મરાઠી યોદ્ધા યશવંત રાવ હોલ્કર MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મરાઠી યોદ્ધા યશવંત રાવ હોલ્કર

મરાઠી યોદ્ધા યશવંત રાવ હોલ્કર જેણે એકલે હાથે અંગ્રેજોને હરાવ્યા

૧૭૯૫ની સાલથી મરાઠા સામ્રાજ્ય હાલકડોલક થવા લાગ્યું હતું. સવાઈ માધવરાવ, મહાદજી શિંદે અને નાના ફડનવીસના મૃત્યુ બાદ મરાઠાઓ માટે આગેવાન મેળવવો મુશ્કેલ લાગી રહ્યું હતું. ત્યારબાદ બાજીરાવ બીજા દૌલત રાવ શિંદેના બિનઅનુભવને લીધે પણ આ સામ્રાજ્યને ઘણું બધું સહન કરવું પડ્યું હતું. ૧૮૦૨માં ભયંકર દુષ્કાળ પડ્યો, શિંદે અને હોલકર વચ્ચે દુશ્મની થઇ અને શિંદેને પેશ્વાઓનું સમર્થન મળ્યું. ૧૮૦૦ની સાલમાં આ યુતિએ વિઠોજી હોલકરની પુણેમાં હત્યા કરી.

ત્યારબાદ ગુસ્સે ભરાયેલા યશવંત રાવ હોલકરે પુણે પર ચડાઈ કરી અને પેશ્વાની સેનાને હડપસર પાસે જ હરાવી દીધી હતી. બાજીરાવ બીજો આ જોઇને નાસી છૂટ્યો અને વસઈ ખાતે બ્રિટીશ થાણામાં તેણે આશ્રય મેળવ્યો. અત્યારસુધી મરાઠાઓની સમસ્યાઓ મરાઠી સમવાયતંત્ર સુધી જ સીમિત હતી પરંતુ ૩૧ ડિસેમ્બરે બાજીરાવ બીજાએ અંગ્રેજો સાથે બેસીનની સંધી કરી અને સમગ્ર મરાઠા ઈતિહાસ બદલાઈ ગયો.

આ સંધીએ પેશ્વાઓને બ્રિટીશરો કરતા નબળા બનાવી દીધા. તેઓ હોલકર કે શિંદે સાથે કંપની સરકારને પૂછ્યા વગર કોઇપણ નિર્ણય કરી શકતા નહીં. આવી સંધી કરવા પાછળનું કારણ હતું કે બાજીરાવ બીજાને પોતાની સુરક્ષાની ચિંતા હતી અને બેસીનની સંધી થવાને લીધે પૂના હોર્સ તરીકે ઓળખાતી છ હજાર અંગ્રેજ સૈનિકોની સેનાએ પૂનામાં પોતાનો કેમ્પ સ્થાપિત કર્યો અને તેને સુરક્ષા પ્રદાન કરી.

આ સમાચાર પર હોલકર, શિંદે, નાગપુરના ભોંસલે, ગાયકવાડ આ તમામને વિશ્વાસ ન થયો. યશવંત રાવ હોલકરે તો આ જ સમયે ચેતવણી આપી દીધી હતી કે આ રીતે બાજીરાવ બીજાની હાલત ટીપુ સુલતાન જેવી જ થઇ જશે. પરંતુ આ ઘટના થવા છતાં મરાઠા એકતા શક્ય ન બની. શિંદે અને ભોંસલે વચ્ચે મિત્રતા તો થઇ પરંતુ તેમણે હોલકરને દૂર રાખ્યા. બેસીન સંધીને કારણે પશ્ચિમ ભારતમાં અંગ્રેજો અગાઉ ક્યારેય ન હતા એટલા સુરક્ષિત થઇ ગયા અને આથી તેમણે સિંધિયા અને ભોંસલે રાજ્યો પર હુમલો કર્યો.

આ બીજા અંગ્રેજ-મરાઠા યુદ્ધમાં શિંદે સેનાએ દિલ્હી અને લસ્વારી સુધી ખૂબ લડત આપી અને અંગ્રેજોએ પણ માન્યું કે આ યુદ્ધ તેમનું અત્યારસુધીનું સહુથી મુશ્કેલભર્યું યુદ્ધ હતું. ૧૮૦૩માં આ યુદ્ધ સમાપ્ત થવાની સાથે જ અંગ્રેજોનો પશ્ચિમ ભારત પરની પકડ વધુ મજબૂત બની.

