સંબંધ નામે અજવાળું - 11 Raam Mori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધ નામે અજવાળું - 11

સંબંધ નામે અજવાળું

(11)

કેમ કે એ અમૃતાની નહીં, કાયનાતની કવિતા છે !

રામ મોરી

અમૃતા પ્રીતમ. કવિયત્રી, વાર્તાકાર અને નવકથાકાર. આ નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ભારતની એ પહેલી લેખિકા હતી જેને સાહિત્ય અકાદમી અને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હોય.અમૃતા પ્રીતમ એક એવા સર્જક હતા જે ખરા અર્થમાં દંતકથા જેવું જીવન જીવી ચૂક્યા છે. 100 થી વધારે પુસ્તકો આપનાર આ સર્જકનું સર્જન અને અંગત જીવન અખબારનો મસાલો રહ્યું હતું. એ એવો સમય હતો જ્યારે સ્ત્રી પોતાના સ્વતંત્ર અવાજની કલ્પના પણ કરી શકતી નહોતી અને એવા સમયે એમણે વિચાર વર્તનથી ‘બોલ્ડ’ જીવી બતાવ્યું હતું. ભાગ્યે જ એવા સર્જકો હોય છે કે જેમનું લખાણ અને જીવન બંને એકસરખું હોય. અમૃતા જીવનપર્યંત જેવું જીવી ગયા એવું લખી ગયા અને જેવું લખી ગયા એવું જ જીવી ગયા.

1947. ભારતની છાતી પર આ વર્ષ એક કાપાની જેંમ ચીરાયું ને એમાંથી આજે પણ લોહી ઝરતું રહે છે. હિંદુસ્તાન અને પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા. કોમી હુલ્લડો થયા, લાખો લોકો કપાયા, રહેંસાયા, ખોવાયા અને સરકારી ચોપડે આંકડાઓ બની માળિયામાં ધકેલાઈ ગયા. અમૃતા લાહોર રહેતા હતા. લાહોર રેડિયા સ્ટેશનમાં કામ કરતા હતા. એ ગાળામાં તેઓ પોતાની કવિતાઓ અને નવલકથાથી ખાસ્સા એવા લોકપ્રિય થઈ ચૂક્યા હતા. દેશના ભાગલા થયા અને તેઓ દેહરાદૂન આવ્યા. 1948 માં તેઓ દેહરાદૂનથી દિલ્હી નોકરીની શોધ માટે આવ્યા. એ સમયગાળામાં 28 વર્ષના અમૃતા ગર્ભવતી હતા. દિલ્હીમાં આકાશવાણીમાં નોકરી પાક્કી કરી તેઓ દેહરાદૂન ટ્રેઈનમાં બેસીને જઈ રહ્યા હતા. રાતનો સમય હતો. ટ્રેઈનની બારી બહારનું અંધારું ભયાનક હતું. અમૃતાને ઉંઘ નહોતી આવતી. કાનમાં લાખો લોકોની ચીસો, રડારોળ અને મારો, કાપો, બચાવોની બૂમરાણ એમને જંપવા નહોતી દેતી. લાહોર છોડીને આવ્યા ત્યારે છોકરીઓને સ્ત્રીઓને હૈયાફાટ રડતા એણે જોયેલી એ રુદન એમની છાતીમાં ઘર કરી ગયું હતું. અમૃતા પોતાની આત્મકથા ‘રસીદી ટિકટ’માં આ વાત નોંધતા લખે છે કે...

‘’ ગાડી કે બહાર ઘોર અંઘેરા સમય કે ઈતિહાસ કે સમાન થા. હવા ઈસ તરહ સાંય સાંય કર રહી થી, જૈસે ઈતિહાસ કે પહલૂ મેં બૈઠકર રો રહી હો. બાહર ઉંચે ઉંચે પેડ દુ:ખો કી તરહ ઉગે હુએ થે. કઈ જગહ પેડ નહીં હોતે થે, કેવલ એક વીરાની હોતી થી, ઔર ઈસ વીરાની કે ટીલે એસે પ્રતીત હોતે થે, જૈસે ટીલે નહીં, કબ્રેં હોં. ‘’ અમૃતાના આ શબ્દો એ સમયની ભયાવહતાનો થોડો ઘણો પરિચય આપણને આપી દે છે. અમૃતા લખે છે કે એ સમયે એમને વારિસ શાહની લખેલી પંક્તિઓ યાદ આવી. વારિસ શાહ 17 મી સદીમાં થયેલા બહુ મોટા પંજાબી કવિ હતા. અમૃતાને વારિસ શાહની પંક્તિઓ યાદ આવે છે કે – ‘ભલા મોએ તે બિછડે કૌન મેલે....’ મતલબ કે જેઓ મૃત્યુ પામ્યા છે, જે વિખુટા પડી ગયા છે એમની સાથે મેળાપ કોણ કરાવશે ? વારિસ શાહનું પંજાબી કાવ્ય ‘હીર રાંઝા’ કાવ્ય એક લોકગીત જેટલું માનસમ્માન મેળવી ચૂક્યું છે. અમૃતા લખે છે કે ટ્રેઈનમાં બેઠા બેઠા જ્યારે એમણે કાળમુખા અંધકારને જોયો તો એમને વારિસ શાહને કહેવાનું મન થઈ ગયું કે ઓ ભલા માણસ મારા વારિસ શાહ, તે એક હીરને રડતી જોઈ અને એક આખું મોટું મહાકાવ્ય લખી નાખ્યું. આજે આવ અને અમારા દેશની લાખો કરોડો હીરને રડતી જો. તને કંઈક સુઝે તો તારી કબરમાંથી બહાર આવીને ફરી આ પીડાને વાચા આપ...તારા સિવાય આ હીરની પીડાને કોણ લખશે...અને પછી એ રાત્રે કંપતા હાથે અમૃતા પ્રીતમએ પંક્તિઓ લખી કે,

આજ અખાં વારિસ શાહ નું, કિત્તો કબરા વિચ્ચો બોલ,

તે આજ કિતાબ-એ-ઈશ્ક દા કોઈ અગલા વરકા ફોલ

ઈક રોઝ સી ધી પંજાબ દી, તુન લીખ લીખ મારે વાં

આજ લખ્ખા ધીઆં રોન્દિઆ, તેનું વારિસ શાહ નું કહેં

ઉઠ દર્દમાન્દન દિઆ દર્દીઆ, ઉઠ તક્ક અપના પંજાબ

આજ બેલે લાશાં બિછિઆં તે લહૂ દી બહરી ચિનાબ

+ + +

આજે, હું વારિસ શાહને કહુ છું, “તારી કબરમાંથી કંઈક બોલ”

અને આજે, પ્રેમની કિતાબમાં નવું લાગણીનું પાનું તો ખોલ

એકવાર, પંજાબની દીકરીની આંખમાંથી આંસુ સર્યું ને તે કરુણ ગાથા લખી

આજે, લાખો દીકરીઓ રુદન કરી કહે છે તને કે

એ જાગો! ઓ વ્યથાનું વર્ણન કરનારા જાગો!

ને જો તારા પંજાબને, આજે મેદાનો લાશોથી ઉભરાય છે,

ને ચિનાબ લોહીથી વહી રહી છે

( નોંધ -મૂળ કવિતા ઘણી મોટી છે અહીં અંશ લીધો છે.)

અમૃતાએ કાળના કયા ચોઘડિયે આ કવિતા લખી કે કાલાંતર પછી પણ આ રચના એમની ઓળખ થઈ ગઈ. થોડો સમય પછી આ કવિતા સામયિકમાં આવી. પાકિસ્તાન પણ પહોંચી. એ ગાળામાં ફૈઝ અહમદ ફૈઝનું પુસ્તક પ્રકાશિત થયું જેની પ્રસ્તાવનામાં અહમદ નદીમ કાસમીએ લખ્યું કે અમૃતાની ‘અજ્જ અખાં વારિસ શાહ નૂં...’ કવિતા એમણે વાંચી ત્યારે તેઓ જેલમાં હતા. બહાર આવીને એમણે જોયું કે લોકો આ કવિતાને ખીસ્સામાં રાખતા. વાંચતા અને એકબીજાને ભેટીને રડતા. પાકિસ્તાનના મુલતાન શહેરમાં દર વર્ષે ‘ જશ્ને વારિસ શાહ’ નું આયોજન થતું હતું. જેમાં લોકગીતો, લોકનૃત્યો અને લોકકલા તેમજ મુશાયરાનું આયોજન નિયમિત થતું. અમૃતા પ્રીતમની આ રચનાએ એટલી લોકપ્રિયતા હાંસલ કરી કે એ પછીના દરેક વર્ષોમાં મુલતાન શહેરના ‘જશ્ને વારિસ શાહ’નો પ્રારંભ અમૃતાની કવિતા ‘આજ અખાં વારિસ શાહ નૂં....’થી થતો. એંસી ફૂટ ઉંચા સ્ટેજ પર હીર રાંઝાનો સેટ લાગતો અને અમૃતાની કવિતા રજૂ થતી દર વર્ષે. લોકો આ કવિતા પોતાની દર્દની દાસ્તાન સમજતા. હિંદુસ્તાનમાં પણ આ કવિતા વખાણાઈ પણ સંપૂર્ણ સ્વીકારાઈ નહીં. અમૃતા પોતાની આત્મકથામાં નોંધે છે કે આ કવિતા પછી અમૃતાની રચના વિરુધ્ધ પંજાબની અનેક પત્રિકાઓમાં લેખો લખાયા. શીખોને આ વાતથી વાંકુ પડ્યું કે અમૃતાએ આ ગીત વારિસ શાહને સંબોધીને કેમ લખ્યું, એણે એ ગીત ગુરુ નાનકને સંબોધીને કેમ ન લખ્યું. કમ્યુનિસ્ટ પાર્ટીને એ વાતથી વાંધો હતો કે અમૃતાએ આ ગીત લેનિન અથવા સ્ટાલિનને સંબોધીને કેમ ન લખ્યું ? અરે હદ તો ત્યાં થઈ ગઈ કે અમૃતાની વિરુદ્ધ અને અમૃતાના આ ગીતની વિરુધ્ધ અનેક ગીતો લખાયા અને સામયિકોમાં પ્રગટ થયા. એક સર્જક માટે આવો સમય કેટલો કપરો હશે એની કલ્પના કરવી બહુ મુશ્કેલ છે. પીડાને હડસેલવા જે લખાયું એ જ પીડાના ખડકલા લઈ આવ્યું ! અમૃતા પોતે આ ઘટનાથી કેટલા દુ:ખી થયા હશે એ તો એ સમયે જેણે જોયું છે એને જ જાણ્યું હશે કેમકે એમની આત્મકથામાં અમૃતાએ ત્રણ ટપકાં કરી વાત ત્યાં પૂરી કરી દીધી છે. એ ત્રણ ટપકાં પાછળ ગંઠાયેલી ટીસની કલ્પના કરવી બહુ મુશ્કેલ છે. સર્જન કોઈ માપીને સમજીને વિચારી વેતરાતું કાપડ નથી કે જેને સમાજના વિચારોની સાઈઝ પ્રમાણે સીવી શકાય. એમ છતાં સમયાંતરે આ સર્જન પીડા આપણે ત્યાં દોહરાતી રહી છે. સમય મૂક પ્રેક્ષક બની બધું જોઈ રહે છે અને સર્જક હિજરાયા કરે છે. અમૃતા પ્રીતમ પોતાની આ રચનાના ઉમળકા અને કસક સાથે અમર થઈ ગયા.

ખેર, આજે તો ખુદ અમૃતા પ્રીતમ હયાત નથી. એમની આ રચનાનો વિરોધ કરનારા હયાત નથી. એમની આ રચનાને ભીની આંખે છાતીએ વળગાડનારા પણ નથી. જો કોઈ શાશ્વત છે તો છે કવિયત્રીનું સર્જન. કાળની બધી થપાટો ખાધા પછી પણ આ ગીત આજે પણ છાતી સોંસરવું ઉતરી જાય છે કેમકે એ અમૃતાની નહીં કાયનાતની કવિતા છે.

***