પ્રસાદ RAGHAVJI MADHAD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રસાદ

પ્રસાદ રાઘવજી માધડ

નવવધૂને લઇ શણગારેલી ગાડી ભવ્ય મંદિરના વિશાળ પ્રાંગણમાં આવીને ઊભી રહી હતી.

કોઈ રજવાડી મહેલ જેવું શિખરબંધ મંદિર રંગબેરંગી રોશનીથી ઝગમગી રહ્યું હતું.ભક્તોની ભીડ લગભગ નહોતી..અને દ્વાર પર શ્વેત વસ્ત્રધારી સાધુઓ નવવધૂનું સ્વાગત કરવું હોય એમ ઊભા હતા !

આલીશાન બંગલો હોવા છતાં,સુહાગરાત મંદિરના એક ઓરડામાં ઉજવવાનું જાણી નવવધૂ રવિષાને નવાઇ લાગી હતી.તેણે નવવધૂની મર્યાદા લોપીને પણ પૂછી લીધું હતું:‘ત્યાં કેમ !?’તો સાસુના બદલે સસરાએ જવાબ આપતા કહ્યું હતું:‘બેટા,આપણી આસ્થા ને શ્રદ્ધા હોય ત્યાં...’પછી સાવ નજીક આવી, સમજાવટના સ્વરમાં જણાવ્યું હતું :‘અમૂલ્ય ચીજ-વસ્તુનો પ્રસાદ ધરતા હોઈએ છીએ...’

‘ભોગ, સમર્પણ...બીજું શું !’ સાસુએ હોઠ પછાડી, આક્રોશ દબાવી સીધું કહી દીધું હતું.

રવિષા ખાસ કાંઇ સમજી નહોતી.તે પિયુમિલનની પ્રતીક્ષામાં રમમાણ હતી.આંખોના ગુલાબી સમણાંની મોસમ ખીલી હતી. અને ખુદ પૂરબહારમાં હતી. તેથી આ બધું ગૌણ કે નગણ્ય લાગતું હતું.

એક સ્ત્રી રવિષાનો હાથ પકડી,ધીમા ધીમા પગલાં ભરતી તે અદ્યતન ઓરડામાં આવીને ઊભી રહી. ઓરડાને લાઈટ અને ફૂલોથી શણગાર્યો હતો.તાજા ફૂલોની સુગંધ મદહોશ કરી દે તેવી હતી.રવિષા મંદિરના ઓરડાની સાજ-સજાવટ જોઈ નવાઇ પામી, અચરજ અનુભવતી તે પલંગ પર બેઠી.

-પીયુષ આવશે,પ્રેમથી ઘૂંઘટ ઉઠાવશે...પછી આષાઢી મેઘ જેમ વરસી પડશે અને પોતાના તનની તસુભાર જગ્યા પણ ભીંજાયા કે તરબોળ વગરની નહી રહે ! જીવન ધન્ય ધન્ય થઇ જશે.

ઓરડાનો દરવાજા ખૂલ્યો...રવિષાની છાતીમાં ધડકારા વધી ગયા.નસોમાં લોહી ઉછાળા મારવા લાગ્યું.શરીરની સુંવાળી ચામડી તણાઇને તંગ થવા લાગી. પછી તો માંહ્યલામાં વરસોથી ઢબુરાઈને પડ્યું હતું તે આળસ મરડીને ઊભું થયું અને રવિષા ખુદના કવરેજ એરિયા બહાર ધકેલાવા લાગી.

-તેનું મન મક્કમ હતું. ઘૂંઘટમાં મોં છુપાવવું, શરમાવું...એવું કશું નહી કરવાનું.એ જમાના ગયાં... છતાંય રવિષા એવું કરી બેઠી.પળ પળની પ્રતીક્ષા હૈયું થડકાવી રહી હતી.પદરવ પાસે આવ્યો, અટક્યો.

મેરેજ પહેલા અનેકવાર મળ્યા હતાં પણ અત્યારે મળવું તે જુદું હતું. બે આત્માનું મિલન હતું.

‘વત્સ...પરમાત્માના દિવ્ય દરબારમાં આપનું સ્વાગત છે !’

ધીમો અને પ્રભાવશાળી અવાજ ઓરડામાં પ્રસરે એ પહેલા રવિષાના અંતરપટ પર સડસડાટ પસાર થઇ ગયો.તેનાં રુંવાડા ઊભા થઇ ગયા.મોં પરનો ઘૂંઘટ ઝડપથી હટાવી,આંખો ફાડીને જોયું...તો પતિ પીયુષ નહી પણ મંદિરના અધિપતિ ખુદ મહાત્મા પ્રેમાનંદ સામે ઊભા હતાં.રવિષાને ખુદની નજર પર વિશ્વાસ બેઠો નહી, આંખો ઉઘાડ બંધ કરી...

‘વત્સ,આંખોના વિશ્વાસે ન રહેવું...’તદ્દન પાસે આવીને તેઓ ઢળ્યા.પછી ઋજુતાથી બોલ્યા:‘જે છે તે સત્ય છે,સત્યનો સ્વીકાર કરો...કાયાનું કલ્યાણ તેમાં જ છે !’

‘પણ આપ...!!?’ રવિષા આછા ચિત્કાર અને આંચકા સાથે ઊભી થઇ ગઈ.

‘હા..’કહી પ્રેમાનંદે સ્મિત વર્યું.તેમનું મનમોહક સ્મિત કોઇપણના હૈયે વસી જાય એવું હતું. રવિષા પણ કશું બોલ્યા વગર અનિમેષ નજરે સામે જોતી રહી. તેને હજુ આ કશું ગળે ઉતરતું નહોતું.

‘મોક્ષના મારગે જવા સાથ તો સાધુ-પુરુષોએ જ આપવો પડતો હોય...’

રવિષા હજુ પણ સત્યથી અજાણ છે.સાક્ષાત્કાર કરાવવા ખુદ મહાત્મા પ્રગટ થતા હશે.તેઓના આશીર્વાદ લઇ પછીથી સંસાર-લીલાની શરુઆત કરવાની હશે...આવું સમજી જલ્દી છૂટકારો મેળવવા, પગે લાગવા શરીર ઝુકાવ્યું ત્યાં મહાત્માએ બંને ખભાથી તેને ઝાલી ને રીતસર ઝીલી લીધી.

‘વત્સ,મિલનના મહાલયમાં નર્યું એકાંત ને પછી એકાકાર હોય છે...સઘળા ભેદ ભૂલી એકમેકમાં ઓગળી જવાનું હોય છે...’પ્રેમાનંદે સંમોહક સ્વરમાં કહ્યું:‘આવો,દેહરૂપી દેવાલયમાં પ્રેમાળ પદરવ કરો !’

અડધી મિનિટમાં પ્રસાદનો મતલબ સમજાઈ ગયો.કોઈ અઘોર રહસ્ય આડેથી પડદો ખસી જાય અને સઘળું સ્વયંભૂ સામે આવી જાય એવું રવિષા માટે થયું.તે સાવધ થઇ ગઈ.સહેજ નજર ઉપાડી દર વાજા પર જોયું. ત્યાં સ્ટોપર લાગી ગઈ હતી. પાછા ફરીને પણ જોઈ લીધું. સઘળું જડબેસલાક બંધ હતું.

પ્રેમાનંદને ધક્કો મારી ઝડપથી નીકળી જાય...અથવા તો બારીમાંથી કૂદી પડે.પણ અહીંથી નીક ળવું,છટકવું એટલું સરળ કે શક્ય નહોતું.તેનું માથું ચક્કર ચક્કર ભમવા લાગ્યું.છાતીમાં મૂંઝારો થવા લાગ્યો. એસી હોવા છતાં તેને અસહ્ય અકળામણ થવા લાગી. શરીરે પરસેવો વળવા લાગ્યો.

- પરણ્યાની પહેલી રાતનું સુખ ભોગવવા મંદિરનો મહાત્મા ઓરડામાં આવીને ઊભો રહે તે આઘાત કરતા તેનો પતિ-પરિવારજનો આમ અહીં મૂકી જાય...તેનો આઘાત અસહ્ય થઇ પડ્યો.

ના,તે લોકો એવું ન કરે.અને પીયુષતો ભોળો ભટ્ટાક, અપાર શ્રદ્ધાળુ...તેને તો આવો કુવિચાર આવે તો પણ ઉપવાસ કરી લે અને પ્રભુના નામની સો-બસો માળા ફેરવી લે !

-નક્કી આ મહાત્માનું નાટક કે તરકટ હશે !

રવિષાને થયું કે મહાત્માનું ગળું જ દાબી દે...જાય સાલ્લો જંતર વગાડતો !

પણ એ લોકો અહીં મૂકી ગયા છે, પ્રસાદ ધરવાના બહાને...આ હકીકત ઝેરના ઘૂંટ જેમ કોઈ રીતે ગળે ઉતરતી નહોતી.તેનાથી ઊભા રહેવાયું નહી.બે હાથે માથું દબાવ્યુ ને તે,મૂળસહિત ઉખડતા ઝાડ માફક ધીમે ધીમે ફરસ તરફ ઢળવા લાગી...આંખના પલકારામાં તે નીચે પડવામાં હતી ત્યાં ફરી પાછી પ્રેમાનંદની ભરાવદાર ભૂજાઓમાં ઝીલાઇ ગઈ...લોખંડની ગરમ કરેલી સાંકળ શરીર ફરતા વીંટલાઇ હોય એવું થયું.ધગધગતી પીડા સાથે તે ચમકી અને સતર્ક થઇ ગઈ. અને પછી બાહુપાશમાંથી વછૂટવા માટે તેણે પ્રેમાનંદને રીતસર ધક્કો માર્યો.

પ્રેમાનંદ હડસેલાયા કરતા ધિક્કારાયા...લોકો દંડવત પ્રણામ કરે છે અને અહીં ધક્કો આવ્યો... અહમના એરિયામાં ગડબડ ઊભી થઇ ગઈ.લીસ્સા ચહેરા પરની રેખાઓ તંગ થઇ.ગૌરવર્ણ સહેજ કાળો થયો.ચમકદાર આંખો ઝીણી થઇ.કોઈ પ્રતિક્રિયા વગર પળાર્ધ માટે સ્થિર રહ્યા.તેઓને ખ્યાલ આવી ગયો કે,આ નવોઢા ભક્તિ-ભાવથી આવી નથી પણ તેને છેતરીને મોકલવામાં આવી હોય એવું લાગે છે.હવે શું કરી શકાય...પ્રેમાનંદ,નવોઢા છટકી ન જાય તેની સાવચેતી સાથે બે ઘડી અટકી ગયા.પ્રસાદ પામ્યા વગર પાછી જાય તો બીજા પ્રશ્નો ઊભા થાય.શું કરવું...?આ સવાલ કાળોતરા નાગ જેમ દરમાંથી મોં કાઢી પાછો અંદર ભરાઇ ગયો.આ પહેલો બનાવ નહોતો.છતાંય રાતને રંગીલી કરવા માટે કાળજી રાખી, કુનેહપૂર્વક ચાલવું પડે એવું પ્રેમાનંદે મનથી સ્વીકારી લીધું.

તેઓ મરક મરક હસવા લાગ્યા. આ હાસ્ય રવિષાને ગંદુ, ગોબરું ને બહુ આકરું લાગ્યું.તેને તન-મન કરતા સ્વમાન ઘવાતું કે ઉભે ઉભું ચિરાતું હોય એવું લાગ્યું.તેનાથી એકદમ ચીસ નખાઈ ગઈ.તીવ્ર અને તીક્ષ્ણ ચીસના લીધે ઓરડાની ઋજુતા અને દિવ્યતામાં જાણે આડી-ઊભી તિરાડો પડી ગઈ.

સગાઇ થયા બાદ પિયુષ પાસેથી પ્રેમાનંદનું નામ સંભાળ્યું હતું.તેઓ પ્રત્યેનો અહોભાવ અને મંદિર સાથેનો અનન્ય ભક્તિભાવ રવિષાથી અજાણ નહોતો.પણ આટલી નિમ્ન અને હીન કક્ષાનો ભાવ... જાણે સફેદ ચંદ્રમાં કાળો ડાઘ..! એવુંતો કયારેય કલ્પનામાં કે સ્વપ્નમાં પણ આવ્યું નહોતું.

‘આ ઓરડો ચીસ પ્રૂફ છે...!’પ્રેમાનંદ દાંત ભીંસી,મોં પર સ્મિત પાથરવાના પ્રયાસ સાથે બોલ્યા : ‘કશુંજ નહી થાય.’પછી સાવ છેલ્લી પાટલી પર બેસી જઈને કહે:‘અને થઇ થઇને શું થાય,ન્યુઝમાં આવે ..બે-પાંચ દિવસ કાગારોળ મચી જાય. પછી ભૂલાઈ ને ભૂંસાઇ જાય !’બે-ચાર ક્ષણોના સહેતુક મૌન રહ્યા પછી આગળ ઉમેર્યું :‘પટાવાળાથી લઇ મંત્રીશ્રી સુધીના લોકો ભક્તો છે, આ મંદિરના...’

પ્રેમાનંદનું કહેવું જરાપણ ખોટું નહોતું.તેમાં તેમની વગ અને મહાનુભાવોના પગ સુધીનું ઘણુંબધું આવી જતું હતું. રવિષા સ્તબ્ધતા સાથે, આંખો ફાડી તેમના સામે જોતી રહી.

એસીના તદ્દન ધીમા અવાજ સિવાય સઘળું શાંત હતું.ઓરડો એક કાને ને ધ્યાને થઇ ગયો હતો. આવું અહીં ઘણું બન્યું હતું.કેટલીય કુંવારી કન્યાઓના કાનમાં મોક્ષનો મંત્ર ફૂંકાયો હતો, પ્રેમથી પ્રસાદ ધરાયો હતો ને ઘણી નવવધૂના સોનેરી સોણલાં સાકાર થયા હતા.પણ શ્રદ્ધા સાથેના સમર્પિત ભાવે... જયારે આ કિસ્સો જુદો અને અજબ ગજબનો હતો. આવા ભોગ અને પ્રસાદવાળા ભક્તિભાવનો રવિષાને ખ્યાલ કે અણસાર પણ આવ્યો નહોતો. કયાંય ક્યારેય સાંભળ્યું પણ નહોતું.

પ્રેમાનંદે જાતે ટિપોઈ પરથી દુધનો ગ્લાસ લઈને રવિષા સામે ધર્યો.ને કહ્યું:‘અવનીનું અમૃત છે, પીઓ...તૃપ્ત થયા વગરનું સઘળું નિરર્થક છે.’

તૃપ્ત થવાનો ભાવાર્થ તે સમજી ગઈ પણ ‘પાણી...’આટલું માંડ બોલી શકી.તેનાં ગળામાં શોષ પડવા લાગ્યો હતો.પાણી પીધું.થોડી નિરાંત થઇ.આંખો બંધ કરી પલંગ પર બેઠી રહી.અગ્નિ સાથે ખેલ ખેલવાનો હતો.સ્વીકારી લે,પ્રસાદના નામે શરીર સોંપી દેતો કોઈ સવાલ નહોતો.પણ સમર્પિત ન થાય ...તે પછીનું પરિણામ કેવું હશે ? તેની કલ્પના કરવી રવિષા માટે મુશ્કેલ હતી.

-તો શું કરવું ? કોબ્રા સાપ જેવો ભયંકર સવાલ ફૂંફાડા મારવા લાગ્યો.રવિષા જાણે સ્થિર ને બધિર થઇ ગઈ.કશું સૂઝતું નહોતું. પ્રેમાનંદ સાધુ-મહાત્માના વેશમાં શેતાન છે,બધી રીતે પહોંચેલી માયા છે તેનો અંદાઝ આવી ગયો હતો તેથી કોઈ ઉતાવળિયું પગલું ભરવામાં સાર નહોતો.સાણસામાં બરાબર સપડાઈ હતી.સમજી-વિચારીને આગળ વધવું પડે એમ હતું.પણ આખરી ઉપાય તરીકે જે થાય તે, જીવ સટોસટ ખેલી લેવા તૈયાર હતી પણ આવી રીતે શરીર સોંપી દેવા હરગીજ તૈયાર નહોતી.

રાત શાંત જળના પ્રવાહ માફક વહે જતી હતી. રવિષાનો આઘાત પછીનો આક્રોશ અને ઉભરો સ્થિર થવા લાગ્યો હતો.શું કરી શકાય,આ નિર્ણાયક પળોમાંથી ચાંગોપાંગ કેમ પસાર થઇ શકાય..તેનું ધમસાણ મનના મહાલયમાં ચાલી રહ્યું હતું.

અને સામે ઊભા પ્રેમાનંદના પગે કીડીઓ ચટકા ભરતી હતી.તેમનાથી સહેવાતું ને રહેવાતું નહોતું.પણ રવિષાને અજાણપણે અથવા છેતરીને મોકલી હતી એટલે ધીરજથી કામ લેવું પડે એમ હતું. ગાફેલ રહ્યા જેવું નહોતું. વગ,પહોંચ છેક ઉપર સુધીની છે તેની ના નહી પણ ન કરે નારાયણને કયાંક અવળું પડે તો મહેલમાંથી સીધા જેલમાં જવું પડે !

અને ભણેલી-ગણેલીને પાછી છેતરાયેલી સ્ત્રીઓનું ભલું પૂછવું, કોઈના બાપનો ડર રાખ્યા વગર સીધી જ પહોંચી જાય પોલીસ સ્ટેશને અને ફરિયાદમાં બધું જ ફટાફટ નોંધાવી દે !

પછી તો પોલીસ સ્મશાનમાંથી મડદાં પણ બહાર કાઢે એમ ઈતિહાસ ઉખેળી ભૂગોળ પર લાવે !

પ્રેમાનંદને હવે ઉંમર સાથે થોડો ભય પણ ભરાવા લાગ્યો હતો.ભલભલા મહાત્માઓ જેલની હવા ખાઇ રહ્યા હતાં.તે નજર બહાર નહોતું.છતાંય મક્કમ થઇ રવિષા પાસે બેસી ખભા પર હાથ મૂક્યો. પછી લાલચમાં લપેટવા સાથે થોડી બહાદુરી બતાવતા હોય એમ બોલ્યા:‘અહીં પ્રસાદ ધર્યા ને પામ્યા પછી ન્યાલ ને માલામાલ થઇ જાય છે પરિવાર !’

રવિષા એકદમ ઊભી થઇ ગઈ.તેને અહીં પ્રસાદના નામે મોકલવાનો પરિવારનો ઈરાદો સ્પષ્ટ થઇ ગયો.તે ભીંસાતા સ્વરે બોલી:‘શરીરનો સોદો પ્રેમથી થાય,પૈસાથી નહી..!’સામે પ્રેમાનંદ પણ ફડાક કરતા ઊભા થઇ ગયા.તેમના જીવમાં જીવ આવ્યો.અંતરથી રાજી-રાજી થઇ ગયા.સ્ત્રી ભલે ગમે તેવું સારું-ખરાબ કે વિરુદ્ધમાં બોલે પણ સામે બોલતી થઇ,બળાપો કાઢતી થઇ એટલે એનું આવી બન્યું, મરી સમજો ! પ્રેમાનંદ પાસે આવા અનુભવોની મોટી ગાંસડી બાંધેલી હતી.

‘ક્રોધ,આવેશથી હારી શકાય,કશું પામી ન શકાય..’પ્રેમાનંદે ગુઢવાણીમાં કહ્યું:‘આ પવિત્ર સ્થાનો જાતને હારી, જગતને જીતવા માટે હોય છે...’

રવિષાને કંઈ સમજાયું નહી.તેનું ચિત ચકડોળે ચઢ્યું હતું.હૈયું વલોવાઈ રહ્યું.શું કરે...કંઇ સમજમાં આવતું નહોતું.પોતે સોનેરી સ્વપ્નમાં મહાલતી સુખની ટોચ પર પહોંચી ગઈ હતી અને ત્યાંથી ગબડતી છેક તળીયે આવી ગઈ હતી. મધુરા સોણલાં, અધૂરા રહે તેવા કપરા ને આકરા સંજોગો સર્જાયા હતાં.

હવે શું કરવું...વારંવાર થયા કરતું હતું કે પ્રેમાનંદના ગળે બેસી જાય.પૃથ્વી પરનું એક પાપ ઓછું થાય,પણ...દોષ તો અહીં ધકેલી દેનાર પતિ અને સસરાનો હતો.ખરી સજાતો તેને મળવી જોઈએ !

‘વત્સ !’કહેવામાં જાણે શીતલ જળનો માથે છંટકાવ થયો હોય એમ રવિષા થથરી ને સથરી પડી ગઈ.તે પ્રેમાનંદની કાબેલ નજરથી પરખાઈ ગયું હતું.તેઓએ રવિષા સામે જોયું.તેનાં ગૌર ચહેરાને નવલી નજરે નીરખ્યો...થયું કે,બગીચાનું મોંઘેરું ફૂલ છે.આને ઝુંટવવાનું ન હોય પણ પ્રેમથી ચૂંટવાનું હોય ! અને પ્રેમાનંદને આવા કાર્યમાં પરિણામ પૂર્વેની પ્રક્રિયામાં વધારે રસ પડતો હતો.

ત્યાં રવિષાએ તમતમતા સ્વરે સીધું જ પૂછ્યું : ‘શું ઈચ્છો છો, આપ !’

વળી પ્રેમાનંદ અંતરથી હરખાઈ ઉઠ્યા. કારણ કે રવિષા બહુ ઓછા સમયમાં સીધી લીટીમાં આવી ગઈ હતી. અને આવો સવાલ કરવાનું કારણ પણ એ હતું કદાચ !

‘અહીં ઇચ્છવાનું ન હોય, ઈચ્છા પૂરી કરવાની હોય...પરિતૃપ્ત થવાનું હોય..!’

‘પણ કોઈ ઈચ્છા જ ન હોય તો...!’ રવિષાએ જાણે હાથ ઊંચા કરી દીધા !

પ્રેમાનંદ થોડું હસીને બોલ્યા:‘ઈચ્છા વગરના માત્ર ઈશ્વર જ હોય.પામર મનુષ્ય તો...’પછી યાદ આવ્યું હોય એમ કહ્યું :‘પ્રભુતામાં પગલાં પાડ્યા તે ઈચ્છા વગર...!’

રવિષા પાસે જવાબ નહોતો.પરણ્યાંનો પસ્તાવો નહોતો પણ પિયુષના પરિવારની આંધળી ભક્તિ પાછળ ઉછરતી લાલચને સમજી ન શકી,તેનો પારાવાર પસ્તાવો થઇ રહ્યો હતો.પણ હવેતો રાંડ્યા પછી નું ડહાપણ હતું.એક ક્ષણેતો રિવોલ્વરના જેમ છાતી સામે સવાલ તાકાયો હતો:‘ક્યાં ગઈ તારી ડીગ્રી,તારું હાયરએજ્યુકેશનને સ્માર્ટનેસ...!’તેની દયામણી નજર વોલકલોક પર અટકી હતી.રૂપકડી કલોકમાં ત્રણેય કાંટા ભેગા થયા પછી સેકન્ડકાંટો કટ..કટ..કરતો આગળ વધી રહ્યો હતો.રવિષા પાંપણો પટકાવ્યા વગર જોતી રહી.પછી ચિતમાં એકાએક ઝબકારો થયો.ટાઇમપાસનો કોઈ કીમિયો મળી જાયતો !

વાતો કરવામાં જ સવાર થઇ જાય...આ વિચારને વળગી રહેવાના પ્રયાસ સાથે રવિષા બોલી : ‘મારી ઈચ્છાથી થયું છે તેમ કહેતા હવે મને શરમ અને સંકોચ થાય છે.’તે ભારોભાર નફરત અને આક્રોશ સાથે બોલી :‘આવા પુરુષ અને પરિવાર સાથે એક મિનિટ પણ ન રહી શકાય...’

એકાદ ક્ષણ અટકી, દાંત ભીંસીને બોલી :‘તેમણે સ્ત્રીજાતનું અપમાન કર્યું છે...’

પ્રેમાનંદ સતર્ક થઇ ગયા.પ્રક્રિયાનું પડતું મૂકી હવે પરિણામ સુધી પહોંચી જવું જોઈએ.આ સ્ત્રીનો સ્વર બદલાવા લાગ્યો છે.આ સ્માર્ટ સ્ત્રીઓનું ભલું પૂછવું,ક્યાંક કોથળામાંથી બિલાડું કાઢીને પણ ઊભી રહે. અથવા કોઈ જાતની શેહ-શરમ રાખ્યા વગર ઉઘાડા પાડી દે !

તેઓ અધીરાઈથી આગળ વધી,શ્વાસ અથડાય એવી રીતે રવિષાની લગોલગ બેઠા.સામે રવિષા એ એક તસુભાર પણ દૂર ખસવાનો પ્રયાસ ન કર્યો.તેથી રવિષાની મૂકસંમતિ સમજી પ્રેમાનંદ આવેગ, આવેશ સાથે ઓગળવા લાગ્યા. અને રવિષાને બહુપાસમાં લેવા પ્રયાસ કર્યો.

પણ પળ પારખી રવિષા ઝડપથી ઊભી થઇ ગઈ.પછી ત્રાટક કરતી હોય એવી નજરે પ્રેમાનંદ સામે જોઇને કહ્યું :‘ઉતાવળા ન થાવ, હું હવે કયાંય જવાની નથી...’

રવિષાનું કહેવું સમજી ન શક્યા.તેથી પ્રેમાનંદ દ્વિધા સાથે લોલુપ નજરે તેની સામે જોતા રહ્યા.

‘જઈને હવે, જાઉં ક્યાં !’

રવિષાના કહેવાનું તાત્પર્ય પૂંછડેથી પણ સમજાયું હોય એમ પ્રેમાનંદ એક ઝાટકે ઊભા થઇ ગયા. અને તીખીને તમતમતી નજરે રવિષાને ત્રોફી.પછી ફોયણા ફુલાવીને કહ્યું:‘જે વાજતે-ગાજતે લઇ આવ્યા છે, ગૃહ લક્ષ્મીનો દરજ્જો આપ્યો છે...ત્યાં જવાનું, બીજે ક્યાં !’

‘અહીં પણ વાજતે-ગાજતે જ મૂકી ગયા છે ને!?’રવિષા રડવા જેવું હસવું ખાળી,અટકાવીને વ્યંગ સાથે આગળ બોલી : ‘ગૃહલક્ષ્મી...કે ધનલક્ષ્મીને..!’

‘ધનલક્ષ્મી કેવી રીતે !?’ પ્રેમાનંદે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું.

‘માત્ર શ્રદ્ધા કે ભક્તિભાવ જ હોતતો કોઈ સામાન્ય સાધુ પાસે મને છોડી દીધી હોતને...!’ તે શ્વાસ ઘૂંટીને બોલી :‘ભવ્ય મંદિરના માલદાર મહાત્મા પાસે શું કરવા મૂકી જાય !?’

બહુ ઓછી ક્ષણો અને શબ્દોમાં પ્રેમાનંદને રવિષાનું કહેવું સમજાય ગયું.તેઓ સચેત થઇ ગયા. ઘણી સ્ત્રીઓ પસાર થઇ ગઈ પણ આ સ્ત્રી જુદી માટીની છે...તેને કેવી રીતે સંભાળી ને સાચવી શકાય, શ્રદ્ધાળુની સમસ્યા હલ કરનાર પ્રેમાનંદ ખુદ સમસ્યાના સકંજામાં સપડાઈ ગયા.

‘આવો વૈભવ-વિલાસ છોડી ને બીજે ક્યાં જવાનું, કાયાનું કલ્યાણ કરવા !?’

પ્રેમાનંદનું તંગ થયેલું તન ઢીલું પડી ગયું હતું.એસી હોવા છતાં પ્રસ્વેદબિંદુઓ તેમના તન પર ઉપસવા લાગ્યા હતા.છતાંય પોતે વિચલિત થયા વગર યથાવત જ છે અને મુક્ત વિચારોના માલિક છે તેવા ભાવ સાથે બોલ્યા :‘ગમે ત્યાં જવાનું...’

‘ગમતું હતું ત્યાં,તેના સાથે ન જવાયું...’રવિષાના ગળામાં ડૂસકું આવી ભરાઇ આવ્યું.છાતીમાં છૂપાયેલું દર્દ અણસમજુ છોકરા જેમ ધમાલ કરવા લાગ્યું. ઘડીભર જાતને સંભાળવી મુશ્કેલ થઇ પડી.

રવિષા અને પ્રેમાનંદ તદ્દન બાજુમાં હોવા છતાં હજારો કિલોમીટર દૂર હોય અથવા સાવ અજાણ હોય તેમ ઊભાં હતાં.એકએકમાં ઓગળી જઈ એકરસ થવાના બદલે જલ્દી નીકળી જવાની પ્રેમાનંદ પેરવી કરવા લાગ્યા.છતાંય પ્રસાદ આપ્યા વગર રવાના કરી દેવી કે પછી ભોગવી લેવી...આ દ્વિધા જિંદગીમાં પ્રથમવાર તેઓના પર સવાર થઇ.આવું ઘણું પસાર થઇ ગયું હતું.પારંગતતા આવી ગઈ હતી. પણ કહેવાતા સાધુ-મહાત્માઓના કલંકિત બનાવો સોશ્યલ મીડિયામાં ચમકતા અને તેમને જેલભેગા થતાં જોઈ અંદરથી ડર પેશી ગયો હતો.

અને દરેક વખતે તંત્ર હાથમાં ને સાથમાં હોય એવું ન પણ બને !

રવિષા પ્રેમાનંદની સામે ફરી,લગોલગ ઊભી રહી. તેનો વિખાઈ ગયેલો ચહેરો ભેગો થવા લાગ્યો હતો. આંખો ઝીણી ને તીક્ષ્ણ થવા લાગી હતી. નજર બદલાઈ ગઈ હતી.

પ્રેમાનંદ સતર્ક થઇ ગયા.હજુતો ગણતરીની મિનિટો પહેલા જેને પામવા શરીર ધખારો કરી રહ્યું હતું.તે ઢીલું પડી ગયું હતું.આવેગના ઉછાળા શમી ને થંભી ગયા હતા.આધ્યાત્મવાણીએ પણ વિરામ લેવાના બદલે અજ્ઞાનવાસ સ્વીકારી લીધો હતો.

રાત બિલ્લીપગે પસાર થઇ રહી હતી.અકળ મૌન વચ્ચે કલોકનો સાવ નગણ્ય અવાજ પણ ખલેલ પહોંચાડી રહ્યો હોય એવું લાગતું હતું.પ્રેમાનંદ પાખંડી કરતા કાબેલ ખેલાડી હતા.ઘણા ખેલ ખેલી ચુક્યા હતા.પણ આજે અવઢવમાં અટવાઇ ગયા હતા.રવિષા પાસે રહેવું કે તેને એમ જ રવાના કરી દેવી તે નિર્ણય લેવો અઘરો થઇ પડ્યો હતો. વળી તે અહીં રહેવાનું કહે છે !

-તેનો પરિવાર જ પકડીને લઇ જાય...આવા આશ્વાસન સાથે પ્રેમાનંદે થોડી નિરાંત અનુભવી.

રવિષા માટે તો કલ્પનાતિત ઘટના હતી.પ્રભુતામાં પા..પા..પગલી માંડતા,પહેલા પગથિયે જ ન સહન કે ન વહન કરી શકે એવી ભૂંડી ને કફોડી સ્થિતિનું નિર્માણ થયું હતું. હાડોહાડ લાગી આવ્યું હતું. પોતે ભોગ-વિલાસનું સાધન છે તે,કોઈને વસ્તુ માફક સોંપી દેવાની ? પણ જાતને કંટ્રોલ કરી હવે આ પાર કે પેલે પારનો નિર્ણય કરવાનો હતો.

એકબીજાએ સામે જોયું.પ્રેમાનંદની આંખોમાં વિકાર કે શિકારનું સામર્થ્ય નહોતું રહ્યું.બંને વચ્ચેથી નિર્ણાયકપળો પસાર થઇ રહી હતી.તેમાં હવે શું કરવું...તેનો ઉકેલ રવિષાને મળી ગયો હતો, મન કાઠું કરી લીધું હતું.તેણે અંગ મરડી પ્રેમાનંદને કહ્યું:‘કાયાનું કલ્યાણ કરવામાં હવે કોની રાહ જુઓ છો!’

રવિષા સ્વર સાથે ખુદ બદલાઈ ગઈ હતી.તેનાં સામે જોઈ પ્રેમાનંદ ચોંકી ગયા.હવે વિલંબ કરવો પોસાય તેમ નહોતો.તેઓનો પળના પા ભાગમાં નિર્ણય લેતા કહ્યું:‘વત્સ ! હવે ધ્યાનસ્થ થવાનો સમય થઇ ગયો છે, નીકળવું પડશે..’

‘પણ...’ રવિષા આડે ઊભી રહીને બોલી : ‘પ્રસાદ..!’

‘પ્રાત:આરતી ને સત્સંગ પણ કરવાનો છે...’પછી પારોઠ ફરીને કહ્યું :‘આપ હવે સિધાવો...હું ફોન કરું છું,લઇ જવા માટે.’

રવિષાને થયું કે કોઈ પ્રશ્નો ઊભા કર્યા વગર અહીંથી નીકળી જવું જોઈએ.પોતે સહી-સલામત છે, મરજી વિરુદ્ધ કશું થયું નથી અને કોઈને ખબર નથી પછી શું છે?જે નક્કી કર્યું હતું,તેમાં તિરાડો પડવા લાગી.મક્કમતા ઢીલી થવા લાગી.તેણે પ્રેમાનંદ સામે જોયું. તેઓ નીકળવાની રાહે ઊભા હોય એવું લાગ્યું. તેથી પૂછાઇ જ ગયું :‘હવે પછી કોઈ નવોઢા મારાં જેમ અહીં નહી આવે ને !?’

રવિષાના સવાલે પ્રેમાનંદને વીજળીના જેવો કરંટ લાગ્યો. અસહ્ય આંચકો અનુભવ્યો.

‘કોઇ શ્રદ્ધાળુ પ્રસાદ અર્થે આવેતો,તેને રોકી કેમ શકાય...!?’પ્રેમાનંદ ધુમાડો કાઢી ગયેલા ક્રોધને દબાવવા ના પ્રયાસ સાથે બોલ્યા :‘અમે તો મંદિરમાં બેઠા છીએને...!’

પ્રેમાનંદનું કહેવું ઓરડાની આરપાર પ્રસરે એ પહેલા રવિષાના અણુએ અણુમાં આગના જેમ વ્યાપી ગયું.તે જવાળાની જેમ ભડ..ભડ...સળગવા લાગી.આગ..આગ...થઇ ઉઠી.અંગારા ઓકતી હોય એમ તેનાથી બોલાઇ ગઈ:‘કોઇપણ ભોગે આવા પ્રસાદનો અંત આવવો જોઈએ...’

રવિષાએ ખભા અને છાતી પરથી સાડીના પાલવએ ઝટકો મારી અળગો કરી બાકીનો અસબાબ શરીરથી અળગો કરવા લાગી.

પ્રેમાનંદથી ઝીરવાયું નહી. તેથી ઉતાવળે બોલી ઉઠ્યા :‘હવેતો જવાનું..!’

રવિષા જલ્દી નીકળે તેવું પ્રેમાનંદ ઈચ્છતા હતા.લઇ જવા માટે સામે ફોન પણ થઇ ગયો હતો.

‘જવાનું છે, કોને !?’ ઉપાલંભ ભર્યું કહી રવિષાએ પલંગની સફેદ ચાદર ઝડપથી ખેંચી શરીરે લપેટી લઇ તે પ્રેમાનંદની લગોલગ ઊભી રહી. પછી મક્કમતાથી બોલી :‘મને લેવા આવે તેને આપ જ કહી દેશો : આ સાધ્વી હવે મંદિર છોડી ક્યાંય જવા ઇચ્છતી નથી...!’

પ્રેમાનંદે રવિષા સામે જોયું,આંખો ઉઘાડ બંધ કરી,સાથે રવિષાનું બોલવું સાંભળ્યું-અણસાંભળ્યું કર્યું...પણ હકીકતને હવે ટાળી કે વાળી શકાય તેમ નહોતી.

પ્રેમાનંદની આંખે લાલ-પીળા અંધારા આવવા લાગ્યા,નજર સામે સઘળું ચક્કર ચક્કર ભમવા લાગ્યું, પગ નીચેથી જમીન સરકવા લાગી...તેમનાથી ઊભા રહેવું શક્ય નહોતું તેથી ટેકો લેવા હાથને વીંઝવા લાગ્યા...

-રવિષા તિરસ્કારભરી નજરે તાકી રહી હતી.

*******************************************************

સંપર્ક : ‘અભિષેક’ પ્લોટ ન. ૭૧૫/૧, સેકટર ૭ બી, ગાંધીનગર

મોબાઈલ : ૯૪૨૭૦ ૫૦૯૯૫, ૯૭૨૪૬ ૨૮૩૦૩