પર્યાવરણના નામે નગર karansinh chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પર્યાવરણના નામે નગર

પર્યાવરણ નામે નગર

પર્યાવરણ નગરનામે એક રળીયામણું નગર હતું. નગરમાં રહેનાર બધા માણસો પણ ખાધેપીધે સુખી હતા. નગરનો દરકે નાગરિક નગરની જાળવણી સારી રીતે થાય તે બાબતે સભાન હતો.નગરની મુખ્ય બજાર ઉપરાંત અન્ય બજારો એકદમ ચોખ્ખી રાખવામાં આવતી હતી અને તે પણ દંડના ભયના કારણે નહિ , એ તે લોકોની સ્વયં શિસ્તના કારણે શક્ય હતું. નગરમાં વ્યાપાર ધંધા પણ સારા હતા, તેમાં પણ નગરના હસ્ત ઉદ્યોગો તો દેશ વિદેશમાં પણ વખણાતા હતા.નગરની ચારેબાજુએ તથા રસ્તાની સાઈડમાં પણ વૃક્ષોનો ઉછેર કરવામાં આવેલ હતો.નગરમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ કામ મળી જતું હતું , જેથી તેનું ગુજરાન પણ સારી રીતે ચાલતું હતું. એમ કહો તો ચાલે કે સહુનો સુખી હતો સંસાર.

આજકાલ દુનિયામાં આધુનિક ટેકનોલોજીના જમાના આવું નગર મળવું ખુબ જ મુશ્કેલ હતું. આ નગરની નવી પેઢીમાંથી ઘણા બધા બાળકો બહાર બીજા નગરો તથા મહાનગરોમાં શિક્ષણ અર્થે રહેતા હતા. તેમાં ખીમજીભીનો છોકરો દલસુખ ખુબ જ હોશિયાર હતો, તેને ઇન્ડસ્ટ્રીયલ ઇજનેરની પદવી મેળવી હતી.આ પદવીના સહારે મુંબઈ જેવા શહેરમાં પણ તેનો ધંધો ખુબ સરસ રીતે ચાલતો હતો, તેની પોતાની બે ચાર ઇન્ડસ્ટ્રી હતી જેમાં ખુબ સારી એવી કમાણી તેને થતી હતી, તેથી તે પોતાના બાળકો તથા પત્ની સાથે ત્યાંજ રહેતો હતો. દલસુખ ઘણા સમયથી પોતાના વતનની મુલાકાતે આવ્યો ન હતો. એટલે આ વખતે તેણે દિવાળીના વેકેશન દરમ્યાન પોતાના વતન પર્યાવરણનગર ખાતે આવવાનો વિચાર કર્યો અને પોતાની પત્ની તથા બાળકોને પણ તેણે જણાવી દીધું કે આ વખતે આપણે દિવાળી વેકેશન દરમ્યાન દાદાને ત્યાં જઈશું. ખીમજીભાઈ પહેલેથી જ પર્યાવરણનગર ખાતે રહેતા હોવાથી તેમને મુંબઈ ખાતે રહેવાનું ફાવટ નહિ, તેથી તે તેની પત્ની સાથે પોતાના વતનમાં જ રહેતા હતા.દલસુખ સાથે અવારનવાર તેમને ફોન પર વાત થતી હતી. પોતાના પૌત્રોના કુશળમંગલ પૂછી જ તેઓ ખુશ રહેતા હતા. આમને આમ દિવસો અને વર્ષો જતા હતા પોતાના પૌત્રોને રમાડવાનો મોકો તેઓને આજ સુધ્ધા મળ્યો ન હતો.

ખીમજીભાઈ ઘરે એક ખુરશી પર બેઠા હતા ત્યાં અચાનક જ ફોનની ઘંટડી વાગી જોયું તો દલસુખનો ફોન હતો. તે કહેતો હતો “હાલો, પપ્પા આ વખતે દિવાળી વેકેશન દરમ્યાન અમે ત્યાં પર્યાવરણ નગર ખાતે આવવાના છીએ” બસ આટલું સાંભળીને જ ખીમજીભાઈ આનંદિત થઇ ગયા અને દીકરા સાથેની વાત પૂરી કર્યાબાદ તે તરત જ પોતાની પત્ની રમીલાને કહ્યું કે સાંભળો છો. તેમના પત્નીએ ઉતર આપતા કહ્યું “બોલો”. ખીમજીભાઈ બોલ્યા કે આપણો દલસુખ પોતાના બાળકો તથા દયા વહુ સાથે દિવાળીમાં અહિ આવવાના છે.ખીમજીભાઈના આ શબ્દોએ આખા ઘરના વાતાવરણમાં આનંદ પ્રસરી જાય છે.તેઓ તેના આગમનની તૈયારી કરવા લાગી જાય છે.

