Mental Hospital books and stories free download online pdf in Gujarati

મેન્ટલ હોસ્પિટલ

જગદીશભાઈ અને યશોદાબેન એક આદર્શ દંપતિ ગણાતાં. રાહુલ તેમનું એકમાત્ર સંતાન. રાહુલ નાનપણ થી જોતો આવતો હતો કે પપ્પા દર મહિને પાંચ તારીખે કયાંક જાય છે. પણ ક્યાં તે કોઈ ને ખબર ન હતી. નાણપણ માં બે-ત્રણ વાર તેણે તેના પપ્પા ને પૂછ્યું હતું, "પપ્પા તમે દર મહિને પાંચ તારીખે કયાં જાવ છો?" પણ તેના પપ્પાએ કંઈ જવાબ ના આપ્યો અને કહ્યું કે, "બેટા તું હજી બહુ નાનો છે. તું આ બધા માં ધ્યાન ના આપ અને ભણવા માં ધ્યાન આપ." નાનકડા રાહુલ ને આ જવાબ થી સંતોષ ના થયો. તેણે એની મમ્મી ને પૂછ્યું, "મમ્મી તને તો ખબર જ હશે ને કે પપ્પા દર મહિને પાંચ તારીખે કયાં જાય છે તે" પણ તેની મમ્મી એ કહ્યું, "બેટા મને પણ નથી ખબર કે તારા પપ્પા ક્યાં જાય છે. અને તારે પણ કંઈ બહુ વિચારવાની જરૂર નથી સમજ્યો? ચાલ સુઈ જા હવે બહુ રાત થઈ ગઈ છે."



રાહુલે પ્રશ્ર્ન પૂછવાનું તો બંધ કરી દીધું પણ તેના મન એ જિજ્ઞાસા ઘર કરી ગઈ હતી કે તેના પપ્પા દર મહીને પાંચ તારીખે ક્યાં જાય છે. અને તેના પિતા નો દર મહિને પાંચ તારીખે બહાર જવાનો સિલસિલો પણ ચાલુ જ હતો. રાહુલ મોટો થતો ગયો તેમ તેમ તેની આતુરતા પણ વધતી જતી હતી પણ વારે ઘડીએ તે એ પ્રશ્ન પૂછી ને તેના માતા પિતા ને દુઃખ પહોંચાડવા નઈ માંગતો હતો. તેના માતા પિતા એ તેને બહુ જ લાડકોડ થી ઉછેર્યો હતો. પણ તેની જિજ્ઞાસા તેનો પીછો છોડતી જ નહતી.



