સંબંધ નામે અજવાળું - 12 Raam Mori દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધ નામે અજવાળું - 12

સંબંધ નામે અજવાળું

(12)

ક્ષીપ્રા : એક ધસમસતું મૌન !

રામ મોરી

ક્ષીપ્રા નદી. રામાયણ વાંચતી વખતે પહેલીવાર આ નદીનું નામ વાંચેલું. સાવ નાનપણમાં, કહો કે પ્રાથમિક શાળાના સમયે. એ પછી રામાનંદ સાગરની સિરિયલમાં આ નદી જોઈ. વાંચી ત્યારે અલગ જ કલ્પેલી અને સિરિયલમાં જોઈ ત્યારે પણ અલગ લાગી. એ પછી યાત્રા શોમાં જોઈ ત્યારે તો નખશીખ અલગ દેખાઈ. મારા માટે ઉજ્જૈન એટલે મહાકાલ ક્યારેય નહોતું પણ ઉજ્જૈન એટલે હંમેશા ક્ષીપ્રા જ હતી નાનપણથી. ક્યારેય એવું બન્યું નહોતું કે ક્ષીપ્રા જોઈ શકું એકદમ સામે અને સાચું કહું તો એવી કલ્પના પણ નહોતી કરી કે ક્ષીપ્રા પાસે જઈશ ક્યારેય ! એમ કહું તો ચાલે કે એ ફરવા જવાના કે જોવા જવાના મારા પ્રાયોરીટી લીસ્ટમાં હતી જ નહીં ક્યારેય. એમ છતાં એક ઉંડુ ગાઢ બંધન હતુ એની સાથે નાનપણથી કેમકે એને વાંચી હતી, એના વિશે વાંચ્યું હતું. આંખમાં આંસુ સાથે દશરથનું પિંડદાન કરતા રામલક્ષ્મણ અને સિતાને જોયા હતા ક્ષીપ્રાના ધસમસતા પાણીમાં,વાંચનમાં.

સાવ અચાનક નક્કી થઈ ગયું એને મળવાનું..કોઈ જ અગાઉના મોટા પ્રિપ્લાન વિના..આમ તો એવું મનાતું હોય છે કે ધાર્મિક સ્થળોમાં નદીઓને જોવા જવી હોય તો સાંજે જવું જોઈએ. હજારો લાખો દીપશીખાઓ વચ્ચે દિવ્યતા અને વિસ્મયતા સાથે આપોઆપ શ્રદ્ધાથી હાથ જોડાઈ જતા હોય છે. ઉજ્જૈનમાં હતો. આખો દિવસનું શુટીંગનું કામ અને લાંબી મુસાફરીનો થોડો થાક. ક્ષીપ્રા સુઘી પહોંચતા તો આરતી પુરી થઈ ગઈ હતી. આજુબાજુ બ્રાહ્મણો મોટા અવાજે શ્લોક ગાન કરી રહ્યા હતા. ક્ષીપ્રાદેવીની મૂર્તિ પાસે આરતી એટલી નજીક મુકેલી હતી કે તાંબાપિત્તળની એ મૂર્તિ પર લાલ ઝાંય ફરી વળી હતી એટલે પ્રમાણ સૌમ્ય કરતા દેવી રૌદ્ર વધારે લાગે. શુટીંગનું કામ પતાવીને હોટેલ પાછા આવ્યા પણ મારું મન તો ક્ષીપ્રાના ઘાટ પર આવેલા અનેક નાનામોટા મંદિર, ઘાટના ઓટલા અને ક્ષીપ્રાના પાણીમાં અટવાયેલું હતું. જલદી જલદી ફ્રેશ થઈને સાડા નવ આસપાસ એક શાલ ઓઢીને ક્ષીપ્રા કાંઠે જવા નીકળી પડ્યો. રસ્તામાં આવતા અનેક મંદિરો અને જુના મકાનો જોતો જોતો ભૂલભૂલામણીવાળા વળાંકો પસાર કરતો કરતો મક્કમ મને ચાલી નીકળ્યો. એક ક્ષણે મને રાજા વીર વિક્રમની યાદ આવી ગઈ. નાનપણથી દાદા પાસેથી અને બા પાસેથી વિક્રમ વેતાળની અને બત્રીસ પૂતળીની વાતો બહું રસપૂર્વક સાંભળેલી. થયું કે રાજા વિક્રમ આવી જ રીતે શાલ ઓઢીને નગરચર્યા કરવા નીકળતો હશે કદાચ.

ક્ષીપ્રા કાંઠે પહોંચ્યો ત્યારે લગભગ દસ વાગ્યા હતા. ઘાટના છેલ્લા પગથિયે જઈને બેઠો.આજુબાજુના મંદિરો, માઈક, બ્રાહ્મણો અને ઘંટારવ પોઢી ગયા હતા. ઉજ્જૈન આટલી જલદી સુઈ જતું હશે એ વાતે સહેજ નવાઈ લાગી. ક્ષીપ્રાને ધારી ધારીને જોઈ, નિરાંતે જોઈ. આ એ જ નદી છે કે જેમાં શ્રીરામે પોતાના પિતા દશરથનું પિંડદાન કર્યું હતું, આ એ જ નદી છે કે જેનું સર્જન શ્રીહરિ વિષ્ણુના રક્તમાંથી થયું,આ એ જ નદી છે કે જેમાં મહાદેવે સ્નાન કર્યું ત્યારે તેમની સતિ વિરહની વેદના શાંત થઈ. અનેક કથાઓ...અનેક દંતકથાઓ. પાપ, પુણ્ય, ધર્મ, અધર્મ, જન્મ, મૃત્યુ, પિડા, શોક, પશ્ચાતાપ,ઉદ્વેગ ને બીજું કંઈકેટલુંય પોતાની છાતીમાં ઠાંસી ઠાંસીને ભરીને પોતાની કરુણતાનો કોઈ નવો વિષાદ રાગ છેડતી નદી.હું માનું છું કે દરેક નદીનો પોતાનો એક મિજાજ હોય છે. એના કાંઠે બેસનારને, એના વહેણ પર હાથ પસવારનારને એ અનુભવાય જ. દરેક નદી પાસે એની પોતીકી કથા છે કે જેના પર સમયના પડ ચડી ગયા છે, દંતકથાઓનો ભાર છે.વિધિવિધાનોનો કદાચ ઘોંઘાટ છે અને ન જોઈતી મૂર્તિઓ, પૂજા સામાન અને કોડિયાઓનો ઢગલા મોઢે ફેંકાતો ત્રાસ છે. બાંધી દેવાઈ છે બિલકુલ. સહેજ પણ વધારે હરખાઈને મોટું વમળ ઉભુ નહીં કરવાની પાબંધી લગાવી દીધી જાણ્યેઅજાણ્યે સહુએ અને આખરે એ ચૂપ થઈ જાય છે. વધુ પડતો સંતાપ સંવાદિતા ગુમાવે છે હંમેશા. ક્ષીપ્રા સાથે પણ કદાચ એવું જ થયું છે. એકદમ ટૂંટિયુ વાળીને રિસાયેલી કોઈ કન્યા. બહું બધું કહેવુ છે પણ એનો મુંઝારો એના વહેણમાં, બંધિયાર વહેણમાં ડહોળાઈ ગયો છે. એક વિચાર એવો આવે કે કથાઓ તો અનેક છે પણ આ બધામાં ક્ષીપ્રા સાથે બીજા બધા લોકો જોડાયેલા છે પણ એકલી ક્ષીપ્રાની શું કથા હશે ?

ઘાટની સામે કાંઠે ગોમતી વિધવાશ્રમ હતો જ્યાં રહેતી વિધવા સ્ત્રીઓ કશુંક ગાતી હતી લાંબા ઢાળે. ચંદ્રનો ક્ષય હતો એટલે કદાચ એ લોકો સૂવાના નહીં હોય. ઘાટના આ કાંઠે બેઠા બેઠા એ અવાજને પકડી શકાતો નહોતો કદાચ એ અવાજમાંય લીલ બાઝેલી હશે કે કોઈ પકડી જ નહીં શકતા હોય એ અવાજો. હું બેઠો હતો એ ગંગામંદિરનો ઘાટ જ્યાં લોકો ચુંદડી મનોરથ કરવા આવે. સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા તંદુરસ્ત આયુષ્ય માટે લાલ ચુંદડી અને ચુડીઓ પાણીમાં પધરાવે. સવારે જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ ચુંદડીમનોરથ કરવા આવતી હશે ત્યારે ઘાટના સાંમા કાંઠે પેલા વિધવાશ્રમની વિધવાઓ બારીમાંથી આ સ્ત્રીઓના લાલગુલાબી સાડીઓ અને મંગળગીતો જોતી હશે ? મારી પાછળ સતી અને ગણેશનું કુખ મંદિર છે જ્યાં ગર્ભવતી સ્ત્રીઓ કુખપૂજા કરે. આ પૂજનમાં નારિયેળની કાચલીમાં ખીર, ઘી અને સાકર ભરીને નદીને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે. હું બેઠો બેઠો કૂતરાઓના ટોળાને જોતો હતો જે આ કાચલીઓમાં રહેલી ખીરને ચાટતા હતા મને થયું કે દૂર કાલી મંદિર પાછળ આવેલા સ્મશાનની શાંત થયેલી ચિતાઓની રાખને ખુંદીને, હાડકાઓને ચાટીને આવેલા કૂતરાઓ જ હશે આ કે જે હવે કૂખપૂજા આરોગી રહ્યા છે. ઘાટની ઉપર ચાંડાલોના તંબુ છે જે લોકો આજે પણ ઉજ્જૈનનું સ્મશાન સંભાળે છે અને અગ્નિદાહની સામગ્રીઓ પર એ લોકોનો પહેલો અધિકાર ગણાય છે અને એ તંબુઓને અડોઅડ બટુરભૈરવ મંદિર પાસે જ બાળકોની બાબરીના વાળ પથરાયેલા છે.એક સાથે કંઈ કેટલાય વિરોધાભાસને પોતાની સાડીના છેડે કોઈ ચાવીના ચાંદીના ઝૂડાની જેમ સાચવીને ધીર ગંભીર વહી રહી છે, અથવા કહો કે વહેવાનો સતત ડોળ કરી રહી છે ક્ષીપ્રા.

એનો ધીર ગંભીર પ્રવાહ એની ઓળખ માત્ર ન હોઈ શકે, પુરાણોના ઉલ્લેખને સાચવીને કથાદંતકથાના ટલ્લે ચડતું અસ્તિત્વ પણ ન જ હોઈ શકે એનું, કુંભ અને આરતીના અસંખ્ય અવાજો વચ્ચે પોતાનું રુદન છાતીમાં ઘુંટ્યા કરતી લોકમાતા પણ એનું અસ્તિત્વ ન જ હોઈ શકે. રાતનો એક વાગવા આવ્યો હતો કદાચ. નીરવ શાંતિ પથરાયેલી હતી ચારેકોર.રાત ઘેરાતી જતી હતી એમ એમ વિચારો ઘેરાતા જતા હતા અને ક્ષીપ્રા પણ જાણે કશું નહીં જ કહેવાના નિર્ધારમાં આંખો નમાવીને ઉંડા શ્વાસો લઈ રહી હતી. પાણીને હળવે હાથે સ્પર્શ કરી શાલનો છેડો ખેંચીને ઘાટના પગથિયા ચડતો ગયો અને વિષ્ણુમંદિરના ઢાળથી શહેર તરફ આગળ વધ્યો અને સ્ટ્રીટ લાઈટ પાસે જઈને પાછા વળીને ફરી ક્ષીપ્રા સામે જોયું તો એ એમ જ હતી કે જાણે કહીં રહી હતી કે હું એ છું જ નહીં જેને તે વાંચી, કલ્પી, જોઈ કે અનુભવી !

મને ઉંડે સુધી એનો એક સ્વર અનુભવાયો જાણે કપાળ પરની ચામડીનો એક પણ સળ ઉપસાવ્યા વિના, સામાવાળાને હચમચાવી દે એટલી દ્રઢતા સાથે કોરી આંખે, ગાલ પર ધસી આવતી વાળની લટોને ખસેડયા વિના, ઉંડો શ્વાસ લઈને એક ડગલું પાછળ હટીને એ કહી રહી હતી કે 'અહીં કોઈ આવ્યું જ નથી...અહીં કોઈ આવશે પણ નહીં અને મને કોઈની પ્રતિક્ષા પણ નથી !'

***