થોડા દિવસો બાદ દલસુખ તેના બે બાળકો તથા તેની પત્ની દયા બધા પોતાના વતન એવા પર્યાવરણ નગરમાં આવી પહોંચે છે.મોંઘીદાટ કારમાંથી તેઓ નીચે ઉતરે છે, તેના બાળકો તથા પત્નીને પર્યાવરણ નગર પહેલી નજરમાં જ ગમી જાય છે. તેના બાળકો જોતજોતામાં દાદા-દાદી સાથે હળીમળી જાય છે વળી દાદા તથા દાદી પણ તેમને હરવા ફરવા લઇ જાય છે.બજારમાં જઈ જાતજાતની વસ્તુઓ પણ અપાવે છે. દલસુખ એકવાર નગરમાં સફર કરતા કરતા નગરની નજીકમાં આવેલ જંગલ તરફ જતો રહે છે. વિશાળ અને વૃક્ષોથી ભરપુર જંગલમાં તેને લટાર મારવાની મજા આવે છે. તે તથા તેનો મિત્ર મનસુખ આમતેમ જંગલમાં ફરીફરી થાકી જાય છે, થાકને ઓગળવા માટે તેઓ એક ઘટાદાર અને જુના પુરાના એવા વટવૃક્ષ નીચે બેસી આરામ કરે છે. આરામ કરતા કરતા દલસુખના મનમાં વિચાર આવે છે કે આવી વિશાળ જગ્યા મને બીજે ક્યાંય નહિ મળે, મારી નવી સાબુ બનાવવાની ફેક્ટરી હું અહિયા જ નાખીશ. તે આ અંગેની વિગતે વાત મનસુખને જણાવે છે, મનસુખ પણ તેના વિચારથી સહમત થાય છે.

ત્યારબાદ દલસુખ અને મનસુખ બંને પોતના નગર તરફ પાછા વળે છે, નગરના લોકોની સહમતી લેવા માટે તે નગરના કાર્યકર્તાઓને બધી વાત જણાવે છે. તેમને પણ દલસુખનો વિચાર ગમે છે. તે સહમતી આપી દે છે. બે દિવસ બાદ દિવાળીની રજાઓ પૂર્ણ થતી હોવાથી દલસુખ તેના પરિવાર સાથે મુંબઈ જવા માટે નીકળી પડે છે તથા નગરના કાર્યકર્તાઓને તે જણાવતો જાય છે કે હું દસેક દિવસ બાદ મારા માણસો સાથે અહિયાં આવીશ, ત્યારબાદ અહીં જંગલની કાપણી શરુ થશે. પછી મારી ફેકટરીના પાયા નંખાશે અને તેમનું ઉદઘાટન પ્રમુખ સાહેબ કરશે તેવું તેમને આમંત્રણ આપી દેજો તથા સર્વ નગરજનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહે તે માટે જાહેરાત પણ કરી દેજો. ત્યારબાદ માતાપિતા રજા લઇ તે મુંબઈ જવા માટે રવાના થાય છે.

થોડા દિવસો બાદ દલસુખ પોતાના વતન એવા પર્યાવરણ નગર ખાતે પાછો આવે છે, સાથે તેના મજુરોને પણ લેતો આવે છે. તેના મજુરો તે જણાવે છે કે કામ કઈ રીતે કરવાનું છે. બસ આ વાત તેના ઘરની બાજુમાં ઉભેલો લીંબડો સાંભળી જાય છે. તે સ્વભાવે બહુજ ચંચળ હોવાથી આ વાત પવન વેગે આખાય જંગલમાં પ્રસરી જાય છે. પછી તો દરેક જગ્યાએ ચર્ચા થવા લાગે છે કે આ માણસો આપણને રહેવા નહિ દે મૂળ સોતા ઉખેડી નાખશે, કોઈના પર કરવત ચલાવવામાં આવશે. બસ આવી વાતોની ભરમાર વચ્ચે લીમડો, પીપળો, બાવળ, બોરડી, વડ,ખાખરો, થોરને વળી ખીજડો બધા થરથર કંપવા લાગે છે.

હવે શું થશે આપણું ? આ શું થવા બેઠું છે? આ માણસો ઉપર આપણા કેટલા ઉપકાર છે શું તેઓ ભૂલી ગયા છે ! શું આ માનવજાત ભરોસાપત્ર છે ? બસ આ બધી વાતો અને આવી અનેક વાતો વચ્ચે દલસુખ નગરવાસીઓ તથા દલસુખના માણસો જુદાજુદા સાધનો સાથે દુરથી આવતા દેખાય છે. આ જોઇને વૃદ્ધ વટવૃક્ષની આગેવાનીમાં એક આપતકાલીન બેઠકનું આયોજન કરવામાં આવે છે. તેમાં જંગલમાં રહેતા દરેક પશુ, પક્ષી વૃક્ષો બધાને તાત્કાલિક હાજર થવાનું ફરમાન આપવામાં આવે છે.બધા જ સદસ્યો જોત- જોતામાં સભા સ્થળ પર ઉપસ્થિત થાય છે અને ચર્ચા શરુ થાય છે. લીમડો કહે છે “આપણે તેમને જંગલમાં જ ઘુસવા નથી દેવાના તેના માટે આપણે દરેકે ત્યાર રહેવું જોઈએ” તો વળી હાથીભાઈ જણાવે છેકે ‘હું ત્યાં દરવાજા આગળ ઉભો રહી જઈશ ને કોઈપણ આવવા પ્રયતન કરે તો તેને ફંગોળી દઈશ” વેલો કહે છે કે અમે ચારેબાજુ જાળું બનાવી દઈશું જેથી તે લોકો અંદર ના આવી શકે.

