ગણેશજી વિષે કેટલીક અજાણી હકીકતો MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગણેશજી વિષે કેટલીક અજાણી હકીકતો

આ ગણેશ ચતુર્થીએ જાણીએ ગણેશજી વિષે કેટલીક અજાણી હકીકતો

ગણેશ ચતુર્થી તો દર વર્ષે આવે છે પરંતુ આજે આ ગણેશ ચતુર્થીએ આપણે ગણપતીજી વિષે જાણીએ કેટલીક આશ્ચર્યજનક અને અનોખી તેમજ અજાણી હકીકતો.

ગણેશજી એકદંત કેવી રીતે બન્યા

એક વાર ભગવાન પરશુરામ શંકર ભગવાનને મળવા કૈલાશ પર્વત ગયા, પરંતુ શંકરના પુત્ર ગણેશે તેમને રોક્યા અને જવા દીધા નહીં. આથી પરશુરામે એમની વિરુદ્ધ પણ યુદ્ધ આદરી દીધું. આ યુદ્ધમાં તેમણે પોતાની કુહાડી ગણેશ તરફ ફેંકી. આ કુહાડી પોતાના પિતાએ જ પરશુરામને આપી છે તે ગણેશને ખબર હતી આથી તેમણે આ કુહાડીને પોતાના ડાબા દાંત પર વાગવા દીધી અને એમનો એ દાંત તૂટી ગયો, ત્યારથી જ ગણેશજીને એકદંત પણ કહેવામાં આવે છે.

આવો ગણેશજીના પરિવારની ઓળખાણ કરીએ

ગણેશજીને રિદ્ધિ અને સિદ્ધિ નામની બે પત્નીઓ છે. રિદ્ધિનો મતલબ સમૃદ્ધિ અને સિદ્ધિનો મતલબ બુદ્ધિમતાનું પ્રતિક છે. આ બંનેએ બે પુત્રોને જન્મ આપ્યો હતો. રિદ્ધિના પુત્રનું નામ લાભ અને સિદ્ધિના પુત્રનું નામ શુભ છે. આ બંનેના નામ પોતેજ પોતાના અર્થ સમજાવે છે.

ગણેશે મહાભારત કેવી રીતે લખ્યું?

મહર્ષિ વેદવ્યાસ જ્યારે મહાભારત લખવા માંગતા હતા ત્યારે તેમણે ગણેશજીને લખવા માટે વિનંતી કરી. ગણેશજી રાજીખુશીથી તેમ કરવા માટે તૈયાર થયા પરંતુ વેદવ્યાસ સામે તેમણે એક શરત મૂકી. ગણેશજીએ વેદવ્યાસને કહ્યું કે તેઓ એક વાર મહાભારતની કથા બોલવાનું શરુ કરે ત્યારથી તેનો અંત ન આવે ત્યાંસુધી તેમણે અટકવાનું નથી. વેદવ્યાસ આ શરત સાથે સહમત થયા પરંતુ તેમણે સામે એક બીજી શરત મૂકી.

વેદવ્યાસની શરત એ હતી કે ગણેશજીએ પોતે જે કશું પણ બોલે એને બરોબર સમજીને જ લખે. ગણેશજી પણ વેદવ્યાસની શરત સાથે સહમત થયા. પછી શરુ થયું મહાભારતનું લેખન. એક સમયે એવું બન્યું કે વેદવ્યાસની બોલવાની ઝડપ સાથે ગણેશજી પોતાની લખવાની ઝડપનો મેળ સાધી શક્યા નહીં. આથી તેમણે વેદવ્યાસને કેટલાક સવાલ પૂછવાના શરુ કર્યા જેથી વેદવ્યાસ થોડો વિષયનો બદલાવ કરે. એવી માન્યતા છે કે ગણેશજી જ્યારે વેદવ્યાસની ઝડપ સાથે મેળ ન સાધી શક્યા તે સમયે તેઓ મહાભારતના કેટલાક ફકરાઓ ચૂકી ગયા હતા. તેમ છતાં મહાભારત એક લાખથી પણ વધુ ફકરા ધરાવે છે.

