નાથિયાના ફોન આવતાંના એક કલાક પહેલા,
ડોક્ટર અંબાલીયાની ઓફિસમાં જીમી ,હેમાંગી
ડૉ. અંબાલીયા ની સામે બેઠા છે,
એની બાજુમાં ઇન્સ્પેક્ટર દીવાન હાથમાં પિસ્તોલ લઇને બેઠા છે ..
તેઓ પિસ્તોલને હેમાંગી અને જીમીની સામે વારાફરતી તાકી રહ્યા છે.
જીમીના શરીરના દરેક છિદ્રમાંથી પરસેવો છૂટી રહ્યો છે.
"સર મે કંઈ નથી કર્યું,
આ બધો પ્લાન હેમાંગીનો હતો....!"
જોરદાર ચીસ સાથે જીમી બોલ્યો..
હેમાંગીએ પહેલા જીમી સામે જોયું અને તરત પછી દીવાનની સામે...!
"સર મે જે કર્યું એ મારા હસબન્ડ ના સારા માટે કરેલું...!!"
હેમાંગીએ જીમીથી પણ મોટી ચીસ પાડીને કહ્યું.
"બંને પહેલાં ચીસો પાડવાનુ બંધ કરો અને બધું સાચું કહો પહેલેથી કે શું થયું હતું...?"
ઈન્સપેકટર દીવાને કહ્યું.
હેમાંગીએ વાત ચાલુ કરી,
"હું અને મારા હસબન્ડ બહુ જ ખુશ હતા અમારી મેરેજ લાઈફની.
વી આર જસ્ટ પરફેક્ટ ફોર ઈચ અધર..
બસ એક જ વાત એમની મને હંમેશા ખટકતી હતી જે હતી.,એમની સ્મોકિંગની ખરાબ આદત.
બહુ સમજાવ્યા છતાં પણ એ સમજ્યા જ નહિં..
કોઇપણ રીતે મારે તેમને આ વ્યસનથી મુક્તિ અપાવી હતી ,
અને એટલે મે મારા ફ્રેન્ડ સાથે આ વાત શેર કરી.
જીમીએ એક પ્લાન બનાવ્યો .
પ્લાનના અંતર્ગત અમે એક વીડિયો શૂટ કર્યો જેમાં અમે એવું એક્ટ કરેલું કે હું અને જીમી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ અને મારા હસબન્ડ રવીશથી છૂપાઈને મેં જીમી સાથે અફેર કર્યું છે..! "
"અફેરતો છૂપાઈને જ થાયને હેમાંગી બેટા....!!
"ડોક્ટર અંબાલીયાએ હેમાંગીની વાત કાપતાં ટીખળ કરી..
ઈન્સપેકટર દીવાનની ગુસ્સા ભરેલી નજર તેમની તરફ પડી..
"સોરી સર, કેરી ઓન ...!!"
અંબાલીયા એ વાતને વાળતા કહ્યું..
હેમાંગીએ વાત ચાલુ રાખી,
"એ વિડીયો મેં એક અજાણ્યા નંબરથી મારા હસબન્ડ રવીશને મોકલ્યો..
એનિવર્સરી ના દિવસે એમને બધું હું સાચું કહી દેવાની હતી.
વિડિઓ બનાવવાનો આશય ફક્ત એક જ હતો કે,
રવીશના મનમાં એક ડર પેદા થાય કે, જો તેઓ સિગરેટ નહિ મૂકે તો સાચે માં હું એમને છોડી દઈશ..
એના માટે આ બધો પ્લાન અમે બનાવેલો,
પણ પ્લાન આખો પૂર્ણ થાય એ પહેલા જ રવીશ મને મૂકીને ક્યાંક ગાયબ થઇ ગયા...!!"
આંસુઓની ધારે હેમાંગીએ પોતાનુ ક્લોઝિંગ સ્ટેટમેન્ટ આપ્યું.
"અને પેલી ડેડબોડી કોની હતી...?"
દીવાને પૂછ્યું...
"ડૉ.રવીશના જેવી જ લાગતી એક લાશ અમે રવીશની કારમાં મૂકી અને કાર સળગાવી દીધી, જેથી કોઇને ખ્યાલ જ ન આવે એ કારમાં કોણ હતું...!!"
જીમીએ ડરતા ડરતા કહ્યું.
"બેટા જીમી પોલીસને ગુમરાહ કરવા માટેની સજા તો તને ચોક્કસ મળશે ,
બસ એકવાર ડોક્ટર રવીશને મળી જવા દે ....!!"
ઈન્સપેકટર દીવાને ગુસ્સાથી કહ્યું.
અને એટલામાં જ નાથિયાનો નો કોલ આવ્યો,
"સાહેબ, તમ જલ્દી આવો ,
ઓય જબરો મોટો ડખો થ્યો છ.
પેલો ડૉ. રવીશ બધોનો મોટો બાવો બનીન બેઠો છ, પોતાન ઓય કોટાના મંદિરોનો મહાપંડિત ગણ છ..
મારૂ મોથુ ભમી જ્યુ છ સાહેબ,
તમ રાજસ્થાન જલ્દી આવો...!! "
નાથિયાએ ચિંતાતુર ભાવે કહ્યું..
"તું એને પકડી રાખી અને ત્યાં પહોંચીએ છીએ..!"
દીવાને ફક્ત આટલો જ આદેશ આપ્યો.
ઈન્સપેકટર દીવાન પણ નાથિયાની વાત સાંભળી મૂંઝવણમાં મૂકાયા..
"ડૉ.રવીશ મારો પણ સારો ફ્રેન્ડ છે,
પ્લીઝ મને જોડે આવવા દો.."
ડૉ.અંબાલીયાએ વિનંતી કરી..
"ઠીક છે, તમે આવી શકો છો. "
દીવાને વધારે ચર્ચામાં ના પડીને કહ્યું.
વાર્તામાં ભયજનક વળાંક આવ્યો હહતો, મામ ટુકડી કોટા જવા માટે નીકળી...!!
થોડાક કલાકો બાદ,
કોટા, રાજસ્થાન,
સાંજનો ૭ વાગ્યાનો સમય,
કોટામાં ટુકડીનું આગમન થયું.
"નાથિયા ક્યાં છે તું..??"
ઇન્સ્પેક્ટર દીવાને પૂછ્યું..
"સાહેબ અહીં હોસ્પિટલમાં છું ..
આ ડૉક્ટર રવીશ બાબાજીન દાખલ કર્યા છ મગજના બધ ડોક્ટર ઓય આયા છ.
ભારે ભારે બીમારીઓનો નોમ લી છ..
તમ બધા જલ્દી આવો હોસ્પિટલમો..!"
નાથિયો અકળાઈ ગયો હતો.
હોસ્પિટલ પહોચતાની સાથે જ હેમાંગી ખુશ થઈ ગઈ,
"રવીશ, આઈ એમ સોરી..
તમે ક્યાં ચાલ્યા ગયા હતા ?
અને કેમ આવો વેશ ધારણ કર્યો છે?
મારે કોઈ અફેર નથી કોઈની સાથે..
આ ફક્ત એક મજાક હતી..
રવીશ હું તમને બધું સમજાવું પછી,
પહેલા તમે ઘરે....!! "
હેમાંગીનુ વાક્ય પૂરું થાય એ પહેલાં રવીશે કૂદકો માર્યો અને હેમાંગીથી દૂર થઈ ગયો..
"બાલિકે મૂજસે દૂર રહે,
હમ પંડિતો કો ઈસ તરહ છૂના અપરાધ હે,
બ્રહ્મચર્ય ભ્રષ્ટ મત કર મેરા..
મે કોઈ રવીશ નહીં હું,
મે હું મહાપંડિત.....!!"
ડૉ. રવીશના વેશમાં જાણે કોઈક સાધુની આત્મા ઘુસી ગઈ હોય તેવું હેમાંગીને લાગ્યું..
" આ પાગલ તો નથી થઈ ગયો ને...?"
હેમાંગી બોલી.
દીવાન અને નાથિયો દિગ્મૂઢ બનીને જોઈ રહ્યા હતા.
સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર્સની ટીમ એક ટીમ બધાને એક અલાયદા રૂમમાં લઈ ગઈ.
ડૉ.અંબાલીયાએ એમના જોડે ડૉ.રવીશની મેન્ટલ કન્ડિશન સમજી અને પછી તેમણે સૌને સમજાવાનું સ્ટાર્ટ કર્યું,
"એક્ચ્યુલી સમજાવો થોડું અઘરું છે ,
પણ ડૉક્ટર રવીશને " ડિસોસિએટીવ ફ્યુગુ" (Dissociative fugue)
નામની એક વિચિત્ર બીમારી થઈ છે..
ઘણા માણસોના મન બહુ જ કોમળ હોય છે, લાગણીશીલ હોય છે ..
જેમકે ડૉ. રવીશ.
મોટો ઇમોશનલ ટ્રોમા એમનાથી સહન ના થઈ શકે.
અને જ્યારે ડૉ. રવીશે તેમની વાઈફના અફેરનો વિડીયો જોયો તો એમના મન પર એક ઉંડો ઘા પડ્યો, જેની સીધી અસર એમની મેમરી પર થઈ.
ડૉ.રવીશ આ આઘાત સામે લડી ન શક્યા એટલે એમણે એ પર્સનાલિટી જ બદલી દીધી ..
અને એક નવી જ પર્સનાલિટી, નવો જ રૂપ લઈને જૂની જીંદગીથી દૂર નવી જ કોઈક જગ્યાએ પહોંચી ગયા..
મહાપંડિત એમનું 'ફ્યુગુ' વર્ઝન છે.
અને તેઓ ભૂલી ચૂક્યા છે ડૉ.રવીશને."
ડૉ.અંબાલીયાએ બધાના હોશ ઉડાડી દીધા.
ડૉ.રવીશનું આ ટ્રાન્સફોર્મેશન બધાના માટે શોકિંગ હતુ.
"તો મને મારા રવીશ ક્યારેય પાછા નહીં મળે??"
ચિંતાતુર વદને હેમાંગીએ પૂછયું..
"ના, ના, બિલકુલ મળશે ને ..
અમુક મેડિસિન્સ અને પ્રોપર સાયકોથેરાપી તેમને ચોક્કસથી સારા કરી શકશે. "
ડૉ.અંબાલીયાએ વિશ્વાસ અપાવ્યો.
બીજા દિવસ સવારે ,
હોસ્પિટલમાં દોડાદોડ ચાલુ થઈ ગઈ.
ડોક્ટર રવીશ ઉર્ફે 'મહાપંડિત' ક્યાંક ભાગી ગયા હતા.
બહુ પ્રયાસો કર્યા પણ ક્યાંય તેમનો પત્તો ન મળ્યો થાકી-હારીને ટીમ દીવાન અમદાવાદ પાછી ફરી..
દીવાને ડૉ.રવીશને શોધવાનો પ્રયાસ ક્યાંય સુધી ચાલુ જ રાખ્યો ...!
વાતવાતમાં ઘણો સમય વીતી ગયો...!!
છ વર્ષ પછી,
૨૦ ડિસેમ્બર ૨૦૧૮,
સરખેજ પોલીસ સ્ટેશન.
"સાહેબ પેલા રવીશ બાવાની ફાઈલ જોવો છન.? "
નાથિયો બોલ્યો.
ઇન્સ્પેક્ટર દિવાન હસતા હસતા બોલ્યા,
"ગજબ નો કેસ હતો કેમ નાથિયા?
પણ સાલું રોજ દિલમાં એક વાત ખટકે છે આટલા બધા કેસ સોલ્વ કર્યા પણ મારી લાઇફનો આ એક કેસતો અધૂરો જ રહી ગયો..
ડૉ. રવીશ મને મળ્યો જ નહીં..
ખબર નહિ કઈ આઇડેન્ટિટી માં કઈ જગ્યાએ અત્યારે બેઠો હશે. "
દીવાન વિચારમાં પડ્યો.
તેજ દિવસે,
હેમાંગી પોતાના ઘરે રવીશને યાદ કરી રહી હતી.
તેને હજી પણ વિશ્વાસ હતો કે રવીશ ક્યારેક તો પાછો આવશે જ...
અચાનક ઘરની ડોરબેલ વાગી,
હેમાંગીએ દરવાજો ખોલ્યો,
આશ્ચર્ય, આનંદ, ખુશી અને આંસુઓનુ એક ચોરસ બન્યું..
સામે જૂની ધોતી અને ફાટેલો જભ્ભો પહેરીને રવીશ ઉભો હતો.
૬ વર્ષ બાદ થયેલુ અદ્ભૂત મિલન.
"રવીશ શું હાલ થઈ ગયો છે તમારો?
કેમ આટલા દૂર થઈ ગયા હતા તમે મારાથી?
જલ્દી અંદર આવો,..! "
હેમાંગી રવીશને અંદર લઈ જાય છે,
રવીશના આવવાના સમાચાર મળતાં જ ઈન્સપેકટર દીવાન અને ડૉ.અંબાલીયા રવીશના ઘરે પહોંચ્યા.
રવીશની પ્રેમથી તપાસ શરૂ કરવામાં આવી,
"હેલ્લો ડૉ.રવીશ,
હું ઈન્સપેકટર દીવાન.
તમારી ગૂમ થયાની ફરિયાદ તમારી વાઈફે કરેલી.
છેલ્લા છ વર્ષથી તમે ગાયબ છો..!
ક્યાં હતા તમે? "
"સર, કશું જ યાદ નથી.
મને ફક્ત એટલુ જ યાદ છે કે, મને જ્યારે હેમાંગીના અફેર વિષે ખબર પડી, તો મને સદમો લાગેલો.
એ આઘાત મારાથી સહન જ ના થયો,
છેલ્લે હું મારી એનિવર્સરીના એક દિવસ પહેલાં મારા ક્લિનિક પર ગયેલો અને એના પછી મને કઈ જ યાદ નથી.
એના પછી સીધો આજે સવારે ઉઠ્યો હોય એવું લાગ્યું..
બિહારની કોઈક ફેક્ટરીમાં હું પડ્યો હતો..
માંડ માંડ ત્યાંથી અહીં આવ્યો છું..! "
રવીશ આઈ ગયો પણ કેસ ગૂંચવાયો હતો.
ડૉ.અંબાલીયા અને હેમાંગીએ રવીશને શાંતિથી પેલા અફેરના વિડિઓનો રાઝ, કોટામાં મહાપંડિતના રૂપે થયેલી ટ્રેજેડી અને રવીશને થયેલી વિચિત્ર બિમારી ડિસોસિએટીવ ફ્યુગુ વિષે જાણકારી આપી..
રવીશ બગવાઈ ગયો હતો કે સાલુ આટલુ બધુ કેમનું તેની સાથે થયુ..!
સાયકોથેરાપીના સેશન્સ માટે રવીશને મનાવી લેવામાં આવ્યો..
હેમાંગીના અફેરનો ડાઉટ રવીશના મનમાંથી દૂર થઈ ગયો હતો,
સાયકોથેરાપીના સેશન્સ પછી રવીશનુ ફ્યુગુ કદાચ અદ્રશ્ય થવાની કગાર પર હતું..
બધા ખુશ હતા,
ઈન્સપેકટર દીવાનને બાદ કરતાં,
તેઓ એક જ વિચારમાં હતા કે, ૬ વર્ષ સુધી રવીશ બિહારમાં જે પણ પર્સનાલિટી સાથે રહ્યો,
જે પણ સંબંધો એણે બનાવ્યા હશે એ ક્યારેક તો એનો પીછો કરતા અમદાવાદમાં આવશે તો ખરાજ...!!
૨ દિવસ પછી,
૨૨ ડિસેમ્બર ૨૦૧૮,
પોલીસ સ્ટેશન,
ધરણઈ ગામ,
બિહાર..
સાહબ હમારા ઘરવાલા કહી લાપતા હો ગયા હે,
દૂઈ દિન પહેલે હમાર ગાવ કી પાસ કી ફેક્ટરી મેં ગયા,
ઉસકે બાદ વાપસ હી નહીં આયા...
કુછ કિજિયે સર....! "
સીતાદેવી એ પોલીસ ને ફરિયાદ નોંધાવતા કહ્યું..
"કોનો ફોટો હૈ તોહાર ઘરવાલેકા?
તો હમકો બતલાઓ.. "
હેડ કોન્સ્ટેબલ રાજા દૂબેએ સવાલ પૂછયો.
"હા, તસવીર હે ઉનકી,
ઈ દેખાયે..
હમરા બચુઆ કિ ખાતીર ઉનકો ઢૂંઢ દીજીયે. "
પોતાના ખોળામાં રાખેલા બચ્ચાને બતાવીને સીતાદેવીએ કહ્યું..
દૂબેએ ફોટો જોયો..
માસૂમ ચહેરો અને અગ્નિ છલકાવતી એ તગતગતી આંખો,
એ તસવીર ડૉ.રવીશની હતી.....!!
રવીશની એ ફ્યુગુ પર્સનાલિટી અત્યારે તો તેનાથી ઘણી દૂર બિહારમાં હતી,
પણ તેના પગલાં તેની અને હેમાંગીની લાઈફમાં પગપેસારો કરવા કદાચ ઉપડી ચૂક્યા હતા...!!
સંપૂર્ણ...!!!
ડૉ.હેરત ઉદાવત.