આજે ફરી પાંચ તારીખ આવી ગઈ હતી. આજે રાહુલ પણ સવારે વહેલો ઉઠી ને તૈયાર થઈ ગયો હતો. આજે તેણે નક્કી કરી લીધું હતું કે તે જાણી ને જ રહેશે કે પપ્પા કયાં જાય છે. તેને આટલો વહેલો ઉઠેલો જોઈ તેની મમ્મી યશોદાબેને પૂછ્યું, "કેમ દીકરા આજે આટલો વહેલો તૈયાર થઈ ગયો?" રાહુલે તેની મમ્મી થી નજરો ચોરતા જવાબ આપ્યો, "મમ્મી આજે કોલેજ માં વધારા નો એક લેકચર છે તેના માટે વહેલા જવાનું છે." તેની મમ્મી ને થોડી શંકા ગઈ પણ તેને લાગ્યું કે રાહુલ શા માટે જૂઠું બોલવાનો એમ વિચારી તેને વધારે પૂછવાનું માંડી વાળ્યું. રાહુલ ફટાફટ નાસ્તો કરી ને તેના પપ્પા કરતા પણ પહેલા ઘર ની બહાર નીકળી ગયો.
રાહુલ સોસાયટી ની બહાર ના નાકે પોતાની કાર માં બેઠો હતો. તેણે નક્કી કર્યું હતું કે આજે પપ્પા જેવા નીકળે તેવું એમની કાર નો પીછો કરીશ. થોડી જ વાર માં તેના પપ્પા જગદીશભાઈ ની કાર આવી ને નીકળી ગઈ. રાહુલે તરત જ એમની કાર નો પીછો કર્યો. જગદીશભાઈ ને તો સ્વપ્ને પણ ખ્યાલ નહતો કે તેમનો રાહુલ એવું કરી શકે તેથી તેઓ તો પોતાની ધૂન માં જ કાર હાંકયે જતા હતા.
આખરે રાહુલ ની આતુરતા નો અંત આવ્યો. જગદીશભાઈ ની કાર એક મેન્ટલ હોસ્પિટલ પાસે આવી ને ઉભી રહી. જગદીશભાઈ કાર માંથી ઉતરી સીધા તે હોસ્પિટલ ની અંદર પહોંચ્યા. રાહુલ પણ ધીરે ધીરે જગદીશભાઈ ને ખબર ના પડે તે રીતે તેમની પાછળ ચાલ્યો. જગદીશભાઈ હોસ્પિટલ ની રેસેપ્સનિસ્ટ ને મળ્યા અને તેણે તેમને હોસ્પિટલ ના ગાર્ડન તરફ જવા ઈશારો કર્યો અને જગદીશભાઈ તે તરફ ગયા. રાહુલ પણ ધીમે ધીમે એમની પાછળ જઈ રહ્યો હતો.
જગદીશભાઈ એ આમતેમ નજર ફેરવી અને એક બાંકડા પાસે ગયા જ્યાં એક સ્ત્રી લગભગ જગદીશભાઈ જેટલી જ ઉમર ની બેઠી હતી ત્યાં જઈ ને તેની પાસે બેઠા. તે સ્ત્રી એ જગદીશભાઈ ને જોયા અને પહેલા તો હસી પણ પછી તેમને વળગીને રડવા લાગી. જગદીશભાઈ એ પ્રેમ થી તેના માથે હાથ ફેરવ્યો અને કંઈક વાતો કરી. આ આખું દ્રશ્ય રાહુલે દૂર થી જોયું. તેને ઘણી નવાઈ લાગી રહી હતી કે કોણ હશે આ પાગલ સ્ત્રી. તેના પપ્પા જે રીતે તે સ્ત્રી સાથે વાત કરી રહ્યા હતા તે જોઈ રાહુલ ને અંદેશો આવી રહ્યો હતો કે તે સ્ત્રી કોણ હોઈ શકે અને તેને ઘણો જ ગુસ્સો આવી રહ્યો હતો. તેના પપ્પા એ તેને અને તેની મમ્મી ને છેતર્યા હોય તેવું તેને લાગી રહ્યું હતું. તેનું મગજ ચકરાવે ચઢી રહ્યું હતું. તેણે ગુસ્સા માં આખો દિવસ પસાર કર્યો. અને નક્કી કર્યું કે આજે સાંજે પપ્પા આવે એટલે પૂછી ને જ રહેશે કે આખરે તે સ્ત્રી કોણ છે.
સાંજ પડી. રાહુલ તેના પપ્પા ના આવવાની રાહ જોઈ રહ્યો હતો. રાહુલ ને થોડો બેચેન જોઇ તેની મમ્મી એ પૂછ્યું પણ ખરું, "રાહુલ બેટા, શુ થયું છે કેમ આટલો બેચેન લાગે છે?" "મમ્મી, થોડી વાર માં બધું ખબર પડી જશે તને" રાહુલે જવાબ આપ્યો. યશોદાબેન તેને કંઇક પૂછવા જ જઈ રહ્યા હતા ત્યાં જ જગદીશભાઈ ની કાર આવી. અને જગદીશભાઈ ઘર માં પ્રવેશ્યા.
હજુ યશોદાબેન જગદિશભાઈ ને કંઈ કહે તે પહેલાં જ રાહુલ બરાડી ઉઠ્યો, "પપ્પા મને આજે જવાબ જોઈએ, કોણ હતી એ સ્ત્રી જેને તમે આજે મેન્ટલ હોસ્પિટલ માં મળવા ગયા હતા." જગદીશભાઈ રાહુલ ના આવા અણધાર્યા સવાલ થી સ્તબ્ધ થઈ ગયા અને જગદીશભાઈ અને યશોદાબેન એકબીજા તરફ પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યા. એમને સમજ ના પડી કે રાહુલ ને શું જવાબ આપવો. રાહુલ હજીયે ગુસ્સા માં હતો તેણે યશોદાબેન ને કહ્યું, "મમ્મી તને ખબર નથી આ માણસે આપણને આટલા વર્ષો થી છેતર્યા છે. અહીં આપણે અને ત્યાં પેલી બીજી પાગલ સ્ત્રી. મમ્મી તને અને મને દગો કર્યો છે પપ્પા એ. મને આજે શરમ આવી રહી છે તમને મારા પપ્પા કહેતા." ત્યાં જ સટ્ટાક કરતો એક તમાચો રાહુલ ના ગાલ પર યશોદાબેને માર્યો.
