Mental hospital - 2 books and stories free download online pdf in Gujarati

મેન્ટલ હોસ્પિટલ - ૨

આગળ ની વાર્તા માં જગદીશભાઈ અને યશોદાબહેન રાહુલ થી સત્ય છુપાવે છે અને તેને સ્વસ્થ થવા થોડો ટાઈમ આપે છે. હવે આગળ ની વાર્તા શરૂ થાય છે.

જગદીશભાઈ મનોમન યશોદાબહેન ની સમજદારી ને વંદન કરી રહ્યા કે મેં આગલા જન્મ માં જરૂર કોઈ પુણ્ય કર્યા હશે કે મને તારા જેવી પત્ની મળી.
રાહુલ હજીયે થોડો ડીસ્ટર્બ હતો. તે રાત્રે રાહુલ જમ્યો પણ નહીં. આ જોઈ યશોદાબહેન ને બહુ અકળામણ થવા લાગી. યશોદાબહેન, રાહુલ તથા જગદીશભાઈ બધા ની ઊંઘ ઊડી ગઈ હતી. તેમને રાહુલ ની બરાબર ની ચિંતા થવા લાગી. યશોદાબહેન પથારી માંથી ઉઠી રાહુલ ના રૂમ માં ગયા. રાહુલ તેના બેડ પર બેસી દીવાલ તરફ એકીટશે તાકી રહ્યો હતો. યશોદાબહેને રાહુલ પાસે બેસી પ્રેમ થી તેના માથે હાથ ફેરવ્યો. ત્યારે રાહુલ ને ખબર પડી કે મમ્મી ત્યાં આવી છે. તે સીધો મમ્મી ના ખોળા માં માથું નાખી સુઈ ગયો.
થોડી વાર યશોદાબહેને એમ જ રાહુલ ના માથા માં હાથ ફેરવ્યા કર્યો. રાહુલ ને પણ સારું લાગ્યું. પછી યશોદાબહેને રાહુલ સાથે વાત શરૂ કરી. "બેટા, મને એક વાત નો જવાબ આપ તો.. શું પ્રેમ કરવો એ ગુનો છે ?" "ના મમ્મી.. હું એમ નથી કહેતો પણ... " રાહુલ ની વાત અધવચ્ચે થી જ કાપતા યશોદાબહેન બોલ્યા, "તો પછી શું એ પ્રેમ તારા પપ્પા એ કર્યો હતો બસ ખાલી એ કારણ માત્ર થી તું એમને આજે એક જ દિવસ માં આટલી નફરત કરવા લાગ્યો ?" રાહુલ પાસે યશોદાબહેન ના આ સવાલ નો કોઈ જવાબ નહતો. તે નીચું જોઈ ગયો.
યશોદાબહેને તેમની વાત આગળ વધારતા કહ્યું, "બેટા, તારા પપ્પા એ આપણી સાથે કોઈ જ દગો નથી કર્યો. બસ અમે તારી યોગ્ય ઉંમર ની જ રાહ જોતા હતા અને તને આ સત્ય કહેવાના જ હતા પણ એ પહેલાં તે જાતે જ સત્ય જાણી લીધું તે પણ ખોટા સમયે. મને ખાત્રી છે કે અમે તને યોગ્ય સમયે યોગ્ય રીતે આ સત્ય કહેતે તો તું જરૂર સમજતે અને તારા પપ્પા સાથે આ રીતે વર્તાવ ન કરતે. કારણકે આખરે તારા માં અમારા સંસ્કાર નું સિંચન થયું છે. બેટા, મારે તને આ કહેવાની જરૂર નથી કે તારા પપ્પા એક ખૂબ જ સારા પતિ , પ્રેમી અને પિતા તો છે જ પણ સાથે જ એક ખૂબ જ સારા માણસ પણ છે." મમ્મી ની વાત સાંભળી રાહુલ નો ગુસ્સો પણ શાંત થઈ ગયો હતો અને એનું મન પણ શાંત થઈ ગયું હતું. તેના દિલ પર નો ભાર જાણે તેની મમ્મી એ પળવાર માં ઉતારી દીધો. અને થોડી જ વાર માં રાહુલ શાંતિ થી ઊંઘી ગયો. ત્યાર પછી યશોદાબહેને પણ પોતાના રૂમ માં જઈ જગદીશભાઈ ને સઘળી વાત કરી જેથી જગદીશભાઈ અને યશોદાબહેન પણ મન હળવું કરી શાંતિ થી ઊંઘી ગયા.