કાર્તિકેય ગણેશજીના મોટા ભાઈ છે

એક ખોટી માન્યતા અનુસાર ભગવાન કાર્તિકેય એ ગણેશજીના નાના ભાઈ છે. આ માન્યતા એ કથા પરથી ઉભરી છે જેમાં ગણપતીએ જ્યારે પોતાના માતાપિતા શંકર-પાર્વતીની પ્રદક્ષિણા ફરીને ભગવાન શિવના આશિર્વાદ મેળવ્યા હતા. પરંતુ આ માન્યતા ખોટી છે અને ગણેશજી એ કાર્તિકેયના નાના ભાઈ છે.

વિષ્ણુ ભગવાનની જાનમાં ગણેશજીને આમંત્રણ કેમ ન હતું

વિષ્ણુ ભગવાને જ્યારે લક્ષ્મીજી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે તેમણે દરેક દેવતાઓને તેમની જાનમાં જોડાઈ જવાનું આમંત્રણ આપ્યું. વિષ્ણુ-લક્ષ્મીના લગ્ન કુંદનપુરમાં ગોઠવવામાં આવ્યા હતા. દેવતાઓ જ્યારે આ જાનમાં જવા માટે તૈયાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં ગણેશજી આવી પહોંચ્યા. ગણેશજીનું રૂપ જોઇને દેવતાઓને લાગ્યું કે આપણા જેવા સુંદર દેખાવ વાળા પુરુષો સાથે ગણેશજી શોભા તો નહીં દે ઉલટું જાનનો દેખાવ બગાડશે.

આથી દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને પોતાની જાનમાં ગણેશજીને ન લઇ જવાનું દબાણ કર્યું. પહેલા તો વિષ્ણુ ભગવાન ન માન્યા પરંતુ બાદમાં તેઓ આ દબાણ સામે ઝૂકી ગયા. પરંતુ વિષ્ણુ ભગવાન એમ સીધેસીધું તો ગણેશજીને ના ન પાડી શકે? એટલે તેમણે ગણેશજીને એમ કહ્યુકે જ્યારે તમામ દેવતાઓ કુંદનપુર જઈ રહ્યા છે ત્યારે સ્વર્ગની રક્ષા માટે તેઓ અહીં જ રહે. ગણેશજી તરતજ આ વાત માની ગયા.

દેવતાઓના તેમજ વિષ્ણુ ભગવાનના રવાના થયા બાદ નારદજી ગણેશજી પાસે આવ્યા અને તેમને તમામ વાત વિષે અવગત કરાવ્યા. ત્યારબાદ નારદજીએ જ ગણેશજીને સલાહ આપી કે તેઓ પોતાનો મુષક જે દુનિયાના તમામ મુષકોનો રાજા છે તેને કહો કે તે પોતાની સેના લઈને કુંદનપુરના માર્ગ પર જાય અને ત્યાંના રસ્તાઓને નીચેથી જ નબળા કરી નાખે. ગણેશજી નારદજીનો આઈડિયા બરોબર સમજી ગયા અને તેમણે પોતાના મુષકને આદેશ આપ્યો.

ગણેશજીના મુષકોએ આદેશ અનુસાર કુંદનપુરના રસ્તાઓને નીચેથી નબળા કરી નાખ્યા. જેવો આ રસ્તા પરથી વિષ્ણુ ભગવાનનો રથ પસાર થયો કે તેમના રથનું પૈડું કાચી માટીમાં ફસાઈ ગયું. દેવો તો આ પૈડું હટાવવાના ન હતા એટલે એમણે નજીકના એક ખેડૂતને આ પૈડું કાઢવા માટે બોલાવ્યો. આ ખેડૂતોએ “જય ગણેશ” કહીને પૈડું જમીનમાંથી બહાર કાઢવાનું શરુ કર્યું.

વિષ્ણુજીએ ખેડૂતને ગણેશજીનું નામ લેવા પાછળનું કારણ પૂછ્યું. આથી ખેડૂતે જવાબ આપ્યો કે ગણપતી એ વિઘ્નહર્તા છે આથી કોઇપણ કાર્ય શરુ કરતા અગાઉ તે ગણેશજીનું નામ જરૂર લે છે. ખેડૂતની આ વાત સાંભળવાની સાથેજ દેવતાઓ પોતાના પર શરમ અનુભવવા લાગ્યા. આથી વિષ્ણુ ભગવાને ગણપતીને પોતાની જાનમાં જોડાઈ જવા માટે આમંત્રણ પણ આપ્યું.

શ્રીમાન અને શ્રીમતી દેડકા

એક રાજાના મહેલ પાછળ આવેલા એક સરોવરમાં એક દેડકા દંપતી રહેતું હતું. આ બંનેનું લગ્નજીવન અત્યંત ખુશ હતું. આમતો આ બંને આખો દિવસ પાણીમાં જ રહેતા હતા પરંતુ ઘણીવાર તેઓ કિનારે આવીને પણ બેસતા. જ્યારે ગરમી વધી જાય ત્યારે તેઓ ફરીથી પાણીમાં જતા રહેતા. હવે દેડકાની પત્નીને ગણપતીની ભક્તિ કરવી બહુ ગમતી. તે કાયમ ગણપતીનું નામ લેતી રહેતી હતી. આ જોઇને દેડકાને ખૂબ ઈર્ષા થતી.

એક દિવસ દેડકાએ તેની પત્નીને કહ્યું કે એક પત્નીએ હંમેશા પોતાના પતિનું નામ લેવું જોઈએ કોઈ અન્ય પુરુષનું નહીં. એક દિવસ રાજાની દાસી પાણી ભરવા આવી ત્યારે તેના ઘડામાં આ દેડકા દંપતી પૂરાઈ ગયું. દાસી આ પાણીને રસોડામાં લઇ ગઈ અને તેને ચૂલા પર ઉકાળવા મૂકી દીધું. દેડકાની પત્નીએ દેડકાનું નામ લેવાનું શરુ કર્યું. અતિશય ગરમી સહન કરી રહેલા દેડકાએ એની પત્નીને કહ્યું કે આજે તું શા માટે તારા ગણપતીનું નામ નથી લઇ રહી?

ત્યારે દેડકાની પત્નીએ તેને યાદ દેવડાવ્યું કે તેણે જ તેને કહ્યું હતું કે એક પત્નીએ હંમેશા પોતાના પતિનું જ નામ લેવું જોઈએ. ત્યારબાદ દેડકાએ તેની પત્નીને વિનંતી કરી કે તે ગણપતીનું જ નામ લે. દેડકાની પત્નીએ જેવું ગણપતીનું નામ લીધું કે તરતજ પેલું વાસણ આપોઆપ ચૂલા પરથી નીચે પડી ગયું અને દેડકો અને દેડકી બંને કુદતા કુદતા મહેલની બહાર નીકળી ગયા.

એક ઇસ્લામિક દેશની ચલણી નોટ પર ગણેશજીનો ફોટો

વચ્ચે સોશિયલ મિડીયામાં ઇન્ડોનેશિયાની ચલણી નોટ પર ગણપતીનો ફોટો હોવાના ફોટો વાયરલ થયા હતા. આ અંગે કેટલીક શંકા વ્યક્ત પણ કરવામાં આવી હતી. પરંતુ ઇન્ડોનેશિયામાં રામાયણ અને મહાભારત ભારત જેટલા જ લોકપ્રિય છે અને આથી ત્યાંની ચલણી નોટો પર ગણેશજીનો ફોટો હોય તો કોઈને નવાઈ લાગવી જોઈએ નહીં. છેવટે આ ગણપતીના ફોટો સાથેની ઇન્ડોનેશિયાની ચલણી નોટ સાચી હોવાનું પણ પુરવાર થયું હતું.

આમ તો ગણપતી સાથે જોડાયેલી અન્ય અસંખ્ય હકીકતો છે જેનાથી આપણે અજાણ છીએ, પરંતુ તેના વિષે આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશું.

***