રાહુલ નવાઈભરી નજરોથી યશોદાબેનને જોતો રહી ગયો. તેણે પાછું તેની મમ્મી ને કહ્યું, "મમ્મી તને મારા શબ્દો પર વિશ્વાસ ન હોય તો ચાલ હું તને ત્યાં મેન્ટલ હોસ્પિટલમાં લઈ જાવ. તું તારી જાતે ખાત્રી કરી લેજે." " મારે કોઈ જ ખાત્રી નથી કરવી સમજ્યો તું?" યશોદાબેન રડમસ અવાજે બોલ્યા. રાહુલ ને નવાઈ લાગી. તે એક નજરે યશોદાબેન ને જોતો રહી ગયો. પછી યશોદાબેને તેને કહ્યું, "અહીં બેસ બેટા, હું તને બધી વાત કરું."
" બેટા, તારા પપ્પા ના અને મારા લગ્ન થયા તે રાત્રે જ બધી જ વાત તારા પપ્પા એ મને કરી હતી. તેમણે મને કે તને કોઈ દગો નથી કર્યો. અમારા લગ્ન પહેલા તારા પપ્પા અને તે સ્ત્રી પ્રેમ માં હતા. પણ તારા દાદા ને તે લગ્ન મંજુર ના હતા અને તારા દાદા એ જલ્દી થી તારા પપ્પા ના લગ્ન મારી સાથે કરાવી દીધા. તે સ્ત્રી નું આ દુનિયા માં તારા પપ્પા સિવાય કોઈ નહતું. તેથી તે આ દુઃખ જીરવી ના શકી અને પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠી. મને લાગ્યું કે તે સ્ત્રી ને થયેલા અન્યાય માં ક્યાંક ને ક્યાંક હું પણ જવાબદાર છું. મેં જ તારા પપ્પા ને કહ્યું હતું કે આપણે તેમનું ધ્યાન રાખીશું અને પ્રાયશ્ચિત કરીશું." યશોદાબેને રાહુલ ને બધી વાત કરી અને રાહુલ નો ગુસ્સો ઠંડો પાડ્યો. પરંતુ રાહુલ આ ઘટના થી ઘણો ડીસ્ટર્બ થઈ ગયો હતો. "મમ્મી મને થોડી વાર એકલો છોડી દો." કહી ને રાહુલ તેના રૂમ માં જતો રહ્યો. યશોદાબેન તેને રોકી કંઇક કહેવા જ જઈ રહ્યા હતા ત્યાં જગદીશભાઇ એ તેમને ઈશારા થી અટકાવ્યા અને કહ્યું, " એને થોડી વાર એકલો છોડી દઈએ. એને થોડો સમય આપવો પડશે."
રાહુલ ની મનોસ્થિતિ જોઈ ને યશોદાબેન અને જગદીશભાઈ એ તેમની જિંદગી નું બીજું રાઝ તેમના દિલ માં જ ધરબી દીધું. આજે વાત નીકળી જ હતી તો યશોદાબેન રાહુલ ને સઘળી હકીકત થી વાકેફ કરવા માગતા હતા. તેમને રાહુલ ને કહેવું હતું, "બેટા, આ સ્ત્રી બીજું કોઈ નહિ પણ તારી સગી માઁ છે. તેણે તને જન્મ તો આપ્યો પણ તે તને સંભાળવાની મનોસ્થિતિ માં ના હતી. પણ તારા દાદા ના ડર થી તારા પપ્પા એ તને ઘરે ના લાવતા કઠણ કાળજું કરી ને અનાથાશ્રમમાં મૂકી દીધો હતો પણ તારું પૂરતું ધ્યાન અમે રાખતા હતા. તું આઠ મહિનાનો થયો ત્યારે તારા દાદા નું હાર્ટ અટેક થી ઓચિંતું મૃત્યુ થઈ ગયું. એક પળ નો પણ વિલંબ કર્યા વગર અમે તને ઘરે લઈ આવ્યા અને હું તારી માઁ બની ગઈ. અને વિધાતા ને પણ એજ મંજુર હતું કે હું તારી જ માઁ બનું એટલે થોડા જ સમય માં મારા રિપોર્ટ માં આવી ગયું હતું કે હું માઁ બની શકું તેમ નથી. પણ તારા હોવાથી મને એ વાત નો જરા પણ રંજ નથી રહ્યો." વિચારતા વિચારતા યશોદાબેન ની આંખ માંથી આંસુ વહી રહ્યા હતા.
એમના મન માં શું ચાલી રહ્યું છે તે જગદીશભાઈ બરાબર સમજી રહ્યા હતા. તેમણે યશોદાબેન ને કહ્યું, "હવે રાહુલ ને કંઈ જ કહેવાની જરૂર નથી. કારણકે તે હવે આ નવો આઘાત નઈ જીરવી શકશે." અને યશોદાબેન ને પણ એજ યોગ્ય લાગ્યું. જગદિશભાઈ હૃદય પૂર્વક યશોદાબેન ની સમજણ શક્તિ અને ઉદાર ભાવના ને વંદી રહ્યા અને કહ્યું કે, "મારા કોઈ ગયા જન્મ ના પૂણ્ય હશે કે મને તારા જેવી પત્ની મળી."

- અમી દેસાઈ



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED