊંચા સ્થાને વિરાજો છો . દરેક પિતા ખુદનાં બાળકનાં ભરણપોષણની અને જરૂરિયાતો સંતોષવાની જવાબદારી તો અદા કરે જ , પરંતુ તમારી જેમ આ જવાબદારી સ્વેચ્છાએ અને વિશેષ તો પ્રેમથી અદા કરનાર વ્યક્તિને વિરલ કહેવી પડે.

છતાંય , મેં તમને એટલા જલ્દી સ્વીકાર્યા ન હતા . હું મારા પપ્પાને આજદિન સુધી લેશમાત્ર ભૂલી નથી અને ભૂલીશ પણ નહીં .પણ મને એ હમેંશા યાદ રહેશે કે તેમના વગર પણ હું આજની સર્વોત્તમ સ્થિતિએ પહોંચી છું તો ફકત તમારે લીધે જ . આજે પણ હું ક્યારેક તકલીફમાં હોઉં અને આંખો બન્ધ કરીને કોઇને મદદ માટે યાદ કરું તો નજર સમક્ષ પહેલો ચહેરો તમારો જ આવે .એવું ક્યારથી થયું એ હું નથી જાણતી . ધીમે ધીમે તમે મારી જિંદગીની ઝોળીમાં ખુશીઓ નાંખતા ગયા અને હું તમને સમજવા લાગી, અનુભવવા લાગી અને ચાહવા લાગી .

મમ્મી, નાની હતી ત્યારે હું તને નહોતી સમજી શકી . હું તારા પર ચિડાતી અને કજીયો કરતી . એક સ્ત્રી માટે તેનો પતિ એટલે શું ? એને હંમેશ માટે ખોવાનો આઘાત અને એમાં પણ એની ભરયુવાનીમાં વિદાયથી એક સ્ત્રીને કેટલી સામાજિક - આર્થિક વિપદા વેઠવી પડે એ મને હવે સમજાય છે . મમ્મી , કદાચ તેં બીજા લગ્ન ન કર્યા હોત કે પછીથી ભાઇને સ્વીકાર્યા ન હોત તો હું આજે આટલી ખુશ ન હોત . કેમ કે તું એકલી હોત તો મારાં સંસારમાં હું તારી ચિંતાને લીધે પૂરેપૂરી ઓતપ્રોત કઈ રીતે થઈ શક્ત ?

ખબર નહીં , હું આ લખું છું ત્યારે તું શું અનુભવતી હોઈશ ? પણ આટલા વર્ષો પછી મને જે લાગ્યું છે તે એ છે કે તું અને ભાઈ ' મેઇડ ફોર ઇચ્ અધર' છો. હું તમારી એકમેક પ્રત્યેની લાગણીઓનું સન્માન કરું છું . તમને બંનેયને એકસરખા ચાહું છું . ભાઈ - મમ્મી , તમારી આ ત્રેવીસમી મેરેજ એનિવર્સરી પર તમને નાનકડી ભેટ સાથે ખૂબ ખૂબ અભિનંદન . બીજા આવનારાં એટલાં જ કે એથી વધુ વર્ષો તમારાં એકબીજાની સાથે આ જ રીતે ખુશીઓભર્યા વીતે એવી શુભેચ્છાઓ....

જિંદગીના રંગ દરેક જિંદગીએ અલગ અલગ હોય છે . તેનો સમય પણ અલગ અલગ હોય છે .કોઈની જિંદગીનો આરંભ ગુલાબી હોય છે તો કોઈ જિંદગીના અંતમાં ગુલાબી રંગનો અહેસાસ અનુભવે છે .

દિવ્યેશ અને મમતાની જીંદગીનો રંગ ઘૂંટાઈને પ્રૌઢાવસ્થામાં ગુલાબી બન્યો હતો .દીકરી ઝીલ ભણી - ગણી - પરણીને એનાં ઘરે ખુશ હતી . એનો વાચાળ અને પ્રેમાળ પત્ર તેમને ભૂતકાળમાં ખેંચી ગયેલ . એકમેકનાં સાન્નિધ્યમાં મૌન રહી તે બંનેય ઋજુ લાગણીઓનાં સ્પંદન ઝીલી રહેલાં, અનુભવી રહેલાં . ત્યાં જ....

'ફર્સ્ટ કલાસ ફર્સ્ટ ! મારાં ફર્સ્ટ યરનું રિઝલ્ટ મૉમ ! 'મેડીકલનાં પ્રથમ વર્ષના રિઝલ્ટ સાથે હોંશભેર એમની પાસે દોડી આવેલ નીલ તેમને વર્તમાનમાં આણી રહ્યો.

નીલનું રિઝલ્ટ જાણી મમતા અને દિવ્યેશે ખુશીભર્યો રોમાંચ અનુભવ્યો.એમનાં ચહેરા ચમકી ઉઠેલાં . આનંદમત્ત બની પ્રફુલ્લિત હાસ્ય વેરી રહેલ નીલને તેઓ હૂંફાળા સ્મિતસહ સાથ આપી રહ્યાં .

ખરે જ તેમની જિંદગીની જીવનસંધ્યાનો રંગ ગુલાબી હતો . એ જોતા - જોતા આથમી રહેલી સાચુકલી સંધ્યારાણી પણ એનાં ગુલાબી અજવાળા સાથે તેમની સાથે જ સ્મિત વેરી રહેલી .

સંપૂર્ણ