બીજા દિવસે સવારે નાસ્તા ના ટેબલ પર રાહુલે જગદીશભાઈ ની માફી માગી લીધી. ઘર નું વાતાવરણ હવે પહેલા જેવું હળવું થઈ ગયું હતું. પણ યશોદાબહેન ના મન માં કઈ ચેન નહતું. તે એકદમ ગુમસુમ રહેવા લાગ્યા હતા. તેમની બસ એક ઈચ્છા હતી કે રાહુલ સંપૂર્ણ સત્ય જાણે. પણ તેમના મન માં એજ ગડમથલ હતી કે રાહુલ જેમતેમ સ્વસ્થ થયો છે તો આ બીજું સત્ય જાણી તેની મનોસ્થિતિ કેવી થશે. પરંતુ તેમને કોઈ પણ રીતે રાહુલ ને બીજું સત્ય જણાવવું હતું. તેમણે મનોમન કંઇક દ્રઢ નિશ્ચય કરી રાહત નો શ્વાસ લીધો.
એક દિવસ રાહુલ ને કોલેજ માં રજા હતી. જગદીશભાઈ ના ગયા પછી આરામ થી બંને માઁ દીકરો ચા નાસ્તો કરવા બેઠા. ત્યાં જ યશોદાબહેને વાત ની શરૂઆત કરી. "બેટા રાહુલ, તને ખબર છે ને જન્માષ્ટમી આવી રહી છે. આ વખતે તો મારે જન્માષ્ટમી ખૂબ જ ધામધૂમ થી ઉજવવી છે. તું મારો સાથ આપીશ ને એમાં ?" "હા મમ્મી કેમ નહીં? આપીશ જ ને.. " રાહુલે પણ એટલું જ ઉત્સાહ થી જવાબ આપ્યો. યશોદાબહેને પોતાની વાત આગળ ચાલુ રાખી. "બેટા તને ખબર છે ને કૃષ્ણ ભગવાન ની બે માઁ હતી. યશોદા અને દેવકી. તું શું કહે કૃષ્ણ એ કોને વધારે પ્રેમ કર્યો હશે, યશોદા કે દેવકી ને ?" આ સાંભળી રાહુલને થોડું આશ્ર્ચર્ય તો થયું. ચતુર રાહુલ સમજી ગયો કે મમ્મી તેને કંઇક કહેવા માગે છે. પણ તેને પણ શાંતિ થી જવાબ આપ્યો. "મમ્મી તું કેવી વાત કરે છે. માઁ તો માં હોય. જન્મ આપનારી કે પછી પાલન પોષણ કરનારી. બન્ને નું બાળક ના જીવન માં સરખું જ મહત્વ હોય છે. એક તેને આ દુનિયા મા લાવી છે અને બીજી એ તેનું પાલન પોષણ કરી તેને આ દુનિયા માં જીવતા શિખવાડ્યું છે. એટલે મારા મતે તો શ્રી કૃષ્ણ ભગવાન પોતાની બન્ને માઁ ને સરખો જ પ્રેમ કરતા હશે." રાહુલે ખૂબ સુંદર જવાબ આપ્યો. યશોદાબહેન ના મુખ પર એક હળવું સ્મિત આવી ગયું રાહુલ નો જવાબ સાંભળી ને.
પછી તેઓ ગંભીર થઈ ને બોલ્યા, "બેટા તેં ખૂબ સરસ જવાબ આપ્યો. પણ મારે તને એક વાત કરવી છે. પણ તું મને વચન આપ કે તું મને પહેલા શાંતિ થી સાંભળી લઈશ અને પરિસ્થિતિ સમજી પછી તું જે નિર્ણય લઈશ તે મને મંજૂર હશે." રાહુલ ને ખૂબ નવાઈ લાગી. પણ તેને યશોદાબહેન પર પૂરો ભરોસો હતો અને તેણે તેની મમ્મી ને વચન આપ્યું અને તેમની વાત કરવા કહ્યું.
યશોદાબહેને પોતાની વાત શરૂ કરી. "બેટા, તે દિવસે તે જે સત્ય જાણ્યું તે અધૂરું સત્ય હતું. અમે તને પૂરું સત્ય જણાવવા માંગતા હતા પરંતુ તારી મનોસ્થિતિ જોઈ મને અને તારા પપ્પાને તને બીજું સત્ય જણાવવાનું યોગ્ય ન લાગ્યું. પણ મને લાગે છે કે હવે તારે એ સત્ય જાણી લેવું જોઈએ. બેટા, તે જેમને મેન્ટલ હોસ્પિટલમાં જોયા હતા તે સ્ત્રી ફક્ત તારા પપ્પા ની પ્રેમિકા જ નહીં પરંતુ તને જન્મ આપનારી તારી સગી માઁ પણ છે."
રાહુલ આ સાંભળી સ્તબ્ધ થઈ ગયો. તેને સમજાઈ ગયું કે આ માટે જ મમ્મી એ વાત કરતા પહેલા શ્રી કૃષ્ણ ભગવાન નું દૃષ્ટાંત આપ્યું. યશોદાબહેને પોતાની વાત ચાલુ રાખી. "દિકરા, હું તારી મનોસ્થિતિ સમજી શકું છું, પરંતુ જો હું આ સત્ય તારા થી છુપાવતે તો હું મારી જાત ને માફ ના કરી શકતે. તને જન્મ આપ્યા પછી તારો ઉછેર કરવાની ક્ષમતા ગુમાવી ચુકી હતી તારી માઁ. તેથી તેને સારવાર માટે અમે મેન્ટલ હોસ્પિટલમાં મૂકી હતી અને તને અનાથાશ્રમમાં. તે પણ તારા દાદા ના ડર થી. પરંતુ તારું પૂરું ધ્યાન હું અને તારા પપ્પા રાખતા હતા. પછી તારા દાદા નું આઠ જ મહિનામાં મૃત્યુ થયું અને અમે તને અનાથાશ્રમ માંથી ઘરે લઈ આવ્યા. અને હું તારી યશોદા માઁ બની ગઈ. તને હજુ પણ લાગતું હોય કે અમે કંઈ પણ ખોટું કર્યું હોય કે તને છેતર્યો હોય તો હું તારી માફી માગું છું બેટા." સજળ નેત્રે યશોદાબહેને રાહુલ ને કહ્યું.
"ના ના મમ્મી, તું માફી ન માગ. તું એક સારી માઁ જ નહીં પરંતુ દેવી છે દેવી. તારા જેવી સ્ત્રી આ દુનિયા માં નહિવત જોવા મળે મમ્મી... જે પોતાના પતિ ની પ્રેમિકા અને તેઓ ના બાળક માટે આટલું વિચારે અને એ બાળક ને તેની સગી માઁ કરતા પણ વધુ પ્રેમ આપે અને તેનું પાલન પોષણ કરે. તારા જેવી માઁ પામી ને તો હું ધન્ય છું મમ્મી" કહેતા કહેતા રાહુલ પણ રડી પડ્યો.
યશોદાબહેને તેને શાંત પાડતા કહ્યું, "બેટા, તું નારાજ નથી તેથી હું બહુ ખુશ છુ. હવે મને એમ કહે તારી મમ્મી એકદમ સાજી થઈ ગઈ છે પણ તેનું આ દુનિયા માં આપણા સિવાય કોઈ જ નથી. હું ઈચ્છું છું કે આપણે તેમને આપણા ઘરે લઈ આવીએ." આ સાંભળી રાહુલે કંઈ જ પ્રત્યુત્તર ના આપ્યો. અને પોતાના રૂમ માં જતો રહ્યો. પણ યશોદાબહેન ના મન ને શાંતિ થઈ ગઈ હતી કે રાહુલ ને સત્ય જણાવી દીધું અને આ વાત પણ તે આજે નહિ તો કાલે માની જશે.
આજે જન્માષ્ટમી નો તહેવાર પણ આવી ગયો. રાહુલ અને તેની મમ્મી જોરશોર થી જન્માષ્ટમી ની તૈયારી મા લાગી ગયા હતા. રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મ થવાનો હતો. પણ દસ વાગ્યા થી રાહુલ અને તેના પપ્પા બહાર ગયા હતા તે હજુ આવ્યા ના હતા. બરાબર 11:30 એ ઘર ની ડોરબેલ રણકી. યશોદાબહેન ને થયું હાશ આવી ગયા લાગે છે બંને જણા. તેઓએ દરવાજો ખોલ્યો અને સામે નું દ્રશ્ય જોઈ અવાચક થઈ ગયા. સામે રાહુલ તેના પપ્પા જગદીશભાઈ અને તેની સગી માઁ દેવકીબહેન ઉભા હતા. આ જોઈ યશોદાબહેન અહોભાવ થી રાહુલ ને જોઈ રહ્યા. તેમણે આરતી ની થાળી લઈ દેવકીબહેન નું સ્વાગત કર્યું. દેવકીબહેન પણ આંખ મા આવેલા આંસુ ને રોકી ના શક્યા. તેઓ યશોદાબહેન ને ભેટી ને રડી પડ્યા. અને કહ્યું, "તમે મારા માટે એક સગી બહેન કરતા પણ વધારે છો. કોઈ સગી બહેન પણ પોતાની બહેન માટે આટલું ના કરે." યશોદાબહેને પણ સજળ નેત્રે કહ્યું, "ચાલો હવે ઘર મા આવો આપણે કૃષ્ણજન્મ કરવાનું છે. બાર વાગવાની તૈયારી માં છે."
ચારેય જણ ખુશી થી ઝૂમી ઉઠ્યા. પારણા માં બેઠો કાનુડો પણ આજે કંઇક અલગ જ લાગી રહ્યો હતો અને આ ચારેય નું મિલન જોઈ મલક મલક થઈ રહ્યો હતો.

અસ્તુ
અમી રાવલ દેસાઈ



બીજા રસપ્રદ વિકલ્પો