બીજી તરફ યશવંત રાવ હોલકર જાણીજોઈને આ યુદ્ધથી દૂર રહ્યા, બલકે લોર્ડ વેલેસ્લીએ પોતાની નોંધમાં લખ્યું છે કે આ સમય દરમ્યાન યશવંત રાવ હોલકરે બ્રિટીશરો સાથે પોતાની દોસ્તી મજબૂત બનાવી હતી અને શિંદે સામેના યુદ્ધમાં વિજય મેળવવામાં પણ તેમની મદદ કરી હતી. પરંતુ લસ્વારીના યુદ્ધ પછી યશવંત રાવ હોલકરને લાગવા લાગ્યું કે અંગ્રેજો સાથેની દોસ્તી તેમને તકલીફ આપી શકે એમ છે. ત્યારબાદ યશવંત રાવ હોલકરે નાગપુરના ભોંસલેને પોતાની સાથે જોડાવા સંદેશ મોકલ્યો. જોધપુરના રાજા, મછેદીના રાજા અને અંબાજી ઈંગ્લેને પણ તેમણે આ પ્રકારના સંદેશ મોકલ્યા. ત્યારબાદ યશવંત રાવ ખુદ અજમેર ગયા અને અહીંના દૌલત રાવ સિંધિયાને પોતાની સાથે જોડાઈ જવાની અપીલ કરી.

પરંતુ યશવંત રાવ હોલકરને એ ખબર ન હતી કે મછેદીના રાજાની અંગ્રેજ જનરલ ગેરાર્ડ લેક સાથે મજબૂત દોસ્તી છે અને આને કારણે અંગ્રેજોને યશવંત રાવ હોલકર પોતાની સાથે બેવડી રમત રમી હોવાની ગંધ આવી ગઈ હતી. ૧૯૦૪ના એપ્રિલ મહિનામાં લોર્ડ વેલેસ્લીએ હોલકર પર યુદ્ધ જાહેર કરી દીધું.

વેલેસ્લીએ કર્નલ મરેને ગુજરાતથી માળવા તરફ જવાનું કહ્યું. આ જ સમયે જનરલ ગેરાર્ડ લેક જયપુર તરફ આગળ વધ્યા. યશવંત રાવ હોલકરે જયપુરથી પીછેહઠ કરી, પરંતુ જનરલ લેકે તેમનો પીછો ન કર્યો કારણકે એ સમયે ઉત્તર ભારતમાં અતિશય ગરમ હવામાન હતું. તેઓ કાનપુર જતા રહ્યા. અહીંથી તેઓએ કર્નલ મેસનને જેઓ કર્નલ મરે હેઠળ બુંદી અને લખેરીના માર્ગોની રક્ષા કરતા હતા તેમને મોકલ્યા. મરે પણ માળવા તરફ કૂચ કરી ગયા.

અહીં મેસનથી એક મહત્ત્વની ભૂલ થઇ ગઈ. લખેરી ઉપરથી સુરક્ષિત પસાર થઇ જવાને બદલે તેઓ મુકુંદરાના માર્ગે ગયા અને અહીં બાપુ સિંધિયાના સૈનિકોએ તેમની સાથે જ કૂચ કરી. પરંતુ ખાદ્યપદાર્થો ઓછા થઇ જતા તેઓ હિંગળાજગઢ જતા રહ્યા.

યશવંત રાવ હોલકર આ સમયે મંદસૌરમાં હતા અને તેમણે પોતાના એંશી હજાર સૈનિકો સાથે મેસન પર હુમલો કર્યો આથી મેસનને ફરીથી મુકુંદરા તરફ પીછેહઠ કરવી પડી. તેણે પણ અસંખ્ય સૈનિકો ગુમાવ્યા. આથી તેણે ચંબલ નદી તરફ કૂચ કરી, અહીં તેના પર ફરીથી યશવંત રાવે સ્થાનિક ભીલોની મદદથી હુમલો કર્યો અને ફરીથી મેસનને મોટી સંખ્યામાં પોતાના સૈનિકો ગુમાવવા પડ્યા. હવે મેસન બનાસ નદી તરફ ભાગ્યો અહીં પણ તેના પર હોલકર દ્વારા હુમલો થયો.

મેસન આ સમયે દરરોજ મોટી સંખ્યામાં પોતાના સૈનિકો ગુમાવી રહ્યો હતો. ત્યાંજ તેને ખબર મળ્યા કે મરે ગુજરાત તરફ પાછા વળી રહ્યા છે કારણકે તે પણ હોલકર દ્વારા થનારા હુમલાથી ચેતી ગયા હતા. પરંતુ બાદમાં મરેને સમાચાર મળ્યા કે હાલપૂરતા યશવંત રાવ હોલકર ગુજરાત પર ચડાઈ કરવાના નથી એટલે તે ઉજ્જેન તરફ વળી ગયા. મેસન છેવટે થાકી હારીને આગ્રા પરત થયો અને તેણે યશવંત રાવ હોલકર વિરુદ્ધ યુદ્ધનો વિચાર પડતો મૂક્યો.

મેસન વિરુદ્ધ મળેલા વિજયથી યશવંત રાવ હોલકરનો ઉત્સાહ અનેકગણો વધી ગયો આથી તેમણે મથુરા પર હુમલો કર્યો અને આસાનીથી તેને જીતી લીધું. અહીં હોલકરને અતિશય જરૂરી એવા નાણા અને સમાન પ્રાપ્ત થયા. હવે યશવંત રાવે એક હિંમતભર્યા નિર્ણયમાં દિલ્હી પર હુમલો કર્યો અને મોગલ બાદશાહને પોતાના કબજામાં લેવાનો નિશ્ચય કર્યો. મોગલ બાદશાહે એક મહિના અગાઉ જ અંગ્રેજો પાસેથી પેન્શન સ્વીકારવાનું શરુ કર્યું હતું. ૮ ઓક્ટોબરે મરાઠાઓએ લાલ કિલ્લા પર હુમલો કર્યો અહીં મોગલો સાથે અંગ્રેજો પણ જોડાયા અને તેમણે એક અઠવાડિયા સુધી હોલકરના લાલ કિલ્લા પર કબજો જમાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા.

બીજી તરફ અંગ્રેજો પાસેથી દિલ્હી કબજે કરવું યશવંત રાવ હોલકર માટે વધુ ને વધુ મુશ્કેલ બનવા લાગ્યું કારણકે જનરલ લેક હવે કાનપુરથી દિલ્હી તરફ પોતાની સેનાને લઈને રવાના થઇ ચૂક્યા હતા. જનરલ લેક જેવા દિલ્હીની નજીક આવ્યા કે હોલકરે દિલ્હીથી પીછે કદમ કરતા પોતાની સેનાને યમુના પસાર કરીને બાગપત પાસે રોકી અને ત્યારબાદ તે દોઆબના વિસ્તારમાં ઘુસ્યા. યશવંત રાવની યોજના એ હતી કે તેઓ અહીંથી કાનપુર પર જ અચાનક હુમલો કરશે પરંતુ ફરુખાબાદ પાસે જ જનરલ લેકે તેમને રોકી લીધા અંતે હોલકરને ભરતપુરના રાજાના અભેદ્ય એવા દિગના કિલ્લામાં આશરો લેવો પડ્યો.

દિગ પહોંચવા સુધી લેકની સેનાએ યશવંત રાવ હોલકરની સેનાનો જબરદસ્ત પીછો કર્યો પરંતુ છેવટે હોલકર દિગ પહોંચ્યા જ્યાં ભરતપુરના જાટ રાજા રણજીતસિંહે તેમનું સ્વાગત કર્યું. દિગના કિલ્લા પર ચાર વખત વિવિધ સેનાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ તેનું પતન કરી શક્યું ન હતું અને આથી જ તેને અભેદ્ય કહેવામાં આવતો હતો. પરંતુ જનરલ લેકની સેના દિગ પહોંચી ગઈ. અહીં અંદરથી રણજીતસિંહની સેના અને બહારથી હોલકરની સેનાએ જનરલ લેકનો બહાદુરીથી સામનો કર્યો અને તેને ખાસ્સું નુકશાન પણ પહોંચાડ્યું, પરંતુ થોડા દિવસ બાદ રણજીતસિંહને અચાનકજએમ લાગ્યું કે તેની હાર નિશ્ચિત છે આથી તેણે જનરલ લેકને શાંતિ સંદેશ મોકલાવ્યો.

મોટું નુકશાન સહન કરી રહેલા જનરલ લેકને તો મોઢું ખોલતા પતાસું પડ્યા જેવો ઘાટ થયો તેમણે આ શાંતિ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. પરંતુ દૌલત રાવ સિંધિયા પણ જનરલ લેક વિરુદ્ધ લડવા માટે ઉજ્જૈનથી ભરતપુર આવવા નીકળી ગયા હતા જો રણજીતસિંહે થોડા દિવસ વધુ રાહ જોઈ હોત તો જનરલ લેક હારી ગયા હોત.

રણજીતસિંહ અંગ્રેજો સાથે ભળી ગયા હોવાના સમાચાર મળતા યશવંત રાવ ભરતપુર છોડીને ભાગ્યા અને સંભલગઢમાં તેઓ સિંધિયાને મળ્યા. આ બંનેએ અંગ્રેજો વિરુદ્ધ સાથે મળીને લડવાનો નિર્ણય કર્યો પરંતુ કદાચ તેઓ આ નિર્ણય લેવા માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષ મોડા હતા.

એક તરફ મેસન અને લેકની યુદ્ધમાં હાર અને બીજી તરફ યુરોપમાં નેપોલિયન સામે યુદ્ધ થવાથી લોર્ડ વેલેસ્લીને ઇંગ્લેન્ડ પરત બોલાવવામાં આવ્યા જ્યાં દસ વર્ષ બાદ તેમણે વોટરલૂમાં નેપોલિયનને હરાવ્યો. લોર્ડ કોર્નવોલીસને વેલેસ્લીની જગ્યાએ ભારતમાં ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા.

હવે અંગ્રેજોનું મૂળ કાર્ય હતું સિંધિયા અને હોલકર વચ્ચેની દોસ્તી તોડવાનું અને આ કરવામાં તેમને ખાસ મુશ્કેલી ન પડી. તેમણે દૌલત રાવ સિંધિયાને ગ્વાલિયર અને ગોહાદ પરત આપવાનું અને લસ્વારીના યુદ્ધ પહેલાની પરિસ્થિતિ ફરીથી અમલમાં મુકવાનું તેમજ ચંબલ સુધી સિંધિયાનું રાજ્ય અને દર વર્ષે ચાર લાખ રૂપિયા રોકડા સિંધિયાને આપવાની ઓફર કરી. સિંધિયા માની ગયો!

માત્ર બે જ મહિનામાં યશવંત રાવ હોલકરને આ બીજા ભારતીય રાજાએ દગો આપ્યો. આથી તેઓ સંભલપુર છોડીને જયપુર ગયા અહીંના રાજાને પોતાની સાથે જોડાવાનું કહ્યું, તેમણે ના પાડી આથી તેઓ પટિયાલા ગયા, અમૃતસર ગયા અને લાહોર પણ ગયા અને શીખ રાજા રણજીતસિંહને પણ આ જ પ્રકારે અપીલ કરી પરંતુ તેમણે ના પાડી. આજના હિમાચલ પ્રદેશના રાજાઓને પણ હોલકર મળ્યા પરંતુ નિષ્ફળ રહ્યા. છેવટે અફઘાનિસ્તાનના શાહને કરેલી વિનંતીમાં પણ તેમને નિરાશા જ સાંપડી.

આ તમામ રાજાઓ જનરલ લેકની ક્ષેત્રમાં હાજરી અને લેકના એજન્ટો દ્વારા તેમને સમજાવવામાં આવતા યશવંત રાવ હોલકરને ના પાડી રહ્યા હતા. છેવટે યશવંત રાવ હોલકરે નિરાશ થઈને અંગ્રેજો સાથે ૨૪ ડિસેમ્બર ૧૮૦૫માં રાજઘાટ સંધી પર હસ્તાક્ષર કર્યા જેમાં તેને હોલકર સામ્રાજ્ય પરત આપવામાં આવ્યું અને તેના રાજા તરીકેના અધિકારો પણ પરત આપવામાં આવ્યા.

તેમ છતાં યશવંત રાવ હોલકરને ઇતિહાસમાં એ હકીકતને લીધે યાદ રાખવામાં આવશે કે તેણે એકલેહાથે અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો હતો. તેણે પેશ્વા, નાગપુરના ભોસલે, સિંધિયા, જાટ રાજા, શીખો અને અફઘાનિસ્તાનના શાહ સહીત કુલ આઠ મહાશક્તિશાળી શાસકોની મદદથી ઇસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ એક જબરદસ્ત ગઠબંધન બનાવવાનો વિચાર ઉભો કર્યો હતો પરંતુ તેને કોઈનો પણ સાથ મળ્યો નહીં.

થોડા વર્ષો બાદ યશવંત રાવ હોલકરનું અવસાન થયું. ૧૮૧૮માં હોલકરો છેલ્લી વખત અંગ્રેજો સામે લડ્યા અને બહુ ખરાબ રીતે હારી ગયા. મંદસૌર સંધી અનુસાર હોલકરો હવે ત્રણ હજારથી વધુ સૈનિકોની સેના રાખી શકતા ન હતા. તેમનું રાજ્ય માત્ર ઇન્દોર સુધી જ સીમિત રહી ગયું હતું અને જોહન માલ્કમેં ઇન્દોરથી માત્ર વીસ માઈલ દૂર મઉમાં પોતાનું કેન્ટોન્મેન્ટ સ્થાપિત કર્યું જેથી તે હોલકર રાજા પર નજર રાખી શકે.

***