Andh shraddha books and stories free download online pdf in Gujarati

અંધ શ્રદ્ધા

પતલો ઊંચો વાને કાળો, અણીયાળી આખો, લાંબુ નાક નામે સંજય દોડતો આવે છે ગામના પાદર ભણી. હાથમાં થેલી પકડી છે થેલીમાં માત્ર બે ચોપડા અને એક કંપાસ. પાદરમાં પહોંચી ગીચોગીચ ભરાઈ ગયેલા છકડામાં છલાંગ મારી લટકી જાય છે. રાડો પાડીને કહે છે,”હેંડો મુન્નાભાઈ” મુન્નાભાઇ સટાક કરતું દોરડું ખેંચી છકડાને ચાલુ કરી લિવર આપી ચલાવે છે. સંજય એ ગામની પ્રાથમિક શાળામાં જ આઠ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું. નવમા ધોરણમાં ભણવા માટે બાજુના ગામને જોડતા રસ્તા પર થી ગામથી બે કિલોમીટર દૂર એક હાઇસ્કુલ આવી છે. ત્યાં ભણવા જવા માટે છકડા ની સવારી લીધી છે. હજુ છકડાનું લીવર દબાવી માંડ એક ફુટ ચાલ્યો હશે ત્યાં કોઈ રાડો પાડતું આવે છે,” એ ભુવા દાદા! હેંડો. પેલા દેવસી ના ઘર માં બબાલ થઈ છે એના દાણા જોવા છે.”આટલું સાંભળતા જ મુન્નાભાઈ છકડાને બ્રેક મારે છે અને છકડા પર લટકાતો સંજય તુરતજ છલાંગ મારી જમીન પર પડે છે અને હાથમાં રહેલી નિશાળ ની થેલી ફાગવાઈ જાય છે અને બાવળીયા ની નીચે જઈને પડે છે.
ભાવના વાડીએથી દોડતી આવે છે કાખમાં નવ મહિનાનું બાળક સંજય છે અને આંગણીએ સંજય થી મોટો છ વર્ષનો દીકરો લાલજી છે. તે ઘેર પહોંચે છે ત્યાં તો લોકોની ભીડ થઈ ગઈ હોય છે. પોતાને ઘેર આટલી બધી ભીડ શાની? ભીડને વીંધીને ઓરડીમાં પ્રવેશે છે તો જુએ છે તેના પતિ મૂળજી ની પડખે વૈદરાજ બેઠા છે, નાડ તપાસે છે.હજુ ભાવના કાંઈ સમજે તે પહેલા વૈદરાજ મુળજીના માથા પર ચાદર ઢાંકી દે છે.ભાવના રાડો પાડી ઊઠે છે. છાતી કૂટવા લાગે છે. મોટેથી પોક મૂકી રડે છે. તેની આંખો માંથી સમુદ્ર કરતા પણ વધુ ખારાશ ધરાવતા આસુ વહ્યાં જાય છે. નાનકડા લવજી એ હજુ તો પહેલા ધોરણમાં પ્રવેશ લીધો છે. ભાવનાના માથે આભ તૂટી પડે . ગામની સ્ત્રીઓ ભેગી મળીને તેની માટે ઠંડું પાણી રેડ્યું, હાથમા નો ચૂડલો તોડ્યો, કપાળ નો ચાંદલો ભૂંસ્યો અને કાળો કબજો ને સફેદ સાડી પહેરાવી.નાનકડો લવજી તો હતપ્રભ ચેહરે આ બધું નીરખી રહ્યો છે. મનને કંઇક ન ગમે તેવું થઈ રહ્યું છે પણ મગજમાં શું બની રહ્યું છે તે પરખવાની શક્તિ નથી.નાનકડો સંજય ખુણામાં બેઠો બેઠો રડી રહ્યો છે એટલે નહીં કે તેનો બાપ મરી ગયો છે પરંતુ એટલે કે છેલ્લા 5 કલાકથી તેને તેની માના ધવણનું એક ટીપું પણ મળ્યું નથી. ખૂબ જ છાતી કુટવાના અવાજો, મોટે મોટેથી રડવા ના અવાજો, સાથે દસ દિવસ પૂરા થાય છે. બારમું પણ ગયું. હવે નજીકના લોકો પણ દૂર થઈ ગયા ઘર ચલાવવાની જવાબદારી ભાવનાના માથે આવી ચડી.
ખેતર હતું બાર વીઘા.પરંતુ મૂળજી ને એ ત્રણ ભાઈઓ. મૂળજી ના ભાગ નું ખેતર પણ તેના ભાઈઓ જ વાવવા લાગ્યા. ભાવનાને દાડીએ બોલાવતા. ભાવના તેના હિસ્સાનું ખેતર પણ સમાજની બીકે વાવવા માટે માંગી શકતી નહીં.પોતાના હિસ્સાના ખેતરમાં મજૂરી કરતી અને તેના બદલામાં જાણે ઉપકાર કરતા હોય તેમ તેના લાલચું દિયરો વરસ દીનો બાજરો અને કઠોળ આપતા.
ભાવના નો પતિ મૂળજી ગામનો ભુવો હતો. માટે લાલજી અને તેનો ભાઈ સંજય બેમાંથી એકને મૂળજી ની જગ્યાએ બેસાડવાનો હતો. લાલજી નાપાસ થયો. જોતજોતામાં સંજય ૧૩ વર્ષનો થયો. ગામની પ્રાથમિક શાળામાં ભણતો તેથી મફત શિક્ષણ મળતું,મફત પાઠ્યપુસ્તકો મળતા અને મફતમાં દૂધ અને મધ્યાહન ભોજન મળતું. લખવા માટે ચોપડા, પેન અને પેન્સિલ નો ખર્ચો શાળાના દયાળુ એવા આચાર્યશ્રી અને સ્ટાફ કરી આપતા. માટે આસાનીથી શિક્ષણ મળી જતું. તેર વરસનો થતા આસોનોમનો દિવસ આવ્યો. હવન થયો. ડાકલા વગાડવામાં આવ્યા. ગામેગામથી ભુવા આવ્યા. સંજય જેવા બીજા ત્રણ પણ આ પદના દાવેદાર ઊભા થયા અને પરીક્ષા લેવાણી.ડાકલા વાગ્યા.બધા ખૂબ ધુણવા લાગ્યા. અને ગરમા ગરમ તવા માંથી પૂરી કાઢવાની વિધિ કરવામાં બીજા બે નાપાસ થયા. પરંતુ સંજયમાં જાણે ધૂણતાં ધૂણતાં કોઈ ગજબશક્તિએ પ્રવેશ કર્યો અને ગરમ ગરમ તેલ માંથી પૂરીયું કાઢીને પરીક્ષા પાસ કરી.લોકોએ જય કાર બોલાવ્યો.સંજય ને બદલે ભુવા દાદા નામ મળ્યું.
હવે તો ગામમાં કોઈપણ નાની મોટી સમસ્યા હોય ગામના લોકો સંજય પાસે જાય. દાણા જોવડાવા આવે. જેની પોતાની જિંદગી ના દાણા વિખેરાઇ ગયા છે કે બીજાની જિંદગી ના દાણા જોવા લાગ્યો. જેને પોતાની જમીનમાં જ વાવવા નથી મળતું તે બીજાની જમીનના પ્રશ્નો ઉકેલ આવશે કે નહીં તે માટે દાણા જોવા લાગ્યો.જેના પોતાના પેટ પર જ પાટા બાંધવાની પરિસ્થિતિ છે તે બીજા કેટલા ઊંચા આવશે એના દાણા જોવા લાગ્યો. જે પોતે જ પોતાનાથી છેતરાઈ રહ્યો છે તે બીજાઓ માટે ઘરનું કે બહારનું કોણ છેતરપિંડી કરી રહ્યું છે તે માટે દાણા જોવા લાગ્યો. જેનું પોતાની જ નિશાળની થેલી હજી પણ પેલા બાવળીયા નીચે પડી પડી રડી રહી છે તે કોનો છોકરો કેટલું ભણશે માટેના દાણા જોવા લાગ્યો.
ભારત માતાના ખોળામાં ઊગેલું નાનકડું ફુલ જોતજોતામાં અંધશ્રદ્ધા અને અશિક્ષિત વાતાવરણ નો ભોગ બની કરમાઈ ગયું.
ભમરો ફૂલ માંથી રસ ચૂસતી વખતે ફૂલ ને ઇજા ન થાય તે ખ્યાલ રાખે છે.પરંતુ અહીં તો સમાજ રૂપી ભમરો પુષ્પને ડંખી ગયો.
---------સત્ય ઘટના પર આધારિત---------

લેખિકા: જાનકી જોશીવ્યાસ.
ભાવનગર.


બીજા રસપ્રદ વિકલ્પો