બસ આ અને આવી કેટલીય વાતો સંભાળતો સભાને બોલાવનાર એ વટવૃક્ષ કહે છે કે “ આપણી પાસે તેમને રોકવા માટે ઘણા બધા રસ્તા છે, છતાં તમને એમ લાગે છે કે તેઓ રોકાશે ખરા ? સમજદાર એવો પીપળો ઉતર આપતા કહે છે કે ના નહિ રોકાય પણ તેમને રોકવા તો પડશે જે ને. વડ તેની વાતનો જવાબ આપતા જણાવે છેકે આપણે તેને જીતી ના શકીએ તો વાંધો નહિ પણ તેમને આપણે સમજાવી જરૂર શકીશું, તો આ બાબતમાં આપણે કોઈ પ્રયત્ન કરવો જોઈએ. બધા વડલાની વાત સાથે સહમત થાય છે. હવે જેવા તે લોકો આ બાજુ આવે એટલે આપણે આ વસ્તુ બોલવાની છે એમ કરી એક એક કાગળ તેણે સૌને આપ્યો.

થોડી જ વારમાં દલસુખ તેના માણસો તથા નગરજનો સાથે જંગલમાં આવી પહોચ્યો. તેના માણસોમાં કોઈના હાથમાં કુહાડી તો કોઈના હાથમાં કટર હતા. કોઈ તણી લઈને પણ આવ્યા હતા. તેમાંથી બે મજુરો તો જે.સી.બી ચલાવીને આવતા હતા. આ દર્શ્ય જોઇને નક્કી થયા પ્રમાણે જંગલના બધા સદસ્યો બોલવા લાગ્યા.

“આવી મૂરખની જાન ભાઈ, આવી મૂરખની જાન,

જોઈ લો એના ઠાઠમાઠને, જોઈ લો એની શાન.

ટેકનોલોજીના નામે કરતા હજાર એતો ફતવા,

નથી કોઈની પાસે પર્યાવરણનું જરા અમથું જ્ઞાન.

જંગલ કાપી બનાવવી છે, અહીં એને આ ફેકટરીઓ,

શુદ્ધ હવા અને હરવા ફરવા રહેશે નહિ કોઈ ઉદ્યાન.

બાળી દેશે આપણું એતો દેહ સમું આ લીલું લાકડું,

બળશે પછી પોતે, ચોમેર વધી જશે જયારે તાપમાન.

પાણી વગરની બની જશે, આ પર્યાવરણની ધરતી,

શું પીશે અને ધોશે કેમ પોતાનો દેહ અને સામાન.

આપણી ઔષધિઓ બધી ખૂટી જશેને તો શું કરશે?

માંદા પડી પડી મરી જશે બધા ધરતી પર ઇન્સાન,

તોડી નાખશે આપણા સૌ ફૂલો, ફળો,પર્ણોને ઘાસ,

નહિ રહે પૃથ્વી પરના ખાવા યોગ્ય એવા ધનધાન.

આવી મૂરખની જાન ભાઈ, આવી મૂરખની આ જાન,

રહેવા દો અમને તો ભવિષ્યમાં વધે તમ માનપાન.”

બસ જંગલના વૃક્ષોનો આ અવાજ ખીમજીભાઈ સાંભળી જાય છે કે તરત જ પોતાના દીકરા દલસુખને કહે છે “ બેટા મુંબઈમાં બે ચાર ફેકટરીઓ વધારે લગાવવી હોય તો લગાવી લેજે, પણ આપણા આ પર્યાવરણ નગરને પર્યાવરણ જ રહેવા દેજે” બધા નગરવાસીઓ પણ એક જ સાદે રામજીભાઈની વાતને સમર્થન આપે છે, તેથી નગરના કાર્યકર્તાઓ પણ દલસુખને જણાવે છે કે દલસુખભાઈ સોરી પણ આપણા આ પર્યાવરણનગરને તેની મૂળ ઓળખ જેવું જ રહેવા દઈએ તો કેવું સારું? પછી દલસુખ કહે છે કે પર્યાવરણના નામે છે નગર પર્યાવરણના નામે છે આ જંગલ પર્યાવરણના નામે જ રહેશે.

“ઓમ પર્યાવરણ દેવતાય નમ:”

- કરણસિંહ ચૌહાણ