Niyati books and stories free download online pdf in Gujarati

નિયતી...

દિવસ ક્યારનોય ઊગી ને આગળ વધી રહ્યો હતો પરંતુ તેના બચવાની આશા ઘટતી જઈ રહી હતી.

એને હજી જીવવું હતું, તેને પોતાના સપનાં પૂરા કરવા હતા, તેને પોતાના ઘરડાં માં - બાપ ની સેવા કરવી હતી પણ ન જાણે મૃત્યુ તેને પોકારી રહ્યું હતું.
કદાચ આ જ હશે નિયતી તેની....


હજી તો લગ્નજીવન માણવાની શરૂઆત થઈ હતી. નવા નવા લગ્ન થયા હતા તે પણ ગમતી છોકરી સાથે. હા અમુક લોકોની મરજી વિરુદ્ધ કરેલા પરંતુ માં બાપ ના આશિર્વાદ તો હતા જ.

સમીર એક તેજસ્વી આશાવાદ યુવાન તથા ઘરડાં માં - બાપ નું એકનું એક સંતાન. તેના માબાપે કેટલીય બાધા માનતા કરી હશે અને અંતે થાકી ને આશા છોડી દીધી હશે ત્યારે સમીર નો જન્મ થયેલો તેથી તે ખૂબ જ લાડકોડથી ઉછરેલો. મા-બાપને થયું હશે કે હાશ, અમારા ઘડપણનો સહારો મળી ગયો પણ આજે એ સહારો છીનવાઈ જવાનો હતો.
કદાચ આ જ હશે નિયતી તેના માં બાપ ની...

પિતા કરસનભાઈ કુંભાર હતા. લારીમાં માટલા ભરી શેરી શેરી ફરતા અને માટલા વેચતા. એકદમ સંતોષી જીવના. માતા કાશીબેન પતિ કરસનભાઈ ને કામમાં મદદ કરતા તથા ઘર કામ કરતા. મોટી ઉંમરે મા બનેલા. હવે ખુશ હતા.

સમય પવનની જેમ વહેતો ગયો અને સમીર યુવાન બની ગયો. ભણતર પૂર્ણ કર્યા બાદ નોકરીએ લાગી ગયો. આ દરમિયાન પણ તેની પ્રાથમિકતા હંમેશા પોતાના ઘરડાં મા-બાપની સેવા કરવાની જ હતી.
તેની હોશિયારી અને સ્વભાવને કારણે તેને સોસાયટીની કમિટીમાં પણ સ્થાન મળ્યું હતું.

કાર્યસ્થળે તેનો પરિચય શાલિની સાથે થયો બંનેના સ્વભાવ મળ્યા અને બંને એક બીજાને ગમવા લાગ્યા. બંને એક જ સમાજ ના હોવાથી બનેનું સગપણ પણ થઈ ગયું.

શાલિની ખુલ્લા મનની છોકરી હતી. તેણી લોકો સાથે હળીમળીને રહેતી. સમીરને શાલિનીની આ એક જ વાત ન ગમતી અને તેના લીધે તેમની વચ્ચે નાની નાની તકરાર થતી રહેતી પણ તકરારો એ ક્યારે ઝઘડા નું સ્વરૂપ ધારણ કરી લીધું તેની એમને ખબર જ ના રહી. એક વખતની વાત છે જ્યારે સમીર નોકરીથી કંટાળીને શાલિની ને મળવા આવેલો તે દરમિયાન તેમની વચ્ચે તકરાર થઈ હતી તેમાં સમીરે ગુસ્સામાં શાલિની ને થપ્પડ મારી દીધો. બન્ને એ મળવાનું બંધ કરી દીધું.

લગ્ન ના થોડા દિવસો પહેલાં જ આ વાત બંને ના માં બાપ સુધી પહોંચી. બંને પરિવારો ના નજીક નજીકના લોકો ની એક મીટિંગ થઈ અને બંને વચ્ચે સમાધાન કરાવ્યું. તે બંને એ પણ ભવિષ્યમાં પ્રેમ થી રહેવાની બાંહેધરી આપી. બંને ના લગ્ન થઈ ગયા. કહેવાય છે ને કે માણસ નો સ્વભાવ તેના મરતા જ છૂટે. લગ્ન ના એક જ મહિનામાં બંને વચ્ચે તકરારો પછી ચાલુ થઈ ગઈ.

એક દિવસ સમીર એક્ટિવા લઈ નોકરી જવા નીકળ્યો. રસ્તામાં તેને અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો. સામે વાળી વ્યક્તિ સાથે વાત કરતાં કરતાં સમીર ના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયાં. તેણે એક્ટિવા ની ઝડપ વધારી અને શાલિની ને કૉલ કર્યો. ચાલું એકટીવા એ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.

સમીર નું ધ્યાન બોલાચાલી માં જતું રહ્યું અને તેને ખબર જ ના રહી કે પોતે એક્ટિવા ચલાવી રહ્યો છે. એવામાં સામેથી પૂરઝડપે ડમ્પર આવ્યું જે સમીર ની એક્ટિવા સાથે ધડાકાભેર અથડાયું. આજે જ તેણે હેલમેટ નહોતું પહેર્યું. સમીર ઉછળીને 20 ફુટ દુર પટકાયો અને કાન માંથી લોહી નીકળી ગયું.

ડમ્પર ચાલક ત્યાં થી ફરાર થઈ ગયો. લોકોનું ટોળું ભેગું થઈ ગયું. સમીર ડચકાં ખાઈ રહ્યો હતો. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. સમીર ના ફોન માં કૉલ હજી ચાલું જ હતો. શાલિની ને જાણ કરવામાં આવી કે સમીર નો અકસ્માત થયો છે. શાલિની પર આભ તૂટી પડયું તે ગાંડા જેવી થઈ ગઈ. થોડીક મિનિટો માટે સાન ભાન ભૂલી ગઈ. તેણે નજીકના સંબંધીઓ ને જાણ કરી અને હોસ્પિટલ બોલાવી લીધા.

સવાર થી બપોર થઈ ગઈ. હોસ્પિટલમાં દાખલ સમીર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. લોહી બહુ જ વહી ગયું હતું. શ્વાસ બંધ થઈ ગયા હોવાથી ડૉક્ટર ડીફીબીલેટર થી પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ એક આશાવાદી યુવાન નો ઊગેલો સુરજ મધ્ય માં જ અસ્ત થઈ ચૂક્યો હતો.

કદાચ આ જ હશે નિયતી સમીર ની....
કદાચ આ જ હશે નિયતી શાલિની ની...
કદાચ આ જ હશે નિયતી સમીર ના ઘરડા માં બાપ ની...
(સત્ય ઘટના પર આધારિત) (પાત્રો ના બદલી નાખ્યા છે)
સમાપ્ત

જીગેશ પ્રજાપતિ

બીજા રસપ્રદ વિકલ્પો